જગદીશ પટેલ
સીસાના ઉપયોગોઃ
વાત તો અમેરરિકાના ફલોરીડા રાજયના એક કારખાનાની છે પણ જયાં જયાં આવા કારખાના છે ત્યાં બધે આ સમસ્યા છે. સીસું તો આપણી જાણીતી ધાતુ છે. હજુ થોડા વર્ષ પહેલાં આપણા ઘરની પાણીની પાઇપો સીસાની આવતી. સીસાના અનેક રાસાયણિક સંયોજનો આપણે વર્ષોથી વાપરીએ છીએ. લેડ ઓકસાઇડ લોખંડના માળખા પર પહેલાં પ્રાઇમર તરીકે લગાવાય છે અને તે પછી તેના પર રંગ લગાવાય છે જેથી તેને જલદી કાટ ન લાગે. હવે જો કે અનેક સંસ્થાઓના સાતત્યપૂર્વકના પ્રયાસોને કારણે રંગોમાં સીસાનું પ્રમાણ ઘણે અંશે ઘટાડાયું છે. પિસ્તોલમાં વપરાતી ગોળી સીસાની હોય છે એટલે કે સીસાનો ઉપયોગ શસ્ત્રોમાં મોટા પાયે થાય છે. હાલના જમાનામાં આપણા કાર કે સ્કૂટરમાં જે બેટરી વપરાય છે તે સીસાની હોય છે જે લેડએસીડ બેટરી કહેવાય છે. અગાઉ પેટ્રોલમાં ટેટ્રાઇથાઇલ લેડ નામનું રસાયણ ઉમરેવામાં આવતું અને તે કારણે પેટ્રોલના ધુમાડામાં સીસાનું પ્રમાણ મળી આવતું અને તેની નાગરિકોના આરોગ્ય પર અસર થતી. હવે આ રસાયણ ઉમેરવાનું બંધ કરવામાં આવ્યું છે. સીસાને કારણે ખાસ કરીને બાળકોના આરોગ્ય પર સીસાની બહુ માઠી અસર પહોંચાડે છે. યુનીસેફના અહેવાલ મુજબ વિશ્વમાં ૮૦૦ કરોડ બાળકો સીસાની ઝેરી અસરનો ભોગ બનેલા છે. સેનેગલના ડકારમાં ૧૮ બાળકોના મોત સીસાની ઝેરી અસરને કારણે નોંધાયા છે.
ટેમ્પાના પ્લાન્ટમાં સીસાનું પ્રદુષણઃ
અમેરિકાના ફલોરીડા રાજયના ટેમ્પા શહેરમાં સીસાને ઓગાળવાની ફેકટરી છે જેમાં સેંકડો કામદારો કામ કરે છે. આ પ્રક્રિયાને અંગ્રેજીમાં સ્મેલ્ટીંગ કહે છે. આ કારખાનામાં સીસાની એટલી બધી ધુળની ડમરી ઉડતી હોય કે કયારેક તો ભઠ્ઠીના ગરમ નારંગી રંગના પ્રકાશ સિવાય કશું જ દેખાતું ન હોય! ગ્રોફર રીસોર્સ નામના આ કારખાનામાં મજૂરો ૧૨ ૧૨ કલાકની પાળી ભરતા હોય. કારની જૂનું વપરાયેલી દરરોજ ૫૦,૦૦૦ બેટરીઓમાંથી સીસું કાઢી તેને ઓગાળીને ફરી સીસાના બ્લોકનું ઉત્પાદન થાય છે.
એરીક ઓટરે નામનો ૪૩ વર્ષનો કામદાર ૨૦૧૭માં આ કારખાનામાં મજૂરી કરવા જોડાયો. એ અમેરિકન સૈન્યમાં હતો અને અફઘાનિસ્તાન અને ઇરાકના યુધ્ધ લડીને આવેલો. તેને ખબર ન હતી કે યુધ્ધભૂમી કરતાં આ કારખાનાં વધુ જોખમ છે. એને ભઠ્ઠી વિભાગમાં મુકવામાં આવ્યો. સતત મોં સામે આવતા ધુમાડા અને

અકળાવનારી ગરમીમાં એણે ઓગળેલા પ્રવાહી સીસાની ઉપર કચરો તરતો હોય તે કાઢી લેવાનો રહેતો. એને આપેલો માસ્ક વારંવાર મોં પરથી ઉતરી પડતો અને એનું મોં ધાતુના વિશિષ્ટ સ્વાદથી ભરાઇ જતું. ધીમે ધીમે તેની ચામડીનો રંગ બદલાવા માંડયો, વધુ ઘેરો થવા લાગ્યો. એનું શરીર એને ભારે લાગવા માંડયું. એનું માથું ભમવા લાગ્યું. એના લોહીમાં સીસાની માત્રા વધવા લાગી. એના સહકાર્યકરોએ એને સલાહ આપી કે એણે રિસેસમાં અને પાળી પુરી થયા બાદ બરાબર નહાવું જોઇએ. પણ સીસું એમ એને છોડે કે! એ તો એના શરીરમાં પ્રવેશવાનું જ કારણ, એને જે માસ્ક અપાયો હતો તેની ક્ષમતા કરતાં ત્યાંની હવામાં સીસાનું પ્રમાણ સાત ગણું વધુ હતું. ઓટરી જેવા સેંકડો કામદારો છે જેમને સીસાનો વધુ પડતો સંપર્ક થયો. એમને સંપર્કમાં આવતાં કોઇ રોકી શકયું નહી. તેણે એક વર્ષ અહીં કામ કર્યું.
