એક વાર મેથેમેટિકલ જીનીયસ ગણાતા ટેડ કેઝીન્સ્કીએ ‘સેક્સ ચેન્જ ઓપરેશન’ કરાવીને સ્ત્રી બનવાનું નક્કી કર્યું, પણ…

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

૨૫ મે ૧૯૭૮. શિકાગોની યુનિવર્સિટી ઓફ ઈલિનોયના મટિરિયલ એન્જિનીયરીંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર બકલી ક્રિસ્ટ પોતાના રૂટિન કામકાજમાં વ્યસ્ત હતા, ત્યારે એમને ટપાલમાં એક પરબીડિયું મળ્યું. પોસ્ટમેનના કહેવા મુજબ પ્રોફેસરે કોઈક ઠેકાણે મોકલેલું આ પરબીડિયું રિટર્ન થઈને પાછુ પ્રોફેસર પાસે આવ્યું હતું. પણ હકીકતે પ્રોફેસરે આવું કોઈ પરબીડિયું કોઈને મોકલ્યું જ નહોતું, તો રિટર્ન કોણ કરે? મામલો શંકાસ્પદ લાગ્યો એટલે પ્રોફેસરે તરત યુનિવર્સિટીના કેમ્પસમાં ડ્યુટી બજાવતા પોલીસમેનને બોલાવ્યો. પોલીસની હાજરીમાં પરબીડિયું ખોલવાની કોશિષ થઇ, અને બુ… ઉ… ઉ… મ…!! હકીકતે એ પરબીડિયું એક ખાસ પ્રકારનો ‘લેટર બોમ્બ’ હતો! સદનસીબે કોઈને ઝાઝી ઇજા નહોતી થઇ, પણ ડરનો માહોલ પેદા થઇ ગયો!

આ ઘટનાના બીજે જ વર્ષે, ઇસ ૧૯૭૯માં વધુ ગંભીર બનાવ બન્યો. શિકાગોથી વોશિંગ્ટન જઈ રહેલ એર કાર્ગો ફ્લાઇટે ઉડાન ભરી, એના થોડાક જ સમયમાં પાઈલટને લાગ્યું કે પ્લેનમાં લદાયેલ માલસામાનમાં કશોક લોચો છે. કેમકે એક ખાસ બોક્સમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. બાહોશ પાઈલટે સમયસૂચકતા વાપરીને પ્લેનને નજીકના એરપોર્ટ પર તત્કાળ લેન્ડિંગ કરાવ્યું. તપાસ માટે એફબીઆઈને બોલાવવામાં આવી. હકીકતે પ્લેનમાં બોમ્બ મુકવામાં આવ્યો હતો! પરંતુ એ બોમ્બ કોઈક શિખાઉ માણસે બનાવ્યો હોવાને કારણે એમાં ચૂક રહી જવા પામી હતી. બોમ્બ સમયસર ફાટ્યો નહિ, એના બદલે એમાંથી ધુમાડા નીકળવા માંડ્યા. તપાસકર્તા વિશેષજ્ઞોએ કહ્યું કે જો આ બોમ્બ ખરેખર ફૂટ્યો હોત તો એર કાર્ગો વિમાનનો કચ્ચરઘાણ નીકળી જાત!

“યુનાબોમ્બર”ના હુમલાઓ ચાલુ રહ્યા.

