તાજી આઝાદી મળ્યાના સમયનું અવિસ્મરણીય એવું એક કાઠીયાવાડી નામ: ઢેબરભાઇ

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

તાજીતાજી આઝાદી મળ્યાની સુગંધ સવારના ખીલેલા બગીચા જેવી હવામાં ફેલાયેલી હતી –“હેરી હેરી હલલલ હાલોવાલો, એરી એરી હાલોવાલો, વીરા જવાહરલાલ, હીરા જવાહરલાલ..ઝાઝેરું જોમજે ને ઝાઝેરું જીવજે, હીરા જવાહરલાલ જેવા, શાંતિલાલ શાહનાં શબ્દાળુ ગીતો ગલીએ ગલીમાં ગૂંજતા હતાં. બાપ બાળકને નિશાળે મૂકીને તરત પાછો વળી જાય એમ દેશને સ્વાતંત્ર્યના ઝાંપે છોડીને ગાંધીજી તો બહુ જલ્દી નજરથી દૂર થઈ ગયા, પણ બીજા બધા તો હજુ નજર સામે જ હતા. એમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ નેહરુ, વલ્લભભાઈ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદનાં નામો હતા, તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચમકતું નામ ઢેબરભાઈનું હતું. જેમના નામની પાછળ ઝાકઝમાળ(ગ્લેમર) નહિં, પણ પવિત્ર આભા (ઔરા) વરતાતી.

૨૧ સપ્ટેમ્બર, ૧૯૦૫ના જામનગર જિલ્લાના ગંગાજળીયા ગામે જન્મેલા ઉછરંગરાય નવલશંકર ઢેબરે ૧૯૭૭ના માર્ચની ૧૧ મીએ રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે  સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે ૧૯૪૮ના ફેબ્રુઆરીની પંદરમીએ ગાદી સંભાળી હતી –પણ એ ગાદીના માણસ નહોતા – ગાડીના પણ નહીં –સામાન્યમાં સામાન્ય એવા પ્રાથમિક શાળાના માસ્તર જેવા દેખાવમાં એ લાગતા હતા.

ઢેબરભાઈ

હું જેમની સાથે ગાઢ પરિચયમાં હતો એવા અને હવે તો સ્વર્ગસ્થ એવા મનુભાઈ રાવળે તો ઢેબરભાઈનું બૃહદ જીવનચિત્ર લખ્યું છે – જેનું નામ.“ઉ. ન. ઢેબર; એક જીવનકથા” (પ્રકાશક-સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાષ્ટ્રીય શાળા પ્રાંગણ, રાજકોટ 360002, જેમાં ૪૩૨ ઉપરાંત પૃષ્ઠ છે અને છતાં કિંમત માત્ર સો રૂપિયા છે) મનુભાઈ રાવળ ઘણાં વરસ એમના રહસ્યમંત્રી રહ્યા હતા. એટલું જ નહીં, ઢેબરભાઈએ બોંતેર વર્ષની જૈફ વયે દેહ છોડ્યો તે પહેલાંના જીવનના અંતિમ ત્રણ મહિના સખત માંદગીમાં એમને ઘેર ગાળ્યા હતા. એ વખતે મનુભાઈ નેશનલ રેયોન્સમાં મુખ્ય અધિકારી હતા અને મુંબઈના દરિયાકિનારાના વિસ્તારમાં કંપનીએ વિશાળ ફ્લેટ એમને આપ્યો હતો-ઢેબરભાઈના પુત્ર પ્રફુલ્લભાઈનો નિવાસ પણ વિલેપાર્લેમાં હતો, પણ ડૉ.ભણસાલીની સઘન ટ્રીટમેન્ટ એમને સતત મળતી રહે એ આશયથી આગ્રહ કરીને પ્રફુલ્લભાઈની સંમતિથી અને ઢેબરભાઈની પણ ઈચ્છાથી મનુભાઈ એમને એ ફ્લેટમાં લાવ્યા હતા અને સતત ત્રણ માસ એમણે અને ચંદાબહેને (હવે તો સ્વર્ગસ્થ) વહુ-દીકરા સમાન ચાકરી કરી હતી.

ઢેબરભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમને ઘેર ઘણા મહેમાનો આવતા. એ મુખ્યમંત્રી નહોતા ત્યારે પણ. એ કોઈને ત્યાં ચાર દહાડા સતત મહેમાનદાખલ રહ્યા હોય એવું ભાગ્યે જ બન્યું. પૃથ્વી પર ચાલતા હોય ત્યારે જાણે એમને ભાર આપવા ન માગતા હોય એવી ચાલે તેઓ ચાલતા – ખભા સહેજ ઝૂકેલા, પણ નાગર ગૃહસ્થને છાજે તેવી કટ મૂછો. સૌરાષ્ટ્રમાં એ દિવસોમાં એવી મૂછો ‘ઢેબરકટ’ મૂછો તરીકે ઓળખાતી. અસલમાં ઈજિપ્ત, ગ્રીસથી અફઘાનિસ્તાન થઈને પંદર પેઢી પહેલાં એમના વડવાઓ- અંબારામ ઢેબર  વગેરે સૌરાષ્ટ્રમાં ઊતરી આવ્યા. જીવનભર એ ખાદીને વફાદાર રહ્યા. પછી કોટ હોય કે ઝભ્ભો..’

એમના છ વર્ષના સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકેના શાસન દરમ્યાન લોકહિતના દૂરગામી અસર ધરાવતા અનેક અનેક કામો થયા. એમાં અતિ ક્રાંતિકારી સુધારો તે ‘ખેડે એની જમીન’નો કાયદો લાવ્યા તે. હા, ખેડૂત પેઢી દર પેઢીથી જેના પર પરસેવો પાડીને કાળી મજૂરી કરતો આવ્યો હોય એ જમીનની માલિકી તો  કોઈ વાણિયાવેપારીની કે ગિરાસદારની હોય. આ કાયદાને લીધે ‘ખેડે એની જમીન’થઇ ગઇ– વિઘોટી (વિઘા દીઠ મહેસૂલ)ના છ પટ ભરે એટલે ખેડુની જમીન કાયમી ધોરણે એના પોતાના નામે ચડે.

મુખ્યમંત્રી હતા ત્યારે પણ ઢેબરભાઇ સેનેટોરિયમ તરીકે ઓળખાતા, મિલપરાના છેડે આવેલા કમ્પાઉન્ડમાં  એક નળિયાંવાળા બેઠા ઘાટના એકઢાળિયામાં રહેતા. એ કમ્પાઉન્ડમાં જ આખા કેમ્પસનું કોમન કમ્પાઉન્ડ હતું. કોઈ નોકરિયાત ઑફિસે જઈને સાંજ પડ્યે ત્યારે કે રાતવરત ઘેર પાછો આવે ને ઘરમાં ઢબૂરાઈ જાય એમ એ એકઢાળિયામાં આવી જતા. જેઠાલાલ ડ્રાઈવર એમની ગાડી કમ્પાઉન્ડમાં યા જુદા કોઈ ગેરેજમાં મૂકવા લઈ જતા.

ઢેબરભાઈનો નિવાસ

આ સાદાઈ નર્યા દેખાવની નહોતી-કારણ કે હવે તો સાદાઈનો છળ પેદા કરવા માટે પ્રધાનો સાઈકલ પર ઓફિસ જતા હોય- યા એસ.ટી. બસમાં મુસાફરી કરતા હોય તો એના ફોટા પડે. છાપામાં આવે. એક વાર ચીમન પટેલ કે કોઈ મુખ્યમંત્રી લીંબડીની હાઈવે પરની કોઈ હોટેલમાં ગરમાગરમ ગાંઠિયા ખાવા ઊતર્યા તો એ સમાચાર દરેક છાપામાં માહિતી ખાતાની મોકલેલી નોંધની જેમ ચમક્યા- ઢેબરભાઈની એવી નોંધ કોઈ છાપામાં ચમકી નહીં.- કારણ કે એમની સાદાઈ પ્રસંગોપાત નહીં, રોજિંદી અને સહજ હતી.