“ટેમ્પા બે’ નામના અખબારમાં ૨૪ માર્ચ, ૨૦૨૧ને રોજ આ શ્રેણીનો પહેલો હપ્તો પ્રગટ થયો. તે અખબારના ખબરપત્રીઓએ સતત દોઢ વર્ષ સુધી સેંકડો દસ્તાવેજો ફંફોસ્યા, કામદારોના લોહીના રિપોર્ટ તપાસ્યા અને ૮૦ કરતાં વધુ હાલના અને પૂર્વ કામદારોની મુલાકાત લઇ તેમની સાથે વાત કરી આ વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો તે ધન્યવાદને પાત્ર છે.
કંપનીએ તેમને મુલાકાત આપવાનો ઇન્કાર કર્યો પણ એક નિવેદન પ્રગટ કર્યું જેમાં એણે દાવો કર્યો કે તેમણે ૨૦૦૬માં આ પ્લાન્ટ ખરીદ્યો તે પછી ૧૪ અબજ ડોલરનું રોકાણ કારખાનાને સલામત બનાવવા પાછળ કર્યું છે. કંપની દર વર્ષે કામદારોને તાલીમ આપવામાં હજારો કલાક ખર્ચે છે તેવો પણ દાવો કરવામાં આવ્યો.
છેલ્લા દસકામાં અમેરિકામાં સીસાની બેટરી ઓગળનારા કારખાનાઓ પૈકી ત્રીજા ભાગના કારખાના બંધ થઇ ગયા. આ અહેવાલ પ્રગટ થયો એ જ મહિનામાં વધુ એક કારખાનું બંધ થયું. હવે આવા માત્ર ૧૦ કારખાનાં રહ્યાં છે તેમાંથી ગ્રોફરની માલિકીના બે એકમ છે. ૭૫ વર્ષ પહેલાં સ્થપાયેલી આ કંપનીના ગ્રાહકોમાં અમેરિકન સૈન્ય, બેટરી ઉત્પાદકો અને શસ્ત્રોના સોદાગરો છે. ટેમ્પાના આ કારખાનામાં ૩૦૦ કારીગરો મજૂરી કરે છે તે પૈકી ઘણા અશ્વેત અને સ્થળાંતરીત (દક્ષિણ અમેરિકાના ગરીબ દેશોમાંથી આવતા) મજૂરો છે. કેટલાય અભણ છે અને કેટલાય જેલની સજા કાપીને આવેલા છે. કલાકના ૨૦ ડોલર પગાર અને બોનસ જુદું. ઘણા આ આકર્ષણને કારણે કામ કરવા ખેંચાઇ આવે.
કંપની દાવો કરે છે કે તેમને કારણે વર્ષે ૧.૩૦ કરોડ બેટરીઓ ઘન કચરામાં જતી બચે છે. પણ આ પ્લાન્ટને કારણે ટેમ્પાના આ પરામાં સીસાની ઝેરી અસરનો ભોગ બનનાર નાગરિકોની સંખ્યા ઘણી મોટી છે. ૨૦૧૦થી હાલ સુધીમાં બાળકો અને પુખ્ત ઉંમરના ૨૪૦૦ લોકોમાં સીસાની ઝેરી અસર નોંધાઇ છે. સીસાની ઝેરી અસર શરીરના લગભગ દરેક અંગ પર થાય છે. પણ ગ્રોફરના કામદારોને અસર થાય તો તે આ કારણે જ થઇ છે તે જાણવાનો કોઇ ચોકકસ રસ્તો નથી. કેટલીકવાર વારંવારના સંપર્કને કારણે તમને જે તકલીફ પહેલેથી હોય તે વધુ ઘેરી બને. કેટલાક નિષ્ણાતો એમ જણાવે છે કે આ પ્લાન્ટમાં સીસાના સંપર્કનું પ્રમાણ એટલું મોટું છે જેટલું વિકાસશીલ દેશોના પ્લાન્ટમાં હોય!
એરીક ઓટરે પહેલી વાર અહીં આવ્યો ત્યારે ફર્શ પર પડેલી ધુળ જોઇ એણે કોઇકને પુછયું કે આ શું છે? તો પેલાએ કહ્યું કે આ લેડ છે. એના માનવામાં જ ન આવ્યું કે ફર્શ પર આટલી મોટી માત્રામાં સીસાની રજ હોય.
સવારે ૭ વાગે પાળી શરૂ થાય. કામદારો આવીને કંપનીએ (ભંગારમાં ખરીદેલી કે ફેંકી દેવાયેલી) ભેગી કરેલી બેટરીઓ મશીનમાં નાખે. મશીન તેમને ભાંગે, તેમાંનો એસીડ બહાર કાઢી જુદો પાડે અને પ્લાસ્ટિકના કોચલામાંથી સીસું જુદું પાડે. પછી આ જુદા પાડેલા સીસાને લોડર ટ્રક દ્વારા ભઠ્ઠીમાં ઓરવામાં આવે અને ૧૫૦૦ ડીગ્રી તાપમાને ઓગાળવામાં આવે. સીસું ઓગળે એટલે પ્રવાહી સ્વરૂપ થાય. આ પ્રવાહીમાં જો પાણીનો એકાદ છાંટો ઉડયો તો પત્યું. જબરજસ્ત ધડાકા સાથે પીગળેલી ધાતુ ઉડે અને કયાં જઇને પડે તેનું કોઇ ઠેકાણું નહી. નજીકમાં કામ કરતા કામદારો પર છાંટા ઉડે એટલે દાઝી જવાય. કામદારોની ચામડી પર દઝાયેલાના ડાઘા દેખાવાનું તો સામાન્ય છે. કામદારો મજાકમાં કહે, અમે તો છુંદણાં છુંદાવ્યાં!
