નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૨૯

મારું સુખ મારી કાર્યક્ષમતા ને મારા સંબંધોમાં છે; ઘરેણાં કે ઘરના આડંબરમાં નહીં

નલિન શાહ

        સાગર એના વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ પામી રહ્યો હતો. ચિત્રકલા અને સ્થાપત્યકલાની ઊંડી સૂઝબૂઝના કારણે અન્ય આર્કિટેક્ટ કરતાં એ જુદો તરી આવતો હતો. એ જ કારણે કલાત્મક ઇમારતના ચાહકોની પસંદગી એના પર પહેલી ઊતરતી હતી.

પ્રદર્શનની સફળતાએ રાજુલનો ઉત્સાહ વધારી દીધો હતો. ઇટાલિયન, ઇંગ્લિશ અને ડચ ચિત્રકારોથી એ ખૂબ પ્રભાવિત થઈ હતી. પુસ્તકોમાં એ ચિત્રો પ્રાપ્ત હતાં છતાં વડોદરાના મ્યુઝિયમની આર્ટ ગેલેરીમાં જઈ અઢાર ને ઓગણીસની સદીના ચિત્રોનું તેણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું.  એણે કદી કોઈની નકલ નહોતી કરી. એ પોતાની શૈલીને જ અનુસરતી હતી. પોટ્રેટ પેન્ટિંગમાં ફોટોગ્રાફીની ગરજ સારે એવું આબેહૂબ વાસ્તવિક વર્ણન નહોતી કરતી. સાંકેતિક રેખાઓથી ચહેરાના ભાવો ઉપજાવી શકતી હતી. અમી, દયા, નિર્દોષતા વગેરેના ભાવોથી આંખોને વધુ વાચાળ બનાવી શકતી હતી. હોઠોના આકારથી એ દૃઢતા, કઠોરતા ને વાત્સલ્યના ભાવો અભિવ્યકત કરતી હતી. એણે બહારના દેશોના ચિત્રકારોની કૃતિઓનો સારો એવો અભ્યાસ કર્યો હતો. એ જાણતી હતી કે ૧૮૭૪માં મોનેટ, રેનોર ને સીઝાં જેવાનાં સાંકેતિક રેખાઓથી દોરેલાં ચિત્રોનું પહેલું પ્રદર્શન થયું હતું ત્યારે કોઈ વિવેચકે કટાક્ષમાં એમને “એક્સ્પ્રેનિસ્ટ’ કહી વખોડ્યા હતા. જ્યારે એણે ઓગણીસમી સદીના રાજા રવિ વર્માના પોટ્રેટ પેન્ટિંગો જોયાં ત્યારે ફોટોગ્રાફીની ગરજ સારે એવાં લાગ્યાં. રાજુલે આ બે અલગ અલગ શૈલીઓની વચ્ચેનો રસ્તો અપનાવ્યો. “સ્વપ્ન” ઇમારતનું ચિત્ર એનું સચોટ ઉદાહરણ હતું. એ કેવળ ઇમારત જ નહીં, પણ એના માલિકનાં શોખ અને નમ્રતાનો અણસાર પણ આપતું હતું.

એક દિવસ સાગરે મમ્મીને એ ચિત્ર એકાગ્રતાથી નિહાળતાં જોઈ પૂછ્યું ‘તું વારેવારે એ ચિત્રમાં શું જોયા કરે છે?’

‘હું એ વિચારું છું કે તું એવો કાબેલ ક્યારે થઈશ જ્યારે રાજુલના આ સ્વપ્નને સાકાર કરી શકીશ!’

‘પણ “સ્વપ્ન” તો ચિત્રનું શીર્ષક છે.’

‘કેમ, એ શીર્ષક એની આકાંક્ષામાંથી ના પરિણામ્યું હોય એની શી ખાતરી?’

‘એવું એણે કદી કહ્યું નથી!’

‘એ જો કહે તો એ માગ્યા બરાબર થાય, અને માગવાનું તો એના સ્વભાવની વિરુદ્ધ છે. અચરજની વાત તો એ છે કે તું એને જાણે છે છતાં સમજી શકતો નથી.’

