ફિર દેખો યારોં : ધારદાર તલવાર વડે દૂધીનું ડીંટું વાઢો અને સંતોષ માનો

બીરેન કોઠારી

રાજકીય વ્યંગ્ય અને તેના પ્રત્યે રાજકારણીઓની ઘટતી જતી સહિષ્ણુતા વિશે ગયા મહિને આ કટારમાં લખવામાં આવ્યું હતું. એ સમયે આપણા દેશના માહોલને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. એ જ મહિને અમેરિકન પત્રકારત્વમાં એક મહત્ત્વની ઘટના બની.

અમેરિકન પત્રકાર-રાજકારણી જોસેફ પુલિત્ઝરના નામે ‘પુલિત્ઝર પારિતોષિક’ પત્રકારત્વનાં વિવિધ આયામો માટે છેક ૧૯૧૭થી એનાયત કરવામાં આવે છે. જોસેફ પુલિત્ઝરે પોતાના જીવનકાળ દરમિયાન પીળા પત્રકારત્ત્વનું ભરપૂર ખેડાણ કર્યું હતું, પણ તેમણે વીલમાં કરેલી જોગવાઈ અનુસાર શરૂ કરાયેલું આ પારિતોષિક અમેરિકન પત્રકાર જગતમાં પ્રતિષ્ઠિત ગણાય છે. પત્રકારત્વ સાથે સંકળાયેલી એકવીસ પ્રકારની વિવિધ શ્રેણીઓ આ પારિતોષિકમાં આવરી લેવાય છે. જે તે શ્રેણી માટે નામાંકન પામેલા ઉમેદવારોનાં નામ તેમજ વિજેતા ઉમેદવારોનાં નામ દર વરસે ઘોષિત કરવામાં આવે છે. આ પારિતોષિક માટે નામાંકન મેળવવું પણ પ્રતિષ્ઠાની બાબત ગણાય છે. આમાંની એક શ્રેણી એડિટોરીયલ કાર્ટૂન એટલે કે સંપાદકીય કાર્ટૂનની છે. આ વર્ષે રુબેન બોલિંગ (મૂળ નામ કેન ફિશર), લાલો અલ્કારાઝ અને માર્ટી ટુ બુલ્સ (સિનીયર) નામના ત્રણ કાર્ટૂનિસ્ટ આ શ્રેણીમાં નામાંકન પામ્યા હતા. પણ પારિતોષિક સમિતિએ ત્રણમાંથી એકે નામ પસંદ કર્યું નહીં, અને આમ, આ શ્રેણીનું પુલિત્ઝર પારિતોષિક કોઈને એનાયત કરાયા વિનાનું રહ્યું. પુરસ્કાર સમિતિના આ નિર્ણયે અમેરિકન કાર્ટૂનિસ્ટોમાં ભારે નારાજગી પ્રસરાવી છે. એવું નથી કે આ શ્રેણીમાં કોઈને પારિતોષિક ન આપવાનો નિર્ણય પહેલી વારનો છે. ૧૯૨૨થી સંપાદકીય કાર્ટૂનની શ્રેણીનો સમાવેશ પુલિત્ઝર પારિતોષિકમાં કરવામાં આવ્યો છે. એટલે કે ૯૯ વર્ષના અરસામાં બધું મળીને કુલ પાંચ વખત આવી સ્થિતિ ઊભી થઈ હતી. છેલ્લે ૧૯૭૩માં આમ બન્યું હતું એ પછી ૪૮ વરસ વીતી ગયાં.

આ ત્રણે કાર્ટૂનિસ્ટો પ્રતિભાશાળી છે, ઘણા વખતથી તેઓ આ ક્ષેત્રે પ્રવૃત્ત છે. ‘ધ એસોસિયેશન ઑફ અમેરિકન એડિટોરીયલ કાર્ટૂનિસ્ટ’ (એ.એ.સી.સી.) દ્વારા એક નિવેદનમાં પુલિત્ઝર બૉર્ડના આ નિર્ણય બાબતે અસંમતિ પ્રગટ કરવામાં આવી છે. એડિટોરીયલ કાર્ટૂનનું માધ્યમ વરસોવરસ ઉત્ક્રાંત થતું રહ્યું છે, જ્યારે પુલિત્ઝર બૉર્ડ હજી એ જ સંકુચિત અને પરંપરાગત જૂનવાણી માનસ ધરાવતું હોવાનું આ નિવેદનમાં જણાવાયું છે. આ વ્યવસાય આર્થિક રીતે મહામુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોવાથી આ સંગઠને જે તે કાર્ટૂનિસ્ટોની પ્રવેશ ફી પરત કરવાની માંગણી કરી છે. આ ત્રણ કાર્ટૂનિસ્ટો યહૂદી, લેટિન્‍ક્સ અને નેટિવ અમેરિકન મૂળનાં હોવાની વાતને પણ નિવેદનમાં ઉલ્લેખવામાં આવી છે. આ કાર્ટૂનિસ્ટોએ ભેદભાવ અને ધિક્કારના પ્રચંડ મોજાંની સામે અવાજ ઉઠાવ્યો હોવાથી તેમને બાકાત રાખવામાં આવ્યા હોવાનો પણ એક અભિપ્રાય છે.

