સોશિઅલ મીડિયા પર વૈજ્ઞાનિક અસત્યો

પરેશ ર વૈદ્ય

થોડા સમય પહેલાં ‘ચિંતન’ નામની એક સામાજિક સંસ્થાએ દિલ્હી અને ગાઝિયાબાદના  ઝૂપડા વિસ્તારોમાં કોરોનાની રસી બાબત એક સર્વે કરાવ્યો. ૪૭૭૪ લોકો જોડે વાત કરી તેમાંથી માત્ર ૭ ટકા રસી (વેક્સીન) લેવા તૈયાર હતા. રસી લેવાની ઈચ્છા ન હોવા પાછળ ત્રણ ચાર કારણો હતાં. પણ ૩૧ ટકા લોકો કોઈ ડરના કારણે ના પાડતા હતા. મૃત્યુનો ડર, નપુસકતા આવવાનો ડર,  તો કોઈને ધાર્મિક કારણ હતું – એવી શંકા હતી કે ગાય ને ડુક્કરના શરીરમાંથી રસી બને છે. આ ડર લાવનાર માહિતી આવી ક્યાંથી? એ લોકોએ આ બધું whatsapp ( વોટ્સઅપ) માં વાંચ્યું હતું. કહે, “ કેમ? આ તો બધા ને ખબર છે!”

વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધખોળો બેધારી તલવાર છે એવું કહેવાય છે તેનું આ સચોટ ઉદાહરણ છે. અગાઉ આ વિધાનના ટેકામાં પરમાણુ શક્તિ અને અવકાશ વિજ્ઞાનના ઉદાહરણ અપાતાં. બંનેના સારા ઉપયોગની સાથે સાથે અણુબોમ અને મિસાઈલ જેવા વિનાશકારી ઉપયોગ પણ છે. પરંતુ એવાં મસમોટાં ઉદાહરણો ની જરૂર નથી. તમારા હાથમાંનો ટચુકડો મોબાઈલ પણ જો ઈન્ટરનેટ થી સજ્જ હોય તો બેધારું શસ્ત્ર છે. ટેકનોલોજીની આ પેદાશ વિજ્ઞાનના નામે ખૂબ અસરકારક રીતે અવિજ્ઞાન ફેલાવી શકે છે. એની વિધાયાક બાજુનો ઇન્કાર નથી; ઘણી ઉપયોગી માહિતી શબ્દશ: આંગળીના ટેરવા ઉપર એ આપે જ છે.  માટે જ તેને બેધારી તલવાર કહીએ.

સોશિયલ મીડિયાના બધા મંચ (platforms – ટ્વીટર, ફેસબુક, વોટ્સેપ ) એક જ સ્થળે, ફોન ઉપર, મળતા હોવાથી એકમાંથી મળેલ માહિતીને બીજા મંચ ઉપર ચડાવવી સરળ થઇ ગઈ છે. લટકામાં વળી કેમેરા ને વિડીયો પણ તે જ સ્થળે મળી રહેતા હોવાથી ઉપજાવી કાઢેલા સમાચાર – fake news- નું ઉત્પાદન અને પ્રસારણ પણ અતિ સહેલાં થઇ ગયાં છે. ઠાલા બેહેલા લોકો અને દાનવી દિમાગ ભેગાં થઇ મજા પણ લે છે અને ઉત્પાત પણ મચાવે છે. એનાથી ઊભાં થતાં સામાજિક અને રાજકીય પરિણામો તો જાણીતા છે. અહી વાત કરવી છે કે કેમ વિજ્ઞાન ના અંચળા હેઠળ આભાસી (psuedo) વિજ્ઞાન ઘુસી જાય છે. બહુ કાળજીથી ઉભા કરેલા વૈજ્ઞાનિક અભિગમ ની સોશિઅલ મીડિયા કેમ ચટાકેદાર ચટણી બનાવી દે છે. એ યોગાનુયોગ હશે કે આવી ગપગોળા પોસ્ટોમાં ખગોળને લગતી ઘણી હોય છે. બે ત્રણ ઉદાહરણ જોવા રસપ્રદ થશે.

