સોરઠની સોડમ : બહાઉદ્દીન કોલેજનું બિયારણ

ડો. દિનેશ વૈષ્ણવ

જૂનાગઢરાજના નવાબ રસૂલખાનજી
(૨૩-૦૧-૧૮૯૨ – ૨૨-૦૧-૧૯૧૧ )
(જીવનયાત્રા: ૧૮૫૮ – ૧૯૧૧)

આજે ગુજરાતમાં ૨૦૦૦થી વધુ સરકારી ને ખાનગી કોલેજું છે. ઇમાની ઘણી પૈસા લઈને વે’ચાતી ડીગ્રી દે છ ને ઘણાં માંથી જાતમે’નતે કમાવી પડે છ. ગુંજા ખાલી કરીને ખરીદેલ ઉપાધી વાળા આમ તો ઈ ઉપાઘી વેંચાતી જ લે છ કારણ પછી કેટલાય આજીવન ઉભા વાંસડાની જેમ નવરીબજારે રખડતા હોય છ ને એના રસોડેથી ભરબપોરે રોટલીની આશે ઘુસેલ કુતરાં નિસાસા નાખીને સીધી પુંછડીએ બારાં નીકળતાં હોય છ. પણ મારે આજ જે વાત માંડવી છ ઈ આજથી સોથીયે જાજાં વરસ પે’લાંની ને ગિરનારની જેમ અડાભીડ અડીખમ આજ પણ ઉભી છ ઈ જૂનાગઢમાં ભૂતનાથ રોડ ઉપર બહાઉદ્દીન કોલેજની કે જેમાં હજીયે માં સરસ્વતીનો વાસ છે ને બુદ્ધિમતાને પ્રાધાન્ય છે. આ વાતનું મૂળ સૌરાષ્ટ્રનો ઇતિહાસ જેને ગળથુથીમાં પીધો તો ઈ વિદ્યાસંપન્ન શ્રી.શંભુભાઈ દેસાઈના “ઓજસ” બંગલે એના ઉનાઉના કાવાની લિજજતી ચુસ્કી હારે અને એની ખુદની મૃદુ બોલીમાં.

તો મિત્રો, સૌને ખબર જ છે કે જૂનાગઢ ગામ અને વિસ્તારનો ઇતિહાસ રસાળ ને વિશાળ છે. એના રાજકીય પાયામાં ચુડાસમા રાજાઓ અને આક્રમિક બેગડા જેવા સુતા છ પણ ભારતને આઝાદી મળી ઈ પે’લાંની ત્રણેક સદી બાબી કુળના નવાબોએ રાજ કર્યું. એમાં નવાબ બહાદુરખાનજીને સંતાન ન હોવાથી એના નાનાભાઈ રસૂલખાનજીએ ૧૮૯૨થી ૧૯૧૧ જૂનાગઢરાજની ગાદી ઓપવી. હવે ઈ ટાણાંનો ઇતિહાસ કે’છ કે ૧૮૪૦ના દાયકે એક મુસ્લિમ કઠીયારા દમ્પતી નૂરભાઈ ને ગૂલબાઈ આજના પાજનાકાના તળવાસે “સોનરખ” નદીથી થોડાક છેટા ઝૂંપડામાં રે’, દી’ આખો જંગલમાંથી લાકડાં કાપી જીવતર રળે ને પોતાની આંખ્યુંની કીકીયું જેવાં બારતેર વરસના દીકરા બાવલા ને દસેક વરસની દીકરી લાડડીબૂને ઉછરે. એમાં કાળનું કરવું તે કમોસમના વરસાદ ને વાવાજોડામાં જંગલમાં રોટલો રળવા ગે’લ નૂરભાઈ ને ગૂલબાઈ ઉપર ઘેઘૂર વડલેથી ટગલી પણ થડ જેવી ભારે ડાળ પડી ને બેય માણસ યાંનેયાં દબાઈ ગ્યાં. પછી તો ચાર માણસે ભેગાં થઈ ઈ બેયને દફનાવ્યાં ને એનાં બેય છોકરાંઉનું બેએક દી’ પેટ હોત ભર્યું. પણ ત્રીજેચોથે દી’ ખરખરે આવેલ પાડોસીએ કીધું:

