હસતા ઝખમ

સરયૂ પરીખ 

અમરપૂર નામના ગામમાં, માનસીની નાનકડી દુનિયા સગા-સંબંધીઓ વચ્ચે હરીભરી હતી. મોટામામાનો બંગલો માનસીના ઘરથી અરધો માઈલ જ દૂર હતો. સમવયસ્ક મિત્રમંડળનો પણ રોજનો સંગાથ. માત્ર, નાનામામા, કમુમામી અને તેમની દીકરી આરુષી મુંબઈમાં રહેતા હતાં, તેથી માનસીને તેમનો ખાસ પરિચય નહોતો.

આજે આરુષીનો પત્ર આવતા… અઢાર વર્ષની માનસી સામે આખો ભૂતકાળ ખડો થઈ ગયો. માનસી વિચારે ચડી, “હું આરુને પહેલી વખત મળી ત્યારે એ નવ વર્ષની હતી. એ દિવસ, હું ક્યારેય નહીં ભૂલું… અમે બધાં મોટામામાને ઘેર મહેમાન આવવાની રાહ જોતાં હતાં. આખરે નાનામામા, કમુમામી ને સાથે માંજરી આંખો અને વાંકડિયા વાળવાળી સુંદર કપડામાં સજ્જ આરુષી ઘોડાગાડીમાંથી ઊતર્યાં. આરુષી બહાર આવીને લાગણીશૂન્ય ચહેરે અજાણ્યા લોકોને જોઈ રહી. એ સમયે, હું તેનાં કરતા બે વર્ષે મોટી, જરા અસ્તવ્યસ્ત વાળ અને અણઘડ દરજીએ સીવેલા ફ્રોકમાં આરુને દૂરથી જોતી રહી.” માનસી એ સાત વર્ષ પહેલાની ઘટનાઓ મનનયનમાં જોઈ રહી…

એ સમયે નાનામામાની ‘તબિયત ઠીક નથી’ તેમ છોકરાઓને કહેવામાં આવ્યું હતું અને પંદર દિવસ પછી તેમના મૃત્યુના માતમ દરમ્યાન આરુષીએ માનસીનો હાથ કસીને પકડી રાખ્યો હતો…કારણ બીજું કોઈ આરુષી તરફ ધ્યાન આપતું નહોતું. સગા-સબંધીની રોકકળ વચ્ચે કમુમામી સફેદ કપડામાં, રીત-રિવાજમાં ઘેરાયેલાં રહેતાં. માનસીનું સ્વાર્થીલું બાલમાનસ કહેતું, “આ તો ખરી મને વળગી છે,” માનસી હાથ છોડાવવા પ્રયત્ન કરતી પણ આરુષી બે હાથથી તેને પકડી, પોતાનો ચહેરો માનસીની ઓથમાં છુપાવી રાખતી.

થોડા દિવસો પછી અચાનક ચાર રસ્તા પરથી લોકોના રડવાનો ડરાવણો અવાજ સંભળાયો. ગભરાઈ ગયેલાં બાળકોને ખબર પડી કે મુંબઈથી કમુમામીના પિતા, બહેન-બનેવી અને બીજાં સગાઓ કાણે આવ્યા હતાં. રડારોળ પછીની શાંતિમાં માનસીએ જોયું કે કમુમામીના ચહેરા પર પહેલી વખત ચમક આવી. મુંબઈના મહેમાનોની શક્ય તેટલી સંભાળ લેવાઈ રહી હતી. આરુષીનાં નાનાની શ્રીમંતાય તેમના વ્યક્તિત્વમાં અને વાતોમાં અતિ આત્મવિશ્વાસ સાથે દેખાતી હતી. તે બોલે અને બધાં તેમને સાંભળે. માનસીનાં નાના અને આરુનાં નાનાએ પોતાનો નિર્ણય જણાવ્યો, “વિધવા કમુ અને આરુ અમરપૂરમાં જ રહેશે.” આ સાંભળી મામીની આંખો પહોળી થઈ ગઈ પણ…કોઈને તેમનો અભિપ્રાય જાણવાની દરકાર નહોતી. આરુષી અને કમુમામીને મોટામામાના બંગલામાં રહેવાની વ્યવસ્થા કરીને સગાઓ વીખરાયા. એ સમયે મોટામામા નોકરી અંગે ઘણો સમય બહારગામ રહેતા હતા.

