નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૨૮

જોઉં તો ખરી કે વેરની વસૂલાતનો સંતોષ કેવો હોય?

નલિન શાહ

શનિવારે રાજુલ ને સાગર એમના પુત્ર કરણને લઈને આવી પહોચ્યાં. સાથે સાગરનો આસિસ્ટન્ટ પણ હતો. ગાડીમાંથી ઊતરીને રાજુલ શશીને વળગી પડી. એની ભીંસ એટલી મજબૂત હતી કે જોર કરવા છતાં શશી છોડાવી ન શકી. રાજુલે રડમસ અવાજે પૂછ્યું ‘પહેલાં મને કહે દીદી કે તેં કોઈ ગેરસમજ નથી કરીને કે તેં મને પેલી ઘમંડીની હરોળમાં તો નથી મૂકી ને? તું એમ તો નથી ધારી બેઠી ને કે હું તને ને બા-બાપુને નીચું જોવા જેવું કરી રહી છું?’

તું સવાલોની ઝડી જ વરસાવ્યા કરીશ કે મને જવાબ આપવાની પણ તક આપીશ?’ શશીએ એની ભીંસ છોડાવતાં કહ્યું. ‘પહેલાં જરા હાથ-મોં ધોઈ ફ્રેશ થા. પછી નિરાંતે વાતો કરીશું. આ ટેણિયાને મને આપી દે પહેલાં.’ એણે કરણને કેડમાં લેતાં કહ્યું ને શાંતિથી આ દૃશ્ય નિહાળી રહેલા સાગરને ઉદ્દેશીને કહ્યું, ‘જોઈ આ તમારી પત્ની? આવીને સીધો એટેક કરે છે, તમને આવકારવાનો મોકો પણ નથી આપતી.’

‘મને કોઈ આવકારની જરૂર નથી,’ સાગરે હસતાં કહ્યું, ‘ને આવું દૃશ્ય જોવું એ પણ એક લ્હાવો છે.’ સાગરે કોઈ પણ ઔપચારિકતાની વાટ જોયા વગર કહ્યું ને ભીંત પાસે પાથરેલી સાદડી ઉપર તકિયાને અઢેલીને આડો થયો, ‘પહેલાં ચા પાવ. પછી હાથ મોં ધોઈશ.’

ફ્રેશ થઈને સાગર એના આસિસ્ટન્ટની સાથે ઘરના નિરીક્ષણમાં વ્યસ્ત થઈ ગયો. શશીએ બાબાને દૂધ પાઈ એની દીકરીની સાથે રમવા નીચે મૂક્યો ને રાજુલે શશીની સાથે રસોડામાં રસોઈની તૈયારી કરતાં વાતનો સીલસીલો શરૂ કર્યો, ‘હું સાચે જ ખુશનસીબ છું કે મને એવું કુટુંબ મળ્યું છે કે જેઓએ હંમેશાં મારી ખુશીનો ખ્યાલ રાખ્યો છે ને મારી ખુશી તમારી બધાની ખુશીમાં સમાયેલી છે.’

શશી શાંત વદને સાંભળી રહી. એણે પ્રેમથી રાજુલને માથે હાથ મૂકી કહ્યું, ‘ચિંતા ના કરતી, હું તારી કોઈ વાતની આડે નહીં આવું. મને ખાતરી છે કે તું કદી એવું નહીં કરે જે થકી અમારે કોઈએ પણ લજાવું પડે.’