ભાઈ મરે ભવ સારીયે બેન મરે દસ જાય પણ જેના
બાળપણમાં માવતર મરે એને દસે દશુના વા વાય”

પાડોસીનું આ કેણ “વય નાની પણ સમજણ ઘણી” એવા બાવલા ને લાડડીબૂના હૈયે ઓત્રાદીકોરની અષાડી વીજળીની જેમ ત્રાટક્યું ને બેય સભાન થ્યાં કે જો હાથ ધરીને બેઠા રે’સું તો દુઃખ ઘેરી લેસે. બસ, પછી તો બાવલાએ અબૂની ને લાડડીબૂએ અમ્મીજાનની દાતયડી જાલી ને ભાઈબેન કઠિયારા બન્યાં. પણ ઈ ટાણે બેયની વય નાની ને હાથ કુમળા એટલે થાય એટલું લાકડાં કાપવાવેંચવાનું કામ કરીને જેમતેમ ટંકેટંકનો ગુજરો કાઢ્યો. એમાં એક દી’ રોજની જેમ ભળકડે બાવલો દાતયડું જાલીને તૈયાર થ્યો પણ લાડડીબૂ નમાયા મોઢે ઝૂંપડા બારે ઉભાં એટલે ભાઈ કીધું:

આજ કામે નથી આવવું? કાંઈ નહી હું હમણાં ભારો વાઢીને વેંચયાવું છ.”

ત્યારે બેને કીધું:

ના મારે આવવું તો ઘણું છે પણ મારૂ દાતયડું સાવ બુઠ્ઠું છે ને મને લાકડાં કાપતાં જોર જાજું પડે છ ને બાંવડા રઈ જાય છ.” એટલે ભાઈ કે’:

હાલ મારા ભેગી તળેટીકોર ગીધા લુહારની કોઢે. અબુ યાં દાતયડી કાકરાવતા.”

પછી ભાઈબેન ગીધાની કોઢે આવીને ઓસળીયા મોઢે ઉભાં ને બાવલાએ કીધું:

મારી બેનની આ દાતયાડી કાકરી દયોને.” એટલે

ગીધો લુહાર: “દોકડો થાસે. ગુંજે છેને?”

બાવલો: “ના પણ જો મારા અબુની આબરુએ કાકરી દેસો તો હું દોકડો જમા થ્યે આપી જઈસ.”

ગીધાએ નૂરભાઈની આબરુએ દાતયડું કાકરી દીધું ને ભાઈબેન તળેટીથી આગળ “જીણાબાવાની મઢી” કોર ગ્યાં ને રોંઢો ઢળતાં પે’લાં બથે ન માય એવા લાકડાના બે ભારા બાંધીને પાજનાકા કોર પરિયાણ કર્યું, ઈ આશે કે યાં આ ભારા મગરીબની નમાજ પે’લાં વેંચાઈ જાસે. આવતાંઆવતાં દામોકુંડ પુગ્યા તો યાં ચાતુરમાસી ભ્રમણ કરતા ગુણાતીતસ્વામી ટાઢ્યના લખલખે થથરે એટલે ભાઈબેન પાસે ગ્યાં ને બાવલાએ પૂછ્યું:

બાપુ ટાઢ્ય લાગે છ?”

સ્વામી: “હા દીકરા. તારી આગળ હું ઓઢીને રાત કાઢી નાખું એવું કાંઈ છે?

બાવલો: “હા, બાપુ છે ને. એમ કઇને બાવલાએ ભારો ફાળીયાની ઈંઢોણીએ માથે ટેક્વ્યોતો ઈ ફાળીયું ઉઘાડીને સ્વામીજીને ઓઢાડ્યું પણ એને ઘાડ ન વળી એટલે લાડડીબૂએ કીધું:

બાપુ, ઘડીક થોભો હું તાપણું કરી દઉં.” એમ કઈને બેને એના ભારામાંથી ઉંબાડીયા કાપીને ભારાનું તાપણું કર્યું ને સ્વામીજીને ધીરેધીરે ઘાડ વળી. પછી ભાઈબેન ભાઈનો ભારો લઈને ઝૂંપડે જાવાની તૈયારી કરતાંતાં યાં સ્વામીજી બોલ્યા:

દીકરી, આજથી તમારા બેય માથેથી ભારો ઉતરી ગ્યો સમજ.”

