આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૯

પ્રવાસી યુ. ધોળકિયા

આપણે આપણી લેખમાળાના અગાઉના હપ્તાઓમાં રામાયણકાળનુ મુલ્યાંકન કર્યું હતું.

રામ દ્વારા રાવણનો વધ થયો ત્યારે ત્રેતા યુગનો અંત થયો અને દ્વાપર યુગનો પ્રારંભ થયો.  ત્રેતાયુગ દરમ્યાન સૂર્ય-ચંદ્રવંશના બસો રાજવીઓનાં નામો પુરાણ ગ્રંથોમાં મળે છે. વિદ્વાનો માને છે કે આ યાદી ઘણી અપૂર્ણ છે. બીજા યુગનાં પરિવર્તનમાં સૂર્યવંશના ઇક્ષ્વાકુઓએ પ્રમુખ ભૂમિકા ભજવી. ત્રીજા યુગનું પરિવર્તન ચંદ્રવંશના ભરતવંશી કૌરવો-પાંડવો દ્વારા થયું. રામ-રાવણના સંઘર્ષકાળમાં આપણા દેશમાં અયોધ્યા ઉપરાંત બીજાં લગભગ ત્રીસ રાજ્યો હતાં. મહાભારતકાળમાં આ સંખ્યા વધીને બસ્સો જેટલી થઈ ગઈ.  આ વસ્તુ પુરવાર કરે છે કે રામાયણકાળમાં આર્ય સભ્યતા સમગ્ર ભારતવર્ષમાં ફેલાયેલી નહોતી. કિષ્કિંધા (આજનાં બેલ્લારી-કર્ણાટક)માં રહેતા વાનરો પણ પૂર્ણ રીતે આર્યસભ્યતાથી રંગાયેલા નહોતા. તેની સરખામણીમાં  મહાભારતકાળમાં આર્ય સભ્યતા આખા દેશમાં સાર્વત્રિક રીતે  ફેલાયેલી હતી. ભૌતિક સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં પણ દ્વાપર યુગ કરતાં ત્રેતા યુગમાં આપણો દેશ ટોચ પર હતો.  રામાયણકાલીન સમાજ સરળ અને સાદગીપૂર્ણ હતો. એકંદરે પ્રજા સુખી હતી અને શાંતિપૂર્વક જીવતી હતી.

મહાભારતકાળ

મહાભારતમાં એ  સમયની રાજકીય અને સામાજિક વ્યવસ્થાને ભારે આંટીઘૂંટીને દર્શાવાઈ છે. મહાભારતકાળમાં યુગ પરિવર્તન થયું તેનાં કારણો જોઈએ તો જણાશે કે એ સમયે રાજવી પરિવારોમાં ભારે આંતરકલહ, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અવિશ્વાસ અને દુર્ભાવના પ્રવર્તતી હતી. ચારે બાજુ વ્યભિચાર, અકારણ ભારે હિંસા, માનવહત્યાઓ, સ્ત્રી જાતિની અવદશા, જડ જ્ઞાતિપ્રથા અને દરેક પ્રકારની ખરાબીઓનું નગ્ન અને વાસ્તવિક ચિત્ર મહાભારત રજૂ કરે છે. તેનાં ઉદાહરણ અત્રે આપ્યાં છે :

