સમાન નાગરિક ધારો : કેટલો આવશ્યક, કેટલો ઈચ્છનીય?

નિસબત

ચંદુ મહેરિયા

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ પ્રતિભાસિંહે લગ્ન અને છૂટાછેડાને લગતા એક કેસના ચુકાદામાં સરકારને સમાન નાગરિક ધારાને લગતા બંધારણના અનુચ્છેદ ૪૪ ની દિશામાં વિચારવા સૂચન કર્યું છે. તેને કારણે ધર્મઆધારિત પર્સનલ લોમાં સુધારા અને યુનિફોર્મ સિવિલ કોડની રચનાની ચર્ચા ફરીવાર શરૂ થઈ છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ ૧૯૮૫ અને ૧૯૯૫માં સરકારને સમાન નાગરિક ધારો ઘડવા વિચારણા કરવા જણાવ્યું હતું. એડવોકેટ અને ભારતીય જનતા પક્ષના આગેવાન અશ્વિની ઉપાધ્યાયની આ વિષયની પિટિશન સર્વોચ્ચ અદાલતમાં પડતર છે જ.

પુરાણા સમાજમાં ધર્મ અને કાયદો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હતા આધુનિક રાજ્યના કાયદાને બદલે ધર્મ, કોમ કે સંપ્રદાયના અંગત કાયદા તે સમયે અસ્તિત્વમાં હતા. ભારતમાં પણ લગ્ન, છૂટાછેડા, વારસાહક, દત્તક વિધિ, ભેટ, વસિયત, ઘરમાલિકી, કુટુંબમાં સ્ત્રી-પુરુષની ફરજો અને અધિકારો  વગેરે માટે ધર્મના કાયદા હતા. આ કાયદા કે નિયમો ધાર્મિક ગ્રંથો, પરંપરાગત રિવાજો કે રૂઢિઓ આધારિત હતા. જ્યારે આજના જેવાં આધુનિક રાજ્યો અસ્તિત્વમાં નહોતાં ત્યારે અંગત કાયદા અને રાજ્યના કાયદામાં ઝાઝો ફેર નહોતો. બ્રિટિશ શાસન અને સમાજ સુધારણાની ચળવળો પછી તેમાં સુધારાની ફરજ પડી, પણ તે લાંબુ ન ચાલી.

આઝાદ ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫ અને ૨૬માં ધર્મ અને ધાર્મિક કાર્યોની સ્વતંત્રતાનો નાગરિકોને અધિકાર મળ્યો. પરંતુ વૈયક્તિક કાનૂનો પણ ચાલુ રહ્યા. બંધારણના ઘડતર વખતે બંધારણ સભાના મુસ્લિમ સભ્યોએ યુનિફોર્મ સિવિલ કોડની  બંધારણમાં જોગવાઈ કરવાનો વિરોધ કર્યો હતો. સમાન નાગરિક ધારાની જોગવાઈને તેઓ મુસ્લિમોના અંગત કાનૂનમાં દખલ ગણાવતા હતા. બંધારણના મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો.આંબેડકરે દેશ આખામાં મુસ્લિમ કાયદો ન તો એકસરખો છે કે ન તો અપરિવર્તનશીલ છે, તેની હકીકતો રજૂ કરી હતી. અંતે રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાતના અનુચ્છેદ ૪૪મા રાજ્યને સમાન નાગરિક ધારો ઘડવાની સત્તા મળી પણ રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત અધિકાર જેવા ફરજિયાત નથી એટલે તેનો અમલ રાજ્યની ફરજ છે, તેને અધિકારની રૂએ અમલીજામો પહેરાવી શકાતો નથી..

બંધારણમાં દેશના જુદા જુદા ધર્મોના વ્યક્તિગત કાયદાઓનો સ્વીકાર છે. આ કાયદા આધુનિક સમાજ સાથે કે તેના સમાનતાના-ખાસ તો સ્ત્રી-પુરુષ સમાનતા- ના ખ્યાલથી ઘણાં દૂર છે. મહિલાઓને  અન્યાયકારી અને તેમને ઉતરતા દરજ્જાની નાગરિક ગણતી જોગવાઈઓ પર્સનલ લોમાં હોવાથી તેનો સવિશેષ વિરોધ થાય છે.

