બાળ ગગન વિહાર : મણકો [૨] – એશલી

શૈલા મુન્શા

ડિસેમ્બર ૨૦૦૯માં એશલી અમારી સ્કૂલમાં આવી. પાંચ વર્ષની એશલી દેખાવે ખુબ સુંદર. ચહેરાનો ઘાટ એવો સરસ કે ભલભલી મોડેલોને ઝાંખી પાડે. ભગવાને બધું આપ્યું પણ મગજની પાટી કોરી, જાણે એકે અક્ષર એના પર મંડાયો નહિ. અતિશય ચંચળ, એક ક્ષણ એક જગ્યાએ ના રહે. કોઈ વસ્તુની સમજ નહિ, કશાની અસર નહિ, પડે તો પણ ચહેરા પર વેદનાની નિશાની નહિ. બધા બાળકોને કાફેટેરિયામાં જમવા લઈ જઈએ, પણ એશલીને અમારાથી સાથે લઈ ના જવાય. ઝડપ એટલી કે તરાપ મારીને કોઈની પણ થાળી ઝુંટવી લે. બીજી કોઈ વસ્તુની ગતાગમ ભલે ન પડે પણ આંખ એટલી ચકોર કે ક્લાસમાં ક્યાંક જો નાસ્તો કે પોપકોર્નનુ પેકેટ પડ્યું હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યાં પહોંચી જાય. કુદરત પણ કમાલ છે, દિમાગી હાલત બરાબર ન હોય તો પણ અને બાલ્ય અવસ્થા હોય તો પણ ભૂખની સુઝ બધાને પડે છે.

એમી અમારી લાડકી પણ ક્લાસની બોસ, એનો રુઆબ એસલી પર બહુ ચાલે, પણ સાથે જાણે મોટી બહેન હોય એમ ધ્યાન પણ બહુ રાખે. એશલીએ કાંઈપણ મોઢામાં નાખ્યુ કે એમીની બુમ સંભળાય, ” મીસ મુન્શા એશલી” અને તરત અમે એશલીની મદદે દોડી જઈએ. એશલીની પાછળ અમારામાં થી કોઈ એક શિક્ષક સતત ધ્યાન રાખે, પણ એને થોડી શાંત કરવા અને અમને થોડો પોરો ખાવા મળે એટલે ક્લાસમાં એક ખૂણો એવો રાખ્યો છે જ્યાં એશલી રમી શકે. બે નાની કેબિનેટ એવી રીતે ગોઠવી છે અને સાથે અમે એક ખુરશી લઈ ત્યાં બેસીએ અને એશલીનુ ધ્યાન રાખીએ.

આજે તો મારે તમને એશલીના મસ્ત પરાક્રમની વાત કરવી છે. આ દિવ્યાંગ બાળકોના ક્લાસમાં બે શિક્ષકો હમેશ હોવા જોઈએ એટલે અમે જ્યારે જમવા માટે ક્લાસની બહાર જઈએ ત્યારે બીજા કોઈપણ શિક્ષક અમારી મદદ માટે ક્લાસમાં આવે. મોટાભાગે મી. રોન અમારા ક્લાસમાં આવે. એમને એવી ટેવ કે એમનો કોકનો કપ સાથે લેતા આવે, અને ક્લાસમાં ગમે ત્યાં મુકી દે. અમે એમને કેટલીય વાર ચેતવ્યા કે ભાઈ તમારો કોકનો કપ ક્યાંક ઊંચે મુકો, પણ એ કાયમ ભુલી જાય.

આજે તો ખરી ધમાલ થઈ. હું જમવા ગઈ અને મી. રોન ક્લાસમાં આવ્યા. અડધા કલાકમાં જ્યારે હું પાછી આવી તો જમીન પર ચારેતરફ બરફ અને એશલીના કપડાં કોકથી તરબતર. એક ક્ષણ માટે મી. રોન પોતાની જગ્યાએથી ઊભા થઈ બીજા બાળકને મદદ કરવા ગયા અને ટેબલ પર પડેલો એમનો કોકનો કપ એશલીએ ઝડપી લીધોને પોતાના મોઢા પર ઊંધો વાળ્યો. એને તો કોકથી સ્નાન કર્યું; પણ અમારું કામ વધ્યું. એશલી તો ગભરાઈ પણ મી. રોને કાન પકડ્યા કે આવી ભુલ ફરી નહિ કરું.

અમે એશલીને સાફ કરી બીજા કપડાં પહેરાવ્યા, ચારેતરફ વેરાયેલા બરફના ટુકદા ઉપાડ્યા, બીજા બાળકોને શાંત કરવા નર્સરી ગીતોનો વિડિયો ચાલુ કર્યો, અને ક્લાસ સાફ કર્યો.

ઘણીવાર મને વિચાર આવે કે આ નાનકડી બાળકીના હૈયામાં શું ચાલતું હશે? ન બોલે ન હસે ન રડે ન એક જગ્યાએ બે મિનીટ રહે. શાળાનો સમય પુરો થતાં સુધીમાં તો અમે થાકી જઈએ છીએ તો એના માતા પિતાનુ શું થતું હશે? ઈશ્વર કેમ આવો ક્રુર થઈ શકતો હશે? કે પછી ખરે પુર્વજન્મની કોઈ લેણાદેણી હશે? વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કોઈ દવાની આડઅસર કે પછી વારસાગત જીન્સમાં કોઈ પ્રમાણ ઓછુવત્તું થયું હશે. આ બાળકો સાથે કામ કરતાં અતિશય ધીરજ અને સતત કાળજીની જરુર પડે છે. નાનકડી બેદરકારી એમને કોઈ નુકશાન ન પહોંચાડે એની સતત કાળજી રાખવી પડે છે.

જે હોય તે પણ એક વસ્તુની મને ખબર છે કે જ્યાં સુધી એશલી મારી સાથે છે ત્યાં સુધી મારાથી અપાય એટલો પ્રેમ હું જરૂર એને આપીશ. મારા એ ધ્યેયમાં હમેશ સતર્ક રહી આ બાળકો પર પ્રેમ વર્ષાવતી રહું એ જ મનોકામના.

અસ્તુ,


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.