મોજ કર મનવા : વિવેકની શોધમાં

કિશોરચંદ્ર ઠાકર

દરેક  મહાપુરુષનાં જીવનમાં કેટલાક પ્રસંગો બનવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં સામાયિકોમાં, છાપાઓની ધાર્મિક પૂર્તિઓમાં  કે  પાઠ્યપુસ્તકોમાં એ પ્રસંગો વિશે લખી શકાય. આવાં જ કોઈ કારણસર  પ્રાચીન ગ્રીસના સોક્રેટીસ નામના એક મહાપુરૂષનાં જીવનમાં એક પ્રસંગ  બનેલો. પ્રસંગની વિગત એવી છે કે, એક વખત સોક્રેટીસ પોતાના શિષ્યો સાથે બેઠા હતા. એવામાં એક  સામુદ્રિકશાસ્ત્રી ત્યાં આવી ચડ્યો. સામુદ્રિકશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનાં કુળનું  એવું શાસ્ત્ર છે કે જેની મદદથી માણસનો  ચહેરો જોઈને તેનું ભવિષ્ય  ઉપરાંત તેના ગુણોઅવગુણો વિષે કહી શકાય.  શિષ્યો તો સોક્રેટીસના ગુણો  જાણતા જ હતા, છતાં  આગંતુક   સામુદ્રિકશાસ્ત્રીની પરીક્ષા લેવાની ઈચ્છાથી(અથવા તો પોતાના ગુરુના અવગુણો જાણવાની છૂપી ઈચ્છાથી!) તેમણે સામુદ્રિકશાસ્ત્રીને તેનાં શાસ્ત્રનાં  જ્ઞાનને આધારે  સોક્રેટીસ વિષે જણાવવા કહ્યું.

સોક્રેટીસના ચહેરાનું બારીક અવલોકન કર્યા પછી સામુદ્રિકશાસ્ત્રીએ નિદાન કર્યું. “આ માણસની આંખો પરથી એમ લાગે છે કે તે ખૂબ ક્રોધી છે. તેનું કપાળ એમ કહે છે કે તે ખૂબ લોભી છે. તેનું નાક જોતાં એમ લાગે છે કે તે બહુ ક્રૂર માણસ છે. તેના ચહેરા પરના દરેક ભાગ તેના અવગુણોની ચાડી ખાય છે.!”

આ સાંભળી  શિષ્યો ખડખડાટ હસી  પડ્યા. સોક્રેટીસની ખ્યાતિ તો એથે‌ન્સના સૌથી મોટા ચારિત્ર્યવાન અને ગુણવાન પુરુષ તરીકેની  હતી, જ્યારે આ માણસ તો ઉલ્ટી જ વાત કરી રહ્યો હતો. પરંતુ સોક્રેટીસે શિષ્યોને સમજાવ્યું કે આ માણસ  જે કહે છે તે બિલકુલ સાચું જ છે. તેણે વર્ણવેલા તમામ દુર્ગુણો મારામાં છે, પરંતુ આ દુર્ગુણો પર વિવેકે સવારી કરી દીધી છે, તે તેની નજરે ચડ્યું નથી.

ઉપરોક્ત પ્રસંગ વાંચ્યા પછી મને બહુ સારું લાગ્યું કે આપણામાં પણ સોક્રેટીસમાં છે એવા અને એટલા જ  અવગુણો છે. હવે માત્ર વિવેકને ક્યાંકથી શોધીને આપણી લગામ તેને સોંપી દઈએ એટલે ભયોભયો, આપણે પણ  સોક્રેટીસ જેવા જ મહાપુરૂષ બની જઈએ!

પરંતુ આમાં સવાલ એ ઊભો થયો  કે વિવેકને ઓળખવો શી રીતે? અથવા  કોને વિવેક કહેવાય એની ચોક્કસ સમજ પડી નહિ. જો કે આ સમસ્યા બાળપણથી છે. શાળામાં ભણવા બેઠા ત્યારે વિદ્યા  એટલે ભણતર એવો  ખ્યાલ આવી ગયેલો.  પછી  તે સમયે  દરેક શાળાના વર્ગખંડની  દીવાલ પર  ‘સોનેરી સુવાક્યો’  વાદળી અક્ષરે  લખવાનું ફરજિયાત હોવાથી  આમારી શાળામાં પણ એક વાક્ય  લખવામાં આવ્યું  હતું, “વિદ્યા વિનય વડે શોભે છે.”