મંગળ ચંદ્ર જેવડો

દશેક વર્ષ પહેલા જયારે વોટ્સેપ ન હતું ત્યારે ઇ-મેઈલ ઉપર એક સમાચાર આવતા કે આજે મંગળનો ગ્રહ પૃથ્વીથી બહુ નજીક હોવાથી ચંદ્ર જેવડો મોટો દેખાશે. આવું અમુક તમુક વર્ષો માં એક જ વાર થતું હોય છે એટલે મિસ્સ કરવું નહિ વગેરે. હવે, મંગળ આપણાથી ૩૬ કરોડ કિલોમીટરના અંતરે છે. એનો વ્યાસ ચંદ્ર કરતાં બમણો છે. એટલે જો એ ચંદ્ર જેવડો દેખાવાનો હોય તો એણે છેક પૃથ્વી ને બારણે આવી ને ઉભા રહેવું પડે ; ચંદ્ર કરતાં બમણા અંતરે, એટલે કે માત્ર ૮ લાખ કિલોમીટરે !. એ લગભગ પ્રલયની નિશાની ગણાય. કોઈ એમ દલીલ કરી શકે કે સામાન્ય માણસને આ બધા આંકડાઓ અને ભૂમિતિની ખબર ન હોય  પરંતુ એટલી તો ખબર હોય કે મંગળ વારંવાર પૃથ્વીની નજીક આવતો જ હશે. તો આપણે આપણા જીવનકાળમાં ક્યારેય કેમ આવડો મોટો નથી જોયો કે નથી આપણા માબાપે ક્યારેય એવું જોયાની વાત કરી. અને ગઈ કાલે રાતે ટપકા જેવડો હતો તે એક દિવસમાં કેમ આટલો મોટો થઇ જાય. એ પણ એક રીતે પ્રલયની જ નિશાની કહેવાય ! પણ ફોરવર્ડ કરતી વખતે આટલો બધો વિચાર કરવાનો સમય ક્યા હોય છે. આ દિવ્ય દર્શનથી  મિત્ર વંચિત ન રહી જાય તેની એટલી ચિંતા હોય કે વિચાર પછી, ફોરવર્ડ પહેલા.

ચંદ્ર અને સૂર્ય જોડાજોડ

આ સાથેનું ચિત્ર જુઓ. મારા વોટ્સેપમાં એણે છેલ્લાં બે વર્ષમાં ચાર પાંચ વાર દેખા દીધી છે. કહે છે કે ઉત્તર ધ્રુવ પાસે આવું દૃશ્ય જોવા મળે છે. કોઈ કહે છે સૂર્ય અને ચંદ્ર બંને સાથે દેખાય છે તો કોઈ બે સૂર્ય આકાશમાં દેખાવાનું કહી મોકલે છે.  બે સૂર્યની વાત તો માનસિક રોગી સિવાય કોઈ ન માને એટલે તેને છોડી ને સૂર્ય – ચંદ્ર સાથે દેખાવાની વાત ને વિજ્ઞાનની મદદથી તપાસીએ. શાળાનું વિજ્ઞાન યાદ કરો તો પૂર્ણિમાને દિવસે સૂર્ય ને ચંદ્ર સામસામા હોય અને વચ્ચે પૃથ્વી હોય. બાકીના દિવસોએ ચંદ્ર આખો નહિ પરંતુ કળામાં દેખાય એટલે કે અર્ધ ચંદ્રાકારની વિવિધ માત્રામાં દેખાય.

અહી ચિત્રમાં ચંદ્ર આખો દેખાય છે એટલે એ પૂર્ણિમાનો ચન્દ્ર છે એ તો ચોખ્ખું છે. અને સૂર્ય પણ સામો દેખાય જ છે. સ્વાભાવિક છે કે સૂર્ય ચંદ્ર કરતાં ઘણો દૂર હોવાથી તેના પાછળ હશે. તો ચંદ્રની અંધારી બાજુ આપણી સમક્ષ હોવી જોઈતી હતી, જેવું અમાસના દિવસે બને છે. તેને બદલે ચંદ્ર તો ચમકે છે; તો એ   શાના પ્રકાશથી ચમકે છે? પૂનમના દિવસે સૂર્ય આથમે ત્યારે ચંદ્ર ઉગે છે, તેથી આકાશમાં બંને સાથે દેખાવાનો પ્રશ્ન નથી પરંતુ ચંદ્રની કક્ષા સૂર્ય ફરતે પૃથ્વીની કક્ષાના સમતલથી થોડે ખૂણે હોવાથી થોડી ક્ષણો માટે બંને સાથે હોઈ શકે, ખાસ કરી ને ઉત્તર ધ્રુવ ઉપર અમુક સંયોગો માં તેવું વધારે સમય માટે બની શકે. તો પણ બંને પિંડો આંખની એક જ દિશામાં ન હોઈ શકે. સિવાય કે ફોટોશોપની મદદથી !