સાગર વિસ્મયથી માની વાત સાંભળી રહ્યો. થોડી વાર વિચારીને સુનિતા બોલી. ‘આપણી મુંબઈમાં ને ગુજરાતમાં જે પ્રોપર્ટી છે એની કિંમત વરસે વરસે વધતી રહી છે. હવે એમ થાય છે કે ઘડો છલકાઈ રહ્યો છે; થોડો ખાલી થાય તો પણ વંશજો માટે ખૂટે તેમ નથી. આપણને તો જીવવાના શોખો પૂરા કરવા પેઢીની આવક જ પૂરતી છે. હું તારી વ્યવસાયની આવક તો વિચારતી જ નથી. તો પછી આપણે રાજુલને આ એક ભેટ ન આપી શકીએ જેના પર કેવળ એનો જ અધિકાર હોય!’

સાગર વિચારમાં પડી ગયો.

‘આપણી પાસે બે જ વિકલ્પો છે.’ સુનિતા બોલી, ‘આ બંગલાનું પુનઃ નિર્માણ અથવા જુહુ પરના ખંડિયેર જેવી હાલતમાં પડેલા બંગલાનું પુન:નિર્માણ. અહીં નેપિયન સી રોડ પર તો હવે બંગલા અદૃશ્ય થતા જાય છે. એક દિવસ આ વિસ્તાર કોક્રિંટ જંગલ બની જશે. એવાં વાતાવરણમાં આવી કલાત્મક ઇમારત ખૂંખાર પ્રાણીઓનાં ટોળામાં ઘેરાયેલા મોર જેવી દેખાય. જુહુનો બંગલો વિશાળ છે. આજુબાજુ વૃક્ષોનું ઝુંડ છે. પાછળ દરિયો છે. ત્યાં એ શોભી ઊઠે. અને રહેનારને શાંતિનો ભાસ પણ કરાવે બોલ, આર્કિટેક્ટ તરીકે તું શક્તિમાન છે રાજુલનાં ‘સ્વપ્ન’ને આકાર આપવા?’

‘તારે મારી પરિક્ષા કરવી હોય તો તું હુકમ આપે એટલી જ વાર છે.’

‘તો તું જઈને એ જર્જરિત બંગલાની જગ્યાએ આ ઊભું કર. રાજુલ આડંબરમાં નથી રાચતી. એટલે એણે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ઇમારતને વેલથી છવાયેલી લાંબી પથ્થરની ભીંતથી એને ઢાંકી છે. આ બધું કામ એની જાણ બહાર થવું જોઈએ. એ જાણશે તો હેબતાઈ જશે. વિરોધ પણ કરે.’

‘મમ્મી, અમારે યુરોપની સફર કરવી છે. રાજુલ માટે એ એક સપનું છે. એની કલાને અંગ્રેજી સાહિત્યના શોખને પોષવા એ સફરનું મહત્ત્વ ઘણું છે. પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં મોનાલિઝાનું અસલી પેઈન્ટિંગ જોવા એ તડપી રહી છે. સાથે સાથે અમેરિકાની ટુર પણ થઈ જશે. એ પહેલાં બાંધકામને લગતું પ્લાનિંગ પેપર પર તૈયાર કરી નાખીશ. મારો આસિસ્ટન્ટ જગ્યા સાફ કરાવી પાયા નાખવાનું કામ કરી નાખશે. એને જગ્યા પર લઈ જઈ જરૂરી સૂચનાઓ આપી દઈશ. પાછાં આવ્યા પછી બાંધકામનું કામ હું સંભાળી લઈશ. કોઈને ખ્યાલ પણ નહીં આવે કે શું થઈ રહ્યું છે. ચારે તરફથી પતરાંઓથી બાંધકામ ઢંકાયેલું રહેશે. રહી એ રાજુલના નામ પર કરવાની વાત, તો એ બધું આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંભાળી લેશે. તું ફક્ત અંદરના ને પાછળના ભાગનો ચિતાર એની પાસે મેળવી લે.

