અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : વોશિંગટન ડી.સી.ની અફલાતૂન આખરી સફર


દર્શા કિકાણી

૦૩/૦૭/૨૦૧૭

સવારે શાંતિથી ઊઠ્યાં. આજે કોરો જ નાસ્તો કરીશું એમ ભાર્ગાવીને કહેલું પણ તેનું મન માને કે ? તેણે સરસ સ્વીટ કોર્ન એટલે કે મકાઈ બાફી રાખ્યા હતાં. એક બાજુ તૈયાર થયાં ને બીજી બાજુ સામાન ગોઠવાતો ગયો. વહેલું જ લંચ લઈ વોશિંગટન ડી.સી.ની આફલાતૂન આખરી સફર માટે નીકળ્યાં.

આજની અમારી પહેલી મંજિલ હતી ‘વ્હાઈટ હાઉસ’. ગાડી પાર્ક કરી અમે  ‘વ્હાઈટ હાઉસ’ ની નજીક પહોંચી ગયાં. આપણને નવાઈ લાગે કે આટલાં મોટા દેશના પ્રેસિડેન્ટનું ઘર અને ઘર આગળ કોઈ પણ જાતના દેખાડા નહીં, કોઈ ખોટો પોમ્પ કે શો નહીં. કોઈ પણ માણસ શાંતિથી  ‘વ્હાઈટ હાઉસ’ની કોટની નજીક સુધી પહોંચી શકે અને ફોટા પડાવી શકે. અમે પણ ફોટા પાડ્યા થોડે આગળ એક ગીફ્ટ શોપ હતી ત્યાં ગયાં. અમેરીકાના પ્રવાસની એક સરસ યાદગીરી મને રાજેશે અપાવી. ચાલતાં ચાલતાં જ અમે કેનેડી સેન્ટર પહોંચ્યાં.

અહીં પણ આગોતરું બુકિંગ કરાવી રાખ્યું હતું, એટલે આખા સેન્ટરની ગાઈડેડ ટુર અને એક શો અમે વિનામૂલ્યે જોવાના હતાં. કેનેડી સેન્ટર અતિ-સુંદર છે. લાલ જાજમ ઉપર જ, શબ્દશઃ – રેડ કાર્પેટ સ્વાગત થયું! મોટાં મોટાં ઝુમ્મરોથી સીલીંગ શોભતી હતી. આખી ને આખી દીવાલો બેલ્જીઅમ કાચથી અને જરૂર પડે ત્યાં ઇટાલિયન માર્બલથી મઢી હતી. અમારી સાથે મોટી ઉમરના ગાઈડ (ભાઈ) હતા. કેનેડી સેન્ટર કેવી રીતે બન્યું અને તેણે માટે પૈસાનો પ્રબંધ કેવી રીતે થયો તે બધી રસપ્રદ વાતો તેમણે કરી. જે દિવસે આ સેન્ટર શ્રી કેનેડી દ્વારા ખુલ્લું મૂકાયું હતું તે દિવસે પણ તેઓ પોતે જ ગાઈડ તરીકે હાજર હતા, એવું સાંભળીને તેમના માટે અમારા મનમાં ભારોભાર માન થઈ આવ્યું.

૧૫૦૦ અને ૨૫૦૦ની બેઠક-વ્યવસ્થા-વાળા બે હોલ તેમણે અમને બતાવ્યા. ત્રીજા હોલમાં આજનો સંગીતનો કાર્યક્રમ છે એટલે સેન્ટરની ટુરમાં બતાવવા માટે તે હોલ ખુલ્લો નથી એમ જણાવ્યું. જાહોજલાલી અને ભવ્યતાની વ્યાખ્યા શું હોય તે તો આ જોઈએ તો જ ખબર પડે! આટલા મોટા હોલમાં ઉપરની સીલીંગમાં ભવ્ય ઝુમ્મરો લટકતાં હતાં. તે ઝુમ્મરો કેવી રીતે સાફ રાખવામાં આવતાં તેની પણ વાત તેમણે કરી. અમારા આ ગ્રુપમાં પણ એક બહેન વ્હીલ-ચેર પર હતાં. દરેક જગ્યાએ તેમને માટે ખાસ વ્યવસ્થા હોય જ. તેમને ક્યાંય તકલીફ ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું. ત્યાંથી એક નાની રશિયન લોન્જમાં લઈ ગયાં. અંદર જવાની પરવાનગી ન હતી એટલે બહારથી જ જોઈ પણ બેઠક વ્યવસ્થા બહુ સરસ હતી અને વિશ્વ-વિખ્યાત ચિત્રો સાથે કરવામાં આવેલ અંદરનું સુશોભન ઉત્તમ કક્ષાનું હતું. અમે સહેજ અંદર જઈ ફોટો પાડી લીધો! એકાદ કલાકની ટુર બાદ અમે પાછાં રિસેપ્શન-ડેસ્ક પાસે આવી ગયાં. અહીંથી અગાસીમાં જઈ આખા શહેરને નિહાળવાનું હતું. અમે સંગીતના કાર્યક્રમમાં જવાનાં હોવાથી અમારે આ પ્રોગ્રામ જતો કરવો પડ્યો, જેનું અમને સૌને બહુ દુઃખ થયું. ટુર-ગાઈડે અમને આશ્વાસન આપ્યું કે પ્રોગ્રામના મધ્યાંતર દરમ્યાન અમે અગાસીની મુલાકાત લઈ શકીએ છીએ. જરૂરી પાસ પણ તેમણે અમને આપ્યા.

