બીમાર જીવે કે મરે, પોતાના ધંધામાં ઓટ ના આવે
નલિન શાહ
પરાગે જ્યારે માનસી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે માનસી નિરુત્તર રહી, જતાં જતાં એટલું જ કહ્યું, ‘હું વિચાર કરીને જવાબ આપીશ.’
રાત્રે પથારીમાં પડ્યાં પડ્યાં માનસી વિચારતી રહી. આસિતની સાથે વીતાવેલી પળોને યાદ કરી અફસોસ કરવાનો કોઈ અર્થ નહોતો હવે. એની નિષ્ઠામાં એને વિશ્વાસ હતો પણ એની લાચારી પણ એ સમજતી હતી. ઉંમરના તફાવતની બાબતમાં એ આસિતને નમતું જોખવા કદાચ મનાવી શકી હોત પણ બીમાર પત્નીનું બંધન એનો અંતર-આત્મા એને કદી તોડવા ન દે.
માનસી જિંદગીના એવા મોડ પર ઊભી હતી કે બેમાંથી એક રસ્તો અપનાવ્યા વગર બીજો કોઈ વિકલ્પ નહોતો. નાનીની આકાંક્ષાને એના લગ્ન માટેની ચિંતાનો વિચાર કરવો પણ જરૂરી હતો. છેલ્લાં ચાર-પાંચ વરસમાં પરાગની જે છાપ એના મગજમાં પડી હતી એમાં કાંઈ ખાસ અજુગતું કે નકારાત્મક, નકારસૂચક નહોતું લાગતું. છતાં નાનીની રજામંદી વગર આ બાબતમાં એ એક પણ પગલું આગળ નહોતી ભરવા માગતી. એને નાનીને બધી વિગતો વિસ્તારપૂર્વક લખી મોકલી ને ઉત્તરની પ્રતીક્ષા કરતી રહી.
પત્ર મળતાંની સાથે જ નાનીએ પ્રત્યુત્તર મોકલી આપ્યો. નાનીને માનસીની નિર્ણયશક્તિમાં વિશ્વાસ હતો. હૃદયરોગની નિષ્ણાત તરીકે માનસીની સફળતાની બાબતમાં એને કોઈ શંકા નહોતી. ડર હતો તો કેવળ યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિમાં. કારણ એ બાબતમાં બુદ્ધિ કે ડહાપણ કરતાં સંજોગોનું મહત્ત્વ વિશેષ હતું. કે.ઈ.એમ. જેવી વિશાળ જનરલ હોસ્પિટલમાં જિંદગીનો મોટો ભાગ નર્સ તરીકે ગુજારતાં નાની ડૉક્ટરો પ્રત્યે અહોભાવથી જોતી હતી. સંજોગવશાત આજે એની વહાલી પૌત્રી પરદેશમાં તાલીમ પામેલા હાર્ટ સર્જનને જીવનસાથી તરીકે પામી રહી હતી. નાની માટે આ તો સુખની પરાકાષ્ટા હતી.
પરાગની પારિવારિક સંપત્તિની બાબતમાં માનસીએ કશું જણાવ્યું નહોતું, કારણ એે વાતનું એને મન કોઈ મહત્ત્વ નહોતું.
માનસીએ નાનીના પ્રત્યુત્તરની બાબતમાં પરાગને જણાવ્યું ‘તારે મને પૂછવાની જરૂર નથી?’ માનસીએ જાણવા માંગ્યું.
‘મારે કોઈ એવી આવશ્યકતા નથી…’ પરાગે મક્કમતાથી જવાબ આપ્યો. ‘ને આમે તારે હજી છ-સાત મહિનાની પ્રેક્ટિકલ ટ્રેનિંગ બાકી છે. હું તારા પહેલાં પહોંચી જઈશ. મમ્મીને પ્રત્યક્ષ વાત કરીશ. તું શું માને છે કે તારા જેવી સોહામણી ને ભણેલી વહુ માટે મારી મા વાંધો લે? એ તો એક ફોર્મેલિટી છે, બાકી મારી જિંદગીનો ફેંસલો કેવળ મારે કરવાનો છે, માએ નહીં.’
