ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૫૧: નૌકાદળમાં બળવો

દીપક ધોળકિયા

કલકત્તામાં આગ શમી કે તરત જ મુંબઈમાં રોયલ ઇંડિયન નૅવીના નીચલા સ્તરના ભારતીય નાવિકો (રેટિંગ્સ) ભડકી ઊઠ્યા.એમનામાં ઘણા વખતથી અસંતોષ પ્રવર્તતો હતો. એમના પગારો, બ્રિટિશ નાવિકો કરતાં ઓછા હતા, બીજી સગવડો નહોતી મળતી અને ભોજન પણ સારી ગુણવત્તાનું નહોતું. તે ઉપરાંત, યુદ્ધ પૂરું થયા પછી મોટા પાયે છટની કરવાનો પણ સરકાર નિર્ણય કર્યો હતો.  યુદ્ધમાં ખુશ્કી (ભૂમિ દળ), હવાઈ (હવાઈ દળ) અને તરી (નૌકા દળ)ના સૈનિકોએ અપ્રતિમ વીરતા દેખાડી હતી. બ્રિટિશ સરકારે પણ એમની ભારે પ્રશંસા કરી હતી. પરંતુ પૂર્વ એશિયામાં જાપાન સામે બ્રિટનને પીછેહઠ કરવાની ફરજ પડી ત્યારે હિન્દુસ્તાની સૈનિકોની એણે પરવા ન કરી. ઘામાં મીઠું ભભરાવવા જેમ હવે છટણીની જાહેરાત કરવામાં આવી. એમાંય નૌકા દળમાંથી લગભગ અડધોઅડધને નોકરીમાંથી છૂટા કરવાના હતા. એમની સામે રોજીનો પણ સવાલ ઊભો થતો હતો.

હવે ભારતીય રેટિંગો બદલાયેલા વાતાવરણમાં આ અપમાન સહન કરવા હવે તૈયાર નહોતા આ બધાં કારણોથી રેટિંગ બહુ ઉત્તેજિત થઈ ગયા હતા. બીજી ફેબ્રુઆરીએ મુંબઈમાં બી. સી. દત્તા અને આર. કે સિંઘ નામના બે ૧૮-૨૦ની ઉંમરના બે રેટિંગ HMIS-તલવારના હેડક્વાર્ટર્સમાં સલામી સ્તંભ પાસે ‘જયહિન્દ’ લખતા હતા. એને અશિસ્તનું પગલું ગણીને દત્તા અને સિંઘની ધરપકડ કરાઈ હતી. આ ધરપકડને હિન્દુસ્તાની રેટિંગ સ્વીકારી શક્યા નહોતા. રેટિંગ પણ હવે દેશભક્તિથી છલકાતા હતા.

૧૮મી ફેબ્રુઆરીની રાતે મેસમાં ખાવાનું સારું ન મળતાં બધા રેટિંગ કમાંડિંગ ઑફિસર આર્થર ફ્રેડરિક કિંગ પાસે ગયા ત્યારે એણે એમની ફરિયાદ તો ન જ સાંભળી, ઉલ્ટું, ‘કૂલી કી ઔલાદ’ વગેરે ગાળો આપીને કાઢી મૂક્યા. આ ઊંટની પીઠ પર તરણાં જેવું સાબીત થયું. રેટિંગોએ તરત સેન્ટ્રલ સ્ટ્રાઇક કમિટી બનાવી, સિગ્નલર એમ. એસ. ખાન, પેટી અને ટેલિગ્રાફિસ્ટ મદન સિંઘને સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા. કમિટીના બીજા સભ્યો હતાઃ બેદી બસંત સિંઘ, નવાઝ ખાન, અશરફ ખાન, એસ. સી. સેનગુપ્તા, ગોમેઝ અને મહંમદ હુસેન. એમણે તરત રોયલ ઇંડિયન નૅવીનું નામ બદલીને ‘ઇંડિયન નૅશનલ નૅવી’ નામ જાહેર કર્યુ, બધી આર્થિક માગણીઓની યાદી માંગપત્રમાં જોડી, બધા રાજકીય કેદીઓ અને આઝાદ હિન્દ ફોજના કેદીઓને છોડી મૂકવાની માગણી કરી. એમણે યુનિયન જૅક ઉતારીને ત્રિરંગો લહેરાવ્યો. તે ઉપરાંત, મુસ્લિમ લીગનો લીલો ધ્વજ અને કમ્યુનિસ્ટ પાર્ટીનો લાલ ઝંડો પણ ફરકાવવામાં આવ્યો. આમ રેટિંગો બધા પક્ષો પ્રત્યે  આદર વ્યક્ત કરવા માગતા હતા.