આ પ્રકારના વિસંવાદી સંદેશ આવે ત્યારે સામાન્ય રીતે હું મોકલનારને ટીપ્પણી સાથે પાછો મોકલી વિનંતી કરું છું કે આ સમજુતી ( કે રદિયો!) એ તેને મોકલનાર તરફ મોકલે. અને તે રીતે પાછળ ને પાછળ સંદેશ જવા દેવા વિનંતી કરે. જેથી તેને બનાવનાર ને ખ્યાલ આવે કે લોકો ને મૂર્ખ બનાવવાનો આનદ તેને નથી મળ્યો. પરંતુ એટલી મહેનત કોઈ કરતુ નથી અને ફરીથી એ નો એ જ મેસેજ ત્રણ ચાર મહીને ફરીથી     Inbox માં બીજે ક્યાંકથી આવે છે!

ઇન્ટરનેટ ના જમાનાનું નવું ફીતુર છે ‘બ્લુ મૂન’.ચંદ્ર જયારે પૃથ્વીથી સૌથી નજીક હોય ત્યારે જ જો પૂર્ણિમા આવતી હોય તો તે ચંદ્ર ને ‘બ્લુ મૂન’ કહે છે. તે દિવસે ઉગતો ચંદ્ર જોવાની ભલામણ માત્ર વોટ્સેપ નહિ, ટીવી ચેનલો પણ કરે છે. ( આજથી દશ વર્ષ અગાઉ બ્લુ મૂન વિષે સાંભળ્યું હતું?) હકીકતમાં સૌથી દૂરના અને સૌથી નજીકના ચંદ્રની સાઈઝમાં તફાવત કરવો માણસ માટે અસંભવ છે. આકાશી પિંડોનો વ્યાસ લંબાઈના એકમમાં નહિ પણ કોણથી મપાય છે, આપણી આંખ પાસે ચંદ્રનું બિંબ અરધા અંશનો ખૂણો બનાવે છે. ( જુઓ ચિત્ર) એક અંશ ના ૬૦ ભાગ કરો તો તેને મિનીટ કહે છે. તેને ૬૦’ એ રીતે દર્શાવાય છે. હવે નજીકનો ચંદ્ર ૩૩’નો અને દૂરનો ચંદ્ર ૨૯’ નો ખૂણો બનાવે છે. આ તફાવત નરી આંખે જાણવો અશક્ય છે. વાત રહી બ્લુ મૂન મોટો દેખાવાની. તો ઉગતા અને આથમતા સૂર્ય અને ચંદ્ર મોટા જ દેખાય છે. પૂનમને દિવસે બિંબ પુરૂ ગોળ હોવાથી આભાસ વધુ નોધપાત્ર બને છે.

ઇન્ટરનેટથી દુનિયા નાની થઇ ગઈ છે. એટલે આવા કુતર્કો આખી દુનિયામાં ફરે છે. ૨૧ ડીસેમ્બર ૨૦૧૨ના દિવસે દુનિયાનો અંત આવવાનો હતો. એ માત્ર ભારતમાં નહિ આખા વિશ્વમાં ફરતી અફવા હતી.     લગભગ બધાને જ ખાતરી હતી કે બાવીસમી તારીખે સવારે  જીવતા જ જાગવાના છીએ તે છતાં મહિનાઓ સુધી આ ફોરવર્ડએ લોકોનો સમય અને બેટરીનો ચાર્જ બરબાદ કર્યા! પરંતુ કેટલુક આપણું પોતાનું – ભારતનું – પણ છે.

રસોડામાં મળતા મસાલાઓ ના વિવિધ ગુણધર્મો અને કેન્સરના દેશી ઈલાજો એ આપણી આગવી ખાસિયત છે. ડૂબતો માણસ તરણું ઝાલે તેમ કોઈ આખરી તબક્કે આવા ઉપાય કરે તેનો વાંધો નહિ પરંતુ ખરો ઈલાજ કરવાને બદલે આની પાછળ વખત કાઢી નાખે તો તેનું પાપ સંદેશો મોકલનારને માથે રહે. આજે જ મારા ઇન-બોક્ષમાં મરાઠીમાં આરોગ્યને લગતી શિખામણો નું લાબું લીસ્ટ છે તેમાંથી બે સેમ્પલ : રાત્રે મોડા જમવાથી આંતરડાંનું  કેન્સર થઇ શકે છે, અને માસિક પાળીમાં ચા ન પીવી.