માનસીનું ઘર અને બીજા સગાઓના ઘર નજીકમાં જ હતાં તેથી તેમનું કામકાજ સચવાઈ જતું. કમુમામીને શાળાંતની પરીક્ષા પાસ કરવા શિક્ષકની વ્યવસ્થા કરી આપી હતી. નવ વર્ષની આરુષી, જે તેના વર્ગમાં હંમેશા પહેલો નંબર આવતી, એ પણ તેની મમ્મીને ભણવામાં મદદ કરવા લાગી. પણ એમનું ‘વિદ્યા ન ચડે’ તેવું મગજ, મામી પાસ ન થયાં. આ છ મહિના દરમ્યાન મામીનાં ઘરમાં પડોશના યુવાનોની આવ-જા રહેતી… તેમાં એક ખાસ હતો તે મામીને ઘેર પડ્યો પાથર્યો રહેતો. છોકરાઓ ઘણી વાર ઉનાળાની બપોરે બહાર ઓટલા પર રમતા હોય અને અંદરથી હસવાનો અવાજ આવે. છોકરાઓ આશ્ચર્યથી જુએ અને પાછા રમવામાં ખોવાઈ જાય. આરુનો ગંભીર ચહેરો અને ઓછું બોલવાની આદતને લીધે કોઈ બાબત કશી વાત કરતી નહીં. માનસીને કોઈ ન મળે ત્યારે આરુષીને રમવા ખેંચી જાય. માનસી ગમે તે કરે, પણ આરુષી તેની પાછળ પાછળ ફર્યાં કરતી.

એક દિવસ ઓચિંતા માનસીએ કમુમામીનાં પિતાને આવી ચડેલા જોયા…અને પછી અંદરના ઓરડામાંથી ઘાંટા સંભળાયાં, “આ હું શું સાંભળું છું? વિધવા થઈને મર્યાદામાં રહેતા નથી આવડતું? આબરુનાં કાંકરા કરવા બેઠી છે? કમુ! સામાન બાંધ અને મુંબઈ જવાની તૈયારી કર.”

એ સાંભળી આરુષીનો ચહેરો વ્યથાથી કરમાઈ ગયો અને આંખો આંસુથી તરી પડી. બસ, બીજે દિવસે મામી અને આરુષી મુંબઈ જતાં રહ્યાં. માનસી વાતો સાંભળતી રહી, “કમુની સાવકી મા દોઢ વર્ષ પહેલાં ગુજરી ગઈ છે. તેનાં પંદર અને સોળ વર્ષના બે સાવકા ભાઈઓ અને એક આરુષી જેવડી સાવકી બહેનને સાંચવવા અને રસોઈ વગેરે માટે કમુને લઈ ગયા. બિચારી આરુને નહોતું જવું.” થોડા દિવસમાં, આરુષીની યાદ અને વાત બન્ને બંધ થઈ ગયાં.

ત્રણ વર્ષ પછી આરુષીનાં માસી માનસીને ઘેર મળવાં આવ્યાં. એક મોતીનું પર્સ માનસી તરફ ધરીને કહ્યું, “આરુએ માનસી માટે આ પર્સ મોકલ્યું છે.” ભાગ્યે જ ભેટ મળવાની શક્યતાઓ વચ્ચે… એ વાક્ય માનસી માટે અત્યંત આનંદદાયક હતું. તેનાં દિલને એ વાત સ્પર્શી ગઈ કે આરુષીએ પોતે એ પર્સ બનાવ્યું હતું.

