ભગવાન થાવરાણી
ક્યારેક એવું લાગે કે ઉચ્ચસ્તરીય કવિતાના સર્જનમાં જીવનમાં પહોંચેલો કોઈક મોટો આઘાત નિમિત્ત બની જાય છે. જેમ કે વતનથી વિખૂટા પડી જવાનું દુખ. ઇફ્તેખાર આરિફ સાહેબ ૧૯૬૫ સુધી લખનૌમાં રહ્યા અને પછી કરાચી હિજરત કરી ગયા. આજે એમની ગણના પાકિસ્તાનના ટોચના સાહિત્યકારોમાં થાય છે. એમની રચનાની વિનમ્રતા જૂઓ :
જબ મીર – ઓ – મિર્ઝા કે સુખન રાયગાં ગએ
એક બેહુનર કી બાત ન સમજી ગઈ તો ક્યા ..
(રાયગાં = વ્યર્થ )
કેટલાક લોકો બાબતે આપણો મત અને અપેક્ષા કંઈક અલગ હોય છે અને એમનું વલણ અને રીતભાત એથી સાવ વિપરીત. ત્યારે આપણે પણ ઈફ્તેખાર સાહેબની જેમ બોલી ઊઠીએ છીએ :
રંગ સે ખુશ્બૂઓં કા નાતા ટૂટતા જાતા હૈ
ફૂલ સે લોગ ખિઝાઓં જૈસી બાતેં કરતે હૈં
(અર્થાત રંગથી સુગંધોનો સંબંધ-વિચ્છેદ થતો જાય છે. હવે તો ફૂલ જેવા લોકો પાનખર જેવી વાતો કરે છે ! )
પરંતુ એમનો આ શેર સૌથી વધુ પસંદ છે મને :
રાસ આને લગી દુનિયા તો કહા દિલને કિ જા
અબ તુજે દર્દ કી દૌલત નહીં મિલને વાલી ..
કેવું દર્દનાક સત્ય ! દુનિયાની રીત – રસમ તમને સ્વીકાર્ય બનવા લાગે અર્થાત તમે પાક્કા વ્યવહારુ બની જાઓ ત્યારે જે પ્રચંડ દુર્ઘટના બને છે તે એ કે તમારા દિલમાંથી દર્દ અને કરુણા અદ્રષ્ય થઈ જાય છે ! અથવા એમ કહીએ કે તમારું દિલ જ તમને બદદુઆ આપે છે જા ભાઈ ! જલસા કર દુન્યવી સુખ – સગવડો સંગે. હવે તારી દર્દની દોલત કાયમ માટે ગઈ !
અને બહુધા આવડી મોટી અસક્યામત જતી રહ્યાનો આપણને અહેસાસ પણ નથી હોતો ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Waaahhhh
Very Nice.
Vah! very nice.