મુસ્લિમ પર્સન લોની શરિયત આધારિત જોગવાઈઓ ઘણી ખટકે તેવી છે. દાયકાઓથી મુસ્લિમ પર્સનલ લોમાં કોઈ મોટા સુધારા થયા નથી. હાલની સરકારે મુસ્લિમોના ભારે વિરોધ છતાં તીન તલાકની જોગવાઈ રદ કરી તે સિવાય ધર્મ સુધારણા અને સમાજ સુધારણાની હવા મુસ્લિમ પર્સનલ લોને અડી જ નથી. મુસ્લિમ વૈયક્તિક કાયદો પુરુષને બહુપત્નીત્વની છૂટ આપે છે, સ્ત્રીને આપતો નથી. મુસ્લિમ પુરુષ એક જ ઈશ્વરમાં માનતી(કિતાબી સ્ત્રી) એટલે કે ખ્રિસ્તી, પારસી અને યહુદી સ્ત્રીને પરણી શકે છે પણ મુસ્લિમ સ્ત્રી તેમ કરી શકતી નથી. વારસા હકમાં પુત્રીને પુત્ર કરતાં અડધો જ હિસ્સો મળે છે. સાક્ષીની બાબતમાં મુસ્લિમ સ્ત્રીને બે સાક્ષી રાખવાની જોગવાઈ છે.

સિરિયન ખ્રિસ્તી કાયદાની જોગવાઈ મુજબ સંપત્તિ હકની બાબતમાં દીકરાદીકરી વચ્ચે ભેદ છે. ૧૯૬૫નો ભારતીય છૂટાછેડાનો કાયદો  ખ્રિસ્તી પતિને માત્ર વ્યભિચારના આરોપસર પત્નીને છૂટાછેડાની મંજૂરી આપે છે પણ ખ્રિસ્તી સ્ત્રીને આવી મંજૂરી આપતો નથી. વડીલોપાર્જિત મિલકત સંબંધિત હિંદુ કાયદામાં પણ દીકરાદીકરી સરખા હકદાર નથી. હિંદુ વિવાહ કાયદો, ૧૯૫૫ આદિવાસીઓને લાગુ પડતો નથી. પારસી કાયદામાં મિલકત અંગે પુત્ર, પુત્રી અને વિધવા પત્ની વચ્ચે ભેદ છે. ઘરડા માબાપનું ભરણપોષણ હિંદુ અને મુસ્લિમ બંને સંતાનોની કાયદેસરની ફરજ હોવાનું હિંદુ સેકશન એકટ જણાવે છે. પણ હિંદુ માટે માતાપિતા હિંદુ જ હોવાની શરત છે, મુસ્લિમ માટે આવી કોઈ શરત નથી. વ્યક્તિગત કાયદાઓની આવી ઘણી વિસંગતતાઓ, ઉણપો અને અસમાનતાઓ સમાન નાગરિક કાનૂનની જરૂરિયાત સ્પષ્ટ કરે છે.

સમાન નાગરિક ધારો દેશમાં એક ઠાલો રાજકીય મુદ્દો જ બની ગયો છે અને તેના ઘડતર માટે કોઈ નક્કર કામ થયું નથી. ૧૯૮૫માં સર્વોચ્ચ અદાલતે  તલાકશુદા મુસ્લિમ સ્ત્રીઓને ભરણપોષણનો હક આપ્યો હતો ત્યારે કોંગ્રેસે  તે ચુકાદાને ઉલટાવી નાંખતો કાયદો ઘડ્યો હતો. રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતોના અનુચ્છેદ ૩૬ થી ૫૧ પૈકી ઘણા અનુચ્છેદોમાં સુધારા, કાર્યવાહી અને અમલ થયાં છે. એકમાત્ર સમાન નાગરિક ધારાનો અનુચ્છેદ ૪૪ જ વણસ્પર્શ્યો છે.

મુસ્લિમ વૈયક્તિક કાયદામાં સુધારાનો વિરોધ મુસ્લિમ કટ્ટરપંથીઓ ધમકીની ભાષામાં કરે છે. તો હિંદુઓનો એક વર્ગ મુસ્લિમોને સબક શીખવવા સમાન નાગરિક ધારાના જાપ જપે છે. આઘાત અને આશ્ચ્રયની વાત તો એ છે કે ૧૯૫૧માં જે વિચારધારાના લોકો અને પરિબળો હિંદુ કોડ બિલના વિરોધી હતા, તે જ હવે યુનિફોર્મ સિવિલ કોડની માંગણીને પોતાની એકમાત્ર રાજકીય માંગણી અને ઓળખ બનાવે છે. જે ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન મુસ્લિમ પર્સનલ લોમાં સુધારા માટે શેરીઓમાં અને સુપ્રીમ કોર્ટ સુધી સંઘર્ષ કરે છે તે પણ સમાન નાગરિક ધારાનો વિરોધ કરે છે. આ બાબતમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કરતાં તે જરાય ઉતરતું વલણ ધરાવતું નથી.