પ્રવાહી સીસું પછી નીકમાંથી વહેતું વહેતું કેટલમાં ભેગું થાય. ત્યાં અમુક રસાયણો તેને શુધ્ધ કરવા ઉમેરાય અને પછી તેને બ્લોકમાં ઢાળવામાં આવે અને ત્યાં કંપનીનું નામ અને માર્કો પણ છપાઇ જાય. પ્લાન્ટ આખો તો એર કંડીશન્ડ નથી અને ભઠ્ઠી ભાગ્યે જ બુઝાવાય. જે કામદારોના શરીરમાં ગરમીને કારણે પાણીનું પ્રમાણ ઘટી જાય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે તેમને ફાયર બ્રીગેડના લશ્કરો બચાવવા આવે. કેટલાયને સ્ટ્રેચરમાં નાખી હોસ્પિટલ ભેગા કરવા પડે. કેટલાયને બેભાનાવસ્થામાં લઇ જવા પડે. કેવીન લુઇ નામના ૨૬ વર્ષના કામદાર ભઠ્ઠીમાં કામ કરતા હતા ત્યારે એમનું હ્રદય એટલા જોરથી ધડકવા લાગ્યું કે એને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને એને લઇ જવા એમ્બ્યુલન્સ બોલાવવી પડી. લેરી વ્હીલર નામના ૩૯ વર્ષના કામદાર બેભાન થઇ ગયા અને એને પણ એમ્બ્યુલન્સમાં લઇ જવો પડયો જયાં તબીબોએ કહ્યું કે કંપનીમાં કામદારોને સીસાનો સંપર્ક ઘટે તે માટે કંઇ કરવું જોઇએ.
આ પ્લાન્ટમાં માત્ર સીસાનું જોખમ છે એવું નથી, અહીં સલ્ફર ડાયોકસાઇડ, કેડમિયમ અને આર્સેનીકના જોખમ પણ છે. કેડમીયમ તો કેન્સરજનક છે પણ સીસું સૌથી મોટી માત્રામાં છે. કામદારોના શરીર પર યંત્રો મુકીને સીસાનું પ્રમાણ માપવાનું અહીંના કાયદા મુજબ જરૂરી છે. આઠ કલાકના સમયગાળા દરમિયાન સરેરાશ ૫૦ માઇક્રોગ્રામ/ઘનમીટર જેટલી સંપર્કની મર્યાદા છે. એનો અર્થ છે એક બોલપોઇન્ટ પેનના ટોચકા જેટલા સીસાનો સંપર્ક હોય તો ચાલે, એથી વધવો જોઇએ નહી. પણ અહીં તો ઠેર ઠેર જયાં જુઓ ત્યાં સીસાની ધૂળના જ દર્શન થાય. ફોર્કલીફટ હોય કે લોડર ટ્રક, તેના પર તેની ધૂળના થર બાઝ્યા હોય. ૨૦૧૨માં કંપનીએ વિસ્તરણ કરી જાહેર કર્યું તેની ઉત્પાદન ક્ષમતા ચારગણી વધશે અને સાથે સલામતી પણ વધશે. એક સારી વૅન્ટિલેશન સિસ્ટમથી બધી ઝેરી ધૂળ ખેંચાઇ જવી જોઇતી હતી પણ કામદારોએ આપેલી માહિતી અને દસ્તાવેજોનો અભ્યાસ દર્શાવે છે કે એ સિસ્ટમ બરબર કામ કરતી ન હતી. તે કારણે પ્લાન્ટની હવામાં સીસાનું પ્રમાણ નિયમ મર્યાદા કરતાં સેંકડો ગણું વધુ હતું એમ દસ્તાવેજો દર્શાવે છે. કામદારોના શરીર પર ૨૦૦૭થી ૨૦૧૯ દરમિયાન લગાવેલ ધૂળનું પ્રમાણ માપનારા યંત્રોના ૩૦૦ જેટલા નમૂનાનો અખબાર દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો. એમને જે માસ્ક કે રેસ્પીરેટર આપવામાં આવ્યા હતા તેની ક્ષમતા કરતાં ૧૬ ગણું વધુ પ્રમાણ હતું અને ભઠ્ઠી ખાતામાં તો ૨૬ ગણું વધુ પ્રમાણ હતું.
કંપનીના અધિકારીઓ જાણતા હતા કે ધૂળ ઓછી કરવાનું શકય છે. તેમના મીનેસોટામાં આવેલા પ્લાન્ટમાં પ્રમાણ ઓછું હતું. જે કામદારો તે પ્લાન્ટમાં મીટિંગમાં ભાગ લેવા જતા એ ત્યાંનું વાતાવરણ જોઇ સ્તબ્ધ થઇ જતા. ત્યાંના પ્લાન્ટ કરતાં ટેમ્પાના પ્લાન્ટમાં હવામાં સીસાનું પ્રમાણ સરેરાશ ૬ ગણું વધારે હતું. મીનેસોટાના પ્લાન્ટમાં હવામાં સીસાનું સૌથી વધુ પ્રમાણ ૨,૫૩૭ માઇક્રોગ્રામ/ઘનમીટર હતું જયારે ટેમ્પામાં તે ૭૮,૭૨૯ માઇક્રોગ્રામ/ઘનમીટર હતું. આ પ્રમાણ કાનૂની મર્યાદા કરતાં ૧૫૦૦ ગણું વધુ છે. ટેમ્પાના પ્લાન્ટમાં ૨૦૧૪માં લીધેલા નમૂનામાં બેગહાઉસમાં, જયાં આખા પ્લાન્ટની ધુળ ભેગી થતી હોય, ત્યાં સીસાનું પ્રમાણ ૧,૭૨,૬૫૫ માઇક્રોગ્રામ/ઘનમીટર હતું. જયારે ૨૦૧૫માં તે પ્રમાણ વધીને ૨,૦૦,૦૦૦ માઇક્રોગ્રામ/ઘનમીટર થયું હતું. એટલે કે આપણે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે બહુરાષ્ટ્રીય કંપનીઓ બેવડાં ધોરણ રાખે છે તેવા આક્ષેપ કરીએ છીએ પણ અહીં તો એક જ દેશના બે જુદા જુદા રાજયોમાં આવેલા એકમો વચ્ચે આટલો ફરક જોવા મળે છે!
