ફિર દેખો યારોં : અન્નનો વ્યય કેવળ ખરાબ આદત નહીં, રાષ્ટ્રનું પણ અપમાન છે

બીરેન કોઠારી

અન્નનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં ઘણું છે, જેનું પ્રતીબિંબ આપણી ભાષાના વિવિધ રૂઢિપ્રયોગ અને કહેવતોમાં જોઈ શકાય છે. અન્નને લગતી તમામ કહેવતોમાં અન્નનું પ્રાધાન્ય બરાબર સ્થાપનાર મુહાવરો હોય તો એ છે ‘અન્ન પરબ્રહ્મ’, જેનો અર્થ છે ‘અન્ન એ જ ઈશ્વર.’ અલબત્ત, માન્યતા અને વાસ્તવિકતામાં ઘણું અંતર હોઈ શકે છે.

તાજેતરના યુનાઈટેડ નેશન્‍સ એન્‍વાયર્નમેન્‍ટ પ્રોગ્રામ (યુ.એન.ઈ.પી.) અંતર્ગત હાથ ધરાયેલા ‘ફૂડ વેસ્ટ ‍ઈન્‍ડેક્સ ૨૦૨૧’ના અહેવાલમાં આહારના થઈ રહેલા વ્યયની ગણતરી કરવામાં આવી છે, જેના આંકડા સમગ્ર વિશ્વના દેશોમાંની અન્નના વેડફાટને દર્શાવે છે. આ વેડફાટ ભૂખમરો, ગરીબી કે કુપોષણ જેવા દેખીતા મુદ્દાઓની તીવ્રતા દર્શાવે છે, સાથોસાથ તે હવામાન પરિવર્તન, પ્રકૃતિ અને જૈવવિવિધતાનો ખાત્મો, પ્રદૂષણ, કચરાનું વ્યવસ્થાપન, ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન જેવી સમગ્ર પૃથ્વીના પર્યાવરણ પર થતી વિપરીત અસરને પણ ઊજાગર કરે છે.

2019માં હાથ ધરાયેલો આ અભ્યાસ પહેલવહેલી વારનો જ હતો, તેથી વિગતો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકી નથી, કેમ કે, આંકડા મેળવવા માટેની પદ્ધતિ હજી ઘડાઈ રહી છે. આમ છતાં, ઉપલબ્ધ માહિતીના આધારે જે પરિણામ નજર સમક્ષ આવ્યું એ ચિંતાજનક છે. આ અહેવાલ અનુસાર 2019માં સમગ્ર વિશ્વમાં કુલ 93.100 કરોડ ટન આહારનો બગાડ થયો હતો. આમાંથી 61 ટકા બગાડ ઘરગથ્થુ આહારનો હતો, 26 ટકા બગાડ આહારલક્ષી સેવાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે 13 ટકા વ્યય છૂટક વેચાણના ક્ષેત્રનો હતો. પેદા થતા કુલ આહારમાંથી 17 ટકા આહારનો બગાડ થાય છે, જેમાંથી 11 ટકા ઘરગથ્થુ ધોરણે, 5 ટકા આહારલક્ષી સેવાઓમાં અને 2 ટકા બગાડ છૂટક વેચાણના ક્ષેત્રે થાય છે. આનો સીધો અર્થ એ થાય છે કે ઘરગથ્થુ ધોરણે થતો આહારનો વેડફાટ સૌથી વધુ પ્રમાણમાં હોય છે. એવું નથી કે ચોક્કસ વર્ગના, એટલે કે આવકજૂથ અનુસારના વર્ગમાં જ એમ થાય છે. આ વેડફાટ તમામ પ્રકારના વર્ગમાં થતો જોવા મળે છે.