પછી તો આ અજાણ્યા ‘બોમ્બરે’ હદ વટાવી. એણે યુનાઈટેડ એરલાઈન્સ કંપનીના પ્રેસિડેન્ટ પર્સી વુડને લેટર બોમ્બ મોકલાવ્યો. પર્સી વુડનું નસીબ સારું, તે બોમ્બિંગમાં ઘાયલ થવા છતાં એનો જીવ બચી ગયો. પછી તો આ પ્રકારના લેટર બોમ્બ એટેક્સનો સિલસિલો ચાલુ જ રહ્યો. એફબીઆઈના અધિકારીઓએ નોંધ્યું કે આ તમામ લેટર બોમ્બ ક્યાંતો યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા હતા, અથવા તો એરલાઈન્સને નિશાન બનાવવામાં આવી હતી! આથી તપાસકર્તાઓએ યુનિવર્સિટીના પ્રથમ બે અક્ષરો ‘Un’ અને એરલાઈન્સનો પ્રથમ અક્ષર ‘A’ લઈને અજાણ્યા બોમ્બરને ‘UnABomber’ (યુનાબોમ્બર) જેવું વિચિત્ર નામ આપ્યું. જેમ જેમ લેટર બોમ્બના હુમલાઓ વિષે વાત ફેલાતી ગઈ, તેમ તેમ લોકો દરેક અજાણ્યા પત્રને શંકાની નજરે જોવા માંડ્યા. એનું સારું પરિણામ એ આવ્યું કે કેટલાક લેટર બોમ્બ્સ વિષે આગોતરી જાણ થવાને કારણે વિસ્ફોટ ટાળી શક્યો. તેમ છતાં જુદા જુદા સમયે અને સ્થળે થયેલા લેટર બોમ્બ એટેક્સને કારણે કુલ ૨૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જ્યારે ત્રણ કમનસીબ વ્યક્તિએ જીવ ગુમાવ્યો!

આખરે કોણ હતો આ યુનાબોમ્બર? યુનિવર્સિટીના પ્રોફેસર્સ અને એરલાઈન્સ કંપનીઓ સાથે એને એવી તે શું દુશ્મની હતી કે આમ ટપાલમાં બોમ્બ મોકલવા પડે? અમેરિકાની તપાસ એજન્સીઓ આખા મામલાને રાષ્ટ્રીય સુરક્ષા સામેનો ખતરો ગણવા માંડી હતી. તપાસકર્તા અધિકારીઓએ નોંધ્યું કે હુમલાખોર યુનાબોમ્બર કોઈકને કોઈક રીતે એવી નિશાનીઓ છોડતો હતો, જેનાથી અધિકારીઓ ગેરમાર્ગે દોરવાય. જેમકે એ ટપાલ મોકલવા માટે મોટે ભાગે અમેરિકન સાહિત્યકાર યુજીન ઓ’નીલના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ વાપરતો. પત્રને બદલે એ ક્યારેક સિગારબોક્સ સ્વરૂપે પણ બોમ્બ મોકલતો. એક વાર તો એણે અમેરિકન લેખક સ્લોન વિલ્સનની પ્રખ્યાત નોવેલ “આઈસ બ્રધર્સ”ના પાનાઓ વચ્ચે છુપાવીને બોમ્બ મોકલેલો. દરેક વખતે તપાસકર્તાઓને બોમ્બના અવશેષોમાં ક્યાંક “FC” લખેલું જડી આવતું. આ અક્ષરોનું આમ જુઓ તો કંઈ મહત્વ નહોતું, પણ તપાસ અધિકારીઓ ગેરમાર્ગે દોરવાય, એ માટે થઈને જ એ લખવામાં આવતા. વળી ઘણી વાર એ ઝાડના થડની છાલ કે નાની અમથી ડાળી પણ બોમ્બની સાથે મોકલતો. તપાસકર્તાઓએ નોંધ્યું કે યુનાબોમ્બરને પ્રકૃતિ સાથે ખાસ્સો લગાવ છે. એ ત્યાં સુધી કે નામમાં કોઈક રીતે ‘વુડ’ શબ્દ સંકળાયેલો હોય, એવા કેટલાક લોકોને એણે ‘ટપાલ’ મોકલવા માટે પસંદ કરેલા, જેમકે પર્સી વુડ અને લેરી વુડ!

જો કે આ બધી બાબતોમાંથી અધિકારીઓને કોઈ નક્કર પુરાવો જડતો નહોતો. યુનાબોમ્બરને યુનિવર્સિટીઝ અને એરલાઈન્સ સામે શું વાંધો હતો, એ પણ એક રહસ્ય જ હતું.

ટેડ કેઝીન્સ્કી : એક જીનિયસ ગણિતશાસ્ત્રી!

અને હવે થોડો સમય યુનાબોમ્બરને ભૂલીને એક ગણિતશાસ્ત્રી પર ફોક્સ કરીએ.