અમેરિકાનું સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એમ કહે છે કે લોહીમાં સીસાનું પ્રમાણ ૫ માઇક્રોગ્રામ/ડેસીલીટર કે તેથી વધુ હોય તો તે વધારે ગણાય. પણ જેમના લોહીમાં આ પ્રમાણ ૬૦ને પાર કરે તેવા કામદારોને કામ પરથી દૂર કરવાનું અમેરિકાનો ‘ઓશા’ નામનો કાયદો જણાવે છે. હવે આ જોગવાઇ ૬૦ વાળી જોગવાઇ છેક ૪૨ વર્ષ અગાઉ કાયદામાં કરવામાં આવી હતી તે પછી તેમાં કોઇ સુધારો કરવામાં આવ્યો નથી. આધુનિક સંશોધનો સાથે કાયદાની જોગવાઇઓમાં સુધારા કરાતા નથી અને કાયદો પાછો પડે છે. કંપનીઓ એવો દાવો કરે છે કે અમે કોઇ કાયદાનું ઉલ્લંઘન કરતા નથી! હવે સંશોધનો એમ દર્શાવે છે કે ૬૦ માઇક્રોગ્રામ/ડેસીલીટર કરતાં ઘણા ઓછા પ્રમાણથી પણ માનવ શરીરને નુકસાન થાય છે. સીડીસી કહે છે કે ૫ માઇક્રોગ્રામ/ડેસીલીટર વધુ કહેવાય પણ આરોગ્ય અધિકારીઓ તો કહે છે કે તેથી પણ ઓછા પ્રમાણથી કીડની પર અસર થઇ શકે. આ પ્લાન્ટના ૫૦૦ કામદારોના લોહીમાં સીસાના રિપોર્ટ અખબારે જોયા. દર ૧૦ માંથી ૯ કામદારના લોહીમાં સરેરાશ ૫ માઇક્રોગ્રામ/ડેસીલીટર કરતાં સીસાનું પ્રમાણ વધુ હતું. ૧૦માંથી ૮ કામદારોના લોહીમાં એટલું સીસું ભેગું થયું હતું કે તેમનું બ્લડ પ્રેશર વધી શકે, કીડનીને ઇજા પહોંચી શકે અથવા હ્રદયરોગ થઇ શકે. ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન અત્યંત ધૂળ હોય તેવા વિભાગોના (જેમ કે ભઠ્ઠી) ૧૦માંથી ૪ કામદારોના લોહીમાં આ પ્રમાણ ૨૦ માઇક્રોગ્રામ/ડેસીલીટર જોવા મળ્યું. સીસું ઝાઝો સમય શરીરમાં ટકતું નથી પણ પેશાબ વાટે નીકળી જાય કાં પેશીઓમાં સમાઇ જાય. બાકીનું વધે તેને શરીર ભૂલથી કેલ્શિયમ સમજીને હાડકાંમાં ચુસી લે. હાડકાંમાં સીસું જમા થતું જાય અને તે કેટલાક સમય પછી લોહીમાં ભળે અને જુદા જુદા અંગોને ગંભીર નુકસાન પહોંચાડે. અમુક ચોકકસ બિમારી સીસાને કારણે જ થઇ છે તે સાબિત કરવાનું મુશ્કેલ હોય છે તેમ નિષ્ણાતોનું કહેવું છે. રોગો એક સાથે જુદા જુદા પરીબળો ભેગા થવાને પરિણામે થતા હોય છે. જેમ કે ઉંમર, જીનેટીકસ કે જીવનશૈલી. હાલના અને પહેલાંના એવા ૧૪ કામદારોને હ્રદયરોગના હુમલા કે હ્રદયના અન્ય રોગો જણાયા હતા અને તે બધાની ઉંમર ૬૦ કે તેથી ઓછી હતી. ત્રણ કામદારો તો ૪૫ કે તેથી નાના હતા. હટ્ટન તે પૈકીનો એક હતો. તેને તો ચાલીસીમાં જ બે વાર હ્રદયરોગના હુમલા થયા હતા. તે એટલો ડરી ગયો હતો કે પોતાના ૩ વર્ષના બાળકને ઉંચકતાં પણ તેને ડર લાગતો હતો.