‘દીદી, તને જો ઘરના જીર્ણોદ્ધારની બાબતમાં માનહાની જેવું લાગતું હોય ને કેવળ મારા આગ્રહને વશ થઈ નમતું જોખતી હોય તો ઘડીભર વાતને મારી દૃષ્ટિથી જોવા પ્રયત્ન કરજે. તું ને બા-બાપુ તમારાં જર્જરીત ઘરોમાં ભલે સુખનો અનુભવ કરતાં હોય પણ મહેલ જેવા બંગલામાં રહી તમારા એ કલ્પિત સુખને હું જીરવી શકતી નથી. મને ગુન્હેગાર હોવાની પ્રતીતિ થાય છે. તમારે એમ માનવાનું કે હું જે કરું છું એ મારા સુખ-ચેન માટે કરું છું. મારા પર એટલો ભરોસો રાખજે કે હું જે કહું છું એમાં અસત્યનો અંશ જરા પણ નથી. આપણાં બે ઘરોની બાબતમાં હું જાતે નિર્ણય લઈને ચિંતા મુક્ત થઈ શકી હોત. કારણ પૈસાની વાતમાં સાસુએ મને પૂરો અધિકાર આપ્યો છે. હું કોઈને જવાબ આપવા બંધાયેલી નથી. છતાં મારા પિયર માટે પૈસા ખર્ચવાની બાબતમાં મને સંકોચ થતો હતો. શક્ય છે કે મમ્મી મારી દુવિધા કલ્પી ગયાં હોય એ પણ શક્ય છે કે એમના મનમાં પણ આ ઘરોને નવું રૂપ આપવાનો વિચાર પહેલેથી હોય! તને યાદ હોય તો જ્યારે પહેલી વાર અહીં આવ્યાં હતાં ત્યારે એમના ચેક સ્વીકારવા તું અચકાતી હતી ત્યારે એમણે કહ્યું હતું કે “સાગરનો પ્લાન તો આથીય  વધુ ભવ્ય હતો ને ટૂંક સમયમાં અમલમાં મૂકશે.” એમણે જ આ વાત કરી હતી. એમની ઉદારવૃત્તિથી તો તું સારી રીતે વાકેફ છે. પણ તમને સંકોચ જેવું ના લાગે એટલે મને વચ્ચે નાખી કે હું તમારા પર દબાણ લાવી શકું. પછી મને બીજો વિચાર આવ્યો. મમ્મીએ બે-ત્રણ વાર વાતવાતમાં ટકોર કરી હતી કે એમને અહીંનું વાતાવરણ બહુ જ ગમ્યું હતું ને તારો સાથ એથીયે વધુ. એટલે મુંબઈના ધમાલિયા વાતાવરણમાંથી છૂટવા માટે વારેવારે અહીં આવવા માંગતાં હતાં. હવે જો સાચે જ એમનો એ વિચાર અમલમાં મૂકવા માંગે તો એ તો ના બોલે પણ મારી એ વિચારવાની ફરજ છે કે જે સગવડોથી એ ઘરમાં ટેવાયેલાં છે એ થોડે ઘણે અંશે એમને ગામમાં પ્રાપ્ત થાય ને સાથે સાથે એમના થકી તને કે બા બાપુને થતી કોઈ પણ પ્રકારની અગવડની ચિંતા ના કરવી પડે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે બંને ઘરોને નવો ઓપ અપાય. એમને એશઆરામ કે વૈભવની લાલસા નથી. એમને ચિંતા છે તો કેવળ એટલી જ કે તમારી સગવડ સાચવીને એમની છૂટથી સૂવા-બેસવાની ને ન્હાવા-ધોવાની વગેરે મૂળભૂત જરૂરિયાતો સચવાઈ રહે અને સાથે સાથે બહારની ખાલી જગ્યાને વધારે રમણીય બનાવી શકાય. હું જે કરવા ધારું છું એ એમની સંમતિ જ નહીં, પણ આડકતરી રીતે કરી રહેલા આગ્રહથી કરું છું જેમાં એમનો જ નહીં પણ મારો પણ સ્વાર્થ સમાયેલો છે.’

‘મારી આ ઢીંગલી કેવળ કલામાં જ નહીં, પણ વાતને સચોટ રજૂઆત કરવામાં પણ કેટલી હોશિયાર થઈ ગઈ છે!’ આ વિચારે શશીએ મનમાં આનંદની લાગણી અનુભવી.

થોડી વાર થંભીને રાજુલ બોલી, ‘તેં મારે માટે ઘણો ભોગ આપ્યો છે; એક વધારે આપી દે ને, બા-બાપુને પણ સમજાવજે કે મને મારું ધાર્યું કરવા દે. બીજું, બાળકોની જિંદગીનો એ વિચાર કરવાનો છે. ભવિષ્યમાં ભણતર, વ્યવસાય કે લગ્નના કારણે સ્થળાંતર કરે તોય વાર-તહેવારે અહીં આવવું ગમે. એ ત્યારે જ બને જ્યારે બંને ઘરો આરામદાયક ને સગવડવાળાં હોય. બા-બાપુને પણ પાછલી ઉંમરે સુખનો અનુભવ થાય. આખરે એ ઘર પણ તારું જ છે ને.’

