ગુજરાતનો નાથ (3)

કલમના કસબી : કનૈયાલાલ મુનશી

રીટા જાની

ગત બે અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની ઐતિહાસિક નવલકથા “ગુજરાતનો નાથ”ની. આજે આપણે મળીશું આ નવલકથાના બે એવા સબળ પાત્રોને , જે ઇતિહાસમાં તો પ્રસિદ્ધ છે જ પણ નવલકથામાં પણ વાચકની મનોસૃષ્ટિનો કબજો લેવામાં કામિયાબ થાય છે . અને વાચક મુનશીની કલમના કસબ પર ઓવારી જાય છે. આ બે પાત્રો છે મીનળદેવી અને મુંજાલ. મીનળદેવી એટલે પાટણની રાણીમાતા.  મુંજાલ મહેતા એટલે પાટણના  નગરશેઠ ને મહાઅમાત્ય, ત્રિભુવનપાળના મામા અને જયસિંહદેવથી પણ રાજ્યમાં વધારે સત્તા ધરાવનાર  મહાપુરુષ.

એક પ્રસંગ જોઈએ….
“મશાલના અજવાળામાં કાકે મુંજાલ સામે જોયું. તેની ભવ્ય મુખરેખા, તેજના અંબાર વરસાવતી આંખો ને આછી  મૂછોની  છાયા નીચે રહેલ ગર્વમુદ્રિત મુખ.  મંત્રીશ્વરના સાંભળેલા વખાણ યાદ આવ્યા, ઓછા લાગ્યા. તેણે યુવાનીમાં જીતેલા હ્રુદયોની કથાઓ યાદ આવી અને સત્ય લાગી. તે હાથ જોડી ,શીશ નમાવી ઊભો રહ્યો.

મુનશીની કલમનું ચાતુર્ય સ્પષ્ટ થાય છે “સ્મરણસૃષ્ટિનો અનુભવ” પ્રકરણમાં, જ્યાં મુંજાલનો પૂર્વવૃત્તાંત તેઓ ખૂબીપૂર્વક સૂચવી જાય છે. સજ્જનમંત્રીની પૂર્વપરિચિત વાડીમાં મુંજાલે જાગ્રત સ્વપ્નદર્શનમાં જોયું : ” તે દેવસમો નાનો દેદીપ્યમાન છોકરો હતો, સ્વપ્નમાં સર્જેલી અપ્સરા સમી ફૂલકુંવર હતી . તેઓ પરણ્યા. તે નગરશેઠ થયો, મોજ કરી, પરદેશ રખડ્યો. તેને છોકરો થયો ને બંનેના હર્ષનો પાર ન હતો. પછી તે ચંદ્રપુર ગયો, મીનળદેવીને મળ્યો, તેનો ગુલામ થઈ રહ્યો. મીનળદેવી પાટણ આવી.  તે મહાઅમાત્ય થયો,  સામ્રાજ્યનાં સ્વપ્નાં સિદ્ધ કરવા તેણે રાજ્યતંત્ર સંભાળ્યું. મીનળદેવીને તે દૂરથી પુજી રહ્યો ને પોતાના ઘરની કુમળી વેલ સમી ફૂલકુંવરને વિસરી ગયો. તેને ઘરથી દુર ધકેલી ને પુત્રની પણ પરવા ન કરી. પરિણામે એ કુમળી વેલ કરમાઈ ગઈ.

મીનળદેવી રાજ્યની અધિષ્ઠાત્રી દેવી હતી. તેણે બહારથી રાજ્યખટપટમાં ભાગ લેવો બંધ કર્યો હતો. પણ તેની નજર બધે ફરતી હતી તેની બુદ્ધિ  સઘળું સમજતી. તે મુંજાલને ઓળખી ગઈ હતી, તેના આશયો સમજી ગઈ હતી. તેના મુત્સદ્દીપણામાં તેને વિશ્વાસ હતો. રાજગઢના ભોમિયા હતા તે જાણતા હતા કે જેવો મુંજાલનો પ્રભાવ હતો તેવો જ રાણીનો હતો. બંને અંતરમાં એક હતા તેથી જ એ પ્રભાવનો વિરોધ નહોતો થતો. મીનળદેવીમાં ઘણો ફેરફાર થયો હતો.  જુવાનીમાં પણ તેના મુખ પર ગૌરવ તો હતું જ પણ હવે તે પાકટ થયું હતું. સત્તા અને અડગતાની રેખાઓએ કુમાશ ને સાદાઈ ઉપરથી કાઢી નાખ્યા હતા.  તેની આંખોમાં પહેલાંના જેવું જ તેજ હતું. તેમાંથી સતત પ્રતાપ વહેતો રહેતો.

