નિરુપમ છાયા
ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત સર્જક કચ્છના જ, શ્રી વીનેશભાઈ અંતાણી, પ્રદેશના અન્ય સર્જકોની જેમ જ, પોતાની કૃતિઓમાં કચ્છની પ્રાદેશિક વિશિષ્ટતાઓ પ્રગટ કરતા રહ્યા છે. પણ આ પ્રાદેશિકતાને જ દીર્ઘ નવલિકાના કેન્દ્રમાં રાખીને તેમણે, આવી જ ‘દરિયો’ પછી બીજી કૃતિ ‘રણ’ આપણને આપી છે. એવું કહેવાય છે કે સાહિત્ય સર્જન એ મુક્ત સંવેદનાત્મક પ્રક્રિયા છે. કોઈપણ બાબતનું સાહિત્યસર્જનમાં પ્રતિબિંબ ન હોય. એટલે એક અંગત મંતવ્ય વ્યક્ત કરવાની હિંમત કરું: ‘રણ’ વિશે દીર્ઘ નવલિકા લખાઈ છે એના કરતાં એમ કહેવું જોઈએ કે એ કૃતિમાં કચ્છનું રણ અને બન્ની ઝીલાયાં છે.
‘રણ’નું કથાવસ્તુ કચ્છની રણકાંધીએ આવેલા બન્ની નામના પ્રદેશમાં રહેતા મુસા માલધારીને કેન્દ્રમાં રાખી તેની આસપાસ વિકસે છે. મુસો હવે વૃદ્ધ છે, કશુંયે કરવા અસમર્થ છે. એટલે બસ બેઠો બેઠો આસપાસની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા કરે છે અને જે કંઈ બની રહ્યું છે તેનું વિશ્લેષણ પણ કરતાં કરતાં, વીતી ગયેલા પણ પોતાના મનમાં સ્થિર થઈ ગયેલા સમય સાથે તેની તુલના કરે છે. જે કંઈ જોયું, અનુભવ્યું એ એના સ્મરણપટ પર તાદૃશ થઈ ઊઠે છે. વર્તમાન સાથે એની તુલના કરતાં એ અસ્વસ્થતા પણ અનુભવે છે. વીતેલા સમયમાંથી એ બહાર આવી શકતો નથી અને વર્તમાનમાં જે બની રહ્યું છે એને સ્વીકારી શકતો નથી. આવી દ્બંદ્વાત્મક પરિસ્થિતિમાં એ મૂકાય છે. બંનેની તુલનામાંથી સર્જાતી દ્વિધાનાં મન:સંચલનોને સર્જકે બહુ સૂક્ષ્મતા અને ઊંડાણથી દર્શાવ્યાં છે. લગભગ ચારેક પેઢીને સાંકળતી આ કથામાં કાસુ ભૂતકાળ અને વર્તમાનને જોડતી કડી પણ બની રહે છે.
વિષયવસ્તુ કદાચ આટલા શબ્દોમાં આવી જાય પણ કથાપટ, તેનો વિસ્તાર એ કેટલું બધું આવરી લે છે! કથાપટની ગૂંથણી માટે મુસા ઉપરાંત તેની પત્ની નૂરાં, બાપથી અતડો રહેતો, બાપ પાસે ક્યારેય મન ન ખોલતો, ‘ચોપાંબોપાંમાં કાંય ન વરે’ એવું માનતો અને ઢગલો પૈસા કમાવાનાં સપનાં જોતો પુત્ર સુલેમાન, વીતેલા સમયનો સાથી જાનમામદ અને તેની પત્ની, સ્મરણપટ પર વિચરતા દાદા અને ભાઈઓમાં જુણસ. આ ઉપરાંત પણ નાનાંમોટાં પાત્રો સર્જકે યોજ્યાં છે. આ માનવ પાત્રો ઉપરાંત ચોપાંઓ-પશુઓ-પણ કથા ગૂંથણીમાં કેન્દ્રસ્થાને રહે છે. મુસાના દાદા પાસે વિશાળ પશુધન હતું. મુસાના દાદાની શીખ હતી: ‘તમે માલધારી છો એ ભૂલજો નહીં. આ ચોપાંને ચરાવવા જવું એ માલધારીનો જીવનધર્મ.’ મુસાએ પણ એ પાળ્યો છે. મૂસો દાદાની પાછળ પાછળ સીમમાં ફરતો. દ્દાદા ઘણીવાર પશુધનનું વર્ણન કરતી પંક્તિઓ ગાતા એ સાંભળીને મુસાને સુંદર ગાયોનું ધણ દેખાતું.