પાંચ વર્ષ પછી મેટ્રિકની પરીક્ષા આપી આરુષી તેના બીજા પિત્રાઈઓ સાથે પ્લેઈનમાં અમરપૂર આવી. માનસી કે કોઈ એ વખતે વિમાનમાં બેઠેલાં નહીં…તેથી માનસીએ આરુષી તરફ અહોભાવથી વિશેષ ધ્યાન આપ્યું. એ આઠ દિવસમાં માનસી અને આરુષી મિત્રો બની ગયાં. આરુને ખડખડાટ હસતી જોવી એ એક લ્હાવો હતો, પણ ચહેરા પર ઉદાસીની છાયા ફરી વળતા વાર નહોતી લાગતી. તેનાં સાવકા મામાઓની વાત કરતા અણગમાનો ભાવ આવી જતો. એવામાં પરીક્ષાનું પરિણામ આવ્યું અને આરુષી નપાસ થઈ હતી! આરુષી માનસી પાસે ખૂબ રડી હતી. માનસીએ પૂછ્યું કે, “આરુ, મને ખ્યાલ છે ત્યાં સુધી તો તું ભણવામાં હોશિયાર હતી. નપાસ કેમ થઈ?”

અશ્રુ લૂછતાં આરુ બોલી, “મને મુંબઈમાં, એ ઘરમાં જરાય નથી ગમતું. ત્યાં મારું કોઈ સ્થાન, માન કે મહત્વ જ નથી. ત્રણ રૂમનાં ફ્લેટમાં છ જણાં…એક ખૂણાં સિવાય મારું કહી શકું તેવું કશું નથી.” માનસી અને તેનાં બા તેને સંવેદનાથી સાંભળતાં રહ્યાં. સમય પૂરો થતાં, આછા કરુણ સ્મિત સાથે આરુષી મુંબઈ પાછી જતી રહી.

એકાદ વરસ પછી આરુનો કાગળ આવ્યો. “પુજ્ય ફોઈબા અને પ્રિય માનસી, આપ મજામાં હશો. શું કહું તે સમજાતું નથી…મારું હવે આ ઘરમા રહેવું શક્ય નથી તેથી અમરપૂર આવું છું. બે દિવસ પછી, ટ્રેઈનમાં આવીશ. ત્યાં આવીને વિગત જણાવીશ. આરુનાં પ્રણામ.”

કાગળ વાંચી આશ્ચર્ય ચકિત માનસી તેની બા પાસે દોડી.

“બા… નાનામામાની આરુષીનો કાગળ આવ્યો છે. તેને મુંબઈ છોડી અમરપૂર આવીને આપણે ઘેર રહેવું છે…સદાને માટે.” માનસી બોલી, “આવી મજાની મુંબઈ નગરી છોડી આ નાના ગામમાં કેમ આવવા માંગે છે?”…તેની બા વિચારમાં પડી ગયાં પણ જવાબ ન આપ્યો.

માનસી અને મોટામામાનો દીકરો આરુષીને સ્ટેશનેથી ઘેર લઈ આવ્યાં. ઘણો સામાન હતો જે કહેતો હતો કે હંમેશને માટે આવતી રહી હતી. આરુષીને પહેલી વખત ફોઈબાને વળગીને રડતી દેખીને માનસીનાં પપ્પા અને ભાઈ પણ લાગણીવશ થઈ ગયા. એકાદ બે દિવસ પછી આરુષી સ્વસ્થ થતાં, સૌનાં મનમાં ઘોળાતા પ્રશ્નોનાં ઉત્તર આપવાનો સમય આવી ગયો હતો. આરુષીને હવે કશુ જ છુપાવવું નહોતું તેથી મોટામામાના પરિવાર સહિત બધાં માનસીને ઘેર એક સાંજે ભેગા મળી બેઠાં.

આરુષી બોલી, “હવે હું મારા ભૂતકાળ તરફ નજર કરું છું તો મને પ્રતીતિ થાય છે કે મારી કમુમમ્મી માટે મને પહેલેથી જ ખાસ લગાવ નહોતો! અમારાં બન્ને વચ્ચે એક અણગમાનો ઓછાયો છવાયેલો રહેતો. છેલ્લા વર્ષોમાં કમુમમ્મીની અવગણના મને કાંટાની જેમ વાગતી. તે મારી જરૂરિઆતો પૂરી પાડવામાં ઊણી ઊતરતી એ તો હું સ્વીકારી લેતી, પણ મારા સાવકા મામાઓ મારી વસ્તુઓ જબરજસ્તીથી છિનવી લે તે પણ એ હી હી કરતી ચલાવી લે… એ સહેવું અશક્ય બનતું જતું હતું. એક દિવસ ગટુમામાએ મને દિવાલ સાથે જડી દીધી અને જોરથી મારા હાથમાંથી મારું સીડી પ્લેયર ઝૂંટવી લીધું. મમ્મી કપડા સંકેલતી હતી તેને મારા આક્રંદની રતીભાર અસર થઈ નહીં…અને હું વીફરી, “મને આટલી કકળતી જુએ છે છતાં તને કોઈ દરકાર નથી?… તું મારી માં છે જ નહીં.”

