પુસ્તક પરિચય – ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (૧૯૫૬-૧૯૮૦)

Log Outપરેશ પ્રજાપતિ

ગુજરાતના અઢી દાયકાના રાજકારણ પર એક દૃષ્ટિપાત

 

રાજકારણ એક રીતે વહેતી નદી જેંવુ છે. તેમાં કશું સ્થાયી નથી, સતત બદલાતું રહેતું હોય છે. પરંતું ભૂતકાળની ઘટનાઓનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે તો રસપ્રદ તારણો મળે છે જે ભાવિ પરિસ્થીતિને સમજવામાં ક્યારેક મહત્વનાં નીવડે છે.

આ પુસ્તકના લેખક (સ્વ.)અરવિંદભાઈ પટેલ છે. ગુજરાતની સ્થાપના 1960માં થઈ ત્યાર બાદ ટૂંક સમયમાં જ તે રાજકારણમાં જોડાયા. 1967 થી 1971 દરમ્યાન તેઓ ધોરાજી કોંગ્રેસ તરફથી એ વિસ્તારના ધારાસભ્ય રહી ચૂક્યા હતા. 1972 માં તે રાજકોટની લોકસભા બેઠક પરથી ચૂંટાયા અને પાંચ વર્ષ સુધી સંસદસભ્ય રહ્યા હતા. તે 1980 સુધી સક્રિય રહ્યા. આ ગાળામાં થયેલી મહત્વની ઘટનાઓ, ઉથલપાથલો  તે ગુજરાત તેમજ દેશના રાજકારણમાં બનતી ઘટનાઓ પાછળ પોતાનાં દૃષ્ટિબિંદુથી મૂલવતા અને નોંધી રાખતા હતા. ખ્યાતનામ સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાના તે મિત્ર હતા અને તેમની સાથે થતી વાતચીત દરમ્યાન આ નોંધ પુસ્તકાકારે લોકો સમક્ષ રજૂ કરવાનું નક્કી થયેલું. પરંતું એ બાબતે આગળ વધાય એ પહેલાં નવેમ્બર, 2018માં તેમનું અવસાન થયું. આ કાર્ય તેમના પુત્રોએ ઉપાડ્યું, જેનું સંપાદન બિનીત મોદીએ કર્યું છે. (બિનીત મોદી દ્વારા સંપાદિત આ સર્વપ્રથમ પુસ્તક છે.) તેમણે વાતના અનુસંધાન અને સંદર્ભ માટે જરૂર જણાય ત્યાં ઈટાલિક્સમાં નોંધ મૂકી વાચકોની સરળતા વધારી છે.

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમ ચુંટણીમાં ડૉ. જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યાના થોડા સમયમાં ગુજરાતની આંતરિક જૂથબંધી બહાર આવી અને તેમણે રાજીનામું આપ્યું. આ ગુજરાતની નિયતી રહી છે. એક સમયે સિંગતેલના ડબાના ભાવ રૂ. 60 થી 65 થયા ત્યારે ઈન્દુલાલ યાજ્ઞિક તથા અમદાવાદ (ખાડીયા)ના અશોક ભટ્ટે આ મુદ્દે ભારે ઊપાડો લીધો હતો, આ જ મુદ્દે આજે જનતા ચૂપ છે. આમ, રાજકીય દૃષ્ટિએ શરૂઆતથી જ ગુજરાત અકળ રહ્યું છે. આ પુસ્તકમાં લેખકનાં ઘણાં સૂક્ષ્મ અવલોકનો અને તારણો વાંચવા મળે છે. આ તારણો કે અવલોકનો સાથે કોઈ સંમત કે અસંમત હોઈ શકે, પરંતું ગાંધીનગરની ખુરશી માટે ખેંચતાણ, તોડ-જોડ અને ભૂગર્ભ પ્રવૃત્તિઓનો ઈન્કાર થઈ શકે તેમ નથી.