શરિયત આધારિત મુસ્લિમ પર્સનલ લોમાં મૂળ શરિયત કાનૂનનો માંડ વીસ ટકા હિસ્સો જ છે. ત્યારે શરિયત કાનૂનમાં સુધારો શક્ય જ નથી તેમ કહેવું યોગ્ય નથી. ભારતીય બંધારણે ધાર્મિક બહિષ્કારનો ઈસ્લામી કાનૂન રદ કર્યો છે. તીન તલાક રદ કર્યા છે. સ્પેશ્યલ મેરેજ એકટથી શરિયત કાનૂનનો એક ભાગ રદ કર્યો જ છે. મુસ્લિમ હજયાત્રીઓ ભારત સરકારનો વીમો અને સબસિડી મેળવતી વખતે તે શરિયતનો ભંગ છે તે વાત સગવડપૂર્વક વિસરી જાય છે. દુનિયાના અનેક મુસ્લિમ દેશોએ મુસ્લિમ મહિલાઓની તરફેણમાં શરિયત કાયદામાં સુધારા કર્યા છે. એટલે તે અપરિવર્તનશીલ નથી.

સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ પર્સનલ કાયદાઓમાં થયેલા સુધારાઓથી આપણે યુનિફોર્મ સિવિલ કોડની દિશામાં એંસી ટકા જેટલા આવી ગયા છીએ. છતાં સમાન નાગરિક ધારો ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. રિટાયર્ડ જસ્ટિસ બલવીર સિંઘના અધ્યક્ષપણા હેઠળના લો કમિશન ઓફ  ઈન્ડિયાએ ૩૧મી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કન્સલટેશન પેપર ઓન રિફોર્મ ઓફ ફેમિલી લો ભારત સરકારને સુપ્રદ કર્યું હતું. તેમાં કાયદા પંચે સમાન નાગરિક ધારો દેશ માટે આવશ્યક અને ઈચ્છનીય ન હોવાનું મંતવ્ય રજૂ કર્યું છે. લો કમિશને યુનિફોર્મ સિવિલ કોડને બદલે હાલના પર્સનલ કાયદાઓમાં સુધારા કરવાનું સૂચન કર્યું છે. સંવિધાનની છઠ્ઠી અનુસૂચિ અને અનુચ્છેદ ૩૭૧ની જોગવાઈઓ પણ સમાન નાગરિક ધારાની રચના  માટે અડચણરૂપ હોવાનું પંચનું માનવું છે.

ધર્મ નિરપેક્ષતા અને રાષ્ટ્રીય એકતાની દુહાઈ દઈને સાંસ્ક્રુતિક- ધાર્મિક વિવિધતા અને સદભાવના ભોગે સમાન નાગરિક ધારો ન ઘડાવો જોઈએ. વળી  સમાન નાગરિક ધારો એટલે હિંદુ ધારો નહીં, પણ તમામ કોમોના કૌટુંબિક અને વૈયક્તિક કાનૂનોની ઉણપો દૂર કરી આધુનિક અને સભ્ય સમાજને લાયક કાયદો ઘડાય તે સમાન નાગરિક ધારાના ઘડતરની પ્રાથમિક શરત હોવી જોઈએ.જે જમણેરી બળોની પ્રાથમિકતા સમાન નાગરિક ધારો છે તે દેશના આર્થિક-સામાજિક ક્ષેત્રોમાં પ્રવર્તતી ભારોભાર અસમાનતા અંગે કેવા મૌન છે તે પણ વિચારવું પડશે. સમાન નાગરિક ધારા પછી કે તેની સાથે સમાન શિક્ષણ, સમાન આવાસ, સમાન રોજગારથી માંડીને દેશના સંસાધનોની સમાન વહેચણી સુધી જવું પડશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “સમાન નાગરિક ધારો : કેટલો આવશ્યક, કેટલો ઈચ્છનીય?

Leave a Reply

Your email address will not be published.