હૈતીથી અમેરીકામાં નવા આવેલા ૨૩ વર્ષના પ્રોસ્પર ડુમસને ૧૯૮૫માં આ કારખાનામાં કામ મળી ગયું. તેને ભઠ્ઠી ખાતામાં મુકવામાં આવ્યો. તે સમયે કારખાનું નાનું હતું અને એક જ ભઠ્ઠી હતી. કામદારો ભઠ્ઠીની બાજુમાં જ બેસી જમતા અને સીગારેટ પીતા અને માસ્ક કાઢીને ગપાટા હાંકતા. ૧૯૯૯ અને ૨૦૦૬માં એમ બે વાર એના પર ઓગળેલા સીસાના છાંટા ઉડતાં એ દાઝી ગયો હતો અને એની બહેન એને વારેવારે કહ્યા કરતી કે ભાઇ, તું આ નોકરી મુકી દે. પણ એ માનતો ન હતો. એને અહીં કામ કરવામાં મજા આવતી. એણે નજીકમાં જ ઘર પણ વસાવી લીધું. ધીમે ધીમે કરતાં એના લોહીમાં સીસાનું પ્રમાણ વધવા માંડયું જે સલામત પ્રમાણ કરતાં આઠ ગણું વધી ગયું. હ્રદયની બીમારીઓ લાગુ પડી. ૨૦૧૭ સુધી એ નોકરી કરી શકયો. એ વર્ષે માર્ચમાં એની ઓપન હાર્ટ સર્જરી થઇ. કેટલાય મહિના પછી એ બેઠો થયો. ડોકટરે એને વધુ વજન ઉંચકવાની ના પાડી તો કંપનીએ એને કાઢી મુકયો. એ ભાંગી પડયો અને ૫૬ વર્ષની ઉંમરે ૨૦૧૯માં એનું મોત થયું. ૫૬માંથી ૩૨ વર્ષ તો એણે આ કંપનીમાં કામ કર્યું. નિષ્ણાતોના અંદાજ મુજબ એના હાડકાંમાં ૪,૨૦,૦૦૦ થી ૮,૪૦,૦૦૦ માઇક્રોગ્રામ/ડેસીલીટર જેટલું સીસું સંગ્રહાયેલું હતું.
કાનૂની જોગવાઇ મુજબ કંપનીએ કામદારોની તબીબી તપાસ કરાવવી પડે. કંપનીએ એ માટે ડો.બોંકરની નિમણુંક કરી હતી. કામદારોના તબીબી દસ્તાવેજોને આધારે અખબારના પત્રકારો જાણી શકયા કે કામદારોની તબિયતની ફરિયાદોને તેમના કામના સ્થળના સંપર્કો સાથે સાંકળીને જોવાનું અને તેને આધારે કામદારોને ચેતવવાનું કામ આ તબીબ કરતા ન હતા. ઉપર જે કામદારની વાત કરી તે પ્રોસ્પર ડુમસને ૨૦૧૬માં આ તબીબે પત્ર લખીને તેના હ્રદયની તપાસનો અહેવાલ આપ્યો હતો. પણ એમણે એને એ ન જણાવ્યું કે એના કામના સ્થળે જે જોખમો છે એને કારણે એની તકલીફો વધી શકે તેમ છે. એના લેબોરેટરી તપાસમાં તેની કીડનીને થયેલી ઇજાનો સંકેત હતો પણ ડો.બોંકરે તેનો કોઇ ઉલ્લેખ પોતાના પત્રમાં કર્યો ન હતો. ડો.બોંકરે ડુમસ અને બીજા ૬ કામદારો, જેમને લોહીના ઉંચા દબાણની અને કીડનીની તકલીફો જોવા મળી હતી તેમને જણાવ્યું હતું કે, “તમારા કામના સ્થળે જે સંપર્કો થાય છે તેની તમારી તબિયત પર કોઇ ચીંતાજનક અસર થયેલી જણાતી નથી. કામદારો કહે છે કે ડોકટર ઉપરછલ્લી તપાસ જ કરતા અને લેબોરેટરીના અહેવાલો ન સમજાવે કે લોહીમાં સીસાનું પ્રમાણ કેટલું આવ્યું તે ન સમજાવે. હવે, આ તબીબ અમેરીકન કોલેજ ઓફ ઓકયુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ મેડીસીનના સભ્ય છે અને ૨૦૧૯માં તેની ફલોરીડા શાખાના પ્રમુખ પણ હતા. આ સંસ્થાએ એક દાયકા પહેલાં કાયદાની અત્યંત જૂની જોગવાઇઓને બદલે કંપનીઓ પર દબાણ ઉભું કરી જે કામદારોના લોહીમાં બે વાર ૨૦ માઇક્રોગ્રામ/ડેસીલીટર જેટલું પ્રમાણ જોવા મળે અથવા એકવાર ૩૦ માઇક્રોગ્રામ/ડેસીલીટર જેટલું જોવા મળે તો તેમને કામના સ્થળેથી દૂર કરવા તૈયાર કર્યા હતા. પણ આ કારખાનાના જે કામદારોમાં લોહીમાં સીસાનું પ્રમાણ આ પ્રમાણ જેટલું કે તેથી વધુ આવ્યું તે કિસ્સાઓમાં ડો.બોંકરે પોતાનો તબીબી અભિપ્રાય આપ્યો નહી. કાયદામાં તો એવી પણ જોગવાઇ છે કે જો તબીબને લાગે કે કામદારને માથે ઘણું જોખમ છે તો તે કામદારને દૂર કરવા માટે પોતાનો અભિપ્રાય આપી શકે છે. પણ આ તબીબે એવી કોઇ તસ્દી લીધી નહી.