૧) મહાભારતનાં વડીલ પાત્રો વેદવ્યાસ, ધૃતરાષ્ટ્ર, પાંડુ  અને  વિદૂરના જન્મ પતિ-પત્ની વચ્ચેના કુદરતી સંબંધોથી થતાં નથી મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મ ઋષિ પરાશર વ્યાસ અને અપ્સરા-પુત્રી સત્યવતીના લગ્નેતર સંબંધથી થયો હતો. ભરતવંશના રાજવી વિચિત્રવીર્ય નપુંસક હતા. તેની બે પત્નીઓ અંબિકા અને અંબાલિકાને પણ ભીષ્મ કાશી જઈને લઈ આવેલા. વેદવ્યાસે બંને પત્નીઓ સાથે સંભોગ કરીને નિયોગ પદ્ધતિથી ધૃતરાષ્ટ્ર, પાંડુ  અને  વિદૂરને ભરતવંશના વારસો તરીકે આપ્યા. ધૃતરાષ્ટ્ર અંધ હતા. તેની પત્નીએ આંખે પાટા બાંધીને અંધત્વ સ્વીકાર્યું હતું. તેઓના ૧૦૦ પુત્રોનો જન્મ પણ વિચિત્ર રીતે થયો હતો. ગાંધારીના ગર્ભને ૧૦૦ ઘડાઓમાં મૂકવામાં આવ્યો હતો, જેમાં દુર્યોધન અને અન્ય ૯૯ કૌરવો જન્મ્યા. કર્ણ અને પાંચ પાંડવોનો જન્મ પણ પાંડુ અને કુંતીના દેહ સંબંધથી થયો નહોતો. તેથી મહાભારત આ છ ભાઈઓનો જન્મ સૂર્ય, ઇન્દ્ર, વાયુ, ધર્મ અને અશ્વિનીકુમાર જેવા દેવો દ્વારા થયેલો બતાવે છે.

૨) ભીષ્મ પિતામહ જેવા મહામાનવ પણ સ્ત્રી તરીકે ફક્ત કુંતીને જ આદર આપતા. તેઓએ અપહરણ કરેલી કાશીની ત્રણ રાજપુત્રીઓ – અંબા, અંબિકા અને અંબાલિકા – ને તેમણે ભારે તિરસ્કૃત કરી હતી. સૌથી મોટી પુત્રી અંબાને તેના પ્રેમી પાસે જવા જોકે ભીષ્મે મુક્ત કરેલી. ભૂતપૂર્વ પ્રેમીએ અંબાનો બહિષ્કાર કર્યો એટલે અંબા ભીષ્મ પર ક્રોધે ભરાઈ અને અગ્નિકુંડમાં જાતને હોમી દીધી. તેની વેર ભાવના એટલી પ્રબળ હતી કે બીજા જન્મમાં તે શિખંડી થઈ અને મહાભારતનાં યુધ્ધમાં ભીષ્મના વધનું કારણ બની.

૩) દ્રૌપદીનો જન્મ પણ પાંચાલ નરેશ દ્રુપદને ત્યાં કુદરતી રીતે  નહોતો થયો. દ્રુપદે કરેલ યજ્ઞના હવનકુંડમાંથી દ્રૌપદી પ્રકટ થયાં હતાં. તેથી, સીતાજીની માફક, દ્રૌપદી પણ મુખ્યત્ત્વે પૃથ્વીરૂપ અને ગૌણરૂપે અગ્નિરૂપ હતાં. આવાં પવિત્ર દ્રૌપદીની પણ ભારે અવદશા થઈ હતી. સ્વયંવરમાં તેમણે માત્ર અર્જુનને જ પતિ તરીકે પસંદ કરેલ. પરંતુ કુંતીએ સમજ્યા વગર જ તેને અન્ય ચાર પાંડવોની પણ પત્ની બનાવી દીધેલાં. ધર્મરાજ યુધિષ્ઠિરે શકુનિ પ્રેરિત જુગારના દાવમાં દ્રૌપદીને હારી જઈને કૌરવોને હવાલે કરી દીધેલાં. આ પછી તેમની સ્થિતિ ભારે દયાજનક બની ગયેલ. રજસ્વલા હોવા છતાં દુ:શાસન દ્રૌપદીના વાળ ઝાલીને ભર્યા દરબારમાં ઘસડી લાવે છે. કર્ણ તેનું અપમાન કરે છે અને દુર્યોધન બિભત્સ ચાળા કરીને તેને પોતાની જાંઘ પર બેસવાનું કહે છે. અહીં એક સ્ત્રી કે સ્ત્રી જાતિનું જ નહીં પણ પૃથ્વીનું પણ અપમાન થાય છે. આવી આવી અંધાધૂંધીને પરિણામે જ સમગ્ર ભરતવંશ કાળના ખપ્પરમાં હોમાઈ ગયો.