આ વાતના વાવડ ખુદ નવાબ રસૂલખાનજીને એના ખુશામતિયાઉએ દીધા એટલે ભાઈબેનને નવાબસાહેબની કચેરીમાં બોલાવ્યાં. કોક ભૂલની સજાની બીકે ગભરાયેલ બાવલો ને લાડડીબૂ મેલાઘેલા કપડે કચેરીમાં આવીને ભોં ખોતરતાં ઉભાં. નવાબસાહેબ પણ ગુણ અને માણસાઈનો કદરદાન જણ એટલે  ને યાંનેયાં લાડડીબૂનો હાથ માગીને નિકાહ પઢ્યા ને ઈ લાડડીબૂમાંથી લાડડીબીબી બન્યાં ને બાવલો એના હુલામણા નામેથી જનમના નામે બહાઉદ્દીનભાઈ. રાતોરાત ભાઈબેન નવાબી બાબી કુળમાં દૂધમાં સાકરની જેમ ઓગળી ગ્યાં ને પાજનાકું એના માટે ભૂતકાળ થઇ ગ્યો.

જૂનાગઢરાજના નવાબ રસૂલખાનજીના સાળા
બહાઉદ્દીનભાઈ (હુલામણુ નામ બાવલો)
(જૂનાગઢમાં સાળાને એના બનેવી ઘણીવાર મજાકમાં “બહાઉદ્દીનભાઈ”થી સંબોધે છ.)

કમનસીબે બહાઉદ્દીનભાઈને બાળપણમાં નિશાળે જઈને શિક્ષણ મેળવવાની તક નો’તી મળી પણ ઈ શિક્ષણના હિમાયતી હતા. હવે ઈ જ અરસામાં ગોંડલ રાજ્યમાં કન્યા શિક્ષણની વ્યવસ્થા હતી તો ગાયકવાડ રાજ્યમાં મેટ્રિક્યુલેશન પછી આગળ ભણવા કોલેજ હતી ને આમ જ અન્ય કેટલાંક રાજ્યોમાં પણ હતું. આ વાતથી પ્રેરિત થઈને બહાઉદ્દીનભાઈને જૂનાગઢમાં કોલેજ બનવાનો વિચાર જનમ્યો, એને નવાબસાહેબને વાત કરી ને એને ખુશીખુશી સ્વીકારી એટલું જ નહીં પણ તેજુરી ઉઘાડી દીધી. પછી બહાઉદ્દીનભાઈએ નક્કી કર્યું કે પ્રજા પાસેથી એકેક કોરી એક વાર વેરો લેવો કે જેથી નવાબી તેજુરીને ટેકો રે’. એને આ વેરાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે જૂનાગઢની પ્રજા કે જેને કોઈ દી’ કોઈ જાતનો વેરો નો’તો ભર્યો ઈ સિયાંવિયાં થઇ ગઈ ને ઈ વેરાનો વિરોધ કરવા બહાઉદ્દીનભાઈના મહેલે આવી. બહાઉદ્દીનભાઇએ મહેલના ઝરૂખે ઉભીને પ્રજાને સમજાવા પ્રયત્ન કર્યો કે એક કોરી જેવો નજીવો વેરો છે પણ પ્રજા એક્નીબે ન થઇ ને ત્યારે ગીધા લુહારે કીધું:

બહાઉદ્દીનભાઇ, જયારે કાવડીયાં નથી હોતાં ને ત્યારે દાતયડું કાકરાવાનો દોકડેયે નથી હોતો.”