આ બાજુ કંપની કામદારોને દબાવ્યા કરતી કે તમારા લોહીમાં સીસાનું પ્રમાણ જાળવો, નહી તો.એ પછીના શબ્દો બોલવાના હોતા નથી, કામદારોએ સમજી જવાનું હોય છે. જે કામદારોને જોડાયાને પહેલા છ મહીના થયા હોય અને તેમના લોહીમાં સીસાનું પ્રમાણ વધુ જોવા મળે તો તેમને કંપની કાઢી મુકતી. કો બ્રાઉન નામના કામદારે જણાવ્યું કે ભઠ્ઠી ખાતામાં સુપરવાઇઝર બનવા માટે એવા કામદારો પસંદ કરાતા જેમના લોહીમાં સીસાનું પ્રમાણ ૨૧ માઇક્રોગ્રામ/ડેસીલીટર કે તેથી ઓછું હોય. ૨૦૧૧માં ખોટા અહેવાલો રજુ કરી એણે નોકરી મેળવી હતી. સારા પગારવાળી બીજી નોકરી મેળવવાનું સહેલું ન હતું. ઘણા અઠવાડીયા સુધી એણે એક ખાસ સારવાર લીધી હતી જેને ચીલેશન સારવાર કહે છે.આ સારવારમાં ઇન્જેકશન અપાય છે અને તેનાથી શરીરમાં જે ધાતુઓ હોય તે પેશાબ વાટે નીકળી જાય. પણ એમાં જોખમ એ વાતનું હોય છે કે શરીરને ફાયદો થતો હોય તે ધાતુઓ પણ નીકળી જાય. આ તરકીબ કામ લાગી ગઇ, તેને પ્રમોશન મળી ગયું.
કંપની બીજા આર્થિક લાભ પણ આપતી. દર થોડા થોડા મહિને સીસાનું પ્રમાણ ઓછું જળવાય તે માટે કંપની બોનસ આપતી. ૨૦૧૨માં લોહીમાં સીસાનું પ્રમાણ સરેરાશ ૧૭ માઇક્રોગ્રામ/ડેસીલીટર કરતાં ઓછું આવવાને કારણે કારીગરોને ૩૩૦ ડોલર બોનસ ચુકવવામાં આવ્યું. જો પ્રમાણ ૨૩ માઇક્રોગ્રામ/ડેસીલીટર હોય તો ૧૦૦ ડોલર અને ૨૭ હોય તો ૫૦ ડોલર બોનસ ચુકવાય. તબીબી નિષણાતો માને છે કે આ રીતે બોનસને લોહીમાં સીસાના પ્રમાણ સાથે સાંકળવાનું અનૈતિક ગણાય. તેને કારણે લોહીમાં સીસાનું પ્રમાણ ઓછું જાળવવા માટેની જવાબદારી કામદારોને માથે ઢોળી દેવામાં આવતી, નહી કે કંપની પર. કામદારોએ સ્વચ્છતા જાળવવી જોઇએ, રીસેસમાં હાથ બરાબર ધોવા અને શરીર પર જામેલી ધૂળ દૂર કરવા પાળીને અંતે નહાવું જરૂરી છે તેની ના નહી. તેને કારણે સંપર્કમાં થોડો ફરક પડે ખરો પણ પ્લાન્ટમાં કામદારોને સંપર્ક જ ઓછો થાય તે માટેની પ્રાથમિક જવાબદારી કંપનીની ગણાય.

હવે કંપની એવું કરે કે દરેક કામદારના લોહીમાં સીસાનું પ્રમાણ કેટલું આવ્યું તેના અહેવાલ નોટીસ બોર્ડ પર બધાને જોવા માટે જાહેરમાં મુકે અને તેને આધારે બોનસ જાહેર થાય. એટલે જે કામદારના લોહીમાં પ્રમાણ વધુ આવ્યું હોય તેના માથે બધા કામદારો તુટી પડે કે “જો, તારા કારણે બાધાને બોનસ ઓછું આવ્યું. તેં સાચવ્યું હોત તો બધાને ફાયદો થાત! એટલે પોતાના લોહીમાં સીસાનું પ્રમાણ ઓછું આવે તે માટે કામદારો જાત જાતની તરકીબો અજમાવે. એક તરકીબ આગળ વર્ણવી છે જેમાં ઇન્જેકશન લેવાના. બીજી તરકીબ, રકતદાન કરવાની. દર બે મહિને કંપનીમાં પોતાનો ટેસ્ટ થવાનો હોય તે પહેલાં રકતદાન કરી આવવાનું. પછી ટેસ્ટ થાય તો સીસાનું પ્રમાણ ઓછું આવે એમ કામદારો માનતા. બ્લડ બેન્ક લોહીમાં ધાતુઓનો ટેસ્ટ કરતા ન હોય એટલે તેમને કશું સમજાય નહી. જો કે તબીબોનું કહેવું છે કે તે કારણે લોહીમાં સીસાના પ્રમાણમાં બહુ મોટો ફરક પડે નહી. કેટલાક કામદારો વિનેગારની ગોળીઓ લે. કેટલાક પાંદડાવાળા શાકભાજી વધુ ખાય. કેટલાક પ્રોબાયોટીકસનો પ્રયોગ કરે તો કેટલાક વિટામિન્સનો તો કોઇક ફળો, પ્રુન કે પીકલ જયુસનો પ્રયોગ કરે. પણ એક કામદારે કહ્યું કે લોહીમાં સીસાનું પ્રમાણ ઓછું રાખવાનો સૌથી કારગર ઉપાય છે, પ્લાન્ટથી દુર રહેવું!