આકસ્મિક અને અણધાર્યા ઉમેદવારની વરણી કરવી એ આજકાલનીં પ્રથા નથી, એમ આ પુસ્તક વાંચતા સમજાય છે. 1972ની ચૂંટણી પછી અનેક સંભવિત દાવેવારો વચ્ચે ઘનશ્યામભાઈ ઓઝાની મુખ્યમંત્રી તરીકેની વરણી શ્રીમતી ઈંદિરા ગાંધીનું આવું જ પગલું હતું તે જાણીને આશ્ચર્ય જરૂર થાય.

તે સમયના જાણીતા રાજકારણીઓ જેવા કે ચીમનભાઈ પટેલ, રતુભાઈ અદાણી, કાંતિભાઈ ઘીયા, ઘનશ્યામભાઈ ઓઝા, બાબુભાઈ જશભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ દેસાઈ, માધવસિંહ સોલંકી વગેરે વિશે લેખકે કરેલાં અવલોકનો રોચક છે. એવું નહોતું કે સત્તાની સાઠમારીમાં ખેલદિલી સાવ વિસરાઈ ગઈ હતી. હિતેન્દ્રભાઈની સરકારમાં જૂનાગઢના ધારાસભ્ય પ્રભુલાલ દવેએ નાયબ મંત્રીના હોદ્દાનો અસ્વિકાર કર્યો જે અન્ય ધારાસભ્ય પરમાનંદદાસે સ્વિકાર્યો. પછી પરમાનંદદાસ પ્રભુલાલનો હાથ ઝાલીને તેમને બંગલાની બહાર ખેંચી લાવ્યા અને ગાડી સામે આંગળી ચીંધી હોદ્દાનો અસ્વિકાર કરવા બદલ પ્રશ્નોની ઝડી વરસાવીને કહ્યું કે અડધા પ્રધાન થવામાં તમને શું વાંધો આવ્યો?

બે ખાસ મિત્રો રસિકભાઈ પરીખ અને રતુભાઈ અદાણીનો કિસ્સો પણ નોંધપાત્ર છે. બંને વચ્ચે મતભેદો ઊગ્ર બનતાં કડવાશ વધી પડી હતી. પરંતું નિવૃત્તિના સમયે રતુભાઈની આર્થિક તકલીફોની જાણ થતાં રસિકભાઈ જૂનાગઢ આવ્યા ત્યારે બેંક બેલેન્સ અને ચેક લઈને રતુભાઈને મળ્યા અને કહ્યુ કે અડધી રકમ ઊપાડી લો, ચાલશે ત્યાં સુધી વહેંચીને ખાશું. પુસ્તકમાં આવા ખેલદિલીનાં કિસ્સા પણ છે.

ઈંદીરા ગાંધીની છબી ઘણાના મનમાં સરમુખત્યાર જેવી ઊપસી ચૂકી છે. એક કિસ્સો એવો છે કે જેમાં ઈંદીરા ગાંધીએ રાજકીય પીછેહઠ કરીને મોરારજીભાઈ દેસાઈના જીવનને મહત્વનું ગણ્યું હતું. આ એવાં પાસાં છે કે કોઈ વ્યક્તિને મૂલવતી વખતે વિસરાવાં ન જોઈએ.

ગુજરાતના બહુચર્ચિત નવનિર્માણ આંદોલનની શરૂઆત હોસ્ટેલના ફૂડબીલ વધારાના વિરોધથી થઈ. પછી મોંઘવારી,પોલીસનો જૂલમ, ભ્રષ્ટાચાર, અને અંતે વિધાનસભા વિસર્જનના મુદ્દા એક પછી એક આવતા ગયા. આમ,  આગળ જતાં આંદોલન રાજકીય રસ્તે ફંટાયું. તે દરમ્યાન ક્યાંક ધારાસભ્યોના પરીવારજનોને હેરાન કરવામાં આવ્યા, તો ક્યાંક વિવેક ભૂલાયો. આંદોલનોનો દોર કોના હાથમાંથી કોના હાથમાં સરકે છે અને અંતિમ પરીણામ શું આવે છે તેનું પૃથક્કરણ કરવા જેવું છે. આ વિગતોનો ઉલ્લેખ પુસ્તકમાં છે, જે વર્તમાન તેમજ આવનારી પેઢીને પથદર્શક બની શકે. કટોકટીની પરિસ્થિતી પાછળ વિપક્ષોની ભૂમિકા અંગે સમજવા અને વિચારવા જેવા કેટલાંક મુદ્દાઓ લેખકે ઊપસ્થિત કર્યા છે. ક્યારેક માત્ર એક જ વાક્યથી ટાળવા જેવી પરીસ્થિતિ સમજાવી છે; જેમ કે, ‘એક જૂથને વિજયનો ગર્વ લાગી ગયો અને બીજા જૂથને પરાજયનો ડંખ.’