મુસાને દાદાના શબ્દો યાદ આવે છે, ‘માલધારીજો છોરો ત અમ્માજે પેટ મિંજાનુ જ ચોપા ચરાયજો સીખે.’ અફાટ વિસ્તરેલા બન્નીના ચરિયાણ પ્રદેશમાં માલધારીના સાથી જોડિયા પાવા અને મોરચંગ શૂન્યતાને ભરી દેતા. મુસાનો ભાઈ જુણસ જોડિયા પાવા વગાડતો. એમ તો મુસો પણ વગાડતો. જુણસ ઓલીયો જીવ..કયારેક વાંઢમાં રેયાણ થાય ત્યારે સૂફી શૈલીની, જીવનની નશ્વરતાનો ગહન અર્થ ધરાવતી કાફી પણ બુલંદ અવાજે ગાતો.
જરમેં ફોટો જીંય, લહરિયું લગંધે અધ થીએ,તું પણ ઐયેં તીંય,ધુનિયા મેં કો ડીંડેહા.
(જળની લહેરીઓનો ધક્કો વાગતાં પરપોટો ફૂટી જાય એમ તું પણ આ દુનિયામાં બહુ થોડા વખત માટે આવ્યો છો.)
સંગીત અને પરમનું સ્મરણ એ જાણે આ લોકોનું નોખું ભાવજગત. ચોપાં પછી આ પ્રદેશ સાથેનાં અભિન્ન તત્વો એટલે રણ, દુકાળ તેની આસપાસ, અને વરસાદ. મુસાની સ્મૃતિનાં માધ્યમથી આપણે પણ રણમાં પહોંચી જઈએ છીએ. ‘મુસાએ લાંબો શ્વાસ ખેંચ્યો. આખા રણની ગંધ ખેંચાઈ આવી. ઘાસ, બાવળ, કંધા, ખીજડા, થોરની ગંધ. ખારા પટની ગંધ….અફાટ ધરતી પર પડેલી લાંબી લાંબી ફાટ. ભટ્ઠ તડકામાં ધખેલી ધરતીમાં ઊપસેલા પોપડાના પોલાણમાંથી પસાર થતા પવનના સીટી જેવા તીણા અવાજ, માથે કાળઝાળ સૂરજ, દૂર દૂર નજરે ચડતાં ઝાંઝવાંના ભ્રમ. ચકરાવા મારી ઊંચે ચડતો વંટોળ. પુરપાટ દોડતી સાંઢણીઓની જેમ ડોક લંબાવી પસાર થતું ધૂળનું અંધડ. સાંજ પછી ઠંડી થઈ જતી હવા. પાછલી રાતે જમીન ભીની કરી જતી માક (ઝાકળ).’ મુસો એ દિવસો પણ યાદ કરે છે જયારે ઉપરાઉપરી પડેલા દુકાળમાં ઘાસચારા અને પાણીની ભયાનક તંગી ઊભી થઈ હતી; ઢોર મરવા પડ્યાં હતાં. અને ઢોરને લઈને પહેલો મુસો નીકળ્યો. અલગ અલગ જગ્યાએ ઘાસચારા અને પાણીની વ્યવસ્થા સાથે કેમ્પ ઊભા કર્યા હતા. પાછળ વાંઢમાં બાકી રહેલાં લોકો રાહતકામો પર જતાં. ટકી રહેવું અઘરું હતું. વરસાદની તરસ જાગી હતી. પણ ધીરે ધીરે આકાશમાં વાદળાં બંધાતાં દેખાયાં. અને પછી એક દિવસ કચ્છ અને બન્નીમાં વરસેલા ‘વરસાદથી ભીજાયેલા વાવડ’ મળ્યા. બધા પાગલ થઈ ગયા. કાને હાથ દાબી મોઢાં ઊંચાં કરી બુલંદ અવાજે ગાયું :
‘અંદર જુડ જોર વહે, બહાર બુંદ અપાર’.-
(બહાર વરસાદનાં બુંદ ટપકે છે, મારી અંદર પણ મુશળધાર વરસે છે)
નવલિકામાં આવી જ રીતે, પ્રદેશની લાક્ષણિકતાઓ, જીવનપદ્ધતિ અને તેનો રણ સાથેનો અનુબંધ વગેરે સાથે વાંઢ, ભૂંગા, લીંપણ ઓકળી, ભરતકામ, દૂધ દહીં, ઘી, તડકો, ગરમી,ધૂળ, ઊંટ માથે રણની મુસાફરી, કાળો ડુંગર વગેરે વિવિધ રૂપોને જોડી, સર્જક પ્રદેશના પરિવેશનું જીવંત કલાત્મક ચિત્ર પ્રસ્તુત કરે છે. આ રીતે કૃતિમાં સમગ્રરૂપે રણની સંસ્કૃતિ ધબકી ઊઠે છે.