કાર્ટૂનિસ્ટોનાં વિવિધ સંગઠન તેમજ વ્યક્તિગત સ્તરે કાર્ટૂનિસ્ટોએ આ નિર્ણયને વખોડવાની સાથેસાથે બદલાતી જતી રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ડચ કાર્ટૂનિસ્ટ અને ‘કાર્ટૂન મુવમેન્‍ટ’ના નામે ૭૫ દેશોના લગભગ ચૌદસો કાર્ટૂનિસ્ટોને સાંકળતા આંતરરાષ્ટ્રીય ઑનલાઈન સમુદાયના અગ્રણી જિયર્ડ રોયર્ડ્સે આ મુદ્દે વિગતે જણાવ્યું છે. એ અનુસાર કાર્ટૂનિસ્ટો માટે અખબારોમાં જે હોદ્દો ફાળવવામાં આવતો એ હવે ધીમે ધીમે નાબૂદીને આરે છે. અખબારો પોતાના કાર્ટૂનિસ્ટ નીમવાને બદલે હવે ફ્રીલાન્‍સ કામ કરતા કાર્ટૂનિસ્ટો પાસેથી કામ ખરીદવા લાગ્યા છે. આને પરિણામે સ્પર્ધાનું પ્રમાણ વધ્યું છે. નવઉદારતાવાદના સિદ્ધાંત અનુસાર સ્પર્ધા વધવાથી ઉત્તમ ગુણવત્તા પ્રાપ્ત થવી જોઈએ, પણ એડિટોરીયલ કાર્ટૂનના ક્ષેત્રે તદ્દન વિપરીત સ્થિતિ થાય છે.

અમેરિકામાં સિત્તેર કાર્ટૂનિસ્ટોની સિન્‍ડીકેટ ચલાવતા કાર્ટૂનિસ્ટ ડેરીલ કેગલે વધુ સ્પષ્ટતાપૂર્વક આ બાબત જણાવી છે. તેમનું નિરીક્ષણ છે કે રાજકીય વ્યંગ્યથી ભીરુ તંત્રીઓ-સંપાદકો છેટા રહેવાનું પસંદ કરી રહ્યા છે. સિન્‍ડીકેટમાંથી મોટે ભાગે ‘નિર્દોષ’ વ્યંગ્ય ધરાવતાં કાર્ટૂનોને પસંદ કરવામાં આવે છે. જે કાર્ટૂનમાં સ્પષ્ટપણે અભિપ્રાય કે વૈચારિક ઝોક દર્શાવાયો હોય તેમની પસંદગી થતી નથી. કેગલ કહે છે કે મતલબ સાફ છે: તમારું કામ વેચવું હોય તો આ તંત્રીઓની મરજી મુજબ વર્તો; કઠોર ન બનો, લોકોને ગુસ્સે ન કરો, કશું વિવાદાસ્પદ ન ચીતરો.

કેગલના મત મુજબ ફ્રીલાન્‍સિંગ કેવળ નબળાં કાર્ટૂનો પેદા કરે છે. સાથે સાથે કાર્ટૂનિસ્ટોની નોકરી પર પણ તેનાથી ખતરો તોળાવા લાગ્યો છે. છેલ્લા દાયકામાં એ બાબત સામાન્ય બની રહી છે કે કોઈ કાર્ટૂન થકી ઉશ્કેરાટ ફેલાય તો કાર્ટૂનિસ્ટને તગેડી મૂકવો. ૨૦૧૯માં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ની આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં પ્રકાશિત થયેલા એક કાર્ટૂન બાબતે વિવાદ થયેલો. તેને પગલે આ અખબારે પોતાના બે કાર્ટૂનિસ્ટોને પાણીચું પકડાવી દીધેલું. એ કાર્ટૂન તેમણે નહોતું ચીતર્યું છતાં! એથી આગળ વધીને અખબારે કાર્ટૂનોનું પ્રકાશન જ સમૂળગું બંધ કરી દીધું.

ડેરીલ કેગલે આ ક્ષેત્રની વક્રતાને રેખાંકિત કરતાં જણાવ્યું છે કે અન્ય ક્ષેત્રોમાં કોઈક ભૂલ કરે તો ‘માણસ માત્ર, ભૂલને પાત્ર’ કહીને તેને માફ કરવામાં આવે છે. તેની સરખામણીએ જેનું કામ જ કડક ટીકા અને ધારદાર વ્યંગ્ય કરવાનું છે એવા કાર્ટૂનિસ્ટની એક પણ ભૂલ ક્ષમાપાત્ર બનતી નથી.

પ્રકાશિત થયેલા કાર્ટૂન સાથે વ્યક્તિગત યા વૈચારિક રીતે સંમત હોઈએ કે ન હોઈએ, વ્યંગ્ય દ્વારા કરવામાં આવતી અભિવ્યક્તિનું એક આગવું મહત્ત્વ છે. અત્યાર સુધી તે રહ્યું છે. વૈચારિક સ્વાસ્થ્ય માટે પણ એ જરૂરી છે. લાગણી દુભાવાના નામે અભિવ્યક્તિસ્વાતંત્ર્યના આ માધ્યમ પર કાપ મૂકાય, તો આ ક્ષેત્રનું અસ્તિત્વ જોખમાઈ શકે. અલબત્ત, હવે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર કાર્ટૂનિસ્ટો પોતાની કળા બેરોકટોક પ્રદર્શિત કરી શકે છે, પણ તેમનું મુખ્ય સ્થાન જ્યાં છે એવા પ્રકાશનજગતમાં એ વધુ શોભે એ હકીકત છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨-૭–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ – તસવીરો  નેટપરથી સંદર્ભિત સ્રોતના સૌજન્યથી લીધેલ છે.

Author: Web Gurjari

1 thought on “ફિર દેખો યારોં : ધારદાર તલવાર વડે દૂધીનું ડીંટું વાઢો અને સંતોષ માનો

  1. હલકી અને સસ્તી પ્રસિદ્ધિ સાથોસાથ સહિષ્ણુતાનો અભાવ.
    ઉમાકાન્ત વિ. મહેતા.(ન્ય જર્સી)

Leave a Reply

Your email address will not be published.