આરુષીએ પ્રયત્નપૂર્વક વાત ચાલુ રાખી, “એ શબ્દોથી મમ્મીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. કંઈક બોલવા જતી હતી પણ રૂમ છોડીને ઝડપથી જતી રહી. એ રાત્રે હું જમ્યા વગર ઊંઘી ગઈ હતી. કમુમમ્મીએ મને જગાડી ત્યારે ઘરમાં નિદ્રાધિન શાંતિ હતી. મેં જોયું કે રાતના સાડાઅગ્યાર વાગ્યા હતાં. તેણે મને મારા હાથમાં એક ત્રાંબાનો ડબ્બો પકડાવ્યો અને કહ્યું કે, “આરુ! તું હવે આપણાં જીવનનું સત્ય સમજવા લાયક થઈ ગઈ છો. આ થાપણ તારા પપ્પા તારા માટે મૂકી ગયા છે.” ગમગીન ચહેરે મમ્મી બહારના રૂમમાં જતી રહી. મેં ડબ્બો ખોલી જોયું તો તેમાં લાલ ગુલાબની સૂકાયેલી પાંદડી સાથે એક ગુલાબી રૂમાલ, સોનાની ચેઈન અને બુટ્ટી હતાં. એક કાગળ ઘડી કરીને મૂકેલો હતો. પપ્પાના અક્ષરો જોઈ પહેલાં તો હું ખૂબ રડી.” આરુનાં ગળામાં શબ્દો અટકી ગયાં. સાંભળી રહેલાં પરિવાર જનોની આંખો ભીની થઈ ગઈ. થોડું પાણી પીધાં પછી આરુષીએ પત્ર હાથમાં લઈ કાળજીપૂર્વક ખોલી વાંચવાનું શરૂ કર્યું.

“મારી વ્હાલી દીકરી આરુ, આજે તને તારા જીવનનું સત્ય જણાવું છું. તારી માતાનું નામ મધુ હતું, હાં તારી જન્મદાત્રી…અમે બન્ને અમરપૂરમાં એક થયાં હતાં. મધુ એક શ્રીમંત કુટુંબની પુત્રી હતી જ્યાં વારસાગત ધન, હોદ્દો અને પ્રતિષ્ઠા  સૌથી મહત્વના ગણાતા. મારા જેવા ગરીબ અને મ્હાણ વકીલની પરીક્ષા પાસ કરેલાની સામે જોવાની પણ દરકાર ન કરે, તેવા પિતાની પુત્રી મારા પ્રેમમાં અને હું તેનાં પ્રેમમાં પાગલ થઈ ગયા હતાં. મધુનાં ભાઈઓના મૌનસાથને લીધે અમે મંદિરમાં લગ્ન કરી મુંબઈ જવા નીકળી શક્યા હતાં. તે પછી, મધુનાં પિતાને હકીકતની ખબર પડતાં…તેમના ઘરમાં ક્યારેય મધુનું નામ નહીં લેવાની સખત આજ્ઞા તેમણે આપી દીધી હતી.

“મુંબઈમાં અમારી જીવનગાડી કેટલાક સ્નેહાળ લોકોની મદદથી ઠીક ચાલતી હતી. તારા આગમન માટે અમે અત્યંત ઉત્સુક હતાં. પણ નિયતીની ક્રૂર મજાક…મારી નાજુક મધુ તને જન્મ આપતાં જ મૃત્યુ પામી.”