સાહેબ, આ એક જ વાક્યે બાઉદ્દીનભાઇને યાદ કરાવ્યું કે આ જ લુહારે એના બાપની આબરુએ લાડડીબૂની દાતયડી કાકરી દીધીતી ને એને ઈ દોકડો હજી લગી નો’તો દીધો. હવે ઈ અરસામાં બહાઉદ્દીનભાઈને જૂનાગઢરાજની પ્રજાએ એના જનહિત કર્યો માટે પૈસાની થેલી આપીને સન્માન્યા એટલે ઈ પૈસા ને નવાબી ખજાને જ કોલેજ બનાવાનું નકકી થ્યું ને તા. ૨૮-૦૧-૧૮૯૭ના રોજ પાંચ સભ્યોની કમિટીની દેખરેખ નીચે ઈ બાંધકામનો નિર્ણય લીધો. આ કામના સુપર વાઇઝર શ્રી. ડોસાભાઈ શામશંકર અને ઓવેરસીયર અલી કાસમ ને મિસ્ત્રી જેઠા ભગા હતા. “સારા કામમાં વાર સીદને” એમ તા. ૨૫-૦૩-૧૮૯૭ના રોજ કાઠિયાવાડના પોલીટીકલ એજન્ટ કર્નલ જે.એમ. હન્ટરના હસ્તે કોલેજનું ખાતમુહૂર્ત ખાસ બનાવેલ રૂપાના ચુનાયડાથી સવારે ૮:૩૦એ થ્યું. ત્યારે નવાબસાહેબ વતી શાહજાદા આદિલખાનજી એ પ્રવચન કર્યું અને પછી કર્નલ હન્ટરે કે જેમાં એને નવાબસાહેબની નીતિ તથા બહાઉદ્દીનભાઇની શિક્ષણ પ્રતિ રુચિને બિરદાવ્યાં હતાં.

કૉલેજના બાંધકામ ને હિસાબમાં કાળજી અને ચોક્કસાઈ રખાણાં, જેમ કે બેલાંની ખાણના માલિક મુસા ઇબ્રાહમે વગર પરવાનગીએ ખાણ કાપતાં ને નબળાં બેલાં મોકલતાં એને ચાર કોરીનો દંડ કર્યો. સુતાર વિઠ્લ પોપટ બાંધકામ સારુ આવેલ ઇમારતી લાકડાં માંથી રજા વિના બે રંધા બનાવી ને ઘરે લઇ જાતાં પકડાણોતો ને એને પાંચ કોરી દંડ ભર્યો ને કામેથી છૂટો કર્યો. કૉલેજના બાંધકામ વખતે જેટલી કડકાઈ રખાણી એટલી જ દાડીયાં, કડિયા ને મિસ્ત્રીઓ ઉપર વીમા અને મજૂરી કાયદાકાનૂન (લેબર લોઝ) વિહોણા યુગમાં દયા પણ રાખવામાં આવી’તી – દા.ત. સુતાર કરશન સવજી કૉલેજના ઉપલા માળે કામ કતાં પડી ગ્યો તે જૂનાગઢરાજના હુકમથી એને ઠીક થાય યાં સુધી દરરોજ ઘેર બેઠે દોઢગણો પગાર દીધો. આવી ચોક્કસાઈ અને કમિટીની દેખરેખ હેઠળ સાડાચાર વર્ષમાં કૉલેજની ઇમારત આશરે બેલાખની મૂડીએ તૈયાર થઇ અને તા. ૦૩-૧૧-૧૯૦૦ના રોજ વાઇસરોય લોર્ડ કરઝનના હાથે એનું એનું નામકરણ “બહાઉદ્દીન કોલેજ” અને ઉદ્દઘાટન થ્યાં.

