અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અરે! પંકજ ગયો!


દર્શા કિકાણી

૦૨/૦૭/૨૦૧૭

સવારે છ વાગે ઓચિંતી મારી આંખ ખૂલી ગઈ. રાજેશ ઝડપથી ઊઠીને નીચે જતા હતા. કંઈક અમંગળ થયું હોય તેવું લાગ્યું. હું બ્રશ કરી ધીમેથી નીચે ગઈ તો નિખિલભાઈ, દિલીપભાઈ અને રાજેશ, ત્રણે સોગિયા મોઢે હિંચકા પર બેસી ગુસપુસ વાતો કરતા હતા. તેમના મિત્ર પંકજભાઈ અમદાવાદમાં છેલ્લા એકાદ માસથી માંદા હતા અને હોસ્પિટલમાં હતા. રાજેશ રોજ સાંજે યુનિવર્સિટીથી પાછા આવતા બે કલાક ત્યાં થઈને  જ આવતા. અમે અમેરિકા આવવા નીકળ્યાં તેના અઠવાડિયા પહેલાં તેમને ઘરે લઈ આવ્યા હતા અને અમે તેમને ઘેર મળી પણ આવ્યાં હતાં. તેમના ભાઈ, પુત્ર અને મિત્રોએ મળીને હોસ્પિટલની હાજરી માટે સારું સમયપત્રક બનાવી દીધું હતું. બધા પોતાની અનુકૂળતા મુજબ હાજર રહી તેમને કંપની આપતા. તેમની તબિયત બરાબર રહેતી ન હતી પણ આમ આટલાં જલદી જતા રહેશે તેવું લાગતું ન હતું.  ૧લી જુલાઈએ મોડી રાત્રે તેમણે છેલ્લા શ્વાસ લીધા. રીટા અને ભાર્ગવી પણ નીચે આવી ગયાં. સમાચાર સાંભળીને મિત્રો અને મિત્ર-પત્નીઓ ગમગીન થઈ ગયાં હતાં.

આમ તો પ્રોગ્રામ મુજબ આજે દિલીપભાઈની વર્ષગાંઠ નિમિત્તે સવારના નાસ્તામાં ફાફડા-જલેબીનો ઓર્ડર આપ્યો હતો. અમેરિકામાં પણ હવે રવિવારે કે રજાના દિવસે સરસ ગરમ ગરમ ફાફડા-જલેબી મળે છે! ઓર્ડર આપ્યો હતો એટલે નિખિલભાઈ લેવાં તો ગયા પણ જઈને દુકાનદારને ઘરની દુઃખદ પરિસ્થિતિ સમજાવી. તેણે તરત જ કહ્યુંકે, જલેબી લેવાં માટે કોઈ આગ્રહ નથી. તેઓ ફક્ત ફાફડા લઈને ઘરે આવ્યા અને બધાંએ ગુપચુપ નાસ્તો કરી લીધો.

બધાં પંકજભાઈ સાથે ગાળેલા પ્રસંગો યાદ કરી કરીને દુઃખી થયાં કરતાં હતાં. કોઈનું મન લાગતું ન હતું. શું કરવું તે ખબર પડતી ન હતી. અમેરિકાના મિત્રોના પણ ફોન આવ્યા કરતા હતા. બધાં એ નક્કી કર્યું કે બરાબર દસ વાગે એક પ્રાર્થના સભા જેવું કરીએ. પોતપોતાને ઘેરથી બધાં ઓનલાઈન કોનકોલથી કનેક્ટ થાય.

અમે બધાં નાહી-ધોઈ તૈયાર થઈ નિખિલભાઈના બેડરૂમમાં મંદિર બનાવ્યું છે ત્યાં એકઠાં થયાં. દીવો કર્યો, અગરબત્તી કરી અને પછી બધાં મિત્રોને કોનકોલમાં લઈ પ્રાર્થના કરી અને ભજનો ગાયાં. પંકજભાઈ એ જયેન્દ્રભાઈના ઘણા સારા મિત્ર. તેમને બહુ દુઃખ થાય તે સ્વાભાવિક હતું.  વળી તે ઓર્લેન્ડોમાં એકલા હતા. તેમણે પણ અમારી સાથે ભક્તિ કરી અને થોડી યાદો શેર કરી.