કાર્યરત ઢેબરભાઈ અને અંગત સચિવ

મનુભાઈ રાવળે મને એક વાત કરી. દાનવીર દુર્લભજી વિરાણી એક વાર ઢેબરભાઈના મહેમાન બન્યા દિલ્હીમાં. જ્યારે તેઓ અખિલ ભારત કૉંગ્રેસ પ્રમુખ નહેરુના નિમંત્રણથી થયા હતા. પણ  દિલ્હીનો માહોલ એમના મિજાજને અનુકૂળ નહીં. દુર્લભજીભાઇ મહેમાન તો બન્યા, પણ એક રાતે ખાદી ભંડારમાંથી પશ્મીનાની સુંદર શાલ ખરીદી આવ્યા અને ઢેબરભાઈને ભેટ ધરી. ઢેબરભાઈએ હાથ ફેરવીને શાલની ફીલનો અનુભવ કર્યો. ખાદીની જ હતી એટલે જોતાં જ ના પાડવાનો સવાલ જ નહોતો. એટલે બીજી વસ્તુ પૂછી,‘આની કિંમત કેટલી ચૂકવી ?આવું ના પૂછાય, પણ ચોક્કસ હેતુથી પૂછું છું.’

‘બહુ નથી.’ દુર્લભભાઈ બોલ્યા: ’પાંચ હજાર જ. તોય આવી મુલાયમ શાલ સસ્તામાં મળી કહેવાય.’

ઢેબરભાઈ વિચારમાં પડી ગયા– બે ઘડી હાથમાં શાલને થોભી રાખી– પછી નિઃસાસો નાખ્યો : ‘અરે ભાઈ, તમારી ભાવનાની કદર કરું છું. પણ મારી એક વાત સમજો. સેંકડો ગરીબો રાત્રે ટૂંટિયા વાળીને થથરતા ઠૂંઠવાતા હોય ત્યારે મારાથી પાંચ હજારની શાલ વપરાય ?’ પછી નજરમાં નજર પરોવીને પૂછ્યું : ‘તમને કેમ લાગે છે ?’

દુર્લભજી વિરાણી પણ અલગ ધાતુના-મેટલના-બનેલા, નારાજ થવું તો એક તરફ –પણ બીજા દહાડે ખાદીભંડારમાં શાલ પાછી આપી આવ્યા. પાંચ હજારના ગરમ ઢગલાબંધ ધાબળા લઈ આવ્યા. રાતે ઘેર આવીને કહે : ‘ઢેબરભાઈ, ચાલો મારી સાથે, આ ધાબળા તમે કહો છો તેવા ગરીબોને ઓઢાડી આવીએ..’

ઢેબરભાઈ ઊભા થયા. એમને હાથે કેટલાય ઠૂંઠવાતાને ધાબળા ઓઢાડવામાં આવ્યા.

એ રાતે એમને વધુ શાંતિની નિંદર આવી હશે-એ ફીલ, પેલી પશ્મીનાની શાલની કુમાશ કરતાં વધારે મુલાયમ હતી.

‘સત્તાને હાથમાં રાખવી સારી, માથામાં ભરવી નહીં.’ એમ સત્તાસ્થાને જવા માટે વિદાય લઈ રહેલા મનુભાઈ રાવળને એમણે આપેલી નસિહત(શીખ) આજે મોટા અક્ષરે ચિતરાવીને દરેક ઓફિસના અધિક્ષકની નજર સામે સતત રહે તેમ મુકાવી જોઈએ.

ઢેબરભાઈનું પોર્ટ્રેટ ચીતરતા  રાજકોટના કલાકાર રમેશ ઠાકર

ત્રણ મહિના મનુભાઈને ત્યાં મુંબઇમાં માંદગીમાં ગુજાર્યા પછી એક દિવસ એમની તબિયત વધારે બગડી. હલનચલન ઓછું. વાચા હરાઈ ગયેલી. સંકેતોથી ઈચ્છા વ્યક્ત કરી ‘મને રાજકોટ લઇ જાઓ’.  બુધવારે રાજકોટની ફ્લાઈટ લીધી. વિમાન ઉતરાણવેળા નીચી સપાટીએ આવ્યું અને રાજકોટની ધરતી દેખાઈ. જાણે કે સ્વજનનો ચહેરો કરીબ આવ્યો. પ્રફુલ્લભાઈ બોલ્યા : “બાપુજી, રાજકોટ આવી ગયું.” સાંભળીને અર્ધભાનવસ્થામાં પણ એમના ચહેરા પર સ્મિતરેખા ફરકી અને બીજી જ પળે એકદમ બેભાન થઈ ગયા. રાજકોટની ધરતી પર વિમાનના લેન્ડિંગ સાથે જ એમના આત્માએ ઉર્ધ્વ ગતિ કરી.