૪) આપણી પરંપરા પ્રમાણે સમગ્ર માનવ જાતે ધર્મનું પાલન કરવું જરૂરી છે. ઋષિમુનિઓએ માનવસમાજ માટે ધર્મ એટલા માટે રચ્યો કે  વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાજ્ય શાંતિ અને સુખપૂર્વક રહી શકે. વર્ણવ્યવસ્થા પણ આવા ધર્મને આધારિત હતી. મહાભારતકાળમાં ધર્મને ભારે ભ્રષ્ટ કરાયો. દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા, એટલે તેમનું કાર્ય કૌરવ-પાંડવોને શસ્ત્રવિદ્યામાં પારંગત કરવાનું હતું. સતી અને ન્યાય પાંડવોને પક્ષે હોવા છતાં તે મહાભારતનું યુદ્ધ કૌરવપક્ષે લડયા. એટલું જ નહી, યુદ્ધના દસમા દિવસે તેમણે સેનાપતિપદ સંભાળીને વર્ણવ્યવસ્થાના ભુક્કા ઉડાવી દીધા. તેમના પુત્ર અશ્વત્થામાએ પણ પિતૃહત્યાના પ્રતિશોધમાં પોતાની માયાવી વિદ્યાનો દુરુપયોગ કરીને પાંચ પાંડવોના બધા જ પુત્રોનો વધ કર્યો. એટલેથી ન સંતોષાઈને, દેવો પાસેથી મળેલાં શસ્ત્રોનો ઉપયોગ કરીને ભરતકુળની સ્ત્રીઓના ગર્ભ જ પાડી નાખ્યા. પાંડવોને પક્ષે ભગવાન શ્રીકૃષ્ણ જેવા યુગપુરુષ ન હોત તો પાંડુવંશ નાશ પામ્યો હોત. એ અવતાર પુરુષે ઉત્તરાના ગર્ભમાં રહેલ પરિક્ષિતને બચાવી લીધો.

હિંસા, અનાચાર અને અંધાધૂંધીના આવા યુગમાં આદર્શવાદી રામ જેવો અવતાર અસરકારક ન નીવડી શકે. તેથી ચોસઠ કળાધારી ભગવાન શ્રીકૃષ્ણનો આધાર આપણને મળ્યો. તેમણે જોયું કે માત્ર ભરતવંશ જ નહીં પણ પોતે જે કુળના હતા તે યાદવવંશ પણ શરાબી અને વ્યભિચારી બની ગયો હતો. એટલે આ બધા પરિવારોનો નાશ થાય એ જ ઉચિત હતું. પણ આ કાર્ય અતિશય કુશળતા માંગી લે તેવું હતું. જો એમ ન બને તો શ્રીરામ દ્વારા રક્ષાએલી આર્ય પરંપરા જ વિનાશ પામે. આટલેથી ન અટકીને શ્રીકૃષ્ણે ગાંધારીનો શ્રાપ વહોરી લઈને સમગ્ર યાદવકુળ અને પોતાનો પણ નાશ માગી લીધો. આવા અવતાર પુરુષે પોતાનુ મૃત્યુ  જરા નામના પારધી પાસેથી માગી લીધું.

