પર્યાવરણની જાળવણી વ્યક્તિગત સ્તરે પણ કરી શકાય

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

પર્યાવરણને જાળવવાની વાતો અનેક થાય છે, કેટકેટલા કાર્યક્રમો ઘડાય છે, આખું ને આખું મંત્રાલય પર્યાવરણ માટે ફાળવવામાં આવેલું છે. પણ પર્યાવરણને લગતા જે કંઈ અભ્યાસ થાય એમાં સતત એ દહેશત વ્યક્ત કરાતી રહે છે કે પર્યાવરણનો વિનાશ ઝડપભેર થઈ રહ્યો છે. વિકાસકાર્યોને પર્યાવરણના વિનાશ સાથે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે. વિકાસકાર્યો હાથ ધરવામાં આવે એ અગાઉ પર્યાવરણ પર થનારી તેની વિપરીત અસરનો વિગતે અભ્યાસ કરવામાં આવે છે. આ અસરને અમુક અંશે સરભર કરવાના ઊપાયો સૂચવવામાં આવે છે. આ ઊપાયો સૂચવાયા મુજબ સોએ સો ટકા કરવામાં આવે તો પણ પર્યાવરણને થનારું નુકસાન પૂરેપૂરું સરભર થઈ શકતું નથી.

મકાન અને ઈમારતો હવે જરૂરિયાત કરતાં મોભો પ્રદર્શિત કરવાનું માધ્યમ વધુ જણાય છે. ભલે જે તે પ્રદેશમાં વરસના નવ મહિના ધોમધખતી ગરમી પડતી હોય, ત્યાં બનતી ઈમારતોમાં લોખંડ, કાચ જેવી સામગ્રીનો જે પ્રમાણમાં ઊપયોગ થાય છે એ જોઈને નવાઈ લાગે. એવો સવાલ થાય કે શું આવી ઈમારતની ડિઝાઈન તૈયાર કરાવનાર સ્થપતિને આટલી પાયાની સમજણ નહીં હોય? કદાચ ગ્રાહકની એવી માંગ હોય તો પણ તેને સમજાવી ન શકાય? આવી ઈમારતો ઉર્જાનો કેટલો વ્યય કરતી હશે! નાનાં નગરો કે મોટાં શહેરોમાં બનતા વ્યાપારી કે રહેણાક સંકુલમાં વપરાતી સામગ્રી જોઈને સામાન્ય વિવેકબુદ્ધિ ધરાવતા કોઈ પણ નાગરિકને આ સવાલ થયા વિના રહે નહીં! કોઈ સ્થપતિ એવા કેમ ન હોય કે જે ઈમારતની ડિઝાઈનમાં આવી બધી પાયાની બાબતોનો ખ્યાલ રાખે અને છતાં તેના સૌંદર્યને પણ ઉપસાવી શકે?

આવો વિચાર આવતાં જ દીદી કોન્‍ટ્રાક્ટર યાદ આવ્યા વિના રહે નહીં. અમેરિકામાં જન્મેલાં અને ઉછરેલાં ડેલીયા કીન્‍ઝીન્‍ગરનો મૂળભૂત રસ કળાનો હતો. અભ્યાસ દરમિયાન તેમનો પરિચય નારાયણ રામજી કોન્‍ટ્રાક્ટર નામના ગુજરાતી યુવાન સાથે થયો અને તેમણે લગ્ન કર્યું. લગ્ન પછી તે ભારત આવ્યાં અને નાશિકમાં સ્થાયી થયાં. એ પછી મુંબઈ સ્થળાંતર કર્યું. 1970ના દાયકામાં, અને તેમના જીવનના છઠ્ઠા દાયકામાં પતિથી અલગ થયા પછી ડેલીયા હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આવ્યાં. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે આ પ્રદેશમાં એવી પ્રવૃત્તિ આદરી કે જેને લઈને તેમને યાદ કર્યા વિના ચાલે નહીં. પોતાના કળાપ્રેમને તેમણે વ્યવહારુરૂપે અમલી બનાવ્યો અને મકાનની ડિઝાઈન તૈયાર કરવાનો આરંભ કર્યો.