લેખકે તે સમયનાં મોટાં માથાં વિશે કેટલાંક તારણો તથા અવલોકનો નોંધ્યા છે, જેની ટૂંકી પણ સચોટ અભિવ્યક્તિ માણવા અને સમજવા જેવી છે. કેટલાક નમૂનાઃ

  • ‘ઘનશ્યામભાઈ દોષનો ટોપલો હંમેશાં બીજાઓ પર ઓઢાડતા.’ એક સ્થાને નોંધ છે કે ‘તેમનો સ્વભાવ તામસી અને શંકાશીલ હતો અને બીજાને આપવામાં કંજૂસ’- આમ કહી લખ્યું છે કે ‘તેમના સમયે ઘણા બોર્ડ અને નિગમોમાં અધ્યક્ષ અને સભ્યોનાં સ્થાન ખાલી હતાં.’
  • ઝીણાભાઈ દરજી વિશે નોંધ છે કે ‘દરજીએ સીવવા કરતાં વેતરવાની કામગીરી વધુ કરી હતી.’
  • ‘ગુજરાતના પટેલો સત્તા માટે આક્રમક હોય છે’- તેવી ઈંદિરા ગાંધીની ટિપ્પણીનો જવાબ ચીમનભાઈ પટેલ એમ કહીને આપે છે કે ‘મારી પત્નિ વણિક હોવાથી હું અડધો વાણિયો પણ છું.’

આ પુસ્તકમાં આ ઉપરાંત વિવિધ સરકારોના પતન પાછળ કોંગ્રેસનાં આંતરીક સંઘર્ષો, જૂથબંધી અને આંતરકલહનું વીવરણ છે, જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. દેશના રાજકારણ પર સૌથી વધુ પ્રભાવ પાડતાં બે રાજ્યો છે; ગુજરાત અને ઉત્તર પ્રદેશ. આ બંને રાજ્યોના વિજય સાથે દિલ્હીની ગાદીને સીધો સંબંધ છે. એવું બનતું આવ્યું છે કે જે પક્ષ આ બે રાજ્યોમાં સત્તા હાંસલ કરે તે દિલ્હી સંભાળે છે. આ બંને રાજ્યોમાં ગુજરાતનું રાજકારણ અનેક રીતે વિશિષ્ટ રહ્યું છે. આ દૃષ્ટિએ પણ ગુજરાતનું રાજકારણ વિશેષ અભ્યાસ માંગી લે છે. એ સંદર્ભે આ પુસ્તક ઊપયોગી નીવડી શકે છે.

પુસ્તકની પ્રસ્તાવના હસમુખ પટેલે લખી છે, જેઓ 1985-90 દરમ્યાન ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી હતા. જયંતીભાઈ કોલરિયા તથા વી. એચ. કાબરીયાએ પુસ્તકના પ્રતીભાવો આપવા ઉપરાંત લેખકને અંજલી આપતા શબ્દોથી રજનીકુમાર પંડ્યાએ પુસ્તકની મૂલ્યવૃધ્ધિ કરી છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

પુસ્તકનું નામ : ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (1956-1980)

લેખક: અરવિંદ પટેલ
સંપાદકઃ બિનીત મોદી / સંપર્ક : binitmodi@gmail.com
પૃષ્ઠસંખ્યા:212 ; પ્રતિક કિંમત : રૂ. 100/-
પહેલી આવૃત્તિ: 1 મે 2021 (ગુજરાત રાજ્યનો 62 મો સ્થાપના દિવસ)

પ્રકાશક: સ્વ. અરવિંદ પટેલ બૃહદ પરિવાર


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

1 thought on “પુસ્તક પરિચય – ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (૧૯૫૬-૧૯૮૦)

Leave a Reply

Your email address will not be published.