માનવહૃદયની ગુઢતા તો સર્વજ્ઞ વિધાતા સિવાય કોઈ જાણતું નથી. છતાં મુંજાલ અને મીનળદેવીના હૃદયમાં ક્ષુદ્ર વાસના નથી. ફૂલકુંવરને સાચા સ્નેહથી ચાહનારા મુંજાલે તેની ઉપેક્ષા કરી ખરી અને તેનું પ્રાયશ્ચિત પણ જીવનપર્યંત  ધગતા અગ્નિની જ્વાળામાં રહીને  કર્યું. ચંદ્રપુરની રાજકન્યા  મીનળદેવી રૂપમાં ખાસ આકર્ષક નથી પણ વિધિએ તેનો હૃદયયોગ કરાવ્યો. વ્યવહારની દ્રષ્ટિએ આ યોગ્ય ન હતું તેથી મુંજાલની સમીપ રહેવા મુંજાલના રાજાની રાણી થઈ. 15 વર્ષ સુધી સંયમ નિયમ આચાર રાખી બંનેએ વ્રતનું પાલન કર્યું. હૃદયના ઊંડા ઝરણા સુકવી કર્તવ્યની શુષ્ક પાષાણભૂમિના પડ ચડાવી દીધા. મુંજાલ અને મીનળ વ્રતબદ્ધ રહ્યા. ઉચ્ચ ભાવના વિજય પામી. આ વ્રતની ગતિ “ગુજરાતનો નાથ” માં સવિશેષ તેજમાં દીપી ઉઠે છે. ત્યારે વાચક ન્યાયસન પર ચડી ન બેસે એ જરૂરી છે.
ઉંમર સાથે મુંજાલના હ્રુદય પર એકલતાનો ભાર વધતો જતો હતો. તેને લાગતું કે  બુદ્ધિપ્રભાવ ફાલતો હતો પણ હ્રુદયનો પ્રભાવ કરમાતો હતો. તેમાં સ્નેહ સીંચવા કોઈ અંતરનું તેને સંબંધી નહોતું. સામાન્યજનોથી અટુલા બનેલા મહાપુરુષો એકસ્તંભી મહેલના રહેવાસી બની જાય છે. બધાથી ઊંચા ખરા, પણ એ ઉંચાઇ એ જ એમનું કારાગૃહ. મીનળદેવી વિશુદ્ધ પ્રેમથી મુંજાલને ફરી પરણાવવા માગતી હતી. કેટલાક સંવાદો બંનેના હૃદયના ભાવોનું ચિત્રણ કરે છે.
મીનળ :” તું નથી પરણતો કારણ કે તારાથી ચંદ્રપુરની મીનળકુંવરી  વિસરાતી નથી.  હું મારા ખરા હૃદયથી તને પરણાવવા નથી માગતી કારણકે તું ચંદ્રપુર  આવેલો યુવાન નગરશેઠ જ છે. હું સતીઓમાં શ્રેષ્ઠ થાઉં એ તારે જોવું જોઈએ. મારે એ કાચા સુતરના તાંતણાને શુદ્ધ અને દૈવી બનાવવો છે.” મુંજાલની દૃષ્ટિ આચારની રીતે સતીત્વ પર હતી ને મીનળની વિચારની રીતે.

મુંજાલની ભૂમિકા સમજીએ….મુંજાલ મહેતાની રાજનીતિ એકદમ સ્પષ્ટ હતી. મત-મતાંતરના ઝગડામાં પડ્યા વિના પાટણની સત્તાને શૌર્યના બળથી વિસ્તારવી અને ગુજરાતને એક સામ્રાજ્ય બનાવવું એમાં જ તે પોતાની નીતિ સમજતો હતો . આથી ચુસ્ત શ્રાવકો અને જૈન સાધુઓ અત્યંત નારાજ રહેતા. ઉદા મહેતાએ માથું ઊચકવાનો પ્રયત્ન કર્યો એટલે મુંજાલે તેની પાસેથી કર્ણાવતી લઈ લીધું.

