નિસબત : નિર્ધનતા અને નેત્રરોગ વચ્ચે નિકટનો સંબંધ છે.

ચંદુ મહેરિયા

એક હિંદી ન્યૂઝ ચેનલ પર તેના કોઈ ‘સેવ આઈ પ્રોજેકટ’ની એડ અવારનવાર જોવા મળે છે. જેમાં ગરીબ બાળક બાલા અને તેની મા જેવા જરૂરિયાતમંદોની આંખોની રોશની માટે બારસો રૂપિયા ડોનેટ કરવાની અપીલ છે. આ જોઈને કોઈને પણ એ વાતનું આશ્ચર્ય થાય અને સવાલ ઉઠે કે શું ખરેખર આટલા થોડા રૂપિયાના અભાવે કોઈ જીવનભરનો અંધાપો વેઠે છે.? જ્યારે આપણે  સંયુક્ત રાષ્ટ્ર સંઘના ‘ગ્લોબલ આઈ હેલ્થ કમિશન’ના રિપોર્ટમાં દુનિયામાં ૧૧૦ કરોડ લોકો ચશ્મા ખરીદવાની શક્તિ ધરાવતા ન હોવાને કારણે આંખોના રોગો સામે ઝઝૂમી રહ્યા હોવાની હકીકત જાણીએ છીએ ત્યારે પેલું આશ્ચર્ય આઘાતમાં પરિણમે છે.. નિર્ધનતા અને નેત્રરોગ વચ્ચેનો નિકટનો સંબંધ પણ તેનાથી સ્પષ્ટ થાય છે..

ભારતની વસ્તી જેટલા જે લોકો વિશ્વમાં આંખોની મુશ્કેલીઓથી પીડાય છે તેમાં ૫૯ કરોડ લોકોની દૂરની અને ૫૧ કરોડ લોકોની નજીકની આંખોની દ્રષ્ટિ નબળી છે. આખી દુનિયામાં ૩.૯ કરોડ અને ભારતમાં ૧.૨ કરોડ લોકો દ્રષ્ટિહીન છે. વિશ્વમાં ૧.૪૮ કરોડ અંધ બાળકોમાંથી ૧ કરોડ બાળકો એશિયા-આફ્રિકામાં છે. ૬૦ ટકા જેટલા બાળકો અંધ બને છે તે વરસે જ મ્રુત્યુ પામે છે. આફ્રિકા ખંડના દેશ ઈથિયોપિયામાં ગંદા પાણીને કારણે  ૨ કરોડ લોકો નેત્રખીલથી પીડિત છે. ભારતના મહાનગરોની શાળાઓમાં ભણતા ૨૨ ટકા બાળકોની આંખોની દ્રષ્ટિ કોરોના પૂર્વે નબળી હતી. ઓનલાઈન શિક્ષણના કારણે તેમાં વધારો થયો છે…

સુશ્રુત સંહિતામાં છોંતેર નેત્ર રોગોનું આલેખન છે.પરંતુ આજના ભારતમાં ૩૩ ટકા લોકો તો એકલા નેત્ર ખીલને લીધે આંખોની તકલીફ વેઠે છે.મોટાભાગના નેત્રરોગનું કારણ વ્રુધ્ધાવસ્થામાં આવતો આંખોનો મોતિયો છે. ૬૬.૨ ટકા લોકોના નેત્ર રોગનું કારણ મોતિયો છે. દર વરસે ૭.૨ ટકા લોકો મોતિયાની સર્જરી ન કરાવી શકવાને કારણે અંધ બને છે. દેશમાં નેત્ર રોગો થવાનું પ્રમુખ કારણ કુપોષણ એટલે કે વિટામિનયુક્ત પોષક આહારનો અભાવ અને ગરીબી છે. ગંદા અને સુવિધાહીન આવાસ તથા અસ્વચ્છ પાણીને કારણે પણ ભારતના લોકોની આંખો નબળી છે. મહાનગરોમાં વાહનો અને રસ્તાઓ પરનો તેજ પ્રકાશ, નગરોમાં પ્રદૂષણ તેમજ  ગામડાઓમાં ધૂળ અને ધૂમાડો નેત્રરોગોને નોતરે છે. ડાયાબિટિસ, સૂકી આંખો, રંગ અંધતા અને વાઈરસજન્ય રોગો પણ નેત્રરોગોના કારણો છે. પહેલા ઓરી, બળિયા અને શિતળાને કારણે પણ લોકો આંખો ગુમાવતા હતા. ખેડૂતો જંતુનાશક દવાઓ અને રાસયણિક ખાતરના કારણે આંખોના રોગોના ભોગ બને છે. દેશમાં ૨૩ કરોડ લોકો જેનાથી પિડાય છે તે નેત્ર રોગની સારવારમાં ગરીબીને કારણે થતો વિલંબ ઘાતક નીવડે છે અને અંધાપો લાવે છે. માત્ર ભારતના જ નહીં દુનિયાના લોકોનું પોણાભાગનું અંધત્વ નિવારી શકાય તેવું છે. માત્ર ૨૫ ટકા અંધત્વ અને ૧૫ ટકા દ્રષ્ટિવિકારનો જ કોઈ ઈલાજ થઈ શકે તેમ નથી.