૧૯મીની સવારે નૌકાદળની ટ્રકો એમણે કબજામાં લઈ લીધી અને આખા મુંબઈમાં સૂત્રો પોકારતા નીકળી પડ્યા. ફ્લોરા ફાઉંટન પાસે રસ્તો રિપેર થતો હતો એના પીપ એમણે હટાવીને આખો ચોક બંધ કરી દીધો. કોઈ ગોરો સોલ્જર હાથે ચડ્યો તેને માર માર્યો. બીજી બાજુ, એવી ઘટનાઓ પણ બની કે જેમાં એકાદ રેટિંગે પોતાના જ સાથીઓના હુમલાથી કોઈ બ્રિટિશ સૈનિકને બચાવી લીધો હોય. કૅસલ બૅરેક્સમાં એમણે ઠેરઠેર ‘જયહિન્દ’ અને ‘ક્વિટ ઇંડિયા’ લખવાનું શરૂ કરી દીધું.

એમની હડતાળના સમાચાર વાયુવેગે મુંબઈમાં બીજાં નૌકા મથકો – HMIS નાસિક, કલાવતી, ઔધ અને નીલમના રેટિંગો સુધી પહોંચી ગયા અને સમાચાર મુંબઈની બહાર જતાં વીસ હજાર રેટિંગ હડતાળમાં જોડાયા. આખા મુંબઈમાં અને એનાં અમુક પરાંઓ સુધી રેટિંગો જ દેખાતા હતા.  બીજા દિવસે, ૨૦મી તારીખે સેંકડો રેટિંગો લોકલ ટ્રેનોમાં ચર્ચગેટ સ્ટેશને ઊતર્યા અને અંગ્રેજો વિરુદ્ધ નારા પોકારતા ઑવલ મેદાનમાં એકત્ર થયા.

દરમિયાન, ૧૮મીની રાતે રેટિંગો સામે અપશબ્દો વાપરનાર ઑફિસરની બદલી કરી નાખવામાં આવી. સૂત્રો લખનાર દત્તાને નૌકાદળના સત્તાવાળઓએ આ તોફાનો શરૂ થતાં છોડી મૂક્યો પણ હજી સિંઘને છોડ્યો નહોતો. એટલે રેટિંગોની એ માગણી ચાલુ રહી.  રેટિંગો સરઘસ બનાવીને નીકળ્યા અને યૂસિસની ઑફિસ પર ફરકતો અમેરિકન ધ્વજ ઉતારીને બાળી નાખ્યો. પાછળથી સેંટ્રલ સ્ટ્રાઇક કમિટીએ આ ઘટના બદલ દિલગીરી વ્યક્ત કરીને માફી માગી.

શહેરમાં પણ કેટલીક દુકાનો તોડવાના અને લૂંટફાટના સમાચાર મળ્યા. તે પછી સ્ટ્રાઇક કમિટીએ ‘પીસ પૅટ્રોલ કમિટી બનાવી અને આવા બનાવોની તપાસ કરતાં એવું બહાર આવ્યું કે નૌકાદળનાં કેન્દ્રો સિવાય બીજે ક્યાંય પણ થયેલી લૂંટફાટમાં રેટિંગો સંડોવાયેલા નહોતા, અસામાજિક તત્ત્વો ચારે બાજુની અરાજકતાનો લાભ લેતાં હતા. આના પછી સ્ટ્રાઇક કમિટીએ રેટિંગોને શાંતિથી અને અહિંસક રીતે આંદોલન ચલાવવાની અપીલ પણ કરી. એ જ દિવસે ઉચ્ચ નૌકા અધિકારીઓની મીટિંગમાં હડતાળ પર ગયેલા રેટિંગોને ભારતીય ભોજન આપવાનો નિર્ણય લેવાયો.

બીજી બાજુ, બંગાળમાં કલકત્તામાં HIMS-હુગલીના ૨૦૦ રેટિંગે હડતાળ પાડી. કરાંચીમાં રેટિંગો ૧૯મીએ મુંબઈથી સમાચાર મળ્યા કે તે સાથે જ ઉત્સાહમાં આવી ગયા હતા. HIMS-હિન્દુસ્તાનના રેટિંગોએ જહાજનો સંપૂર્ણ કબજો લઈ લીધો.  કરાંચીમાં નૌકાદળના સત્તાવાળાઓએ બહુ સખ્તાઈ કરતાં રેટિંગોએ પણ નૌકાદળની બે ગન ચલાવીને સામનો કર્યો. આમાં એક નૅવલ ઑફિસર માર્યો ગયો અને બીજા ચૌદ ઘાયલ થયા. ૨૧મે  ત્રણ જહાજો – હિન્દુસ્તાન, ચમક અને બહાદુર-ના પંદરસો રેટિંગ હળતાળમાં કૂદી પડ્યા.

