રોબર્ટ ફ્રોસ્ટની જાણીતી કવિતા Fire and Iceનો ગુજરાતી અનુવાદ

અમેરિકન મહાન કવિ શ્રી રોબર્ટ ફ્રોસ્ટની જાણીતી કવિતા Fire and Iceનો ગુજરાતી અનુવાદ આપણા બે મહાન કવિઓએ કર્યો છે. વિશ્વના પ્રલયની ચર્ચા સદીઓથી ચાલતી આવી છે. કદાચ એના ઉત્પત્તિ કાળથી! રોબર્ટ ફ્રોસ્ટના સમયમાં આ ચર્ચા એની ચરમ સીમા પર હતી કે દૂનિયાનો નાશ આગથી થશે અથવા તો બરફથી. આ દ્વંદ્વોના બંને છેડા વિનાશક છે અને પ્રલય લાવવા સક્ષમ છે એ અર્થ તો આમાં છૂપાયેલો જ છે પરંતુ સૂક્ષ્મ અર્થ એ પણ છે કે, આગ અને બરફની જેમ જ રાગ અને દ્વેષ પણ એટલાં જ કાતિલ છે. કવિએ એવું કંઈપણ કહ્યા વગર એને વાચકના ભાવવિશ્વ પર છોડી દીધેલ છે. ઉમાશંકરભાઈએ કહ્યું છે તેમ “કવિતા આહલાદમાં આરંભાય અને પૂર્ણાહુતિ પામે શાણપણમાં”. આ કૃતિ તે વિધાનની યથાર્થતાની સાબિતી છે. 
મૂળ કવિતા અને બંને અનુવાદઃ  ૧) કવિ શ્રી ઉમાશંકર જોશી અને ૨) શ્રી નિરંજન ભગત.

અત્રે  પ્રસ્તૂત છે.

Fire and Ice

                                                                                                          —- Robert Frost

Some say the world will end in fire,
Some say in ice.
From what I’ve tasted of desire
I hold with those who favor fire.
But if it had to perish twice,
I think I know enough of hate
To say that for destruction ice
Is also great
And would suffice.

ગુજરાતી અનુવાદઃ

                               ૧) 

કોઈ કહે : દુનિયાનો થાશે પ્રલય આગ થકી.
કહે કોઈ : હિમથી.
મને કાંઈ જે સ્વાદ કામના તણો મળ્યો તે પરથી
સાચા લાગે આગ પક્ષના નકી.
પણ બે વાર પ્રલય દુનિયાનો થાવો હોય કદી,
તો મુજને થતું પરિચય દ્વેષનો મને એટલો છે
કે કહી શકું : લાવવા અંત
હિમ પણ છે પ્રતાપવંત
ને પૂરતું નીવડશે.

                                       કવિ શ્રી ઉમાશંકર જોશી

                                          ૨) 

કોઈ કહે જગતનો પ્રલય અગ્નિથી, વળી
કોઈ કહે હિમ થકી, પણ કામનાનો
જે કૈં મને સ્વાદ મળ્યો છે એથી
લાગે જ સાચા સહુ અગ્નિ પક્ષના.
બે વાર જો જગતનો લય હોય થાવો
મેં દ્વેષ કૈં અનુભવ્યો બસ એટલો કે
કહી શકું હું હિમ પણ સમર્થ

વિનાશને કાજ, હશે જ પૂરતું.
                                                        કવિ શ્રી નિરંજન ભગત

વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “રોબર્ટ ફ્રોસ્ટની જાણીતી કવિતા Fire and Iceનો ગુજરાતી અનુવાદ

  1. ” આગ અને બરફની જેમ જ રાગ અને દ્વેષ પણ એટલાં જ કાતિલ છે. ” “કવિતા આહલાદમાં આરંભાય અને પૂર્ણાહુતિ પામે શાણપણમાં”.

  2. ગુજરાતનાં બંને મહાન કવિઓઑ શ્રી ઉમાશંકર જોશી અને શ્રી નીરંજન ભગતનો અનુવાદ ગુજરાતીમાં વાંચવાની જેમ મઝા પડી તેમ મૂળમાં કવિ રોબર્ટ ફ્રોસ્ટની મૂળ અંગ્રજી આ કવિતા ‘Fire and Ice’ પહેલી વાર વાંચી અને ગમી.

Leave a Reply

Your email address will not be published.