કવિ ન્હાનાલાલની કેટલીક અજાણી વાતો

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

આપણી ભાષાના મહાકવિ ન્હાનાલાલ વિષે એ વાતની કદાચ ઘણાને ખબર નહીં હોય કે  જેમના એ આગળ ઉપર કટ્ટર વિરોધી બની ગયા હતા એ ગાંધીજીના અસહકારના આંદોલને જ કવિ ન્હાનાલાલને સરસ્વતીની સાધના પૂર્ણ સમય માટે કરવાનો અવકાશ આપ્યો. ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારી તરીકેનું પદ એ આંદોલનના સમર્થનમાં છોડી દીધા પછી અનેક દરખાસ્તો આવવા છતાં તેમણે નોકરી નહીં કરવાનું નીમ લીધું. (જો કે, એમાં કેટલાક અપવાદ પણ થયા) એક જાણીતી વિદ્યાપીઠના ધુરાધારીઓએ એમની સેવા લેવાનો  વિચાર કર્યો અને એમની પાસેથી સંસ્થાના નીતિનિયમો મુજબ આવેદન (અરજી) મંગાવી ત્યારે એમણે એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કૃપા કરી મને અરજી મોકલવાનું ના કહેશો. જો આપ સૌની ખરેખર ઈચ્છા મારી સેવા લેવાની હોય તો આપે જ મને નિમંત્રણ મોકલવાનું રહ્યું. સંસ્થાના ધારાધોરણ મુજબ એ શક્ય ન બની શક્યું. પરિણામે એ સંસ્થા કવિના વિદ્યાલાભથી વંચિત રહી ગઈ.

૧૯૩૫ ની સાલમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના સાઠ વર્ષના હિરક મહોત્સવ વેળા કવિ ન્હાનાલાલને વડોદરા રાજ્યનો પૂરો ઈતિહાસ લખી આપવાની દરખાસ્ત આવી અને તે ઓફર લઈને આવનારા હતા વડોદરા રાજ્યના સુબા  ર..વ. દેસાઈ, જે ખુદ એક સમર્થ સાહિત્યકાર હોવા ઉપરાંત કવિના પરમ ચાહક અને નિકટના સ્વજન હતા. પણ કવિએ એ દરખાસ્તને એમ કહીને પાછી વાળી કે  ‘મને એમના વિષે લખવાની પ્રેરણા થાય એવું જીવન મહારાજાસાહેબ જીવશે તો હું મારા ગાંઠના ખર્ચે બજારમાંથી કાગળ-કલમ અને શાહી લઈને એ લખીશ. આ અગાઉ અનેક રાજા બાદશાહના વિષે મેં લખ્યું. અરે, એક નાનકડો લેખ મેં આપના મહારાજાના સારા પાસા વિષે પણ ‘ચિત્તદર્શન’ માસિકમાં લખ્યો હતો, પણ જેમાં સારા ઉપરાંત થોડી માઠી-કાળી બાજુ પણ આવવાની હોય  તો તેવો ઈતિહાસ લખવાનું મારાથી નહીં બને.’ એમના આ નકાર પછી દરખાસ્તની રકમ વધારીને પાંચ લાખની કરવામાં આવી, કવિપત્ની માણેકબાની સમજાવટથી પણ કવિ એકના બે ના થયા તે ના જ થયા.

આ જ અરસામાં ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા પણ આવી જ લલચામણી દરખાસ્ત આવી, પણ એમાં પણ કવિ સંમત ના થયા.

**** **** ****

“હું તો કાયદાનો સામાન્ય સ્નાતક પણ નથી, ને આપ નામદાર મને આપના સ્ટેટના સરન્યાયાધિશ (ચીફ જસ્ટીસ)નો હોદ્દો આપી રહ્યા છો ? કૃપા કરી ફેરવિચારણા કરશો – આપનો નિર્ણય ભૂલભરેલો તો નથી ને ?”

એક પણ ક્ષણના વિલંબ વગર રાજકોટના ઠાકોરસાહેબ શ્રી લાખાજીરાજે જવાબ વાળ્યો :  “ન્યાય એકલા કાયદાથી તોળાતો નથી. છેવટ તો કાયદાકીય ન્યાય કરતાંય ચડિયાતી તો મનુષ્યની ન્યાયબુદ્ધિ હોય છે. અને એ આપનામાં રહેલી હું જોઉં છું. કાયદાએ ન્યાય તોળવાનો નથી હોતો. કાયદાએ તો ન્યાયમૂર્તિના મદદગાર રહેવાનું હોય છે – આપ સરન્યાયાધિશનું પદ સંભાળો તેવી રાજ્યની ઈચ્છા છે.”