દરમિયાન, મુંબઈમા કૅસલ બૅરેક્સમાં રીતસરની લડાઈ  ચાલુ હતી પણ બીજાં કેન્દ્રોમાં શાંતિ સ્થપાવા લાગી હતી. બીજી બાજુ HIMS-તલવાર પર સ્ટ્રાઇક કમિટીના આદેશ પ્રમાણે પંદરસો રેટિંગોએ મિલિટરી પોલીસને હટાવી લેવાની માગણી સાથે ભૂખહડતાળ શરૂ કરી દીધી. કમિટીએ બહાર રહી ગયેલા રેટિંગોને તરત પોતાનાં મથકોએ પહોંચી જવાની અપીલ કરી.

બીજી બાજુ, અંધેરી અને મરીન ડ્રાઇવના રૉયલ ઇંડિયન એરફોર્સના એક હજાર કર્મચારીઓએ રેટિંગોની સહાનુભૂતિમાં હડતાળ પાડી. એ જ દિવસે બપોરે અઢી વાગ્યે જહાજોને પોતાના કબજામાં લઈ લેનારા રેટિંગોએ ‘શસ્ત્ર વિરામ’ જાહેર કર્યો. નૌકા દળના અધિકારીઓએ કબૂલ કર્યું કે વીસ જહાજો પર રેટિંગોએ કબજો કરી રાખ્યો હતો. એ જ સાંજે વાઇસ-ઍડમિરલ ગૉડફ્રેએ રેડિયો બ્રોડકાસ્ટમાં ધમકી પણ આપી અને ખાતરી પણ આપી. એણે કહ્યું કે અશિસ્તને સાંખી લેવાનો ભારત સરકારનો ઇરાદો નથી, અને અશિસ્ત માટે સખત કાર્યવાહી કરાશે, પરંતુ રેટિંગોની ફરિયાદોનો પણ નિકાલ કરવામાં આવશે.

સરદાર પટેલની ભૂમિકા

બળવાખોર રેટિંગો રાજકારણીઓના સંપર્કમાં પણ હતા. સરદાર વલ્લભભાઈ પટેલે આ બાબતમાં મુંબઈના ગવર્નરની સાથે વાત કરી અને સમાધાન શોધવામાં મદદ કરવાની ખાતરી આપી. જવાહરલાલ નહેરુ એ વખતે કોંગ્રેસ પ્રમુખ બની ગયા હતા. એમણે પણ કહ્યું કે રેટિંગોની ફરિયાદો સાચી છે, પરંતુ હવે સ્વાધીનતા હાથવેંતમાં દેખાય છે ત્યારે આ રસ્તો નુકસાનકારક નીવડે તેમ છે.

સરદારે રેટિંગોને પણ શિસ્ત જાળવીને કામ પર ચડી જવા અપીલ કરી. એમણે એમની બધી ફરિયાદોનો નિકાલ લાવવામાં કોંગ્રેસની મદદની ખાતરી આપી. એમણે પણ નહેરુની જેમ કહ્યું કે હડતાળ પાડવાનો હવે સમય નથી, હવે મંત્રણાના મેજ પર સવાલો ઉકેલવાનો સમય આવ્યો છે.

હજી કલકત્તા, વિશાખાપટનમ. દિલ્હી, મદ્રાસ અને કરાચીમાં ૨૧મીએ પણ રેટિંગોની હડતાળ ચાલુ રહી. કરાચીમાં તો ૨૨મીએ વિદ્યાર્થીઓએ પણ હડતાળ પાડી. ૨૩મીએ મુંબઈમાં રેટિંગો શરણે થઈ ગયા.  સરદાર પછી જિન્નાએ પણ રેટિંગોને હડતાળ છોડીને વાતચીત દ્વારા સમસ્યાઓ હલ કરવાની અપીલ કરી. માત્ર એટલું જ, કે એમણે મુસલમાન રેટિંગોને હડતાળમાંથી ખસી જવાનું કહ્યું.