જૂતા, કાર અને ફોન પર પણ સીસાની રજ જામી જાય અને તે રીતે એ રજ ઘરમાં પહોંચે જયાં તેમના બાળકો તેના સંપર્કમાં આવે. અખબારે કંપનીના કારીગરોના ૧૬ બાળકો શોધી કાઢયા જેમના લોહીમાં સીસાનું પ્રમાણ જોવા મળ્યું. આરોગ્ય વિભાગ સીસાના પ્રમાણ પર નજર રાખતું હોય છે. જૂના રંગ, સિરામિક કે બીજા કોઇ રસ્તે બાળકો સીસાના સંપર્કમાં આવતા હોય તેના પર દેખરેખ રાખે. ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન ૧૭૫ બાળકોમાં સીસાનું પ્રમાણ આરોગ્ય વિભાગને જોવા મળ્યું હતું. બાળકોમાં સીસું બીલકુલ ન ચાલે. સીસું તેમના શરીરમાં જાય તો તેમને માથાનો દુ:ખાવો, પેટનો દુ:ખાવો, વિકાસની ઝડપમાં ઘટાડો, બુદ્ધિઆંકમાં ઘટાડો જોવા મળે. એડમ રીશર નામના કામદારની દીકરી જયારે ૪ વર્ષની હતી ત્યારે તેના લોહીમાં ૧૬ માઇક્રોગ્રામ/ડેસીલીટર જેટલું પ્રમાણ જોવા મળ્યું હતું. તેના ૨ વર્ષના બીજા બાળકના લોહીમાં એ પ્રમાણ ૧૨ હતું અને સૌથી નાના એડીસનમાં તો ૩૪ હતું. કારખાનાની ભઠ્ઠી ખાતાના કામદારોમાં જોવા મળતા પ્રમાણ કરતાં પણ આ બાળકમાં વધારે સીસું હતું. રીશર ધૂળમાં જ કામ કરતો. જયારે ધૂળ ભેગી કરનાર ઓટોમેટીક યંત્રો બંધ પડી જાય ત્યારે એ લોકો હાથેથી ધૂળ ભરીને ખસેડતા. પહેલાં એણે ખાતું બદલાવીં નાખ્યું અને થોડા સમય પછી નોકરી છોડી દીધી.
કાયદો કામ ન લાગ્યોઃ
આ એકમના કામદારોના આરોગ્ય અને સલામતીનો બચાવ કરવામાં કાયદો કામ ન લાગ્યો. નિરિક્ષકો નિરિક્ષણ માટે જતાં પહેલાં એકમને જાણ કરી દે એટલે એકમમાં નિરિક્ષકોના પહોંચતાં પહેલાં જ બધી સાફસુફી થઇ જાય! એ માટે એમને પૂરતો સમય અપાય. જયારે કામદારોએ અધિકારીઓને સલ્ફર ડાયોકસાઇડ માટે ફરિયાદ કરી ત્યારે તપાસ માટે જઇને જે રસાયણની ફરિયાદ જ થઇ ન હતી તેની તપાસ કરી અહેવાલ આપ્યો કે ફરિયાદ ખોટી છે. પાંચ વર્ષ દરમિયાન એક પણ વાર નિરિક્ષણ કરાયું જ નહી. ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન આ એકમના કામદારોના લોહીના ૪૫૦ જેટલા નમૂનામાં સીસાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હોવા છતાં તેની તપાસ થઇ નહી.
ભારતમાં શી સ્થિતિ છે?
ભારતમાં ધનબાદ નજીક ટુંડુમાં સીસાને ઓગાળવાનો પહેલો પ્લાન્ટ ૧૯૪૨—૪૩માં એક ખાનગી એકમે નાખ્યો જેનું નામ રખાયું મેટલ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા. ૧૯૪૫માં તેનું ઉત્પાદન શરૂ થયું. ૧૯૬૫માં તેને હિન્દુસ્તાન ઝીંક લી. દ્વારા હસ્તગત કરાયો અને એમ એ જાહેર ક્ષેત્રનું એકમ બન્યું. હિન્દુસ્તાન ઝીંક દ્વારા સીસાનો બીજો પ્લાન્ટ વિશાખાપટ્ટનમ ખાતે નખાયો જેમાં આયાત કરેલ કાચી ધાતુ વાપરવમાં આવે છે. ચંદેરિયા ખાતેનો ત્રીજો પ્લાન્ટ ૧૯૯૧માં નખાયો જેની ઉત્પાદન ક્ષમતા ૩૫ હજાર ટન છે. થાણે, મહારાષ્ટ્રમાં ભંગાર સીસાને ઓગાળવાનો પ્લાન્ટ ઇન્ડિયન લેડ લી. દ્વારા ૧૯૭૩માં નખાયો છે જેની ક્ષમતા ૨૪ હજાર ટન છે. ૧૯૫૧માં ભારતમાં સીસાનું ઉત્પાદન ૮૭૩ ટન હતું જે ૨૦૦૨—૦૩માં વધીને ૫૯,૧૩૨ ટન થયું. ૨૦૦૧માં બિન્દાલ સ્મેલ્ટીંગ લી. નો ૨૫૦૦ મે.ટનનો પ્લાન્ટ સુરજપુર, ગ્રેટર નોઇડા ખાતે નખાયો. હવે તેની ક્ષમતા વધારીને ૩૫૦૦ મે.ટન કરાઇ છે. ગ્રેવિટા ઇન્ડિયા લી.પણ આ ક્ષેત્રનું મોટું નામ છે જેનો પ્લાન્ટ રાજસ્થાનમાં છે. પાઇલોટ ઇન્ડ.લી. પોતાની વેબ સાઇટ પર દાવો કરે છે કે ૫૦ વર્ષ પહેલાં તેમણે આ વ્યવસાયની શરૂઆત કરી અને હાલ તે ભારતના સૌથી મોટા ઉત્પાદક છે. થ્રુપથી કેમીકલ્સ અને એસોસીએટેડ પીગમેન્ટસ લી. પણ મોટા એકમો ધરાવે છે.