અત્યારે વૃદ્ધ મુસો પોતે કહે છે તેમ, રાઉસ લાગો પડ્યો છે…પણ ઘણા દિવસથી કોઈક વાતે મજા નથી આવતી. પોતે જ પોતાને મનમાં ને મનમાં પૂછે છે, ‘..અત્યારે શેનું અસુખ છે?’ પત્ની નૂરાંને એક દિવસ અચાનક લીંપણ કરવાનું યાદ અપાવ્યું ત્યારે એ કહે છે, ‘હાણે ભૂંગા કેતરા ડીં?’ આગળ વાત થતાં ખબર પડે છે કે સુલેમાન બધા ભૂંગા તોડાવી પાકાં કરાવવાનો છે. મુસો એક દિવસ વાંઢમાં આંટો મારવા નીકળ્યો હોય છે અને વાડા પાસેથી પસાર થતાં, વાડાની માપણી થતી જોઈ, એને નવાઈ લાગે છે. સુલેમાન પાસેથી સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓને ‘ભૂંગામાં રેજાવો બહુ ગમે’ એવું સાંભળીને એને ચોપાં ક્યાં રહેશે એ પ્રશ્નનો પણ શુષ્ક જવાબ મળે છે, ‘વાંઢ બાજાર ઘણી જમીન છે.’ આ સાંભળીને એ રાતે ઊંઘી નથી શકતો. એને ચિંતા પોતાનાં ચોપાંની. થાય છે, ‘પશુઓ વાંઢની બહાર ખુલી જગ્યામાં રેઢાં મૂકશે? નૂરાંને પણ ફરિયાદ કરે છે, મિત્ર જાનમામદને પણ કહે છે ત્યારે જાનમામદ સમજાવે છે કે ભલે પાકા ભૂંગા બાંધે, ‘તારો સું જાય છે?’ ત્યારે મુસો ‘મારાં ચોપાં..’ એટલા શબ્દો બોલે છે ને એનું ગળું ભરાઈ આવે છે. પરિવર્તનની આવી રહેલી લહેર એ સમજી નથી શકતો, સ્વીકારી નથી શકતો. મિત્ર જાનમામદને એને સમજાવે છે, ‘..આપણા ડીં ભૂલી જા. હવે બન્ની પે’લા જેવી નથી રહી….તું ધોરા રણમાં ગ્યો છો?… ઈ રણ જુધો અને હવેનો જુધો.’ પણ એને તો પોતાના ‘માલ’(ઢોર)ની ચિંતા છે, ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝોલાં ખાતા, એકલા પડી ગયાની વેદના અનુભવતા, મુસાને, આગળ વધતાં રણ અને પોતાના આગવાં અસ્તિત્વથી, મૂળિયાંથી વિચ્છેદાતી બન્નીનું કલ્પનાચિત્ર ઉદાસ કરી દે છે.