સેંટ્રલ ઍસેમ્બ્લીમાં કોંગ્રેસનો પ્રત્યાઘાત

અલી અને શરત ચંદ્ર બોઝના સૂચનથી ૨૩મીએ રેટિંગોની હડતાળ વિશે ચર્ચા કરવા માટે સેંટ્રલ ઍસેમ્બ્લીની ખાસ બેઠક મળી. એમાં રેટિંગોની હડતાળઅની સ્થિતિમાં સત્તાવાળાઓના અણઘડપણાને લીધે આખા નૌકાદળ માટે ઊભા થયેલા સંકટની ચર્ચા કરવા માટે કોંગ્રેસના આગેવાન આસફ અલીએ રજૂ કરેલી સભામોકૂફીની દરખાસ્ત ૭૪ વિ. ૪૦ મતે મંજૂર રહી. સરકારના યુદ્ધ પ્રધાન ફિલિપ મૅસને હાજર રહીને ખુલાસા કર્યા અને સભ્યોના સવાલોના જવાબ આપ્યા.

આસફ અલીએ દરખાસ્ત રજૂ કરતાં કહ્યું કે યુદ્ધ પછી વડા પ્રધાન ઍટલીએ શાંતિ અને સ્વતંત્રતાની વાત શરૂ કરી પણ કમાંડિંગ ઑફિસર કિંગને એની પરવા નહોતી. એણે  જે ગાળો આપી તે અહીં બોલી શકાય તેમ નથી. રેટિંગોની હડતાળ પાછળ રાજકારણ હોય તો પણ, એમની માગણીઓ વાજબી છે એનો ઇનકાર ન થઈ શકે. મુસ્લિમ લીગના અબ્દુર રહેમાન સિદ્દીકી અને લિયાકત અલી ખાને આસફ અલીની દરખાસ્તને સમર્થન આપ્યું.

કોંગ્રેસના મીનુ મસાણીએ કહ્યું કે પગાર-ભથ્થાં અને બીજી સગવડો માટે રેટિંગોની માગણીઓ નૌકા દળના હેડક્વાર્ટર્સ સુધી મહિનાઓથી પહોંચતી હતી પણ એના પર ધ્યાન ન અપાયું. જે લોકો હતાશ થઈ ગયા હોય, એમનું કમાંડર કિંગે તોછડાઈથી અપમાન કર્યું તે સહન ન થઈ શકે. હતાશ લોકોનો ગુસ્સો તો આમ જ

ફાટી નીકળે. મુંબઈના લોકોએ કોઈના કહ્યા વિના એમને શા માટે આપમેળે ટેકો આપ્યો? એનું કારણ એ કે અમે તમારા નૈતિક અધિકાર સ્વીકારતા નથી. તમારા કાયદા અમારા માટે નથી બન્યા. એટલે જ તમારો મિલિટરી કાયદો કે નાગરિક કાયદો કોઈ તોડે છે ત્યારે અમે હિન્દુસ્તાનીઓ અવશપણે વિદ્રોહને ટેકો આપીએ છીએ. મને એ બરાબર સમજાય છે કે કોઈને બીજાનો ધ્વજ ફરકાવવો પડે તો એને કેટલું ખરાબ લાગતું હશે, કારણ કે એનો પોતાનો ધ્વજ, કોંગ્રેસનો ત્રિરંગો અથવા મુસ્લિમ લીગનો ધ્વજ છેતમે હજી આર્મી, હવાઈ દળ અને નૌકા દળ અકબંધ છે ત્યારે ચાલ્યા જાઓ. તમે બહુ રહ્યા; હવે તમે જોડનાર નહીં તોડનાર તત્ત્વ બની ગયા છો.

મસાણીએ કહ્યું કે યુદ્ધ વખતે તમે સામ્યવાદીઓને પંપાળ્યા, હવે એ તમારા વિરુદ્ધ થઈ ગયા છે, કારણ કે હવે તમે અને એમના રશિયન ખેરખાંઓ ઝઘડી પડ્યા છો.