બહાઉદ્દીન કોલેજ

બહાઉદ્દીન કૉલેજમાં શરૂથી જ એક વિશાળ પુસ્તકાલય પણ બન્યુંતું કે જેમાં ઈ.સ. ૨૦૦૨માં વિવિધ વિષયોનાં ૩૮,૫૩૫ પુસ્તકો હતાં. કોલેજ બાબતે એક વાયકા એમ પણ છે કે કોલેજમાં ઉપલા માળે જાવાની સીડી મુકવાની ભુલાઈ ગઈતી તે પાછળથી બેય બાજુથી સીડી મુકવામાં આવી પણ હકીકતમાં કોલેજના બાવન મોટીમોટી બારી વાળા બેનમૂન મધ્યસ્થખંડમાં (સેન્ટ્રલ હોલમાં) કોઈ પણ ગંજાવર થાંભલો ટેકાટેકી સારુ મુકીને ઈ ખંડનો દેખાવ ન બગડે ઈ સારુ સીડીઓ કોલેજની બા’રની બેય બાજુએ મુકી કે જે આજ દી’ લગી મોજુદ છે. આ કોલેજે જુદાજુદા વિષયોમાં કેટલાય પ્રતિભાશાળી અને સફળ વિદ્યાર્થીઓ બા’ર પાડયા છ. હું પોતે પણ આ કોલેજમાં ઈંટરસાયન્સનું એક વરસ ભણ્યો છ ને એનો મને ગર્વ છે કારણ આ ભણતરે મારી ઓછી સમજુ જુવાનીને સમજણ દીધી.

બહાઉદ્દીન કોલેજનો બેનમૂન મધ્યસ્થખંડ

બહાઉદ્દીન કોલેજ ઉપરાંત બહાઉદ્દીનભાઈએ કન્યા શિક્ષણ માટે “લાડડીબીબી” કન્યાશાળા પણ ઉભી કરી કે જે પાછળથી તાલુકાશાળા નંબર ૧ તરીકે ઓળખાણી ને એની સામેની ગલ્લી વરસો લગી “કન્યાશાળાની ગલી” કે’વાણી. આજ ઈ કે’તાં મારી છાતી ગદગદ ફૂલે છ કે મૂળ “લાડડીબીબી” કન્યાશાળામાં મારાં માં, માસીઓ અને કેટલીય જૂનાગઢ વિસ્તારની બેનોએ ભણીને પોતાનું અને એના પરિવારનું ઘડતર ઘડ્યું છ.

મિત્રો, બહાઉદ્દીન કોલેજના બાંધકામ ને એની બાંધણીની વાત તો ઘણાને ખબર હશે પણ બહાઉદ્દીન કોલેજનું બિયારણ ઈ ગુણાતીતસ્વામીના આશીર્વાદ “દીકરી, આજથી તમારા બેય માથેથી ભારો ઉતરી ગ્યો સમજ” ઈ સમજવા કે નવાબ રસૂલખાનજીની ઇન્સાનિયત અને કઠીયારા ભાઈબેનના ગુણની પરખ ગણવી કે પછી બહાઉદ્દીનભાઈ કે જે સંજોગે ભણી ન સક્યા એનો શિક્ષણપ્રેમ ગણવો ઈ તો આપણે જ નક્કી કરવાનું છ.


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

Author: Web Gurjari

6 thoughts on “સોરઠની સોડમ : બહાઉદ્દીન કોલેજનું બિયારણ

  1. બહાઉદીન કોલેજનો ઈતિહાસ તો જાણવા મળ્યો સાથે તેમાંના વાર્તાતત્વ અને લોકબોલીને કારણે લોકસાહિત્યની ફોરમ પણ અનુભવી. આભાર દિનેશભઈ

  2. બહાઉદ્દીન કોલેજમાં ભણ્યાની સ્મૃતિઓ તાજી થઈ.
    અમારો સાયન્સ વિભાગ બાજુમાં જ ઊભેલી નવી ઈમારતમાં હતો પણ અમે લોકો સાયન્સના પીરીયડ bunk કરીને જૂના અને અસલ આર્ટસ બિલ્ડિંગમાં પ્રોફેસર રસિક મહેતાના અદભુત વક્તવ્ય સાંભળવા જતાં. શો જમાનો !
    આભાર દિનેશભાઈ !

  3. બહાઉદ્દીન કૉલેજ વિશેની સાવ અજાણી વાત વિગતવાર જાણી આનંદ થયો.

Leave a Reply

Your email address will not be published.