શુદ્ધ કરેલા સીસાનો ૮૬% જેટલો જથ્થો બેટરીના ઉત્પાદનમાં વપરાય છે. જે બેટરી બને છે તે પૈકીની ૬૦% કારમાં વપરાય છે. તે ઉપરાંત ઇ-બાઇક, ક્રેન, ફોર્કલીફટ, રેલ્વે, ટેલી કોમ્યુનિકેશન, હોસ્પિટલોમાં પણ તેનો ઉપયોગ છે. આપણે ડેસ્કટોપ કોમ્પ્યુટર માટે યુપીએસ વાપરીએ છીએ જેથી વિજળી ડુલ થાય તો પણ તમને તમારું કામ સેવ કરવાનો સમય મળે. આ યુપીએસમાં લેડએસીડ બેટરી જ વપરાય છે. ઉત્પાદન માટે જરૂરી સીસાના ૫૦% તો આ રિસાયકલ ઉદ્યોગ પૂરી પાડે છે. ૧૬૦ વર્ષ પહેલાં આ બેટરીની શોધ થઇ. ભારતમાં જે સીસું વપરાય છે તેના ૨૫% અસંગઠિત ક્ષેત્ર પૂરૂ પાડે છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ૨૧—૦૪—૨૧ના અહેવાલ મુજબ વિશ્વમાં સૌથી વધુ પ્રદુષણ ફેલાવનારો આ ઉદ્યોગ છે. અસંગઠિત ક્ષેત્રમાં વપરાયેલી કે ભંગાર બેટરી ઓગાળવવાનું કામ મોટા પાયે ચાલે છે. ગ્લોબલ બેટરી એલાયન્સના અંદાજ મુજબ વિશ્વમાં ૧૦ હજારથી ૩૦ હજાર જેટલા એકમો અસંગઠિત ક્ષેત્રમાં હશે. આ પૈકીના મોટાભાગના એકમો ચીન, ભારત, બાંગલાદેશ, ઇન્ડોનેશિયા, આફ્રિકાના દેશોમાં આવેલ છે. ભારતમાં પૂરતો ભંગાર મળતો ન હોવાને કારણે વિકસીત દેશોમાંથી આયાત કરવામાં આવે છે. ભારતમાં સીસાના પ્લાન્ટમાંથી નીકળતા ગંદા પાણીમાં સીસાની માત્રા, કાયદા મુજબ મંજૂર કરાયેલ સીસાની માત્રા કરતાં ૬૧૫ ગણી સીસું હોય છે. તે કારણે દિલ્હીમાં અનેક ઢોર મરી ગયા હોવાના અહેવાલો છે. તે પછી પ્રદુષણ બોર્ડે ૪૬ ગેરકાયદે એકમો બંધ કરાવ્યા હતા. પરંતુ આવા એકમો પાસેથી માલ ખરીદવાનું ઘણું સસ્તું પડતું હોવાથી આવા એકમો વગર રોકટોક ચાલ્યા કરે છે.
પર્યાવરણ મંત્રાલયે ૨૦૦૧માં બેટરી (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલીંગ) રૂલ્સ બનાવ્યા અને ૨૦૧૦માં તેમાં વધુ સુધારા કર્યા. ભારતમાં લેડ ઝીંક ડેવલપમેન્ટ એસોસિએશન ૬૦ વર્ષ અગાઉ સ્થપાયેલી સ્વૈચ્છીક સંસ્થા છે. અમેરિકાની આ ક્ષેત્રે કાર્યરત સ્વેચ્છિક સંસ્થા ઓકે ઇન્ટરનેશનલ”ના સ્થાપક પેરી ગોટસફીલ્ડ જણાવે છે કે હવે ચીનમાં અસંગઠિત ક્ષેત્રના એકમો સામે સખત પગલાં લેવાઇ રહ્યા છે અને એવા એકમો બંધ કરાવાય છે પણ ભારતમાં કોઇ પગલાં લેવાતાં નથી. ભારતમાં દિલ્હીની “ટોકસીક લિન્ક’ નામની સ્વેચ્છિક સંસ્થાએ કરેલા અભ્યાસમાં જણાવાયું છે કે દિલ્હીના સમયપુર બદલી વિવીસ્તારના એક તબીબને ત્યાં સીસાની ઝેરી અસર પામેલા દર્દીઓ આવતા હોય છે. આ તબીબના જણાવ્યા અનુસાર આ કામદારોના લોહીમાં સીસાનું પ્રમાણ ૧૫૦થી ૩૦૦ માઇક્રોગ્રામ/ડેસીલીટર જોવા મળ્યું છે. જો કે સૌથી વધુ પ્રમાણ ૭૦૦ માઇક્રોગ્રામ/ડેસીલીટર નોંધાયું છે. ૩—૪ મહિના કામ કર્યા પછી નવા કામદારના લોહીમાં ૧૦૦ માઇક્રોગ્રામ/ડેસીલીટર જેટલું પ્રમાણ જોવા મળે છે પણ જે કામદારો ૧૦—૨૦ વર્ષથી કામ કરતા હોય છે તેમના લોહીમાં આ પ્રમાણ ઘણું વધુ હોય છે અને તેઓ સારવાર લેવા વારંવાર આવતા હોય છે.
આ તો અસંગઠિત ક્ષેત્રના કામદારોની વાત થઇ. સંગઠિત ક્ષેત્રના કામદારોની શી સ્થિતિ છે તે વિષે કોઇ માહિતી મળતી નથી. ગુજરાતમાં સીસામાંથી ઘરેણાં બનાવવાનો ઉદ્યોગ મોટો છે ત્યારે તે ઉદ્યોગના કામદારોની સ્થિતિ વિષે તપાસ કરવી જરૂરી છે.
https://projects.tampabay.com/projects/2021/investigations/lead-factory/gopher-workers/ માં પ્રગટ લેખને આધારે. સદર લેખ કોરી જહોનસન, રેબેકા વુલીંગ્ટન અને લી મુરે દ્બારા લખાયો.
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M-+91 9426486855