ઝિંદગી એક સફર હૈ સુહાના – કિશોર કુમારે ગાયેલ શંકર જયકિશનનાં ગીતો -૧

મૌલિકા દેરાસરી

સંગીતની સફર કિશોરકુમારના ગીતોને સંગ આપણે કરી રહ્યા છે. સફરમાં કિશોરદાએ ગાયેલાં ગીતોના સંગીતકાર બદલાતા રહ્યા છે અને આપણને દિલચશ્પ કિસ્સાઓ મળતા રહ્યાં છે.

આજથી આપણી સફરમાં જોડાશે એક સંગીતકાર બેલડી. જેમાંના એક સંગીતકારનો જન્મ દક્ષિણ ગુજરાતના વાંસદામાં થયો હતો, જ્યારે બીજાનો જન્મ અત્યારના તેલંગાણા કહેવાતા એ સમયના હૈદરાબાદ સ્ટેટમાં થયો હતો.

એકનું નામ હતું જયકિશન ડાહ્યાભાઈ પંચાલ અને બીજા હતા શંકર સિંઘ રામ સિંઘ રઘુવંશી – યાને કે, શંકર જયકિશન.

જી હાં.. આ સંગીતકાર જોડીએ સંગીતબદ્ધ કરેલા અને કિશોરકુમારે ગાયેલા ગીતોની સફર આજે આપણે શરૂ કરી રહ્યા છીએ.

આ બેલડી સાથે કિશોરકુમારના જોડાવાની પણ એક કહાણી છે. નવાઈ પમાડે એવા અનેક કિસ્સાઓ છે જે આપણી સફરને રોમાંચક બનાવવાના છે!

આશ્ચર્યની શરૂઆત ત્યાંથી થાય છે કે કિશોરકુમાર અને શંકર જયકિશન ફિલ્મ ઉદ્યોગમાં લગભગ સમકાલીન હતા. કિશોરકુમારની એક અભિનેતા અને ગાયક તરીકેની પહેલી ફિલ્મ જીદ્દી, કે જે ૧૯૪૮માં આવી. શંકર જયકિશનની સંગીતકાર તરીકે પહેલી ફિલ્મ હતી- બરસાત, જે ૧૯૪૯માં આવી.

એમ છતાં શરૂઆતના ૮ વર્ષો સુધી કિશોરદા સાથે તેઓનું એક પણ ગીત નહોતું. પછીના ૧૩ વર્ષોમાં ૧૮ ગીત અને એ પછીના ૧૭ વર્ષોમાં લગભગ ૮૭ ગીત આપણને મળ્યા છે. એથી વધુ દિલચશ્પ વાત એ છે કે,  શરૂઆતના ૧૩ વર્ષોમાં અભિનેતા કિશોરકુમાર પાર્શ્વગાયક તરીકે પહેલી પસંદ નહોતા! અને પછીના લગભગ ૧૭ વર્ષોમાં બિલકુલ આનાથી ઉલટું બન્યું. કિશોરકુમાર પાર્શ્વગાયનની દુનિયામાં એક ઇતિહાસ રચવાની અણી પર આવી રહ્યા હતા! શંકર જયકિશન સાથે એમના મોટાભાગના ગીતો પાછલાં વર્ષોમાં આપણને મળ્યા.

શરૂઆતમાં શંકર જયકિશનનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો, જ્યારે પાછળનાં વર્ષોમાં કિશોરકુમાર પાર્શ્વગાયકના તૌર પર ટોચ પર બિરાજમાન હતા. બંનેની કારકિર્દી એકસાથે ટોચ પર રહી હોય એવો સમય બહુ જ ઓછો મળ્યો!

યાદ આવે છે ‘અંદાઝ’ ફિલ્મનું સદાબહાર ગીત – જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના…

આ એ દૌર હતો જ્યારે ગાયક અને સંગીતકાર બંનેની લોકપ્રિયતા અમાપ ઊંચાઈ પર પહોંચી હતી. પણ કાલે શું બનવાનું છે એ ખરેખર કોઈ નથી જાણતું!

આ જ સમય દરમ્યાન ૧૯૭૧માં જ જયકિશનજીનું અચાનક નિધન થયું. સંગીતનો આ એક સૂર આથમ્યો પછી બીજા સૂર યાને કે શંકરજીના સંઘર્ષની શરૂઆત થઈ. પણ આ સમય દરમ્યાન કિશોરકુમાર સાથે તેઓના વધુમાં વધુ ગીતો રેકોર્ડ થયાં, જે જયકિશનના ગુજરી જવા છતાં પણ શંકરજીએ શંકર-જયકિશનના નામ સાથે જ સંગીતબદ્ધ કર્યાં હતાં.