શ્રીરામના ભારતમાં તેના પ્રાણ સમા આર્યત્વને જાળવી શકાય એ માટે  શ્રીકૃષ્ણે પોતાનાં સર્વસ્વ જીવનનું બલિદાન આપ્યું. મહાભારતના યુદ્ધને દોરવણી આપતા આ મહામાનવે ધર્મના પક્ષને મજબૂત બનાવતાં ભગવદ ગીતાના શાશ્વત ઉપદેશની ભેટ ધરી. શ્રી અરવિંદે શ્રીક્રુષ્ણને અંજલી આપતાં લખ્યું છે કે શ્રીકૃષ્ણ નાનામાં નાના લોકો વચ્ચે રહીને લોકસેવાના ગુણો કેળવતા રહ્યા. તેમની પ્રારંભિક જિંદગી સામાન્ય લોકોની વચ્ચે વ્યતીત થવાથી એ લોકોની અપેક્ષાઓ અને ઇચ્છાઓ શ્રીકૃષ્ણ સમજી શકતા થયા. યુધિષ્ઠિરે જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે આમંત્રિત બ્રાહ્મણોના પગ પખાળવાનું કામ શ્રીકૃષ્ણે સ્વીકાર્યું. કોઈ જુલ્મીનો જ્યારે તેઓ વધ કરતા ત્યારે કહેતા કે આ વિષે તેમને કોઈ મહત્વાકાંક્ષા નથી. તેમના સહકાર્યકર્તાઓ રાજીખુશીથી તેમની આજ્ઞા માને તે રીતે તેઓ કહેતા, સૌથી શક્તિશાળી હોવા છતાં શ્રીકૃષ્ણ સરમુખત્યાર નહોતા. મહાભારતના સંગ્રામમાં અર્જુંન જ્યારે  લાગણીવેડાના અતિરેકથી પીડાય છે ત્યાંરે રક્તપાત અને હત્યા પાછળ રહેલ માનવતાવાદી જવાબદારીની ભૂમિકા તેઓએ સમજાવી. રાષ્ટ્રમાં વ્યાપેલ સડાને દૂર કરવાની શલ્યક્રિયા તેમણે કરી. લોકો વચ્ચે એવો પ્રકાશ પાથર્યો કે તેમની ગેરહાજરીમાં પણ તેમનાં સતકાર્યો ઝળકતાં રહ્યાં. મહાભારતનાં યુદ્ધ સમયે તેમનાં મનમાં હળવાશ ન હતી, પરંતુ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ સિવાય કોઈ અન્ય વિકલ્પ જ નથી બચ્યો એમ સ્પષ્ટપણે દેખાયા પછી એ યુદ્ધને તેનાં અંતિમ પરિણામ સુધી તેઓ દોરી ગયા. તેમનાં વ્યક્તિત્વનાં  આ બધાં પાસાંઓને પરિણામે તેઓ માનવજાતના લોકનાયક બનવા લાયક  ઠર્યા.  જે કોઈની લાગણીને ઠેસ ના પહોંચાડે, કોઈનો ધિક્કાર ન કરે, કોઈના આભિપ્રાયનો તિરસ્કાર ન કરે એવા માનવ કલ્યાણની ખેવના કરનારા નેતાનો દાખલો અન્યત્ર ક્યાં જોવા મળશે?

આમ છતાં  એ વાત તો આપણે સ્વીકારવી જ રહી કે રામ અને યુધિષ્ઠિરનાં ભારતમાં હાથી -ઘોડાનું અંતર હતું. સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક એવાં દરેક ક્ષેત્રે ભારતની જે પીછેહઠ થવા લાગી હતી તેને અટકાવવાનો શ્રીકૃષ્ણે અથાક પ્રયાસ કર્યો.  જોકે તેમણે ધારી હતી એટલી સફળતા તો ન જ મળી.

શ્રીરામ નામના આધુનિક લેખકે અવતાર પુરુષ રામ અને ધર્મરાજ યુધિષ્ઠિરની સરખામણી કરતાં લખ્યું છે કે શ્રી રામચંદ્રજીનાં પવિત્ર જીવનની સરખામણીમાં યુધિષ્ઠિરની જુગાર ખેલવાની મનોવૃત્તિ હીન લાગે છે. શ્રી રામ પરત્વેની લક્ષ્મણ અને ભારતની ભાતૃભાવનાની તુલનામાં યુધિષ્ઠિર વિશેનાં ભીમનાં ઉચ્ચારણો આપણને આઘાત પહોંચાડે છે. વનમાં જતી વખતે સીતાને જ્યારે કૈકેયી તપસ્વીનીનાં વસ્ત્રો આપે છે ત્યારે સામાન્ય પ્રજા હિંમતપૂર્વક પોતાનો ધિક્કાર પ્રગટ કરે છે. ધૃતરાષ્ટ્રના દરબારમાં જ્યારે દ્રૌપદીની અવહેલના કરવામાં આવી રહી હોય છે ત્યારે પ્રજાનો કોઈ પ્રતિભાવ જોવા નથી મળતો. રામના વનવાસ ગમન સમયે અયોધ્યાની સમગ્ર પ્રજા તેમની સાથે વનમાં જવા તેયાર થાય છે. જ્યારે પાંડવોના વનવાસ સમયે પ્રજાએ આવો ઉમળકો નહોતો બતાવ્યો. ભારતને રાજ્યગાદીની ખેવના નહોતી. સામે પક્ષે, યુધિષ્ઠિર રાજ્ય મોહ ત્યાગી નથી શકતા. યુદ્ધમાં ઘાયલ રાવણનો વધ કરવા સામે શ્રીરામનો વિરોધ હતો, તેથી બિલકુલ વિરુદ્ધમાં મહાભારતનાં યુદ્ધમાં ભીષ્મ, દ્રોણ, કર્ણ, ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી અને પાંચ પાંડવોના પુત્રોના વધ સમયે વરવાં દૃશ્યો સર્જાયાં હતાં.