પ્રેસિડેન્ટ કેનેડીની સોમી વર્ષગાંઠનું વર્ષ ચાલે છે, એટલે તેમને ગમતા વિષયો – વિશ્વ શાંતિ અને સદભાવના ઉપર આજનો સંગીતનો કાર્યક્રમ છે. દેશ-પરદેશનાં બાર સમૂહગીતોનો પ્રોગ્રામ છે, જેમાં બે ભારતીય ટીમો પોતાનાં ગીતો પ્રસ્તુત કરવાની છે. અમે હોલમાં પહોંચ્યાં ત્યારે પ્રોગ્રામનો સમય થઈ ગયો હતો. હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. છેક પાછળની સીટોમાં અમારે બસવું પડ્યું. એક પછી એક ગીતો પ્રસ્તુત થવા લાગ્યાં. બલ્ગેરિયાની ટીમનું રંગીન વસ્ત્ર-પરિધાન ખૂબ જ સુંદર હતું અને ગીતની રજૂઆત પણ સરસ હતી. છટ્ઠા સ્થાને ભારતીય ગીત ‘વસુધૈવ કુટુંબકમ’ બહુ જ સરસ રહ્યું. પ્રેક્ષકોનો પ્રતિભાવ પણ ઘણો જ સુંદર રહ્યો. એક ભારતીય હોવાનો ગર્વ થઈ આવે એટલું સરસ ગીત પ્રસ્તુત થયું. પંદર મિનિટનો મધ્યાંતર પડ્યો. અમે દોડીને લીફ્ટ પાસે પહોંચી ગયાં જેથી સમયસર અગાસીમાં જઈ શકાય. સૂર્યાસ્તનો સમય હતો. કેસરી પ્રકાશના વાઘામાં આખું શહેર બહુ સુંદર લાગતું હતું. એક એક ઇમારત અમારી જોયેલી હતી. એક જ ક્ષણમાં આખા શહેરનું વિહંગાવલોકન થઈ ગયું! આ ટુરમાં અમે ઘણાં ટાવરો પરથી કુદરતનો નજારો નિહાળ્યો હતો. આ છેલ્લું સંભારણું હતું! મન ભરીને એને માણવું હતું. નીચે પ્રોગ્રામ શરુ થઈ ગયો હતો પણ નીચે ઊતરવાનું મન થાય તેવું હતું જ નહીં. અમે ખાસ્સો સમય અગાસીમાં જ ઉભાં રહ્યાં. થોડું અંધારું થયું એટલે નીચે હોલમાં ગયાં. બેસવાની જગ્યા છેલ્લી હરોળમાં મળી. અને અમે લગભગ અંત સમયે જ પહોંચ્યાં હતાં એટલે જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયાં. પ્રોગ્રામનું અંતિમ ગીત એકદમ અલગ અને રચનાત્મક રીતે કોરીઓગ્રફ કર્યું હતું.  દેશ-વિદેશથી આવેલાં બધાં જ કલાકારોને ધીમે ધીમે સ્ટેજ પર બોલાવી બહુ જ સંગીતમય સમૂહ ગાન, કોરસ, રજૂ કર્યું. બધાં જ કલાકારોનું જાણે સન્માન કરવા જ ગીત રજૂ કર્યું હોય તેવું લાગે. બહુ યાદગાર રીતે કાર્યક્રમ સમાપ્ત થયો. ધાર્યા કરતાં મોડું થયું હતું. અને અમે જોવા જેવું ઘણું બધું જોયું હતું એટલે હવે ઘેર જવાનું હતું, ભાર્ગવી અમારી જમવા માટે રાહ જોતી હતી. અમે ગાડી સેન્ટરના પાર્કિંગ એરિયામાં પાર્ક કરી હતી. અહીં નોંધવું પડે કે આ કાર્યક્રમ કે સેન્ટરની ગાઈડેડ ટુર જો પહેલેથી બુક કરાવી હોય તો કોઈ ચાર્જ ન હતો, પણ સેન્ટરમાં ગાડી પાર્ક કરવાના ૨૫ ડોલર લીધા! ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી કે તરત જ એક સિગ્નલ હતું, ડ્રાઇવરને બિલકુલ ખ્યાલ જ ન આવે કે દેખાય નહીં. નિખિલભાઈ પણ તે ચૂકી ગયા. થોડું આગળ ગયાં પછી ખ્યાલ આવ્યો, પણ ત્યારે તો મોડું થઈ ગયું હતું. અહીં ડ્રાઈવ કરતી વખતે સતત ધ્યાન રાખવું પડે, GPS  પર નક્શો જોયા કરવો પડે, ટ્રાફિકનો અહેવાલ સાંભળવો પડે. સહેજ પણ બેધ્યાન થયાં કે ટિકિટ ઘરે આવી જ સમજો! અમે સાત વાગ્યે ઘરે આવવાનું પ્લાન કર્યું હતું તેને બદલે સાડા નવ વાગે ઘરે પહોંચ્યાં! પણ બધાં એક સરસ સાંજ વિતાવવાના આનંદમાં હતાં. ભાર્ગવીએ સરસ ગુજરાતી ભાણું તૈયાર કર્યું હતું. સાથે બેસીને જમ્યાં. ભાર્ગવીએ વાસણને ન્યાય આપ્યો ત્યાં અમે સાથે લઈ જવા મસાલાની પૂરી બનાવી નાંખી. કેટલું બધું ધ્યાન રાખે છે મિત્રો! પૂરી બનાવતાં બનાવતાં રીટાને યાદ આવ્યું કે શોપીંગમાં કંઈક બાકી રહી ગયું છે. ભાર્ગવી અમને આટલી મોડી રાત્રે વોલમાર્ટ લઈ ગઈ! ત્યાંની સ્ત્રીઓની આવડત અને કામ કરવાની શક્તિ તો ધન્ય! હેટ્સ ઓફ!