આખો દિવસ ગમગીની અને ભારમાં જ ગયો. કંઈ કરવાનું મન થાય નહીં. છેક સાંજે નિખિલભાઈની ટાઉનશીપમાં જ ચાલવા નીકળ્યાં. બહુ સરસ ટાઉનશીપ છે. મોટા બંગલાઓ, દરેક ઘરની બહાર સુંદર બગીચો, સુંદર અને ચોખ્ખા રસ્તાઓ …. ટાઉનશીપમાં જ તેમનું ક્લબ હાઉસ છે. રમતગમતનાં સાધનો, સ્વીમીંગપુલ, ટેનીસ કોર્ટ…. વગેરેની સુવિધાઓ પણ છે. ખાવાપીવાની વ્યવસ્થા પણ છે. એન્ટ્રી પાસે જ સરસ તળાવ અને ફુવારા છે. અમે  ફુવારા પાસે જઈ બેઠાં તો થોડી ઠંડક થઈ.

રીટા, ભાર્ગવી અને હું ત્યાંથી જ શોપિંગ માટે નીકળી ગયાં. પહેલાં વોલમાર્ટમાં ગયાં અને પછી કોસ્ટકોમાં ગયાં. વસ્તુઓની ગોઠવણી જોવાની બહુ મઝા આવી. જાતજાતનાં અને ભાતભાતનાં પ્રોડક્ટ્સ મળે. દુનિયાભરની વસ્તુઓ મળે. ભાવ પણ વાજબી હોય. જરૂર વગર કેટલી બધી ખરીદી કરી લીધી. વર્ષો પહેલાં ભારતમાં અમુક લક્ઝરી અને બ્રાન્ડેડ વસ્તુઓ ઓછી મળતી પણ હવે તો અમદાવાદમાં જે જોઈએ તે મળી રહે છે. વળી મને આમ પણ શોપિંગનો કંટાળો, એટલે મારે માટે તો શોપિંગ ન છુટકે કરવામાં આવતી પ્રવૃત્તિઓમાંની એક. પણ રીટાને બહુ મન હતું એટલે એણે સારી એવી ખરીદી કરી.

ઘરે આવીને જમ્યાં બાદ પુરુષવર્ગને અમારી ખરીદી બતાવી તો તેઓ પણ ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે અમુક વસ્તુ વધારે લીધી હોય તો ત્યાં મિત્રો કે કુટુંબીઓને આપવા ચાલશે. જમીને અમે ફરી પાછાં કોસ્ટકોમાં ગયાં. નજીકમાં જ એક ડોલર શોપ હતી. એક ડોલરમાં વળી શું મળે? એવી જિજ્ઞાસામાં અંદર ગયાં તો ઢગલો ચાઈનીસ વસ્તુઓ લઈને બહાર આવ્યાં! રીટાની ખરીદી એટલી વધી ગઈ કે તેમની બેગમાં સમાય તેમ ન હતું. અમારી એક બેગમાં તેનો સામાન ગોઠવ્યો તો પણ હજી કેટલી બધી વસ્તુઓ બહાર રહી ગઈ હતી ! સવારે કંઈક કરીશું એમ વિચારી અમે સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

9 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અરે! પંકજ ગયો!

 1. Well described. Wonderful tribute to Our beloved Pankaj. May God bless the departed soul to be in peace, or shall I say ” Happy-Happy” as he always used to say, wherever he is. Even during his last days, I have always heard him saying Happy – Happy…

  1. Yes, Bharatbhai! A big loss for the friends! And look, how the friends responded to this grave situation!

 2. Thank you for sharing and caring for our departed friend Pankaj as you almost finished your USA tour! I sure miss him and his smile!
  Thank you.
  Amrish

 3. દર્શા,
  સારી શ્રધ્ધાંજલિ આપી પંકજ ભાઇને. અમેરિકામાં કોસ્ટકો માં ખરીદી ની પણ મજા છે. જથ્થાબંધ ખરીદી કરવાનો લ્હાવો કંઇ ઔર છે. પ્રવાસ પુરો થવાની આરે ખરીદી કરવાની મજા ખાસ તો છે જ.

 4. We lost our beloved friend, Pankaj. He was my brother in all aspects. I miss him a lot.
  Luckily R2D2 finished the memorable trip to USA at that time.
  Yes, it was a wonderful tribute to him. May God bless his departed soul. He had a smiling face and “says Happy” at all times, even though he was going through a tough time, health wise and personal life.
  Mala & Jayendra

  1. Thanks, Mala and Jaybhai! Pankajbhai was a wonderful human being. We lost him little too early. May God bless him! I know, you were best friends and friendship is eternal. He will live in your heart for ever!

 5. I do have fond memories of Pankaj and his helping nature from my last visit. In a way it was nice to be together and pay tribute to him.
  Naina and myself are throughly enjoying and reliving the experience of your visit. Too bad it is going to end soon.

Leave a Reply

Your email address will not be published.