આ બગાડને ગણવા માટે વિવિધ માપદંડ અને પદ્ધતિઓને અપનાવવામાં આવી હતી. કેવળ ઉદાહરણ ખાતર જોઈએ તો ઑસ્ટ્રિયા જેવો વિકસીત દેશ પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ 39 કિ.ગ્રા. જેટલા આહારનો વ્યય કરે છે. નાઈજીરિયા જેવા ગરીબ દેશમાં આ પ્રમાણ 189 કિ.ગ્રા.નું છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં તે 50 કિ.ગ્રા. છે. ભલે આ આંકડા સરેરાશ હોય, અને કદાચ તેના માટે હજી વ્યાપક અભ્યાસ થઈ શકે એટલા બહોળા પ્રમાણમાં એકઠા ન કરાયા હોય તો પણ આ પ્રમાણ ચિંતાજનક છે અને તેને અવગણી શકાય નહીં.

આપણે જાતે જ વિચારીએ તો ખ્યાલ આવશે કે આપણા પોતાના ઘરમાં આહારનો કેટલો બગાડ થતો રહે છે, જેને આસાનીથી ટાળી શકાય છે. આહારના બગાડની સમસ્યા હવે વૈશ્વિક બની છે, અને તેની સીધી અસર પર્યાવરણ પર થઈ રહી છે ત્યારે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે જવાબદાર દ્વિતીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક ચેષ્ટા સંભારવી જરૂરી છે. 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન દેશમાં અન્નની તીવ્ર અછત સર્જાઈ. એ સમયે અમેરિકાથી થતી ઘઉંની આયાત પર દેશ નિર્ભર હતો. અમેરિકાએ ઘઉંની પોતાના દ્વારા થતી નિકાસ બંધ કરવાની ચીમકી આપી ત્યારે શાસ્ત્રીજીએ ડર્યા વિના તેનો ઊકેલ લાવવાનું વિચાર્યું. સૌ પ્રથમ તેમણે પોતાના પરિવારને એક ટંકનો ઉપવાસ રાખવાનું સૂચવ્યું. તેના સફળ પ્રયોગ પછી તેમણે દેશવાસીઓને સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ ઉપવાસ રાખવાની અપીલ કરી. શાસ્ત્રીજી જેવા મૂલ્યનિષ્ઠ નેતાની આ અપીલનો દેશવાસીઓએ સુયોગ્ય પ્રતિસાદ આપ્યો. આગળ જતાં આ પગલું હરિયાળી ક્રાંતિ તરફ દોરી જનારું બની રહ્યું. આ બાબત યાદ કરવાનું કારણ એટલું જ કે ઘણી વાર કેવા સાદા પગલાથી કેવડું મોટું કામ થઈ શકે છે.

એક તરફ અનેક લોકો ભૂખમરાનો શિકાર બનતા રહે છે, જ્યારે બીજી તરફ આહારનો બગાડ થતો રહે છે. આ બે અંતિમો વચ્ચે સંતુલન સધાતું નથી, અને તેમની વચ્ચેની ખાઈ પહોળી થતી રહે છે. આહારલક્ષી સેવાઓ અને છૂટક વેચાણમાં અમુક હદે બગાડ થાય એ સમજી શકાય, પણ ઘરગથ્થુ ધોરણે થતા બગાડને અવશ્ય નિયંત્રીત કરી શકાય છે. યુ.એન.ઈ.પી.એ વર્ષ 2030 સુધીમાં આ બગાડને અડધોઅડધ ઘટાડવા માટેનું લક્ષ્ય ઘોષિત કરેલું છે.

આપણે સૌ વ્યક્તિગત યા પારિવારિક સ્તરે આ કામ અવશ્ય કરી શકીએ છીએ. ખરીદીમાં તેમજ રાંધવાના પ્રમાણમાં વધુ કાળજી રાખી શકાય, તેમજ અમુક આદતોમાં યોગ્ય ફેરફાર પણ કરી શકાય.