(ઠાકોરશ્રી લાખાજીરાજ)*

સરન્યાયાધિશનો હોદ્દો સંભાળ્યે થોડો જ સમય થયો કે એક વિચિત્ર કેસ નીચલી કોર્ટના ન્યાયધિશ પાસે આવ્યો. રાજકોટના એક મોટા એટલે કે નગરશેઠની કક્ષાના કહી શકાય તેવા શેઠની પહેલી વારની પત્ની સામે બીજી વારની (પાછળથી અવસાન પામેલી) પત્નીના પુત્રો કોર્ટે ચડ્યા હતા. સ્વાભાવિક રીતે જ વાત મોટી મિલકતની હતી. ઓરમાન પુત્રો પિતાની પહેલી પત્ની પાસેથી મિલ્કત હસ્તગત કરી લેવા માગતા હતા. કાયદાકીય સ્થિતિ પણ કાંઇક પુત્રોની તરફેણમાં હતી અને સૌથી છાની તથા વજનદાર હકીકત એ હતી કે નીચલી કોર્ટના ન્યાયાધિશ અને છોકરાઓના વકીલ પરસ્પર મળેલા હતા. એ વકીલ પણ રાજકોટના એ જમાનાના નામાંકિત ધારાશાસ્ત્રી હતા. તેમની રજૂઆત કોઇ પણને આંજી દે તેવી હતી. એથી સ્વાભાવિક રીતે જ ચુકાદો છોકરાઓની તરફેણમાં ગયો અને વિધવા (ઓરમાન)માતા લગભગ અકિંચન એવી કફોડી સ્થિતિમાં આવી પડી. એવામાં કોઇએ એને સરન્યાયાધિશ કવિ ન્હાનાલાલ પાસે અપીલ કરવાનું સૂચવ્યું. એણે એ કરી અને મુકદ્દમો કવિની પાસે આવ્યો અને એ પળભરમાં મામલો પામી ગયા. કાયદાકીય બાજુને લેશમાત્ર ઉલ્લંઘ્યા વગર એમણે બન્ને પક્ષોને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા – પૂછ્યું : “નગરશેઠની વિધવા એ નગરશેઠાણી ગણાય કે નહીં ?”

આ પ્રશ્નનો જવાબ કોણ ‘ના’માં આપી શકે ? બધા સંમતિમાં નતમસ્તક થયા.

“તો પછી એ નગરશેઠની વિધવા પોતાનું શેષજીવન પૂરતા માનમરતબા સાથે વ્યતિત કરી શકે એવી જોગવાઇ કરવી.”

અંતે બન્ને પક્ષોને સંતોષ થાય એવો ચુકાદો આપ્યો. વિધવા કવિ ન્હાનાલાલ ભણી આભારવશ નજરે જોઈ રહી.પણ થોડા જ વખતમાં આની સામે ચણભણ ચાલી. પછી જરા મોટો ઉહાપોહ થયો – ઠાકોરસાહેબને કાને વાત પહોંચી, તો એમણે એક સાંજે કવિ અને દિવાનને મહેલમાં વાળુ માટે નિમંત્ર્યા – કવિ આવ્યા. ભોજન પછી લાગલું જ ઠાકોરસાહેબે એમને હળવેકથી આ ઉહાપોહની વાત જણાવી અને કારણ પૂછ્યું. એમાં થોડો ઠપકાનો રંગ પણ હતો.

પણ કવિએ બહુ સ્વસ્થતા બતાવી. ધીરેધીરે આખી સમજાવી અને કહ્યું : “આપના જ શબ્દો આપને યાદ દેવડાવું છું –આ મામલે મારે કાયદાની મદદ લેવાની હતી કે એણે દોરેલી જડ લીટીને ચીલે ચાલવાનું હતું ? કાયદો તો એમ પણ કહે છે કે આપ રાજવી તરીકે મારા હુકમને ઉલટાવી શકો છો, પણ આપ એમ કરતા નથી – ને મને માનપૂર્વક ભોજન પર બોલાવીને હકીકત પૂછી રહ્યા છો – એ શું સૂચવે છે ! એ જ કે આપ ન્યાયબુદ્ધિથી વરતી રહ્યા છો – તો હું શું કાયદાને બદલે ન્યાયબુદ્ધિથી ન વરતી શકું ? શું આપના રાજ્યની વૃદ્ધા વિધવા નગરશેઠાણીને હાડહાડ થવા દઉં ? ભૂખે મરવા દઉં ?”

ઠાકોર લાખાજીરાજ પળભર વિચારમાં પડી ગયા – બે ક્ષણ એમને એમ વીતી ગઈ – પછી સ્વરને એકદમ નીચો કરીને બોલ્યા “આપે મને ખરે સમયે ટપાર્યો છે, કવિ. ઠીક છે, આપને યોગ્ય લાગે તેમ કરશો. ને દિવાનને પણ કહી દઉં છું કે આપના કામમાં કદી દખલ ના કરે.”

આ વાત વર્ષો પછી કવિએ જાતે મુંબઈના સુંદરાબાઈ હોલમાં જાહેર વ્યાખ્યાનમાં કહી હતી.