સાસુનું કુતૂહલ શમાવવા રાજુલે ઇમારતને અંદર ને બહારની ભવ્યતાનો ચિતાર પેન્સિલ ડ્રોઈંગથી કરી બતાવ્યો. અંદરના ભાગમાં પશ્ચાત્ય અને ભારતીય સંસ્કૃતિના મિશ્રણથી સજાવટનો પણ આછો ખ્યાલ આપ્યો. ‘સજાવટ તો આખરે તારે જ કરવાની છે’ સુનિતાએ વિચાર્યું ને પૂછ્યું ‘રાજુલ, તેં એ ના કહ્યું કે તને આવા ઘરમાં રહેવું ગમે ખરું?’

રાજુલ શરમાઈ ગઈ. ‘મમ્મી, આ તો એક કલ્પના મળી છે. તમે એને તુક્કો પણ કહી શકો છો. રહી મારી પસંદગીની વાત. તો મારે મન નદીકિનારે ઝૂંપડું ને પહાડ પર મહેલ એક જ વસ્તુ છે. મારું સુખ મારી કાર્યક્ષમતા ને મારા સંબંધોમાં છે; ઘરેણાં કે ઘરના આડંબરમાં નહીં.’

‘છતાં તે સપનું તો જોયું છે!’

‘જોયું નથી, દોર્યું છે. એને કલ્પનાની ઊડાન કહી શકો છો; સાકાર થવાની અપેક્ષાથી જોયેલું સપનું નહીં.’

યુરોપના પ્રવાસ પહેલાં રાજુલ બે દિવસ કરણને લઈ બા-બાપુ પાસે ગામ ગઈ હતી. શશી પણ બાળકો સાથે આવી હતી. રાજુલને સંતોષ હતો કે આધુનિક ઢબે બંધાયેલાં બંને ઘરો વિશાળ અને વધુ સગવડવાળાં થયાં. વીજળી ને ટેલીફોન પણ હવે આવી ગયાં હતાં. એરકંડિશનર જેવી વિલાસની વસ્તુનો શશીએ જોરદાર વિરોધ કર્યો હતો એટલે રાજુલે બહુ દબાણ નહોતું કર્યું. પણ બંને ઘરો માટે રસોડાને લગતી અને ગામોમાં પ્રચલિત ના થયેલી વસ્તુઓ જેવી કે મીક્સર-ગ્રાઈન્ડર, કુકર વગેરે અને શશીના બાળકો માટે રમકડાં ને શિક્ષણને લગતી ચીજો લઈ ગઈ. બાપુનો હિંચકો યથાવત્ હતો અને ધનલક્ષ્મીના લગ્ન ટાણે પડેલી એ બંને બેનોની તસવીર પણ હતી ત્યાં જ દીવાલ પર લટકતી હતી. ‘આ હજી અહીં જ રાખી છે?’ રાજુલે સાહજિકપણે પૂછ્યું.

‘એ તો હોય જ ને…’ રતિલાલે કહ્યું, ‘ગમે તેવી હોય પણ દીકરી થોડી મટી જાય!’

વાતને લંબાવી મા-બાપના દિલને દુખાવવું યોગ્ય ન હોવાથી એણે કોઈ પ્રત્યાઘાત ન આપ્યો, પણ શશીએ પણ જ્યારે આ વાતમાં બા-બાપુને સાથ આપ્યો ત્યારે ‘તું તો છે જ એવી; મહાત્માનો અવતાર.’ કહી રાજુલે કટાક્ષ કર્યો, ‘એક ગાલ પર પડે તો બીજો સામે ધરે.’

‘કેમ…’ શશી દાસીને બોલી, ‘હું તને લગાઉં તો તું બીજો સામે ના ધરે?’

‘એની સાથે તારી સરખામણી કરી તને એટલી તો નીચે ના પાડ.’ રાજુલે ગુસ્સામાં ક્હ્યું.