સરદારની જાહેર સભા

૨૬મીએ મુંબઈમાં વલ્લભભાઈ પટેલ અને નહેરુએ પણ એક લાખની જનમેદનીને સંબોધતાં છેલ્લા ચાર દિવસમાં શહેરમાં થયેલાં તોફાનોની ઝાટક્ણી કાઢી. સરદારે કહ્યું કે કોંગ્રેસે હડતાળની હાકલ નહોતી કરી. એમણે લોકોને બીજા કોઈ દ્વારા જાહેર કરાયેલી હડતાળમાં સામેલ ન થવાની લોકોને ચેતવણી આપી. એમણે કહ્યું કે ‘૪૨ના આંદોલનમાં સામ્યવાદીઓ જનતા સાથે નહોતા એટલે હવે પાછા પોતે જ ગુમાવેલી આબરૂ પાછી મેળવવાનાં ફાંફાં મારે છે. એ વખતે એમને અંગ્રેજ સરકાર સામ્રાજ્યવાદી છે એ નહોતું દેખાતું, હવે ફરી દેખાવા માંડ્યું છે. એમણે કહ્યું કે જે લોકોએ રેટિંગોની સહાનુભૂતિમાં હડતાળ પાડવાનું એલાન આપ્યું તેઓ મૂર્ખાઓના સ્વર્ગમાં રહે છે. એમને સ્થિતિની ગંભીરતા સમજાઈ નહોતી. કોંગ્રેસે સ્થિતિ માપી અને  યોગ્ય પગલાં લીધાં અને એ જ રીતે રેટિંગોની વાજબી માગણી સ્વીકારાશે એની ખાતરી રાખજો.

ગાંધીજી અને અરુણા આસફ અલી

રેટિંગોની હડતાળ કસમયની અને હિંસક હતી, એવી ગાંધીજીએ ટીકા કરી હતી. કોંગ્રેસમાં એકલાં અરુણા આસફ અલી રેટિંગ વિદ્રોહના પક્ષમાં હતાં. એમણે ગાંધીજીને જવાબ આપતાં કહ્યું કે લોકોને સ્વાધીનતા જોઈએ છે, એ હિંસા-અહિંસાની મીમાંસામાં પડતા નથી. વળી, આ હડતાળે હિન્દુ-મુસ્લિમ એકતાનાં પણ દર્શન કરાવ્યાં છે. હું આવી ‘બૅરીકેડ પરની એકતા’ ને બંધારણીય મોરચાની એકતા કરતાં પસંદ કરું છું.

ગાંધીજીએ અરુણાને ‘બહાદુર’ અને ‘મારી પુત્રી’ કહીને જવાબ આપ્યો. એમણે અરુણા આસફ અલી ૧૯૪૨ વખતથી ભૂગર્ભમાં ચાલ્યાં ગયાં હતાં અને કામ કરતાં રહ્યાં તેની પ્રશંસા કરી પણ ઉમેર્યું કે મને ભૂગર્ભ જેવું કંઈ પસંદ નથી. થોડાક માણસો એમ માનીને કંઈક કરે અને માની લે કે એ જ રીતે બધાને સ્વરાજ મળી જશે, તો એ શું ચમચીથી ખવડાવવા જેવું નથી? સ્વરાજની જરૂરિયાત દરેકે પોતે અંદરથી અનુભવવી જોઈએ. હિન્દુ-મુસ્લિમ એકતા  બૅરીકેડની જેમ પછી બંધારણીય મોરચે પણ હોવી જોઈએ. યોદ્ધાઓ બૅરીકેડ પર જ નથી રહેતા. રેટિંગોને સાચી સલાહ નહોતી મળી. અરુણા અને એમના કૉમરેડોએ સમજવું જોઈએ કે એમણે ભારતની આઝાદી માટે બળવો કર્યો હોય તો એ બેવડી રીતે ખોટા હતા. આવો બળવો કોઈ સજ્જ ક્રાન્તિકારી પાર્ટીના માર્ગદર્શન વિના ન થઈ શકે.

કોંગ્રેસ અથવા મુસ્લિમ લીગ સ્પષ્ટ રીતે બળવાની વિરુદ્ધ હતા અને સામ્યવાદીઓનો સંપૂર્ણ અંકુશ હતો. ગાંધીજી અહિંસાનું નબળું અર્થઘટન કરવા તૈયાર નહોતા!

પણ તે પછી એમની સહાનુભૂતિમાં પાડવામાં આવેલી હડતાળ દરમિયાન થયેલો હિંસાચાર મુંબઈ અને બીજાં શહેરોને ધમરોળતો રહ્યો.

૦૦૦

સંદર્ભઃ

  1. The Indian Annual Register-1946 Vol. I Jan.-June
  2. https://www.mainstreamweekly.net/article955.html
  3. Collected Works of Mahatma Gandhi vol 83, Text no. 205 /26 February 1946 (publications division)
  1. https://openthemagazine.com/cover-stories/the-last-mutiny/

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.