એથી આગળના ભૂતકાળની વાત કરીએ તો કવિ સૌથી પહેલાં, એમ.એ. થઈને સાદરાની સ્કૉટ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. એ પછી રાજકોટની રાજકુમાર કોલેજમાં જોડાયા હતા. અને એ પછી રાજકોટ સ્ટેટ અને બ્રિટીશ એજન્સીના શિક્ષણ ખાતામાં વિદ્યાનિરીક્ષક તરીકે જોડાયા હતા. નિરીક્ષક તરીકેની ફરજો બહુ મક્કમ રીતે બજાવીને તેમણે શિક્ષકજગતમાં જબરી ધાક જમાવી હતી. તેમની શાળા નિરીક્ષણની પદ્ધતિ આગવી હતી અને એમાં કોઈની કોઈ ક્ષતિ પકડાય તો એની સામે આકરામાં આકરા પગલાં લેતાં અચકાતા નહીં. કવિ ન્હાનાલાલને શિક્ષણ અધિકારી તરીકે શિક્ષકોનું હંમેશા લાગી આવતું હતું. છેક પૂના સુધી પત્રવ્યવહાર કરીને એમણે શિક્ષકોના ધોરણ સુધરાવ્યા હતા, ને શિક્ષકોને આર્થિક તંગીમાંથી છોડાવ્યા હતા.

વિદ્યાર્થીઓ માટે પણ તેમનું દિલ હંમેશા દ્રવતું હતું. રાજકોટના એક છાત્રાલયની મુલાકાત વેળા તેમણે જોયું કે છોકરાં ઘીના અભાવે કોરી રોટલી ખાતા હતા. એમણે ગૃહપતિને પૂછ્યું તો ખબર પડી કે માસિક ખર્ચની રકમ વપરાઈ ગઈ હતી ને ઘીનો ડબ્બો ખરીદી શકાયો નહોતો. કવિ વ્યથિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા.

થોડી  જ વારમાં એક મજૂર ઘીનો ડબ્બો લઈને આવતો દેખાયો. કવિએ નક્કી ક્યાંકથી ઉધાર મેળવી આપીને અહીં મોકલ્યું હશે તેમ ગૃહપતિ માનતા હતા. “કોની દુકાનેથી લાવ્યો ?” મજૂરને તેમણે પૂછ્યું.

(કવિ ન્‍હાનાલાલ જીવનસંધ્યાએ।। કવિપત્ની માણેકબહેન અને ન્‍હાનાલાલ: તસવીરો: જગન મહેતા)

“કોઈની દુકાનેથી નહીં” મજૂરે જવાબ આપ્યો : “કવિ ન્હાનાલાલના ઘરેથી આવ્યું છે. મજૂરી પણ આગોતરી એમણે જ ચૂકવી આપી છે.”

ઈચ્છીએ કે કવિના હૃદયકવિતના આવા પૃષ્ઠોનું પણ આલેખન કોઇ સંશોધક કરે,

એક નાનકડી નોંધ: મારા મિત્ર અને મુંબઇના પ્રખર સાહિત્યરસિક એડ્વોકેટ શ્રી ગિરીશભાઇ દવેએ એક પત્રમાં મને આપેલી માહિતી મુજબ આ જ કવિ ન્હાનાલાલને  ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર પદની ઓફર કરેલી, પણ કોઇ કારણોવશાત આચાર્ય કૃપલાણીએ એમાં વાંધો પાડ્યો અને કવિશ્રીની સેવાઓથી ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થા વંચિત રહી ગઇ.

(ભારત સરકારે બહાર પાડેલી કવિ ન્હાનાલાલની ટપાલટિકિટ)*

 


(કવિ ન્હાનાલાલ દલપતરામ ડાહ્યાભાઇનો જન્મ ૧૬-3-૧૮૭૧, અવસાન ૯-૧-૧૯૪૬)


(માહિતીસૌજન્ય: નટવરલાલ ન્હાનાલાલ કવિ)


(*) નિશાનીવાળી તસવીરો નેટ પરથી.


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

5 thoughts on “કવિ ન્હાનાલાલની કેટલીક અજાણી વાતો

  1. આવા ઉચ્ચ કોટી ના માણસો હવે ઇતિહાસ જ બની ગયા છે. કવિ પણ આવા હોઈ શકે ને આટલી ખૂમારી સાથે જીવ્યા એ, આપે જાણ કરી, એ બદલ આભાર આપનો સાહેબ

  2. Very happy to read about Kavi shree Nhanalal, he was beyond a poet and great human being.
    It’s high time to think where we have reached? Morally.
    Kudos to Rajnikumar Pandya for this rare information.

  3. ઐતિહાસિક લેખ જે ક્યારેય જાણી નથી એવી માહિતી વાંચવા મળી.

Leave a Reply

Your email address will not be published.