પરાગની ટ્રેનિંગ પતી ગઈ હતી. એને મુંબઈમાં એનું વ્યાવસાયિક સેટઅપ કરવાની ઉતાવળ હતી. માનસી ઇચ્છતી હતી કે પરાગ કે.ઈ.એમ. જેવી જનરલ હોસ્પિટલમાં વધુ અનુભવ પ્રાપ્ત કરે ને ગરીબોની સેવા કરવાનો મોકો મળે, સાથે સાથે નાનીની ઇચ્છા પણ સંતોષાય. જનરલ હોસ્પિટલ ને ગરીબોની સેવાની વાતો સાંભળી પરાગને મનમાં સૂગ ચઢી, છતાં મૂંગા રહી સાંભળી લીધું. કોઈ ખાસ પ્રતિક્રિયા જાહેર ના કરી. એ માનતો હતો કે ગરીબોની સેવા, હિપોક્રીટ્સ ઓથ તરીકે જાણીતી સોગંદવિધિ, મસીહા થવાની આકાંક્ષા એ બધું લોકોમાં ભ્રમ પેદા કરવા માટે હતું. એ ડૉક્ટર થયો હતો કારણ આજના યુગમાં પૈસા પ્રાપ્ત કરવા એ સૌથી વધુ લાભદાયક વ્યવસાય હતો. બીમાર જીવે કે મરે, પોતાના ધંધામાં ઓટ ના આવે. ને આ માનસી જ્યારે મેદાને પડશે ત્યારે સિદ્ધાંતવાદનું ભૂત એના મગજમાંથી એ ઊતરી જશે.’ પરાગે વિચાર્યું પણ એની વિચારોને વાચા ના આપી, કારણ એમ કરવા જતાં માનસીને ગુમાવવી પડે ને એ તેને પાલવે તેમ નહોતું.
માનસી વાસ્તવિક અનુભવ પ્રાપ્ત કરવા જરૂરી એવી ટ્રેનિંગમાં રોકાઈ ગઈ. પરાગની માફક એનામાં લગ્ન માટે કોઈ ખાસ ઉત્સાહ કે ઉમળકો નહોતો, જે સામાન્યપણે એની ઉંમરની કન્યાઓમાં હોય. જે કરતી હતી તે યંત્રવત્ કરતી હતી. ‘શું એમાં આસિતનો વિચાર કારણભૂત હોઈ શકે!’ એને મનમાં પ્રશ્ન થયો પણ બીજી પળે એ વિચાર એણે ખંખેરી નાખ્યો. એ ભૂતકાળ હવે ભૂતકાળ જ રહ્યો. એણે કોઈ એવું અપરાધજનક કામ નહોતું કર્યું કે પરાગને જણાવવું જોઈએ. છતાં બધી વાતની ચોખવટ કરવાની ભાવનાથી એટલું જરૂર જણાવ્યું કે એને એક પરિણીત ડૉક્ટર માટે પ્રેમની લાગણી હતી ને જો શક્ય હોત તો એની સાથે લગ્ન પણ કરત ને કદાચ અમેરિકાય ના આવત. પરાગે વાતને હસીને ઉડાવી દીધી. એને તો કોઈ પણ ભોગે માનસીને પત્ની તરીકે પ્રાપ્ત કરવી હતી ને એ હવે હાથવેંતમાં હતી. આવા ક્ષણિક સંબંધોનું એેને માટે કોઈ મહત્ત્વ નહોતું. ‘અરે, આને તો ‘અફેર’ પણ ના કહેવાય. તું બહુ જૂનવાણી વિચાર ધરાવે છે જે ‘પ્લેટોનિક લવ’ને આટલી ગંભીરતાથી લે છે.’ પરાગ હસીને બોલ્યો.
માનસી એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ હતી એ જ પરાગ માટે અચરજ પમાડે એવું હતું. એટલે જ એ જલદી લગ્ન કરવા ઉત્સુક હતો. કારણ ઊંડે ઊંડે એને ડર હતો ક્યાંક માનસી ઇરાદો ના બદલે! એને એની માના પ્રત્યાઘાતની કોઈ ચિંતા નહોતી. એ જાણતો હતો કે એની માની આકાંક્ષા શું હતી. બંને પોતપોતાના સ્વાર્થ જોતાં હતાં. મા ભલે નારાજ થાય, વિરોધ કરે, ઉધમ મચાવે પણ છેવટે તો એણે એકના એક દીકરાની પસંદગીને કમને પણ સંમતિ આપ્યે જ છૂટકો હતો. એનું ચાલત તો એ માનસીને પત્નીના રૂપમાં જ મા સમક્ષ હાજર કરત, પણ એ ના માની. એને માટે એની નાનીની હાજરી ને આશીર્વાદનું મહત્ત્વ સૌથી વિશેષ હતું.