આ બધું એ સાબિત કરે છે કે મહાભારતના સમયનું ભારત તેની અસ્મિતા ગુમાવી ચૂક્યું હતું. કળિયુગનાં પ્રથમ ૨,૫૦૦ વર્ષમાં ભલે પછી ભારતની ભૌતિક સમૃદ્ધિ વિશ્વભરમાં ટોચ પર હતી.

મહાભારતનાં યુદ્ધથી ભારતવર્ષને ભારે ફટકો પડ્યો. દરેક ક્ષેત્રમાં દેશનાં વળતાં પાણી થયાં. ભૌગોલિક વિસ્તારમાં પણ ભારત સંકોચાઈ ગયું. ભોગવિલાસ, વ્યભિચાર, રાજકીય અંધાધૂંધી, જડ જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓની અવદશા, ગરીબ વર્ગની ઉપેક્ષા વગેરેથી દેશ અને સમાજ નબળાં પડ્યાં. સમાજ અને રાજ્યની વ્યવસ્થાના હ્રાસને ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના ત્યાગ, અહિંસા અને માનવમાત્રની એકતાના ઉપદેશો પણ બચાવી ન શક્યા. જ્ઞાનની સરવાણી સુકાઈ ગઈ. સિદ્ધો, નાથો, દક્ષિણ ભારતના અનેક સંતો, મીરાંબાઈ, નાનક, ચૈતન્ય મહાપ્રભુ, અને સાંઈબાબા જેવા સંતોની પરંપરાને કારણે સનાતન ધર્મ ટકી શક્યો.

રામાયણ અને મહાભારત કાળ દરમ્યાન આપણી આંખો અંજાઈ જાય તેવી વિભૂતિઓનાં  દર્શન કરીને તો આપણે ધન્ય થઈ ગયાં. આ ૮,૪૦૦ વર્ષો દરમ્યાન થઈ ગયેલ બધી જ મહાન વ્યક્તિઓનો પરિચય કરવો તો આ એક જ લેખમળામાં શક્ય નથી, પરંતુ તે દરમ્યાન ભારતભૂમિને પવિત્ર રાખનાર નચિકેતા, અષ્ટાવક્ર અને યાજ્ઞવલ્ક્યનો ઉલ્લેખ જ ન થાય તો તે અક્ષમ્ય અપરાધ જ ગણાય.

૧) નચિકેતા: ૨૬મા વ્યાસ, ઋષિ વાજશ્રવા,ના તેઓ પુત્ર હતા. ઘરડી ગાયોના દાન અંગે વિવાદ થતાં પિતાએ પુત્ર નચિકેતાને યમરાજને દાનમાં આપી દીધો. ત્રણ દિવસના નિર્જળ અપવાસ પછી મૃત્યુના દેવ, યમરાજા,ને નચિકેતા મળી શક્યા. પ્રસન્ન થયેલા યમે નચિકેતાને પિતાનું સુખમય જીવન, સત્કાર્ય દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ તેમજ પાપમુક્ત અને બીજા માટે જીવીને જ પીડાવિહીન મૃત્યુ જેવાં ઉપદેશાત્મક ત્રણ વરદાનો આપ્યાં. આ કથા કઠોપનિષદમાં પ્રાપ્ત છે.