‘ખોટું શું છે; લોહીની સગાઈ તો રહેવાની જ ને!’ ને રાજુલ વધુ ગુસ્સે થાય એ પહેલાં જ શશીએ એને પાછળથી ભીંસ લઈ દબાવી, ‘મારી ઢીંગલી હવે કેટલી મોટી થઈ ગઈ ને પાછી વિખ્યાત પણ અને હવે અમેરિકા જશે. આખું ગામ અચરજમાં પડી જશે.’

‘ગમે ત્યાં જઉં, આવીશ તો પાછી અહીં જ ને!’ રાજુલનો ગુસ્સો પીગળી ગયો.

‘એ તો આવીશ જ ને; મારા ડરથી! વાઘણ છું ને!’

‘એમાં કાંઈ શંકા છે?’ રાજુલે ગંભીરતાથી કહ્યું ને બધાં હસી પડ્યાં.

રાત્રે વાળુ પતાવી રાજુલે બાપુને બાજુ પર લઈ જઈ સૂચન કર્યું કે એમના પછી પાલણનું ઘર કેવળ શશીની મિલકત લેખાય. સાંભળીને રતિલાલે સંતોષની લાગણી અનુભવી. બીજી દીકરીઓ માટે એ ઘરની મિલકત લેખે કોઈ ગણતરી ના હોવાથી એમણે રાજુલના સૂચનને સહર્ષ સ્વીકાર્યું ને વહાલથી રાજુલને માથે હાથ મૂકી એના સૂચનને તાત્કાલિક અમલમાં મૂકવા જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી.

બીજે દિવસે વહેલી સવારે શશીને રાજુલ નદી કિનારે આટો મારવા ગયાં ને ગામનાં જૂનાં સંસ્મરણો સંભારતાં નદીને કાંઠે કેટલીયે વાર બેસી રહ્યાં. શશીએ જણાવ્યું કે રાજુલનાં લગ્નના ભપકાએ અને ત્યારબાદ ઘરના મોટા પાયે થયેલાં નવાં બાંધકામ ગામમાં બાપુની શાખ વધારી દીધી હતી. બંને દીકરીઓનાં દબાણના કારણે એ શાંતિમય નિવૃત્ત જીવન ગાળતા હતા. એમના જૂના શેઠ પણ ક્યારેક ક્યારેક પૃચ્છા કરી જતા હતા. આ વિસ્મયજનક સ્થિતિ એમને માટે પ્રભુના વરદાનરૂપ હતી. બંને દીકરીઓએ એમને કદી દીકરાની ખોટ સાલવા નહોતી દીધી. શશી પણ રજાઓમાં ક્યારેક ક્યારેક બાળકોને બા-બાપુ પાસે મૂકી જતી હતી. જેમનાં થકી ઘર ભર્યુંભાદર્યું લાગતું હતું. સુનિતાએ લગ્ન પહેલાં આપેલી રકમ ફિક્સ ડિપોઝિટમાં હતી જેનું વ્યાજ સુખમય જીવન ગાળવા માટે પૂરતું હતું.

રાજુલ વરસમાં એકવાર કોઠીઓમાં ભરાતાં અનાજ અને ઘી-તેલની સ્થાયી ધોરણે વ્યવસ્થા વેપારીને મળીને કરતી હતી. જ્યારે આવતી ત્યારે બંને ઘરો માટે કાપડ, ધોતિયાં ને સાડીઓ લેતી આવતી. શશી અને બા-બાપુના વિરોધો એણે કદી મન પર નહોતા લીધા. એ લોકોને પણ રાજુલની જીદ સામે નમતું જોખવું પડતું હતું. બંને દીકરીઓએ મોટીનું દુઃખ સાવ વિસારે પાડી દીધું હતું. રતિલાલ અને સવિતાની ધનલક્ષ્મીના દીકરાની જે જોવાની વર્ષોથી ચાહના હતી,પણ એ કદી પૂરી નહોતી થઈ, ઊંડે ઊંડે એમને આશા જરૂર હતી કે એનાં લગ્ન ટાણે એમને જરૂર બોલાવે ને એમની આશા ફળીભૂત થાય!

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.