આ સંદર્ભે રતન તાતાએ વર્ણવેલો જર્મનીના હેમ્બર્ગ શહેરમાં પોતાને થયેલો અનુભવ ખૂબ જાણીતો છે. પોતાના એક વ્યાવસાયિક મિત્ર સાથે એક હોટેલમાં ભોજન માટે તે ગયા હતા. ઓર્ડર આપીને વિવિધ વાનગીઓ તેમણે મંગાવી, ભરપેટ જમ્યા અને ઘણું બધું છાંડ્યું પણ ખરું. બીલ ચૂકવીને તેઓ નીકળવા જતા હતા એ વખતે ત્યાં ઉપસ્થિત કેટલીક મહિલાઓએ તેમણે કરેલા ખોરાકના બગાડ બાબતે નારાજગી દર્શાવી. તાતાના મિત્રે કહ્યું કે પોતે જે મંગાવ્યું એનું બીલ ચૂકવી દીધું છે. આથી પોતે એ ખાય કે છાંડે એ વિષય એ મહિલાઓનો નથી. આ દલીલ સાંભળીને અકળાઈ ગયેલી મહિલાઓએ ફોન કરીને સામાજિક સુરક્ષા અધિકારીને બોલાવ્યો. એ અધિકારી જોતજોતાંમાં આવી પહોંચ્યો. તેણે મામલો જાણ્યો અને તાતા તેમજ તેમના મિત્રને દંડ ભરવા કહ્યું. એ અધિકારીએ કહેલી વાત વધુ મહત્ત્વની હતી. તેમણે કહેલું: ‘ખાઈ શકો એટલું તમે મંગાવો. નાણાં ભલે તમારા હોય, પણ સંસાધન સમાજનાં છે. સમગ્ર વિશ્વમાં સંસાધનોની અછત પ્રવર્તી રહી છે અને તમે એને આ રીતે વેડફો એ યોગ્ય ન કહેવાય.’

કોઈકના મોંએ જવાને બદલે ખોરાક સીધો કચરાપેટીને હવાલે થાય ત્યારે એ કેવળ બેદરકારી, ગેરવહીવટ કે ઊપેક્ષા નથી, તે રાષ્ટ્રનું પણ અપમાન છે. ‘અન્ન પરબ્રહ્મ’માં માનનારા એવા આપણને આ બાબતનો અહેસાસ હોવો જ જોઈએ. અને માત્ર અન્ન નહીં, જળ, ઈંધણ સહિત તમામ પ્રકારના સંસાધનોના વેડફાટ બાબતે આ લાગુ પડે છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૭–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

 

Author: Web Gurjari

1 thought on “ફિર દેખો યારોં : અન્નનો વ્યય કેવળ ખરાબ આદત નહીં, રાષ્ટ્રનું પણ અપમાન છે

 1. શ્રી બીરેન ભાઈ કોઠારી , તમારો લખેલ માહિતી પૂર્ણ લેખ વાંચ્યો ઘણી નવી વિગતો વાંચવા પણ મળી.

  દરેક દેશના ખાધેપીધે સુખી સંપન્ન વર્ગમાં ખોરાક વધે છે પણ તેનો સદોપયોગ બહુ ઓછો જોવા મળે છે તેમાં અપવાદ પણ છે.
  સમાજમાં જે નબળો વર્ગ છે તેમની પાસે રાંધેલો ખોરાક જાળવીને રાખવાની સરળ સંભાળની સગવડ નથી ત્યાં પણ બગાડ થાય પણ ખરો.
  ટૂંકમાં કહી તો શ્રી શાસ્ત્રીજી જેવા વડાપ્રધાન પણ દેશમાં હવે આવે તો તેમની સલાહ ને કોઈ ગણકારે તેમ પણ નથી,

  દેશની શિક્ષણ સંસ્થાઓએ આ વિષે પણ પોતાના વિદ્યાર્થીઓને પણ ખોરાક વિષે વધુ વિગતો અને માહિતી આપી દોરવાનો પ્રયાસ કોઈએ કર્યો હોય તેવું વાંચવામાં નથી આવ્યું.

  આવા માહિતીપૂર્ણ લેખો આપવા બદલ આભહર.

Leave a Reply

Your email address will not be published.