આગળ જણાવ્યા પ્રમણે વિદ્યા એટલે ભણવાનું એમ તો  સમજાયું  પણ આ વિનય શું છે તેની ખબર પડી નહિ. કદાચ વિનયનો  અર્થ  સમજાય તો પણ  વિદ્યા  એ કોઈ પ્રાણી કે પદાર્થ નથી કે  જેને વિનય વડે  શણગારીને શોભાયમાન બનાવી શકાય.  પછીથી વળી ‘વિવેક’ નામનો વિનયના જ ગોત્રનો બીજો શબ્દ પણ સામો મળ્યો અને દ્વિધા ઊભી થઈ કે આ વિવેક અને વિનય બેઉ એક જ છે કે બે જોડિયા ભાઈઓ છે. “બોલવામાં વિવેક રાખો” “વિનયપૂર્વકની વાણી ઉચ્ચારો”  એવા ઉપદેશવચનો સાંભળીએ ત્યારે વિનય અને વિવેક એક જ અર્થ ધરાવે છે તેમ લાગતું. પરંતુ “નીરક્ષીર વિવેક”ને બદલે “નીરક્ષીર વિનય“ કહેવાતું નથી.  આમ વિવેક અને વિનય ક્યાંક જુદા પડતા હોય એમ લાગે છે.

એવામાં તુલસીદાસજીની એક સાખી યાદ આવી ગઈ.

  “बीन सत्संग विवेक न होई। 
    राम कृपा बिनु सुलभ न सोई।।

સત્સંગમાં જોડાવાથી કદાચ વિવેક મળે, પરંતુ એ માટે તો ભગવાનની કૃપા પર આધાર રાખવો રહ્યો.  હવે ભગવાનને શોધવા ક્યાં?  અહીં કબીર સાહેબ મદદે આવ્યા.

तेरा साँई तुझमें, ज्यों पहुपन में बास।
कस्तूरी का हिरन ज्यों, फिर-फिर ढ़ूँढ़त घास॥

કબીર સાહેબ જેવા જેને સાંઈ કહે તે ઓછામાં ઓછું આપણે પ્રચલિત અર્થમાં જેને ભગવાન કહીએ છીએ તે તો ન જ હોય. કદાચ આપણી અંદર રહેલી સમજણ કે વિચારશક્તિને જ તેમણે સાંઈ(ભગવાન) કહ્યા હશે એવું સુવિધાપૂર્વક સમજાયું. આથી વિવેક્ને શોધવા ‘અપના દિમાગ જગન્નાથ’ સમજીને પ્રયાસો આદર્યા. આ અંગે મિત્રોને, વડીલોને તેમજ ગુરુજનોને પૂછી જોયું પણ ચોક્કસ કે પ્રતિતીકર ઉત્તર સાંપડ્યો નહિ.

કદાચ ધર્મશાસ્ત્રોમાં તેનો જવાબ હોઈ શકે એમ ધારી ‘વિવેકશીર્ષકધારી’ શાસ્ત્રો ખોળ્યાં. આ ઉપક્રમમાં આદી શંક્રાચાર્યે લખેલા ‘વિવેક ચૂડામણિ’ નામના ગ્રંથમાં ડોકિયું કર્યું. પરંતુ અહીં વિવેક વિષે કશું જ મળ્યું નહિ. આવો જ અનુભવ સ્વામીનારાયણ સંપ્રદાયના સંત મુક્તાનંદસ્વામીનો ગ્રંથ ‘વિવેક ચિંતામણિ’  બાબતે થયો. કેદારનાથજીનું પુસ્તક ‘વિવેક અને સાધના’ વાંચ્યું તો તેમાં માત્ર ધ્યાન અને પરમેશ્વરની સાધના બાબતે જ વિવેકની વાત જોવા મળી.