માનસીએ આરુષીને વ્હાલથી આવરી લીધી. “ઓહ મારી પ્યારી બહેના…આવી કરૂણ વિગત અને તું એકલી હતી? ઇચ્છું કે હું પાસે હોત.” આરુષી તેનો સ્નેહ ઝીલી રહી. પછી સ્વસ્થ થઈ તેણે તેનાં પપ્પાનો પત્ર આગળ  વાંચવાનું શરૂ કર્યું. “હું વિક્ષુબ્ધ, ભાંગી પડેલો દિશાહીન બની ગયો હતો…અને તેમાં નવજાત બાળકીને સાંચવવાની જવાબદારી. વકીલ રાવસાહેબ, જેમણે મને તેમની ઓફિસમાં પહેલી નોકરી આપી હતી, તેમણે મને સંભાળી લીધો હતો. બે મહીનાની આરુષીને માટે મમ્મીની જરૂર હતી. એમણે લગ્ન બાબત કમુનાં પિતા સાથે ગોઠવણ કરી લીધી. મારી શર્ત એટલી જ હતી કે બાળકીને પોતાની સમજીને ઉછેરવાની અને અમારા ભૂતકાળ વિષે ક્યારેય વાત નહીં કરવાની…કારણ કે, મધુ અને મારા લગ્ન સમાજની નજરે સ્વીકાર્ય ન હતા.

“આ સાંસારિક ખેલમાં બિચારી તારી કમુમમ્મી પણ એક કઠપૂતળી જ છે. તેનાં શોખ, અરમાનો બધું કચરીને તેનાં બાપાએ મારી સાથે પરણાવી દીધી. તેણે મન મારીને, તેની ક્ષમતા અનુસાર ફરજ નિભાવી. અને હવે, હું લાંબુ નહીં જીવું તેથી કમુને વૈધવ્ય પણ વેંઢારવું પડશે.” ફરી સૌની આંખોમાં આંસુનાં તોરણ બંધાયાં. “બેટા આરુ! આ કરૂણ કોહરામાં આશાનાં કિરણ સમા અમરપૂરમાં મુરબ્બી મોટાભાઈ અને બીજા સગાઓ છે. મને એ પણ શ્રધ્ધા છે કે તારા મોસાળમાં તને એક દિવસ જરૂર આવકાર મળશે. વ્હાલી દીકરી! હું જ્યાં હઈશ ત્યાંથી તારી રક્ષા કરતો રહીશ,” અને પછીના અક્ષરો આંસુમાં રોળાઈ ગયાં હતાં.

માનસીનાં મોટામામાનો રુંધાયેલો અવાજ આવ્યો, “બેટા આરુષી, તારા પપ્પાએ મને દરેક ઘટનાઓ વિષે વાકેફ કર્યો હતો. મધુનાં અવસાન પછી હું તારા પપ્પા પાસે મુંબઈ ગયો હતો. આરુષી! અહીં અમરપૂરમાં તારા મામા અને મારી દોસ્તી બાળપણની છે. કોલેજકાળમાં તારા પપ્પા મારી સાથે ‘મધુવન’ બંગલે આવતા અને એ મુલાકાતોમાં તારા પપ્પા-મમ્મીનો ઇતિહાસ આલેખાયો. થોડાં મહિનાઓ પહેલાં મધુનાં પિતાશ્રીના મૃત્યુના સમાચાર મેં તારી કમુમમ્મીને જણાવ્યા હતાં. આરુ! તારા મામાને ઘેર જવું છે?”

“હા મોટાકાકા! મારે મારું મોસાળ જોઉં છે. માનસી અને ફઈબા, તમે પણ સાથે આવશો ને? મને જરા ગભરામણ થાય છે.” પછી નિરાંતનો શ્વાસ લઈ આરુષી બોલી. “હવે હું કમુમમ્મીને મુંબઈ ફોન કરી દઉં…એ ચિંતા કરતી હશે.”