૨૨ મે, ૧૯૪૨ને દિવસે જન્મેલો કેઝીન્સ્કી બાળપણથી પ્રખર બુદ્ધિશાળી હતો. એ જ્યારે સ્કુલમાં ભણતો હતો, ત્યારથી જ એનો આઈક્યુ ખૂબ ઉંચો હતો. એ પોતાની ઉંમર કરતા અનેકગણી પરિપક્વ વાતો કરતો. આથી શિક્ષકો અને બીજા વડીલો એનાથી અભિભૂત હતા. સહપાઠીઓ તો એને કોઈક બીજા જ ગ્રહથી આવેલો બુદ્ધિશાળી જીવ ગણતા. સ્કુલમાં કેઝીન્સ્કીને ‘વોકિંગ બ્રેઈન’ (હાલતું ચાલતું મગજ) જેવું ઉપનામ પ્રાપ્ત થયેલું. કેઝીન્સ્કીનું ગણિત બહુ પાકું. આગળ જતાં કેઝીન્સ્કીએ વિખ્યાત હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું, અને ૧૯૬૨માં ગણિત વિષય સાથે સ્નાતક થયો. ત્યાંથી મિશિગન યુનીવર્સીટીમાં જઈને માસ્ટર ડિગ્રી હાંસલ કરી. પાછળથી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ગણિતના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નોકરી પણ મળી ગઈ. પરંતુ આ વર્ષો દરમિયાન એક મોટી ગરબડ થઇ ગઈ, જેની કેઝીન્સ્કીના મગજ પર ઊંડી સાઈકોલોજીકલ અસર પડી!

વિચિત્ર પ્રયોગનો હિસ્સો અને ‘સેક્સ ચેન્જ’ ઓપરેશનનો વિચાર!

કેઝીન્સ્કી જ્યારે હાવર્ડના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો, ત્યારે એ સાયકોલોજીસ્ટ હેન્રી મૂરના એક વિચિત્ર પ્રકારના સાયકોલોજીકલ સ્ટડીનો હિસ્સો બન્યો. આ સ્ટડીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પોતાની અંગત માન્યતાઓ અને ફિલોસોફી ઉપર વિચારો રજૂ કરવાના હતા. એટલું જ નહિ પણ એકબીજાના વિચારોનું શક્ય એટલી તીવ્રતાથી ખંડન કરવાનું હતું. આજકાલ પર ટીવી પર જોવા મળતી પોલિટિકલ ડિબેટ જેવી જ આ એક્સરસાઈઝ હતી. હાવર્ડ ખાતેના પોતાના અભ્યાસ દરમિયાન કેઝીન્સ્કીએ આ ડિબેટ્સમાં ૨૦૦ કલાક જેટલો સમય વિતાવ્યો! એકબીજા માટે સતત અપમાનજનક ભાષા વાપરતા રહેવાની પરિસ્થિતિએ કેઝીન્સ્કીના મગજ પર ઊંડી છાપ છોડી. એ અજાણપણે જ પોતાની ફિલોસોફીમાં અત્યંત કટ્ટર બની ગયો! પાછળથી એને સાયકોલોજીસ્ટ હેન્રી મૂર તરફ પણ ભારોભાર ધિક્કારની લાગણી થઇ આવેલી!