‘છ-આઠ મહિનામાં તારું અહીંનું કામ પતે પછી એક પણ દિવસનો વિલંબ ના કરતી. તારી વિરહની એક એક પળ મારે માટે ગુજારવી અસહ્ય થઈ પડશે.’
પરાગના વાક્ચાતુર્યથી ટેવાયેલી માનસી પર એના શબ્દોની કોઈ અસર નહોતી થઈ. એને પાછા ફરવાની ઉતાવળ હતી તો કેવળ નાનીનો પ્રેમાળ હૂંફ અનુભવવા ને એના ચહેરા પર ગર્વયુક્ત આનંદના ભાવ નિરખવા.
*** *** ***
પરાગને ધનલક્ષ્મી પ્રત્યે પુત્ર હોવાના નાતે કુદરતી ભાવ જરૂર હતો પણ મિત્રવર્તુળમાં એની મા તરીકે ઓળખાણ આપતાં સંકોચ અનુભવાતો હતો. એમાં વાંક પરાગ કરતાં ધનલક્ષ્મીનો વધુ હતો. ધનલક્ષ્મીની સંકુચિત મનોવૃત્તિ, સામાન્ય બુદ્ધિનો અભાવ, અસંસ્કારિતા ને એના મિથ્યા આડંબર એમાં જવાબદાર હતાં. પૈસાની લાલસા ને શ્રીમંતાઈના પ્રદર્શનની ભાવના થોડે ઘણે અંશે બંનેમાં સરખી હતી. ધનલક્ષ્મી એની વાતો ને વર્તનમાં અસભ્યતા છૂપાવી નહોતી શકતી જ્યારે પરાગ કુશળતાથી એની મનોવૃત્તિને જાહેર નહોતો થવા દેતો. એ જાણતો હતો કે વ્યાવસાયિક સફળતા માટે શરૂઆતમાં સફળતાનો ભ્રમ પેદા કરવો જરૂરી હતો અને એેને માટે મર્સિડીઝ જેવી ઈમ્પોર્ટેડ કાર અને લોકોને પ્રભાવિત કરે એવો કન્સલ્ટિંગ રૂમ આવશ્યક હતાં. ને એનો ખુલાસો, જો જરૂર લાગે તો એ હશે કે દેશી કાર ક્યારે ને ક્યારે અટકી પડે ને સમયનો વ્યય થાય જે એને ના પાલવે. ને ઊડીને આંખે વળગે એવા રાસરચીલાવાળો કન્સલ્ટિંગ રૂમ તો પેશન્ટની સગવડો સાચવવા ને એમનાં તન-મનને પ્રફુલ્લિત રાખવાં જરૂરી ગણાય.
પરાગે એની માને આશ્વાસન આપ્યું હતું કે અભ્યાસ પૂરો થતાં જ એ એને અમેરિકાની સફર કરાવશે. પણ જ્યારે માનસી સાથે લગ્નનો પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે પરાગને માને આપેલા અમેરિકાની સફરના વચનની કોઈ ખાસ મહત્તા ના જણાઈ. લગ્ન પહેલાં એ કોઈ પણ ભોગે માને માનસીથી દૂર રાખવા માંગતો હતો, અને તેથી જલદી પાછા ફરી પ્રેક્ટિસ સેટઅપ કરી માનસીને એની માને જાણવાનો મોકો મળે એ પહેલાં જ લગ્ન ઉકેલી લેવાં હતાં.
પરિણામસ્વરૂપ અમેરિકાની યાત્રા થકી એની મોટાઈનું પ્રદર્શન કરવાની ધનલક્ષ્મીની મુરાદ એના મનમાં જ રહી ગઈ.
Good !!!