(૨) અષ્ટાવક્ર: અષ્ટાવક્ર જન્મથી જ અનેક શારીરિક ખોડો સાથે જન્મ્યા હતા. મીથિલાના રાજા જનકના સારથિ અને મહાપંડિત બંદીએ તેમના પિતા કહોડ (અથવા કહોલ)નો પરાજય કર્યો હતો. આ મહાપંડીતનો શાસ્ત્રાર્થમાં ઘોર પરાજય વડે પોતાનાં પિતાનાં અપમાનનો બદલો અષ્ટાવક્રે વાળ્યો. આટલેથી જ ન અટકતાં, અષ્ટાવક્રે મહાજ્ઞાની જનક રાજા સાથે આધ્યાત્મ પર ગહન ચર્ચા કરી પ્રશ્નોના ઉત્તરો આપ્યા. પરિણામરૂપ, વિશ્વને, ભગવદ ગીતા જેવો જ, અષ્ટાવક્ર ગીતાનો ગ્રંથ મળ્યો.

(૩) યાજ્ઞવલ્ક્ય: યાજ્ઞવલ્ક્યની આ યુગના અંતિમ મહાજ્ઞાની તરીકે ગણના થાય છે. તેઓએ વિશ્વમાં અતિમૂલ્યવાન ગણાય એવા શતપથબ્રાહ્મણગ્રંથ લખ્યો. એટલું જ નહીં, પણ મનુસ્મૃતિ જેવી જ યાજ્ઞવલ્ક્યસ્મૃતિ પણ તેમણે રચી.

આ સાથે મહાભારત યુગનો, એટલે કે, પ્રાચીન ભારતનો અહીં અંત થાય છે. હવે પછી આપણે  મહાભારતકાળ પછીના કળિયુગના ઇતિહાસની વાત આ લેખમાળામાં કરીશું.


ક્રમશઃ….ભાગ ૧૦ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૯

  1. મહાભારતકાળનું બહુ સચોટ વિશ્લેષણ છે. મહાભારત કથા પોતે જ સમાજમાં નૈતિક મૂલ્યો અને સત્તાપ્રેમની કથા છે. સત્યવતીના બન્ને પુત્રો નિઃસંતાન મૃત્યુ પામ્યા તે પછી એમની વિધવાઓને વેદ વ્યાસ દ્વારા બે પુત્રો ઉત્પન્ન થયા -ધૃતરાષ્ટ્ર અને પાંડુ. એમનામાં કુરુઓના જીન્સ તો હતા જ નહીં! તો દુર્યોધન અથવા યુધિષ્ઠિરમાં કેમ હોય? એમાંય યુધિષ્ઠિરમાં તો પાંડુના જીન્સ (વેદ વ્યાસના) પણ નહોતા. બધા અનૌરસ હતા, ખરા કુરુ જીન્સવાળા તો કોઈ હતા જ નહીં, તો આ મહાભારત હતું શા માટે? માત્ર કબજામાં હતી તે સંપત્તિ અને સત્તા પરનો અનધિકૃત કબજો કોનો હોવો જોઈએ તેના માટે અસંખ્ય લોકોના પ્રાણનો ભોગ લેવાયો.

  2. “”સિદ્ધો, નાથો, દક્ષિણ ભારતના અનેક સંતો, મીરાંબાઈ, નાનક, ચૈતન્ય મહાપ્રભુ, અને સાંઈબાબા જેવા સંતોની પરંપરાને કારણે સનાતન ધર્મ ટકી શક્યો.””
    ઉપર દર્શાવેલ સંતોના નામ માં છેલ્લા પાંચસો કે છસો વર્ષના નામો ‘મીરાંબાઈ, ચૈતન્ય મહાપ્રભુ,ગુરુ નાનક, અને સાંઈ બાબા ના નામો આ લેખમાં સમાવવા થોડું ઠીક નથી. કેમકે અહીં વાત થાય છે મહાભારત કાળની એવું નમ્ર રીતે જણાવું છું.

Leave a Reply

Your email address will not be published.