શશી વાતનો વિરોધ કરવાનો વિચાર કરે એ પહેલાં જ રાજુલ એને બોલતી અટકાવતી હોય એવી રીતે હાથ ઊંચો કરી બોલી, ‘હવે એમ ના કહેતી કે પાલણનું એ ઘર મારું પણ છે. હું તારી તરફેણમાં મારો હક જતો કરું છું. હું તો કહીશ કે અત્યારથી જ બાપુ એ ઘર તારા નામે કરી દે. જોઉં છું પેલી કાળમુખી શું કરે છે. એને પહોંચી વળવા હું એકલી પૂરતી છું. ક્યારેક ને ક્યારેક તારા ઘોર અપમાનનો બદલો ના લઉં ત્યાં સુધી હું જંપવાની નથી.’

‘રાજુ, મહેરબાની કરીને બહેનની વાત તું હવે મગજમાંથી કાઢી નાખ. બદલાની ભાવના આખરે આપણને જ વ્યથિત કરે છે.’

‘હું મારું અપમાન માફ કરું, તારું નહીં ને તું પાછી એને બહેન કહે છે! હવે જે છે એ અમારી બેની વચ્ચે છે. તું દખલગીરી ના કરતી.’ રાજુલે ગુસ્સાથી કહ્યું.

‘બહુ જીદ્દી થઈ ગઈ છે તું.’

‘ખોટું છે કાંઈ? તેં જીદ કરી મને આગળ ભણાવી; હવે મારી જીદ છે એને ઠેકાણે લાવવાની.’

‘શું મળશે?’

‘સંતોષ. જોઉં તો ખરી કે વેરની વસૂલાતનો સંતોષ કેવો હોય?’

રાજુલે હસીને વાતને પૂર્ણવિરામ આપ્યો.

મકાન અને આજુબાજુની ખાલી જગ્યાનું નિરીક્ષણ કર્યા બાદ સાગરએ નિર્ણય લીધો કે મરમ્મત કરવા કરતાં એ ઇમારતને જમીનદોસ્ત કરી નવું બાંધકામ કરવું વધારે યોગ્ય હતું. બહાર બગીચાની પણ વ્યવસ્થા થાય અને મકાન થોડું વધારે વિશાળ ને સગવડવાળું બને. એક માળ વધારે લેવાય ને ટેરેસ પણ એની ભવ્યતામાં વધારો કરે. શશીના કહેવાથી એણે એક વસ્તુની ખાસ તકેદારી જણાતી કે એને અદ્યતન બનાવતા બંગલા કે હવેલીનું રૂપ ના અપાય. એણે એના સહાયકને જરૂરી સૂચનાઓ આપી કે શશીના રાજાપુર અને રતિલાલના પાલણના મકાનોનું કામ એક પછી એક ત્વરિત પગલે હાથમાં લે ને ખર્ચાની પરવા કર્યા વગર ગામના અને આજુબાજુના કારીગરો લઈ ઝડપથી તૈયાર કરે.

બીજે દિવસે રાજુલે જવાની તૈયારી કરી ત્યારે એણે શશીને કહ્યું કે મકાન તૈયાર થાય પછી કરણને લઈ બંને ગામોમાં ત્રણ-ત્રણ ચાર-ચાર દિવસો ગાળશે. મમ્મી કદાચ વધુ રહે તો કહેવાય નહીં. શશીએ એને ગાલ પર ચૂંટી ભરી શરારતભર્યા અંદાજમાં કહ્યું ‘આખરે તેં વાઘણને પીંજરામાં કેદ કરી ખરી.’

‘ના’ રાજુલે હસીને કહ્યું ‘આ વાઘણને કોઈ કેદ ના કરી શકે. મેં તો કેવળ એને શાકાહારી બનાવી.’

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.