બીજે દિવસે આરુષી એક વિશાળ બંગલાના, તાજા ફૂલોના તોરણ બાંધેલા બારણાં સામે આવીને ઊભી રહી. તેનું દિલ વ્યાકુળતાથી ધડકતું હતું. બારણું ખોલી હસતાં ચહેરાઓ આરુષીને કંકુ ચોખાથી આવકારી રહ્યાં હતાં. બે મામા, મામી અને આરુષી જેવા દેખાવડા, તેના પિત્રાઈ ભાઈ-બહેનો…અહા! આવો મજાનો પરિવાર હોય!! સામે એક ફોટો હતો જેમાં આરુષી જેવી માંજરી આંખો અને વાંકડિયા વાળ કિશોરી…આરુષી જાણે પોતાનું પ્રતિબિંબ જોતી હોય તેમ સ્તબ્ધ થઈ ફોટા સામે તાકી રહી. આરુષીનાં મોટામામાએ નજીક આવી સ્નેહથી ખભે હાથ મુક્યો. “આરુષી! આ અમારી વ્હાલી મધુબેનની તસ્વીર…જે ઘણાં વર્ષોથી છુપાવીને રાખી હતી. આજે તારા આગમનથી દૂઝતા ઝખમને શાતા મળી છે. એક ખાસ વાત…અંદર તારી કોઈ આતુરતાથી રાહ જુએ છે, ચાલો”

થોડાં કમરાઓ પસાર કર્યા પછી એક બારણાં પાસે આરુષીને આગળ કરીને બધાં અંદર દાખલ થયાં. “આરુ! આ તારાં નાની છે.” પલંગ પરથી પ્રયત્ન પૂર્વક ઊભાં થઈ આરુષી તરફ નાનીએ હાથ લંબાવ્યાં. સોળ વર્ષની આરુષીને પહેલી વખત પૂર્ણ પ્રેમનો અનુભવ થયો. નાનીના આલિંગનમાં હાસ્ય અને અશ્રુ ઓતપ્રોત થઈ ગયાં.

“ગઈકાલે રાત્રે અમે મોટાબાને ‘આરુષી આવશે’ તે વાત કરી હતી. અમને ખબર હતી કે તેને પોતાની લાગણીઓને સમેટવા સમય જોઈશે. બા! હવે ઠીક છો ને?”

મીઠાં હાસ્ય સાથે નાનીએ આરુને નજીક ખેચીંને બેસાડી. “જો બેટા, આ તારી માનો રૂમ. ઘણાં સમયથી હું આ રૂમમાં મધુને ઝંખતી રહી છું. આજથી આ રૂમ તારો. એ સમયે સજાવેલો હતો એમનો એમ છે, પણ હવે… તું તારી રીતે સજાવજે.”

“મોટાબા! આરુ મારી સાથે પણ રહેશે હોં! એ અમારી પણ ખરીને?” માનસી મોગરાનું ફૂલ આરુષીનાં વાળમાં સજાવતી બોલી.

“હાં માનસી, મારી વ્હાલી આરુષી, આપણાં સૌની…”

વાત્સલ્ય વર્ષા

વર્ષોની પારઝૂમી ઓચિંતી આજ,
અહોમાના આંગણની સુવાસથી.
 ઓઝલ અતિતની તરસી કળી,
આજ ભીંજી પળભરમાં પમરાટથી.     

પહેલાં સુગંધ પછી પમરાતી પાંખડી,
વાત્સલ્ય વર્ષાનાં પરિતોષથી,
સાચા સંબંધોની સ્નેહલ હથેળીઓ,
સ્પર્શે મધુ જાઈને કુમાશથી.


સરયૂ પરીખ : saryuparikh@yahoo.com


વેબ ગુર્જરીના ગદ્ય વિભાગમાં પ્રકાશન સારૂ વિચારણા કરવા માટે આપની નવલિકા, ટચુકડી વાર્તાઓ કે વિવેચન કે વર્ણનાત્મક રેખાચિત્ર જેવી, વર્ડ ફાઈલ ફોર્મેટમાં, યુનિકોડ ફોન્ટમાં ટાઈપ કરેલ, ગદ્ય સાહિત્ય કૃતિઓ ગદ્ય વિભાગનાં સંપાદકોને નીચેના વીજાણુ સરનામે મોકલવા વિનંતિ છે-

કેપ્ટન નરેન્દ્ર ફણસે : captnarendra@gmail.com

રાજુલ કૌશિક શાહ : rajul54@yahoo.com

Author: Web Gurjari

1 thought on “હસતા ઝખમ

Leave a Reply

Your email address will not be published.