નેત્રરોગ અને દ્રષ્ટિહીનતા વ્યક્તિના અંગત અને પારિવારિક જીવન પર તો અસર કરે જ છે તે  રાષ્ટ્રના આર્થિક –સામાજિક જીવન પર પણ મોટી અસરો જન્માવે છે. વિશ્વને વરસે ૩૦ લાખ કરોડનું આર્થિક નુકસાન નેત્રરોગોને લીધે થાય છે. પછાત અને ગરીબ દેશોના પચાસ ટકા અંધ લોકોની સામાજિક હેસિયત અને નિર્ણયકારી ક્ષમતા  સમાપ્ત થઈ જાય છે. કુટુંબના દ્રષ્ટિહીન કે નબળી દ્રષ્ટિ ધરાવતા વડીલોની દેખભાળની જવાબદારી બાળકોના શિરે આવી પડતાં તેમના શિક્ષણને અસર પડે છે. ઘણા બાળકોને શિક્ષણ છોડવું પડે છે. ૮૦ ટકા દ્રષ્ટિહીન મહિલાઓ કુટુંબમાં પ્રભાવહીન અને મહત્વહીન જીવન જીવવા મજબૂર હોય છે.

સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા અને લિંગભેદ નેત્ર રોગોમાં પણ અકબંધ રહે છે.. દુનિયાના કુલ દ્રષ્ટિહીનોમાં ૧.૧૪ કરોડ પુરુષો કરતાં બમણી અર્થાત ૨.૩૯ કરોડ સ્ત્રીઓ દ્રષ્ટિહીન છે. ૨૮ કરોડ મહિલાઓની દૂરની અને ૨૦ કરોડની નજીકની આંખોની દ્રષ્ટિ નબળી છે પણ દૂરની નબળી દ્રષ્ટિ ધરાવતા પુરુષો ૨૭ કરોડ  અને નજીકની નબળી દ્રષ્ટિ ધરાવતા ૨૨ કરોડ છે. બ્રિટિશ જર્નલ ઓફ ઓપ્થેલ્મોલોજીના અધ્યયન મુજબ વધુ રડવા ,લેન્સ પહેરવા અને રસોઈના ધૂમાડાને કારણે પુરુષોની તુલનાએ મહિલાઓમાં મોતિયાનો પ્રશ્ન ૬૯ ટકા વધુ છે પરંતુ ભારતમાં મોતિયાની સર્જરી માટે ગામડાઓની મહિલાઓ શહેરોમાં જઈ શકતી ન હોવાથી માંડ ૨૭ ટકા મહિલાઓની મોતિયાની સર્જરી થાય છે. પુરુષોને કમાનાર વ્યક્તિ ગણી તેની મોતિયાની તુરત તપાસ અને સર્જરી થાય છે જ્યારે સ્ત્રીઓની મોતિયાની તકલીફની અવગણના કરવામાં આવે છે.