રણ જોવા પ્રવાસીઓ આવશે એની તૈયારીઓ થઇ રહી છે, અનાજ અને બીજી જરૂરી ચીજવસ્તુઓ આવતી રહે છે. પણ હજુ વરસાદ નથી. પહેલાં દુકાળ વખતે રાહ જોઈ હતી એમ જ મુસો વરસાદની રાહ જોવે છે. દિવસો નીકળે છેઅને એક દિવસ અચાનક વીજળીનો લીસોટો દેખાયો, મોટો કડાકો થયો અને લાંબી ધારે વરસાદ વરસે છે. મોડો મોડો આવીને પણ મન મૂકીને વરસ્યો. મુસાને ચોપાંની ચિંતા થતી હતી. સુલેમાનને પૂછ્યું તો તેણે આડો અવળો જવાબ દીધો. મુસાથી રહેવાયું નહીં એટલે બીજીવાર પૂછ્યું ત્યારે એ ચિડાઈ ગયો, ‘ બઈ ઉપાધિ ઓછી આય ક આં વારે ચોપે જી ચિંધા કરીયાં?’ મુસાને સમજાતું નથી બીજી ઉપાધિ કઈ? એ મનોમન વિચારે છે, ‘દુકાળનો ભય ઊતરે પછી માલધારીને શેની ઉપાધિ?’ પણ જયારે જાનમામદ આવે છે અને સહુ ઉત્સાહપૂર્વક, ‘મુભારખિયું’ ‘મુભારખિયું’ એવું મોટેથી બોલે છે ત્યારે એને સમજાય છે. ‘સેની રાડારાડી થાય છે?’ ઉત્સાહભર્યા અવાજોથી પણ મોટો અવાજ સાંભળી સહુ ચમકી ગયાં. સુલેમાન બહાર આવીને બોલ્યો, ‘ હિતે વરસાદ પત્તર ફાડી ગ્યો ને તમને બધાને મુભારકું ડેવાનો સૂઝે છે.?……ધોરા રણમાં ગુડે ગુડે પાણી ભરાણો છે મારા પાકા ભૂંગાના ઘાસમાંથી પાણી અંધર ગ્યો છે….ભાન આય આંકે કેતરો નુકસાન થ્યો આય?…વરસાદે ત ડી ડીધા’…..સહુ જાણે અવાચક થઇ ગયા. અને સર્જક મુસાની વેદનાને પ્રગટ કરે છે, ‘ચામડી સળગી ગઈ. આંસુ ધસી આવ્યાં. એના બધા વડવા, ડાડા અને અભા ભેગા થઇ ગયા છે. ‘
બધા એકબીજા સામે જોઈ વિચારે છે, એમણે વસાવેલાં ભૂંગામાં વરસાદ અકારો થઇ પડ્યો? રણવાસીના,વાંઢવાસીના, માલધારીના ભૂંગામાં? બધા મુસા પાસેથી જવાબ માગે છે પણ એની પાસે કોઈ જવાબ નથી.’ સર્જકતાની આ ચરમ ક્ષણ છે. એક પ્રદેશની ઝીલેલી સંવેદનાને, પોતાની અંદર ઘૂંટીને સર્જકે આ કૃતિમાં યથાતથ મૂકી છે. સર્જક પોતે એક સંદેશમાં કહે છે, ‘માલધારીને વરસાદ અળખામણો થઈ જાય એ વિડંબના કથાનું હાર્દ છે અને બદલાયેલા સમયની કરુણતા પણ.’
કચ્છના હોવાથી અંતરમનમાં રસાયેલ બન્નીનો પ્રદેશવિશેષ સર્જકે ઉપયોગમાં લીધેલા તળપદા, સહજપણે ઊતરી આવતા ટેમ, ખપે, જાલ, કરઈ, ગાલિયું, પુઠીયા, નાલો જેવા શબ્દોથી ઉભરી આવે છે. વળી, ‘તોકે કિન ગાલજો ડુખ આય?’, ‘મેજારભાની કરીને રણને રણ જ રેવા ડેજો..’, ‘કેડી ગાલ કરસ, જાનમાંમધ, ઉતે ત પાં વડા થ્યા’ જેવા સંવાદો અને કૃતિમાં આવતાં વર્ણનોથી પણ દૃશ્યો જીવંત થઈ,વાતાવરણને ભરી દે છે.
મીઠાનું છે, પણ ‘રણ’ દીર્ઘ નવલિકામાં મીઠાશ બની, આપણા અંત:સ્તલમાં છલકાઈ રહે છે.
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com