ઘરે આવીને મોડે સુધી વાતો કરી. અમારી આ ટુરના જાતજાતના અને ભાતભાતના અનુભવો શેર કર્યા અને વાગોળ્યા. મિત્રોની સતત હાજરીથી અમે આ વિશાળ અને અજાણ્યા મુલકમાં કેવી સરળતાથી ફર્યાં તેનો ફરી ફરીને એહસાસ અને ઋણ-સ્વીકાર કર્યો. એક બાજુ આનંદ હતો, આટલી સરસ ટુર કર્યાનો તો બીજી બાજુ ગમ હતો, મિત્રોથી છૂટા પડવાનો.નિખિલભાઈએ અમારી ભારત પાછાં જવાની ફ્લાઈટ માટે વેબ-ચેક-ઇન કરી લીધું અને અમે સૌ સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

5 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : વોશિંગટન ડી.સી.ની અફલાતૂન આખરી સફર

  1. પ્રવાસની મુખ્ય ધારા સાથે નાની નાની વસ્તુઓનું અને નાનાં નાનાં બનાવોનું અવલોકન અને તેનાં ભાવનાત્મક વર્ણને આ સુંદર-રસપ્રદ પ્રવાસને આપણી સમક્ષ અદભૂત રીતે તાદ્રશ્ય કરી દીધો છે – જે આ લેખમાળા અને લેખિકાની સફળતા છે…

    1. Thanks, Ketan, for regularly reading the travelogue and sharing your thoughts! 👍

      The tour and the travelogue are nearing the end…. Only one more episode. Thanks, again!

  2. Enjoyed the travelogue very much. Lucky to ended the tour with excellent show at Kennedy center.
    Thank you for sharing your experience.

Leave a Reply

Your email address will not be published.