ઉબક જ્યારે વિજેતા બનીને પાટણ આવે છે તે પ્રસંગ દ્વારા મુંજાલને ઓળખીએ મુનશીની કલમે:

” ઓવારાના દરવાજામાંથી મુંજાલ મહેતાનો હાથી ગૌરવથી ડગલા ભરતો આવતો હતો. સત્તાની અપૂર્વ ભવ્યતા મુંજાલની મુખમુદ્રા પર હતી. રાજસત્તાની મૂર્તિ સરખો તે બધા લોકો તરફ જોતો હતો. મુંજાલનું વ્યક્તિત્વ કટોકટીના પ્રસંગે ઓપી નીકળતું. તે આવ્યો અને પ્રસંગ બદલાઈ ગયો. વાતાવરણમાં ભિન્નતા આવી.પટ્ટણીઓ શરમનું કારણ વીસરી તેને જોઈ રહ્યા. વનરાજના ગૌરવથી ડગલાં ભરતો, પોતાનું ગર્વદર્શી શીશ ગગને પહોંચતું હોય તેમ આવ્યો : મહેરબાનીની નજરે બધા સામે જોઈ જરા હસી બધાને અલ્પતાનો અનુભવ કરાવ્યો.  નજરથી, વાતથી, હાસ્યથી સત્તાના દુર્જય ગૌરવથી બધા પર, પ્રસંગ પર, વાતાવરણ પર પોતાના વ્યક્તિત્વનો દોર બેસાડ્યો. ઉબક વિજેતા મટી માત્ર સામાન્ય યોદ્ધો હોય તેમ લાગ્યું. મહારથીઓ , મંત્રીઓ તેના દરબારી હોય તેવો ભાસ થયો. આ અદભુત વ્યક્તિત્વ ક્વચિત્ ક્વચિત્ નરસિંહોમાં નજરે ચડે છે. કારણ જડતું નથી, પણ બધા માર્ગ આપે છે. સમજ પડતી નથી છતાં બધા શાસન માને છે.  ઇતિહાસની રંગભૂમિ પર આવી વ્યક્તિઓ જ્યારે આવે છે ત્યારે બીજા તત્વો પુરુષાર્થવિહીન થઈ જાય છે, ઇતિહાસક્રમ થંભે છે, સમયશક્તિઓનું ભાન ભૂલી પ્રેક્ષકોનું મન તેની આસપાસ વિંટાય છે. નાયકના મોહમાં નાટકનો અર્થ નીસરે છે. ભૂતકાળની રંગભૂમિ પર હતા એવા પરશુરામ, મધુસુદન ભગવાન શ્રીકૃષ્ણ સમસ્ત જગતના મુત્સદ્દીઓના શિરોમણી ભગવાન ચાણક્ય, મધ્યકાલીન ગુજરાતની નાની રંગભૂમિ પર એવો આ મુંજાલ હતો.”

આ રસસભર સૃષ્ટિને અનુભવ્યા બાદ મુનશીના સામર્થ્યને અભિનંદનનો અર્ઘ્ય આપ્યા વગર રહી શકાય? મીનળ અને મુંજાલ ઐતિહાસિક પાત્રો છે પણ મુનશીની કલ્પનાસૃષ્ટિનો વિહાર  એવો આબેહૂબ છે કે વાચકને એનો અંદાજ પણ નથી આવતો કે એ બંને વચ્ચેનો પ્રેમ અનૈતિહાસિક છે. આવા શક્તિશાળી પાત્રોના બળે આ કથા વાચકોને મંત્રમુગ્ધ બનાવે છે. વધુ રસપૂર્ણ વાત સાથે આ  કથાને  પૂર્ણ કરીશું આવતા હપ્તે…..


સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “ગુજરાતનો નાથ (3)

  1. નવલકથામાં મુંજાલ અને મીનળદેવીની પરસ્પરની લાગણી કે સ્નેહ જે કાંઈ કહીએ તે મુનશીએ બહુ નાજૂક હાથે વર્ણવી છે. બીજી રીતે કહીએ તો ગ્લાસ વિથ કેર હે‌ન્ડલ કરેલ છે.

  2. નવલકથા ના ઐતિહાસિક પાત્ર મિનલદેવી તથા મુજાલ ના પ્રેમ ને ગૌરવ અપાવ્યું છે સંયમ ની સ્થિતિ ખૂબ ઉચ્ચ દર્શાવી છે
    Hat’s off to મુનશી જી ભાષા પર પ્રભુત્વ નુ દર્શન કરાવે છે ગુજરાત નો નાથ અને પાટણ ની પ્રભુતામાં ભાષા પર પ્રભુત્વ છે

Leave a Reply

Your email address will not be published.