‘જ્યારે કોઈ બાબતે મૂંઝાઉં છુ ત્યારે હું ગીતાજીને શરણે જાઉં છું’ એવું ગાંધીજીએ એટલા માટે કહેલું કે તેમના સમયમાં ગૂગલ ગુરુ પ્રગટ થયા ન હતા. પરંતુ આજના યુગમાં આ ગુરુ હાજરાહજૂર છે. આથી આ પ્રગટ પુરૂષનો સહારો લેતા વિવેકના અનેક રૂપો (અર્થો) જોવા મળ્યા. જેવા કે- ખરું ખોટું જાણવાની શક્તિ,  ચતુરાઈ, ડહાપણ. વિનય, સભ્યતા. કરકસરવાળી બુદ્ધિ- આટલું ઓછું હોય તેમ વિવેક નામનો કોઈ  એક અલંકાર છે,  એવું પણ જાણવા મળ્યું. આમ વિવેક એટલે ચોક્કસ શું એ સમજાયું તો નહિ, બલ્કે અખો ભગત કહે છે તેમ ‘ખટદર્શનના જૂજવા મતા પેઠો મહીં તેણે ખાધી ખતા’ જેવી સ્થિતિ થઈ.

આમ છતાં હતાશ થયા વિના પ્રયાસો તો ચાલું જ રાખ્યા. જ્યાં જ્યાં ‘વિવેક’ શબ્દનો ઉપયોગ થતો હોય એવા વિધાનો તપાસ્યાં.

    ઘણી વખત એવું સાંભળવા મળે છે “ફલાણાને આમંત્રણ આપેલું છતાં આવ્યા તો નહિ પરંતુ ચાંલ્લો કરવાના વિવેકમાંથી પણ ગયા” અહીં વિવેક એટલે લેતીદેતીનો વ્યવહાર એવું સમજાયું. પરંતુ બીજી અનેક જગ્યાએ વિવેકના જુદા જુદ્દા અર્થો જોવા મળ્યા. નીરક્ષીર વિવેકનો અર્થ ‘કામનું અને નકામુ’, ‘સાચું અને ખોટું’, કે ‘જરૂરી અને બીનજરૂરી’ એવા દ્વંદ્વોને અલગ પાડવાની સૂઝ એવો સમજાયો. વડીલો સાથેનાં વિવેક્પૂર્વકના વર્તનને નમ્રતાના અર્થમાં ગણાવી શકાય. વાણીના  વિવેકને  પ્રસંગને અનુરૂપ યોગ્ય અને સંખ્યાની દૃષ્ટિએ પ્રમાણસરના શબ્દો વદવા એમ  સમજાય છે.

જ્ઞાનીઓના કહેવા મુજબ પરસ્પરના વ્યહવાર ઉપરાંત આપણાં અંગત  જીવનમાં પણ વિવેક જરૂરી છે -વ્યક્તિને પોતે શું ખાવું ,શું પીવું,  શું પહેરવું ઓઢવું કેટલું  ચાલવું કે દોડવું, કેટલું અને કેવું વાંચવું લખવું કે વિચારવું, કેટલું જાગવું કે ઉંઘવું, કોના ચેલા કે ગુરુ બનવું, ક્યારે બોલવું કે મૂંગા રહેવું, કોની- ક્યારે અને કેટલી પ્રશંસા કે ટીકા કરવી, આપણાથી બળવાન અને શસ્ત્રધારીની સાથે કેમ વર્તવું,   ચૂંટણીમાં મત આપવો કે નહિ અને આપવો તો કોને આપવો- આ બધું માણસે વિવેકની સહાયથી નક્કી કરવું જોઈએ.

આ બધું જાણીને આરોગ્ય અને દીર્ઘાયુ માટે તત્પર એવા મને લાગ્યું કે જેના પર માણસનો કાબૂ નથી એવા તેના અવયવોએ પણ સંજોગો અનુસાર વિવેક્પૂર્વક કાર્યો કરવા જોઈએ. જેમ કે શાંતિથી બેઠેલા માણસના હૃદયે, દોડતા માણસના હૃદયે કે આઘાત પામેલા માણસના હૃદયે કેટલું ધબકવું, તેનાં લોહીએ કેટલા રક્તકણો, શ્વેતકણો કે કેટલો  કોલોસ્ટ્રોલ ધારણ કરવો, ફેફસાએ કેટલો પ્રાણવાયુ લેવો વગેરે વગેરે.