જી હાં…  શંકર જયકિશન અને કિશોરકુમારના લગભગ ૧૦૫ ગીતો છે, જેમાંથી લગભગ ૭૦ જેટલાં ગીતો તો ફક્ત શંકરજીએ સંગીતબદ્ધ કર્યા હતા. અને નવાઈની વાત એ છે કે, જાણકારોના મત મુજબ કિશોરકુમાર સાથે જયકિશનનું સામંજસ્ય વધુ જામે એમ હતું!

ખેર! આવી ઘણી કહાણીઓ છે આ જોડીની, જે આપણે આ સફરમાં માણવાનાં છીએ. શંકર જયકિશન સાથે કિશોરકુમારની પાંચ ફિલ્મો એવી હતી કે જેમાં કિશોરદા પાર્શ્વ ગાયક સાથે મુખ્ય અભિનેતા તરીકે પણ દેખાયા. આ પાંચ ફિલ્મો એટલે – ન્યૂ દિલ્હી, બેગુનાહ, શરારત, રંગોલી અને કરોડપતિ, જેમાં શંકર જયકિશને મનભાવન સંગીત પણ પીરસ્યું.

તો પ્રથમ વાત કરીએ ૧૯૫૬ની ફિલ્મ, ન્યૂ દિલ્હીની. ફિલ્મમાં કિશોરકુમારની સાથે છે વૈજયંતી માલા. અને પહેલું જ યાદ આવે ફિલ્મનું એ ગીત, જેના સેંકડો વર્ઝન આજે ઉપલબ્ધ છે. આજે પણ લોકો એ જ ૧૯૫૬ની મસ્તીથી ગાતાં રહે છે, ઝૂમતાં રહે છે!

નખરેવાલી.. દેખને મેં દેખ લો હૈ કૈસી ભોલી-ભાલી…

શંકર જયકિશનના શરારતી સંગીત નિર્દેશનમાં કિશોર કુમારે જે રંગીનીયતથી ગીત ગાયું છે, એનો કમાલ છે કે આ ગીત આજે પણ લોકજીભે સતત રમતું રહે છે…અને લટકામાં કિશોરદા સ્પેશ્યલ મસ્તીભર્યું યોડલિંગ.

ફિલ્મનું બીજું ગીત જોવાની પણ મજા આવે છે, જેમાં કિશોરદા ઘરેથી બહાર નીકળીને દુનિયાની રોનક જોવાની વાત કરે છે, એ પણ પોતાના આગવા અંદાજમાં!

અરે! ભાઈ, નિકલ કે આ ઘર સે…

જ્યારે વૈજયન્તી માલા કિશોરકુમારને કહે કે આ ગાવું, વગાડવું એ તમારા હાથની વાત નથી, તો આ સાંભળીને કિશોરદા ઝાલ્યા રહે ખરા! શું બને એ જુઓ આ ગીતમાં.

મિલતે હી નઝર આપ મેરે દિલ મેં…

હવે વર્ષ ૧૯૫૭માં આવીએ. આ વર્ષે રિલીઝ થઈ ફિલ્મ: બેગુનાહ. આ ફિલ્મમાં કિશોરકુમાર સાથે છે શકીલા, હેલન અને કૃષ્ણકાંત જેવા કલાકારો ઉપરાંત વધુ એક કલાકાર છે જયકિશન પંચાલ. જી હાં… આપણા સંગીતકાર જયકિશને પણ આ ફિલ્મમાં અભિનય કર્યો છે.

ફિલ્મની જાણવા જેવી વાત એ છે કે આ ફિલ્મ રિલીઝ થઈ એના દસ જ દિવસમાં એના પર બૉમ્બે હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો. કારણ એ હતું કે આ ફિલ્મ હોલિવૂડની એક ફિલ્મ Knock on wood ની નકલ છે એમ કહીને એ ફિલ્મના નિર્માતાએ કેસ કરી દિધો. એના કારણે આ ફિલ્મની તમામ પ્રિન્ટ પાછી ખેંચી લેવામાં આવી. ચાહકો માટે આનંદની વાત એ હતી કે આ વાતના લગભગ ૬૦ વર્ષ પછી Natinal film archive of India ને આ ફિલ્મની લગભગ ૭૦મિનિટની લગભગ ૬૦ વર્ષ જૂની એક પ્રિન્ટ મળી આવી. જેમાં કિશોરકુમારના બે ગીતો જોવા મળે છે અને સાથે એક ગીતમાં સંગીતકાર જયકિશન શકીલાની સાથે ગીત ગાઈ રહેલા પણ દેખાઈ આવે છે! છે ને મજેદાર વાત!