દેખ્યાનો દેશ ગુમાવી ચૂકેલા નેત્રહીનો માટે સ્પર્શ અને નિકટતા જ રોજિંદા જીવનનો આધાર છે. પરંતુ વર્તમાન કોરોના કાળમાં શારીરિક અંતર જાળવવાનું અને વિષાણુના ભયે સ્પર્શથી દૂર રહેવાનું હોવાથી અંધોનું જીવવું દોહ્યલું બન્યું છે. ગરીબી અને પરવશતા છતાં ઘણાં અંધો ખુમારીભર્યું સ્વમાની જીવન પસંદ કરે છે.મહારાષ્ટ્રના થાણે જિલ્લાના વાંગણી શહેરના ૨૭૨  નેત્રહીનોના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ૪૪ ટકા નેત્રહીનો ભીખ માંગવા કરતાં મુંબઈની લોકલ ટ્ર્નોમાં રોજિંદી જરૂરિયાતની નાનીનાની ચીજો(હાથરુમાલ, તાળા-ચાવી, હેરપિન, રમકડાં, નેલકટર વગેરે)  વેચીને જીવન ગુજારો કરવાનો સભ્ય માર્ગ અપનાવતા હતા. માત્ર ૧૧ ટકા જ ભીખ માંગતા હતા.

ભારત સરકાર દ્વારા ૧૯૬૩થી ‘રાષ્ટ્રીય નેત્ર ખીલ નિયંત્રણ કાર્યક્રમ’ શરૂ કરવામાં આવ્યો હતો. તેને જોડીને ૧૯૭૬ થી વધુ વ્યાપક ‘રાષ્ટ્રીય અંધતા નિવારણ કાર્યક્રમ’ અમલમાં. છે. કેન્દ્ર પુરસ્ક્રુત આ યોજના દ્વારા સરકારનો ઉદ્દેશ અંધતાની વ્યાપકતા ૦.૩ ટકા ઘટાડવાનો છે. પરંતુ સરકારે તે માટે અંધતાના માપદંડમાં ફેરફાર કરવાનો માર્ગ અખત્યાર કર્યો છે. ભારતમાં ૧૯૭૬ના માપદંડ પ્રમાણે ત્રણ મીટર દૂરથી આંગળીઓ ગણી ન શકતી વ્યક્તિ દ્રષ્ટિહીન ગણાતી હતી પરંતુ અંધતાના વૈશ્વિક માપદંડો અનુસરીને હવે અંતર છ મીટરનું કર્યું છે અંધત્વની વ્યાખ્યા બદલવાને કારણે ભારતમાં નેત્રહીનોની સંખ્યામાં પચાસ  ટકા કરતાં વધુનો ઘટાડો થયો છે  વ્યાખ્યા બદલાતાં ખાસ કશા પ્રયત્નો વિના જ ભારતમાં ૨૦૦૬-૦૭માં ૧.૨ કરોડ નેત્રહીનો હતા તે ૨૦૧૯માં ૪૮ લાખ જ થઈ ગયા છે. સરકારે નેત્રહીનો સહિતના દિવ્યાંગોના કલ્યાણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમોના બજેટમાં પણ ઘટાડો કર્યો છે. ગયા વરસની બજેટ જોગવાઈ ૬૫૫ કરોડથી ઘટાડીને ૫૮૪ કરોડ કરી દીધી છે. ‘રાષ્ટ્રીય વિકલાંગ નાણા વિકાસ નિગમ’ના ૨૦૧૯-૨૦ના બજેટમાં રૂ. ૪૧ કરોડની જોગવાઈ હતી. કોરોના મહામારીને કારણે બેરોજગારી વધી હોઈ વધુ નાણાની જરૂરિયાત રહેવા છતાં સરકારે ચાલુ વરસના બજેટમાં માત્ર ૦.૦૧ કરોડની જ જોગવાઈ કરી છે.

દેશમાં પાંચમાંથી ચાર વ્યક્તિ જો બચવા યોગ્ય નેત્ર દ્રષ્ટિની ખામીથી પિડાતા હોય તો સરકારે તે દિશામાં પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. વ્યાખ્યાઓ કે માપદંડો બદલવાને બદલે આંધળાઓની આંતરડી ઠરે તેવા શિક્ષણ, આવાસ અને રોજગારના નક્કર આયોજનો કરવા જોઈએ.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.