આટલી જહેમતને અંતે ઝાંખો ઝાંખો  એવો ખ્યાલ આવ્યો કે જીવનની દરેક બાબત -વ્યવહારવર્તન અને વિચાર- યોગ્ય  અને પ્રમાણભાનની સાથે નક્કી કરવા એને વિવેક કહેવાય. આનો અર્થ તો એ થયો કે મનુષ્યનાં જીવનમાં ડગલે ને પગલે વિવેકની દખલગીરી છે. તો પછી જેની સતત જરૂર પડતી હોય છે તે વિવેકને બૂમ પાડીને હાજર કોણ કરી દેતું હશે? આ સેવા તો એ જ કરી શકે કે જે સતત જાગતો હોય. આ જાગવું શબ્દ યાદ આવવાની સાથે જ જાણે કેવળજ્ઞાન થયું હોય એવો  ઝબકારો થયો કે જાગતા રહેવું તેને તો જાગૃતિ કહેવાય છે. આ જાગૃતિ જ વિવેકને હાજર કરી દેતી હશે. જો વાત  આમ જ  હોય તો સ્પષ્ટ છે કે માણસનો દુન્યવી કે આધ્યાત્મિક બાબતમાં વિવેક તેની જાગૃતિના સમપ્રમાણમાં જ હોય. આથી વધારે બેહોશીમાં અને ઓછા જાગૃતિમાં રહેતા મારા જેવા સાધારણ જનનો વિવેક, આઠે પહોર જાગૃતિમાં રહેતા બુદ્ધ, સોક્રેટીસ કે ગાંધીના વિવેકને આંબી ક્યાંથી શકે? આમ સોક્રેટીસ બનવાની મહત્વાકાંક્ષાને મોટો ધક્કો  લાગ્યો પરંતુ  સત્યની પ્રાપ્તિ થઈ ગઈ કે મહાન વ્યક્તિને લોકોત્તર બનાવનાર તેમના વિચાર વાણી અને બધા જ કર્મો તેમની સતત જાગૃતિના કારણે મેળવેલા વિવેકની સહાયથી જ થતાં હોય છે. ઉપર ઉપરથી ભલે જુદા લાગતા હોય પરંતુ ખરેખર તો  વિવેક અને જાગૃતિમાં અદ્વૈત ભાવ છે, ઇતિ મે મતિ

વ્યક્તિને મહાન બનવા માટે વિવેક કે જાગૃતિ અનિવાર્ય છે, તો વ્યક્તિઓનો  સમૂહ એવી  પ્રજા પણ તેના વિવેક કે સતત જાગૃતિને કારણે મહાન બનતી હશે? આ સવાલનો જવાબ વાચકમિત્રોના વિવેક પર છોડીને વિરમુ છું.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનાં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

4 thoughts on “મોજ કર મનવા : વિવેકની શોધમાં

  1. કિશોરભાઇ , આપનો લેખ “ વિવેક ની શોધમાં “ ગમ્યો વિવેકની શોધ તો બહુ લાંબી ચાલી પણ અંતમાં સમજાયુ કે વિવેક તો જાગૃતિ સાથે જોડાયેલો છે સરસ , ખૂબ સરસ 🙏

  2. કેટલી સરસ વાત !
    વિવેક એટલે ફક્ત વિનય કે વ્યવહાર નહીં પણ તેને જાગૃતિ સાથે જોડી ને એક નવો વિચાર આપ્યો છે !
    આભાર,કિશોરભાઈ !

  3. વિવેકની શોધમાં આપે કરેલો પ્રવાસ અને તેનું આપે કરેલું વર્ણન મનનીય છે. હાસ્ય અને કટાક્ષ સરિતાઓને વહેતી રાખી ને પણ આપે ધીરગંભીર એવા વિવેકસાગર તરફ જવાની દિશા, લય અને ગતિ પકડી રાખ્યા, એ આપની કલમની સિદ્ધિ છે.‌ જે ઉપદેશ કેટલાય જમાનાઓથી વિધવિધ સંતો, સાધુઓ અને અવતારો આપતાં આવ્યા છે એ જ ઉપદેશને ખૂબ જ અલગ રીતે અંતર સોંસરવો ઉતરી જાય તે રીતે રજુ કરવાની આપની આવડત બદલ આપને અભિનંદન.

Leave a Reply to Vinit C Parikh Cancel reply

Your email address will not be published.