ગીતોની વાત કરીએ તો, ફિલ્મનું હસરત જયપુરી રચિત ગીત કિશોરદાએ બડી મસ્તીથી ગાયું હતું-

આજ ના જાને પાગલ મનવા કાહે કો ઘબરાયે..

મૌજના દરેક રંગ જોવા મળે છે આ ગીતમાં! ગીતની એક ખાસ વાત એ હતી કે ટ્રીક સીન દ્વારા પગની અને ધડની હિલચાલ અલગ બતાવાઈ છે.

આ જ ફિલ્મના બીજા ગીતકાર હતા, શૈલેન્દ્ર. તેમના દ્વારા લખાયેલું ગીત કિશોરકુમાર અને ઉષા મંગેશકરના યુગલ સ્વરોમાં ગુંજ્યું –

આજા રાત બિતી જાયે…

દિન અલબેલે  પ્યારકા મૌસમ ચંચલ મનમેં તુફાન

ગીત છે મન્ના ડે અને લતા મંગેશકરના સ્વરમાં, પરંતું ફિલ્મમાં તે કિશોર કુમાર અને મધુબાલા  પર ફિલ્માવાયું હતું. કહેવાય છે કે કિશોર કુમારે તેમની સામાન્યપણે જાણીતી રીત મુજબ ગીતના પૈસા પહેલાં માગ્યા, એટલે શંકર જયકિશને ગીત મન્ના ડે પાસે ગવરાવી લીધું.

પછીની ફિલ્મ હતી ૧૯૫૯ની શરારત. ગીતોથી ભરપૂર આ ફિલ્મમાં શંકર જયકિશનનું સંગીત પણ ઘણું વખણાયું.

ફિલ્મના કલાકારોમાં કિશોરકુમારની સાથે હતાં રાજકુમાર, મીના કુમારી અને કુમકુમ.

ફિલ્મનું કિશોરદાએ સડક પર ગાયેલું હસરત જયપુરી રચિત ગીત આજે પણ નૌજવાનોને આકર્ષે છે.

હમ મતવાલે નૌજવાન, મંઝિલો કે ઉજાલે…

પોતાની પાછળ નાયિકા દ્વારા બંધ કરવામાં આવતી બારીઓને જોઈને કિશોરદાના અવાજમાં નીકળી પડે છે શૈલેન્દ્રની રચના –

ખોલ દે ખીડકી ચાહત કે નામ પે..

કિશોરકુમાર સાથે સૂર મિલાવે છે ગીતા દત્ત, હસરત જયપુરી રચિત આ ગીતમાં – જેનું શંકર જયકિશન રચિત સોહામણું સંગીત જાદુ ફેલાવે છે પ્રકૃતિની ગોદમાં –

તુને મેરા દિલ લિયા, તેરી બાતો ને જાદુ કિયા..

વાતોના જાદુ પછી કિશોરકુમાર, ગીતા દત્ત, હસરત જયપુરી અને શંકર જયકિશન આ પાંચેયની જોડી આકાશનો ચાંદ લઈને આવે છે ગીતમાં-

દેખ આસમાન મેં ચાંદ મુસ્કુરાયે…

આ ફિલ્મમાં ફરી એકવાર એક ગીતના બે વર્ઝનમાં કિશોરકુમારને અવાજ આપ્યો હતો મુહમ્મદ રફીએ.

અજબ દાસ્તાં તેરી યે જિંદગી…

આ ગીતના બે વર્ઝન છે. એક ગીત કિશોરકુમાર, મીના કુમારી અને રાજ કુમાર પર ફિલ્માવાયું છે.

બીજા ગીતમાં કિશોરકુમાર અને મીના કુમારી સાથે રાજેન્દ્રનાથ અને કુમકુમ જોવા મળે છે.

 

તો… આજની આ સફરનો પહેલો પડાવ અહીં જ નાખીએ. થોડા ઇન્તજાર પછી સફરને આગળ વધારીશું અને જાણીશું કેટલાંક વધુ દિલચશ્પ કિસ્સાઓ રોચક ગીતોને સંગ.

ત્યાં સુધી ગુનગુનાવતા જઈએ….

ચાંદ તારો સે ચલના હૈ આગે, આસમાનો સે બઢના હૈ આગે.. પીછે રહ જાયેગા યે ઝમાના.. યહાં કલ ક્યા હો કિસ ને જાના….


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર –

ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
નેટ જગતઃ  મનરંગી

Author: Web Gurjari

1 thought on “ઝિંદગી એક સફર હૈ સુહાના – કિશોર કુમારે ગાયેલ શંકર જયકિશનનાં ગીતો -૧

Leave a Reply

Your email address will not be published.