સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૮) પેટીમાસ્ટરની કહાણી

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

‘શેઠ’ તરીકે ઓળખાતા એવા એક પ્રતિષ્ઠીત સ્ટુડીઓના માલિક સોફા ઉપર બીરાજમાન હતા. એમની બાજુમાં એમનાં વિશ્વાસુ અને કાયમી સાથીદાર એવાં સન્નારી બેઠાં હતાં. શેઠે હૂકમ છોડ્યો, “પેટીમાસ્ટરને બોલાવો!” પેટીમાસ્ટર એટલે કે સંગીતનિર્દેશક પ્રવેશ્યા, નીચે પાથરેલી શેતરંજી ઉપર બેઠા. એમણે શેઠની આવનારી ફિલ્મ માટે પોતે બનાવેલી તર્જ પેટી (હાર્મોનિયમ) ઉપર વગાડવાની શરૂ કરી. એવામાં ટેલીફોનની ઘંટડી રણકી. ત્વરાથી ફોન ઉપાડી, વચ્ચેવચ્ચે પેટીમાસ્ટરને વગાડવાનું ચાલુ રાખવાનો ઈશારો કરતા જતા શેઠે રૂના બજારભાવની ચર્ચા કર્યે રાખી. શેઠે કે એમનાં સાથી સન્નારીએ જે તે ધૂનને નામંજૂર કરી દીધી. તેમણે પેટીમાસ્ટરને એ ધૂનની જગ્યાએ નવી ધૂન્ રચી, ફરીવાર આવવાનું જણાવ્યું.

મને આ પ્રસંગનું વર્ણન કર્યું એ સંગીતકાર નૌશાદ તે સમયે ત્યાં જ બઘવાઈ ગયેલી અવસ્થામાં શાંત ઉભા હતા( સ્ટુડીઓના સંગીતવિભાગના એક કર્મચારી હોવાને નાતે એમને બેસવાની છૂટ ન્હોતી). એમને પેટીમાસ્ટર માટે ભારોભાર આદર હતો. પેટીમાસ્ટરે એ ધૂન જેમની તેમ જ રાખી અને બીજે દિવસે એ ધૂનને નવી ધૂન તરીકે રજૂ કરી.. શેઠે ખુશીખુશી એ મંજૂર કરી દીધી!

આ ઘટના ૧૯૩૯ની અને એ પેટીમાસ્ટર હતા ખ્યાતનામ ધ્રુપદ ગાયક, કથ્થક નૃત્યકાર અને દંતકથાસમ સંગીતકાર ખેમચંદ પ્રકાશ. આ વાત અહીં કરવાનો ઈરાદો ખુબ જ સફળ અને સુપ્રસિદ્ધ ફિલ્મનિર્માતા એવા શેઠ કે સંગીતનિર્દેશક વિશે વાત કરવાનો નથી. બલ્કે તે સમયની ફિલ્મનિર્માણ સંસ્થાનોની કાર્યશૈલી ઉજાગર કરવાનો છે. જો કે ત્યારે ન્યુ થિયેટર્સ, પ્રભાત અને બોમ્બે ટૉકીઝ જેવી સંસ્થાઓ અપવાદરૂપે હતી ખરી.

ખેમચંદ પ્રકાશે અમર કહી શકાય એવાં ગીતોનું સર્જન કર્યું, જેમાં ૧૯૪૩નું તાનસેન ( સાયગલ અને ખુરશીદનું ગાયેલું મોરે બાલાપન કે સાથી છૈલા ભૂલ જઈઓ ના, ૧૯૪૪નું ભરથરી ( અમીરબાઈ અને સુરેન્દ્રનું ગાયેલું ભીક્ષા દે દે મૈયા પીંગલા) અને ૧૯૪૭નું સીંદુર (અમીરબાઈનું ગાયેલું ઓ રૂઠે હુએ ભગવાન) વેગેરેનો સમાવેશ થાય છે. એમણે ૧૯૪૮ની ફિલ્મ ઝીદ્દીમાં કીશોરકુમાર પાસે પહેલી વાર ગવડાવ્યું(મરને કી દુઆએં ક્યું માંગું).  લતા મંગેશકર પાસે એ જ ફિલ્મમાં ચંદા રે જા રે જા રે અને ૧૯૫૦ની ફિલ્મ મહલમાં આયેગા આનેવાલા ગવડાવીને એમની કારકીર્દિને ઓપ આપવામાં પ્રદાન કર્યું.