આ સિવાય ૧૯૬૬ના વર્ષમાં કેટલાક સમય માટે કેઝીન્સ્કી અમર્યાદિત જાતીય ઇચ્છાઓનો ભોગ બન્યો! જ્યારે જાતીય ઇચ્છાઓ સંતોષવા માટે કોઈ યોગ્ય પત્ર ન મળતું હોય, ત્યારે કેટલાક પુરુષોને સેક્સ ચેન્જ ઓપરેશન કરાવીને સ્ત્રી બની જવાનો વિચાર આવતો હોય છે. પહેલી નજરે કદાચ આ વાત વિચિત્ર લાગશે, પણ એ સાચી છે. આજે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા પુરુષો સ્ત્રી તરીકેની ફેક આઈડી બનાવીને બીજા પુરુષો સાથે સેક્સ ચેટ કરતા હોવાના અનેક દાખલાઓ છે. ઘણાને આ ટેવમાંથી છૂટવા માટે માનસશાસ્ત્રીની મદદ સુધ્ધાં લેવી પડતી હોય છે! કેઝીન્સ્કી પણ આવી જ જાતીય અતૃપ્તિનો ભોગ બનીને સ્ત્રી બનવા માંગતો હતો. આ પ્રકારના સેક્સ ચેન્જ ઓપરેશન પહેલા સાઈકોલોજીસ્ટ પાસે કાઉન્સેલિંગ લેવું પડતું હોય છે. કેઝીન્સ્કીએ પણ મનોચિકિત્સકની એપોઇન્ટમેન્ટ લીધી. પણ ત્યાં જઈ વેઇટિંગ રૂમમાં બેઠા બેઠા અચાનક એનું મન ફેરવાઈ ગયું અને એણે સ્ત્રી બનવાનો વિચાર પડતો મૂક્યો. કેઝીન્સ્કીના પોતાના જ શબ્દોમાં કહીએ તો “હું ફિનીક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થઇ ગયો…”!

આવા બનાવો બાદ માણસ ક્યારેક બિનજરૂરી રીતે જડ કે ઝનૂની બની જતો હોય છે, અને સમાજની સ્થાપિત પરંપરાની વિરુદ્ધ વિચારધારા અપનાવી લેતો હોય છે. કેઝીન્સ્કીના કેસમાં પણ કદાચ એવું જ થયું!

યુનિવર્સિટીની નોકરીમાંથી અચાનક રાજીનામું!

ઉપર જણાવેલા બનાવો બાદ કેઝીન્સ્કી વધુને વધુ અંતર્મુખી થતો ગયો. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં આસિસ્ટન્ટ પ્રોફેસરની સરસ મજાની નોકરી લાગવા છતાં એ બહુ ખુશ નહોતો. ગણિત ઉપરના એના સંશોધનોએ ખાસ્સી નામના મેળવી, પણ એક શિક્ષક તરીકે કેઝીન્સ્કી નિષ્ફળ રહ્યો. તે કલાસરૂમમાં આવીને વિદ્યાર્થીઓને પુસ્તકિયું જ્ઞાન આપી જતો, પણ વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવામાં ક્યારેય રસ લેતો નહિ! આથી વિદ્યાર્થીઓમાં અપ્રિય થઇ પડ્યો! એક દિવસ અચાનક શું થયું, કે કેઝીન્સ્કીએ રાજીનામું ધરી દીધું! પોતાની સરસ રીતે સેટ થઇ રહેલી કેરિયર છોડીને એ ઇસ ૧૯૭૧માં મોન્ટાના શહેર ખાતે રહેવા ગયો. જો કે અહીંના પૈતૃક ઘરમાં રહેવાને બદલે એણે શહેરથી દૂર લાકડાની કેબિન બાંધીને રહેવા માંડ્યું!

        અહીં એવી કઈ ખાસ ઘટનાઓ બની કે જેનાથી કેઝીન્સ્કીનું જીવન બદલાઈ ગયું? શું કેઝીન્સ્કીને ફરી વાર ક્યારેય સ્ત્રી બનવાનો વિચાર આવ્યો? અને હા, યુનિવર્સિટી અને એરલાઈન્સ સાથે જોડાયેલા ઉચ્ચ શિક્ષિત અને પ્રતિષ્ઠિત લોકોને લેટર બોમ્બના ધડાકા કરીને ફૂંકી મારવા માંગતા પેલા યુનાબોમ્બરને કેઝીન્સ્કી સાથે શું કનેક્શન હતું, એની રસપ્રદ વાતો આવતા અંકમાં !


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

1 thought on “એક વાર મેથેમેટિકલ જીનીયસ ગણાતા ટેડ કેઝીન્સ્કીએ ‘સેક્સ ચેન્જ ઓપરેશન’ કરાવીને સ્ત્રી બનવાનું નક્કી કર્યું, પણ…

Leave a Reply

Your email address will not be published.