મનુભાઈ રાવળ અમેરિકાના ડેન્વરમાં રહેતા હતા. પણ પાંચેક વર્ષ પહેલા એ જૈફ વયે અવસાન પામ્યા.

મનુભાઈ રાવળ

નોંધ: તેમના આ ઉપરાંત બહુ રસ પડે તેવાં પુસ્તકો:

‘યુ.એન.ઢેબર: એક લોકજ્ઞ રાજપુરુષ’ (કિંમત ૮૦ રૂપિયા, નવભારત સાહિત્ય મંદિર, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-400 002 ફોન-+91 22-22017213 અથવા ગાંધી રોડ.અમદાવાદ-380 001 ફોન-+91 79 22139253

ડ્યુઅલ બાયોગ્રાફિ ઓફ ભક્તિલક્ષ્મી ગોપાલદાસ દેસાઇ એન્ડ મણિબહેન પટેલ (નવજીવન પ્રકાશન, આશ્રમ રોડ.અમદાવાદ-380 014- ફોન +91 79-275406350 અથવા 27542634)


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

12 thoughts on “તાજી આઝાદી મળ્યાના સમયનું અવિસ્મરણીય એવું એક કાઠીયાવાડી નામ: ઢેબરભાઇ

 1. Really so happy to read about Dadaji ..and just a month before I received this article from one of my friend.being a Grand Daughter in Law of U N Dhebar..proud of him .👍

  1. Very much glad to know your relationship with Dhebarnhai
   May I know more about your extended and expanded family tree?
   I am 84 and a full time writer.Living in Ahmedabad..If you don’t have any reluctance, kindly send me your contacts on my Whatsapp 95580 62711
   Thanks with blessings,
   Rajnikumar Pandya

 2. ઢેબરભાઈ વિશે હું રાજકોટ ના ઢેબર રોડ થી વિશેષ કશું જાણતો ન હતો.ઋષિ તુલ્ય માણસ કહી શકાયુ આટલું અમથું જરીક વાંચ્યા પછી પણ.હવે તેના વિશેની બુક મંગાવીશ.આભાર રજની દાદા

 3. Very well description on Gandhian Dhebar bhai,always thought of down trodden,values in life.
  Former c.m.keshubhai halted for Ganthiya in Limdi,that appeared in information dept.yadi portraying him aam adami.

 4. સાદગીની સુગંધથી મઘમઘતું વ્યક્તિત્વ એવા ઉછરંગરાય ઢેબર વિશે જાણીને ખુશી થઈ. આભાર પંડ્યા સાહેબ.

 5. હેલો રજનીભાઈ,
  ઢેબરભાઈ અને તેમની કાર્યદક્ષતા વિશે નાનપણમાં જ્યારે જેતપુર આવતા ત્યારે ઘણી વાતો સાંભળી હોવાનું સ્મરણ છે. કદાચ જેતપુર સાથે કનેકટ થાય તેવી વાતો પણ હતી..
  માહિતી સભર લેખ. 👌✌️👍🙋‍♂️🙏

 6. When he was selected as the President of INC there was a feeling that Nehru wants a weak President. I very well remember Dhebarbhai saying that we, Indians are lacking in National Character.

 7. આવા સાચા ગાંધી જન વિષે અત્યાર સુધી માહિતી ન્હોતી જે આપે આપી તે બદલ આભાર રજનીકુમાર ભાઈ અને સ્વ :ઢેબર ભાઈ ને વંદન

 8. ગુજરાત ની રચના પછી ની ઐતિહાસિક વિગતો તસવીરો સાથે વાંચવી ગમી.

 9. ઉત્તમ તર્પણ.ઢેબરભાઈ કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે ઇંદિરા નહેરુ યુવા કોંગ્રેસના પ્રમુખ હતાં.એ સમયની નેતાગીરીની રેન્જ એટલી વિશાળ હતી.

Leave a Reply

Your email address will not be published.