ઈર્ષ્યાજનક ખ્યાતિ ધરાવતા ખેમચંદ (પ્રકાશ)ને ભારે કરકસરથી જીવવું પડતું હતું. સ્વતંત્રનિર્માણસંસ્થાઓ ચલાવતા નિર્માતાઓ સાથેનો એમનો અનુભવ સારો નહોતો. જેમ કે કિશોર સાહુ નાણાં ચૂકવવામાં ભારે અખાડા કરતા. એકવાર ખેમચંદે પોતાનાં દાદીમા રાજસ્થાનના એમના વતનમાં મૃત્યુ પામ્યાં હોઈ, એમની ઉત્તરક્રિયા કરવા માટે રૂ. ૨0૦૦/-ની માંગણી કરી. આની જાણ થતાં કવિ ભરત વ્યાસ ખેમચંદને સાંત્વન આપવા ગયા. ખેમચંદે હસીને કહ્યું, ”મારાં દાદી તો સાજાં-સારાં છે! એ કંજૂસ નિર્માતા પાસેથી મારા લેણા થતા પૈસા કઢાવવા મારી પાસે અન્ય કોઈ રસ્તો નહોતો. મને ખાતરી છે કે દાદી આ રીતે એમને ‘મારી નાખવા’ બદલ મને માફ કરી દેશે.”

ખેમચંદને એમની પછી આવેલા સંગીત નિર્દેશકો જેવી અનુકૂળતા નહોતી. સફળતાનાં શીખરો સર કરી લેનારી ફિલ્મ મહલ ૧૯૫૦માં રજૂઆત પામી એના બે મહિના અગાઉ ૪૨ વર્ષની ઉમરે એમનું અવસાન થયું ત્યાં સુધી એ સ્ટુડીઓના પગારદાર તરીકે કામ કરતા હતા. એમના મૃત્યુ પછી નાં વર્ષોમાં સંગીતનિર્દેશકોને પેટીમાસ્ટર તરીકે ઉલ્લેખવાનું બંધ થઈ ગયું. કેટલીક વાર તો નિર્માતાઓ એમના સંગીતકારના પગથીયે એમની રાહ જોતા બેઠા હોય એવું બનવા લાગ્યું. ખેમચંદના એક સમયના સહાયક એવા નૌશાદે પહેલાંની જેમ પોતે બનાવેલી ધૂનો સંગીતના તદ્દન અજ્ઞાની એવા નિર્માતાઓ મંજૂર કરે કે પોતાના કામમાં ડખલ કરે એ ચાલવા ન દીધું

બજારમાં સફળ ગણાતા હતા એવા સંગીત નિર્દેશકો પોતાની શરતોએ કામ કરવા લાગ્યા. એમાં પણ ઓ.પી. નૈયરનો તો જોટો નથી. ઓ.પી.રાલ્હન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ મુજરીમ(૧૯૫૮)માં સંગીતનિર્દેશન કરતી વેળાની વખતની એક વાત મને ખુદ નૈયરે જણાવી હતી. પોતાના અને રાલ્હનના નામની આગળ સમાન ટૂંકાક્ષરી પૂર્વગો લાગતા હતા. આથી નૈયરે શરત મૂકી કે દિગ્દર્શકનો ઉલ્લેખમાત્ર રાલ્હન તરીકે કરવાનો રહેશે. એમણે પોતાનું નામ અન્યો કરતાં વધુ પ્રભાવક રીતે (શ્રેયયાદીમાં) મૂકાય એનોપણ આગ્રહ રાખ્યો. નૈયરની આ શરતો તો સ્વીકારાઈ જ, તે ઉપરાંત આગળ વધીને નિર્માતાએ નૈયર મુજરીમનાં ગીતોના શબ્દોવડે ઘેરાયેલા દેખાય એવો ફોટો ધરાવતી પૂરા પાનાની જાહેરાત પ્રસિદ્ધ કરાવી.

લક્ષ્મીકાંતે (પ્યારેલાલના જોડીદાર) એકદમ સફળ ફિલ્મનિર્માતા મનમોહન દેસાઈ( અમર અકબર એન્થની, નસીબ, કૂલી)ની ખેતવાડી જેવા ભરચક ઈલાકામાં આવેલી ઑફીસ ખાતે પોતાની ધૂનો મંજૂર કરાવવા જવાની ના પાડી દીધી. એ જ રીતે એમણે રાજકપૂરને (૧૯૭૮ની સત્યમ શિવમ સુંદરમ) વિશેષ પ્રાથમિકતા આપવાની તૈયારી નહોતી બતાડી. પ્રેમરોગ(૧૯૮૨)ના નિર્માણ સમયે એક આગળપડતા નિર્માતાએ લક્ષ્મીકાંતના મ્યુઝીક રૂમની બહાર રાહ જોઈને બેઠેલા રાજકપૂરને જોતાં ‘પાપાજી, આપ ભી!’ એવી ટીપ્પણી કરતાં એ ભારે ક્ષોભમાં મૂકાઈ ગયા હતા. મને થાય છે કે કાશ, એમના મૃત્યુ પછી પેટીમાસ્ટરના વ્યવસાયનું શું થયું એ જોવા ખેમચંદ પ્રકાશ જીવ્યા હોત !


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.