ધર્મશાલા હિમાચલ પ્રદેશના અત્યંત સુંદર એવી ધૌલાધાર પર્વતમાળામાં વસેલું નગર છે. ધર્મશાલાથી નજીક સિધબાડી નામના એક ગામમાં તેમણે વસવાટ કર્યો. આ વિસ્તારમાં આસાનીથી સુલભ એવી સામગ્રીનો જ ઉપયોગ કરવાનો તેમણે આગ્રહ રાખ્યો. વાંસ, માટી, પથ્થર તેમની મુખ્ય સામગ્રી, કેમ કે, આ વિસ્તારમાં એ આસાનીથી ઉપલબ્ધ. પથ્થર નદીકિનારાના પણ ખરા, અને આ વિસ્તારમાં આસાનીથી મળતા સ્લેટના પણ ખરા. મકાનમાં નૈસર્ગિક પ્રકાશના આયોજનનું તેમને વિશેષ મહત્ત્વ. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં ભૂપૃષ્ઠ સમતળ ન હોય એટલે ભૂપૃષ્ઠને જેમનું તેમ રાખીને મકાન બાંધવાનું. આ પ્રક્રિયામાં એક પણ વૃક્ષને કાપવાનું નહીં. આને કારણે તેમનાં ડિઝાઈન કરાવેલાં મકાનો જાણે કે ભૂપૃષ્ઠનો જ એક હિસ્સો હોય એમ લાગે. ‘દીદી’ તરીકે આદરપૂર્વક સંબોધાતાં ડેલીયા માનતાં કે નવી ડિઝાઈનનાં મોટાં ભાગનાં મકાનો જાણે કે કુદરત સામે યુદ્ધે ચડ્યાં હોય એવાં દેખાય છે. તેને કારણે આપણો કુદરત સાથે ખટરાગ ચાલ્યા કરે છે, અને કુદરતનો આપણી સાથે ખટરાગ ચાલતો રહેશે. દીદીના મનમાં મકાન વિશેની વિભાવના એવી હતી કે તે એક વનસ્પતિની જેમ ‘ઊગેલાં’, એ ભૂપૃષ્ઠનો જ હિસ્સો હોય એવાં જણાવાં જોઈએ. દીદીની બીજી વિશેષતા હતી રિસાયકલ એટલે કે પુનરુપયોગ કરવાની. તે સામગ્રીનો વ્યય કરવાને બદલે તેનો પુનરુપયોગ કરતાં, જેમાં પ્લાસ્ટિકનો પણ સમાવેશ થાય છે.

હિમાચલ પ્રદેશમાં તેમણે નિષ્ઠા રૂરલ હેલ્થ, એજ્યુકેશન એન્‍ડ એન્‍વાયર્નમેન્‍ટ સેન્‍ટર(ધર્મશાલા), ધર્માલય સેન્‍ટર ફૉર કમ્પેશનેટ લીવિંગ (બીર), સંભાવના ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પૉલિસી એન્‍ડ પોલિટીક્સ (કંડબાડી) જેવી જાહેર સંસ્થાઓની ઈમારતો ઉપરાંત અનેક વ્યક્તિગત ઈમારતોની ડિઝાઈન તૈયાર કરેલી છે, જે કુદરત સાથે સાયુજ્ય ધરાવે છે.

આ મહિનાની પાંચમીએ 91 વર્ષની જૈફ વયે તેમનું અવસાન થયું ત્યારે તે એવાં અનેક જીવંત મકાનોનું નિર્માણ મૂકીને ગયાં હતાં. અમેરિકા જેવા દેશમાં જન્મીને ત્યાં જ ઉછરેલી એક વ્યક્તિ સાવ અજાણ્યા એવા ભારત દેશના એક પર્વતીય રાજ્યમાં વસવાટ કરે, અને કેવળ પોતાની આપસૂઝ વડે પર્યાવરણને જાળવવાના વિશિષ્ટ પ્રયત્નો કરી બતાવે, એટલું જ નહીં, એ માટે અન્યોને પણ પ્રેરે એ શું સૂચવે છે! પર્યાવરણ જાળવવા માટેની ઈચ્છાશક્તિ હોય તો તેને જાળવવું બિલકુલ શક્ય છે, પણ આ ઈચ્છાશક્તિ ત્યારે જ જન્મે જ્યારે પર્યાવરણ માટેનો આદર હોય!

આ લેખ દીદીને શ્રદ્ધાંજલિ તરીકે નથી, પણ પર્યાવરણ જાળવણી અને સંરક્ષણના જોરશોરથી થતા દાવાની જાહેરાતોની સામે ચૂપચાપ થતા રહેલા એક મહત્ત્વના કામને ઉજાગર કરવાનો મુખ્ય હેતુ છે. મકાનની બાંધણી, આકાર અને તેના સુશોભનમાં મોભાના નામે તદ્દન બિભત્સ રીતે નાણાં ખર્ચાય અને ઊર્જાનો બેફામ વેડફાટ થાય તેની સરખામણીએ પર્યાવરણ સાથે સુસંગત હોય એવા આવાસ સ્થાનિક સામગ્રીની ઉપલબ્ધિ અનુસાર શી રીતે કુશળતાથી તૈયાર કરી શકાય એનું જીવંત ઉદાહરણ દીદી કોન્ટ્રાકર દ્વારા નિર્મિત ઈમારતો છે. આમ કરનારાં એ એકલાં નથી, બીજા પણ છે, છતાં એવા લોકો સાવ જૂજ પ્રમાણમાં છે એ હકીકત છે. આપણા હાથમાં હોય એટલી, વ્યક્તિગત સ્તરે આપણે આ બાબત અવશ્ય અપનાવી શકીએ એમ છીએ.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯-૭–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.