નવી ટેકનોલોજીએ જેમ ઊંચનીચના ભેદ મિટાવ્યા છે તેમ ભણેલા અને અશિક્ષિતના ભેદ પણ ભુંસી નાખ્યા છે. જેને ટાઇપ કરતાં આવડતું હોય તેવી બધી વ્યક્તિઓ એક જ લેવલે છે. ધારે તે લખી કે ઉપજાવી શકે છે. પોતામાં આત્મવિશ્વાસ ન હોય તો ગાંધી કે આઈનસ્ટાઇનના નામે ચડાવી શકે છે. એક વાર ‘નાસા’એ અવકાશમાંથી મહાભારતના યુદ્ધના અવાજો એકઠા કર્યા હતા તે કોઈ નેટ ઉપર સંભળાવતું હતું. તેનું વિસ્તૃત વિશ્લેષણ (કે એ કેમ અશક્ય હતું) વેબ ગુર્જરીના પાનાઓ ઉપર શ્રી દીપક ધોળકિયા એ કર્યું હતું.

એવું નથી કે અશિક્ષિતો કે અલ્પશિક્ષિતો જ ચપળ ફોરવર્ડથી ભોળવાઈ જાય છે. ઘણી વાર આવા સંદેશાઓ પૂરા શિક્ષિતો – વિજ્ઞાન અને ઇજનેરીના સ્નાતકો- દ્વારા ફોરવર્ડ થઇ ને આવતા હોય છે. વિજ્ઞાનના શિક્ષણથી માણસ વૈજ્ઞાનિક બની જાય તેવી અપેક્ષા કોઈ નથી કરતુ. પરંતુ એ શિક્ષણથી તાર્કિક અને અતાર્કિક વચ્ચેનો ભેદ કરવાની ક્ષમતા તો મળવી જોઈએ.


ડો . . પરેશ ર વૈદ્યનોનો સંપર્ક  prvaidya@gmail.com    વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

4 thoughts on “સોશિઅલ મીડિયા પર વૈજ્ઞાનિક અસત્યો

 1. બહુ જ વિસ્તૃત અને જાણકારીભર્યો લેખ. મને પણ આવા fake સમાચાર આવતા હોય છે અને તમે કહ્યું તેમ હું પણ મોકલનારને તેની જાણ કરૂ છું પણ આગળની રામ જાણે.

 2. સૌ પ્રથમ તો પરેશભાઈ જેવા લેખક આપણી પાસે છે તે બદલ વેબગુર્જરીને અભિનંંદન આપીએ છીએ. મોટાભાગના ફોર્વવડિયાઓ સાચુખોટુ જાણ્યા વિના ફોરવર્ડ કરી નાખતા હોય છે કેટલાકને તો ખ્યાલ હોય છે કે ખોટુંં છે કે સાચુ હોવા બદલ શંકા હોય તો પણ ફોરવર્ડ કરવામાં શું વાંંધો છે એમ માનતા હોય છે. જેને મેસેજ મળે તેમને તો પૂરેપુરો ખ્યાલ હોય છે કે ખોટું છે પણ જેમ લોકો માનતા હોય છે કે આપણા દેશમાં તો આવું ચાલે જ એમ વોટેસેપમાં તો બધું આવું જ હોય તેમ સમજીને ચલાવી લેતા હોય છે. જો આપણને મળેલા મેસેજ અંગે મોકલનારને પડકારવામં આવે તો તે હતોત્સાહ થઈ જાય છે . ઓછામું ઓછુ આપણને તો ફરીને ના જ મોકલે. વોટેસપ ગૃપનો એડમિન જો જાગૃત હોય અને મેસેજો પર નિયંત્રણ રાખે તો ફરક પડતો જ હોય છે. પરંતુ આપણી જમાના જૂની માનસિકતા કે ટકોર કરવાથી કોઈને ખોટું લાગશે તેમાંથી મુક્ત થતા નથી હોતા આપણી પ્રત્યક્ષ વાતચીતમાં જો કોઈ મિત્ર ગપ્પા મારતો હોય તો કહી દઈએ છીએ કે ભ‌‌ઇલા તું થોડુંં વધારે હાલી ગયો એવું જ સોશિયલ મિડિયામાં કરી શકાય. જો કે ઘણા લોકો આદતને વશ અભાનપણે ખોટું બોલી નાખતા હોય છે અને ખોટું સાંંભળી લેતા હોય છે.

 3. મારા જ મનના વિચારો

  ૨૫૨૦ વાળી વાત પંદરથી વધારે વખત મારી પાસે આવી. અમુક મોકલનારા માસ્ટરની ડીગ્રી ધરાવે છે !
  ————-
  હળવા મિજાજે –
  ૨૦૫૦ માં કદાચ એમ બને કે, સમસ્ત માનવજાતનો જો માળ ખરેખર ખાલી થઈ ગયો હોય !

Leave a Reply to Niranjan Mehta Cancel reply

Your email address will not be published.