અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : બફેલો, લેચવર્થ સ્ટેટપાર્ક થઈ મેરીલેન્ડ


દર્શા કિકાણી

૨૯/૦૬/૨૦૧૭

સવારે ઊઠ્યાં ત્યારે જોયું કે બહુ સરસ વ્યવસ્થાવાળી હોટેલ તો હોલીડે ઈન એક્ષ્પ્રેસ હોટલ (Holiday Inn Express Hotel) હતી. અમરીશભાઈ વહેલા ઊઠીને તૈયાર થઈ ગયા હતા. પછી રાજેશનો વારો અને છેલ્લે મારો વારો હતો. નાસ્તો હોટલમાં જ કરવાનો હતો. અમેરિકન બ્રેકફાસ્ટની બહુ સરસ વ્યવસ્થા હતી. નાસ્તો કરી હોટલના ફોટા પાડ્યા, બફેલો શહેરમાં જવાનો સમય ન હતો. અમરીશભાઈએ બહુ સુંદર પ્લાન બનાવ્યો હતો. અમારે નાનકભાઈને નક્કી કરેલ જગ્યાએ નક્કી કરેલ સમયે મળવાનું હતું અને ત્યાંથી અમે નાનકભાઈ સાથે તેમના ઘરે જવાનાં હતાં.

અમે હોટલથી નીકળી દશેક માઈલ ગયાં હોઈશું ત્યાં એક પવનચક્કીનું ફાર્મ આવ્યું. તેમણે ગાડી ઊભી રાખી અને અમે પવનચક્કી જોવાં નીચે ઊતર્યાં. ભારતની જેમ જ અહીં પણ પવનચક્કી આર્થિક રીતે બહુ યોગ્ય વિકલ્પ નથી, પણ જ્યાં બહુ પવન હોય તેવા વિસ્તારમાં હજી પણ પવનચક્કીથી વીજળી ઉત્પન્ન કરાય છે. અમે પવનચક્કી બહુ નજીકથી જોઈ. પવનચક્કીને લીધે આસપાસના લેન્ડસ્કેપમાં સુંદરતાનો વધારો થતો હતો! સરસ લીલાછમ ખેતરો હતાં, પાણીના વહોળા હતા, નાની નાની ટેકરીઓ હતી…… પિક્ચર પોસ્ટકાર્ડ જેવું સુંદર વાતાવરણ હતું. ખાડા-ટેકરા વિનાના રસ્તા પરથી ગાડી એકધારી ઝડપે ચાલી રહી હતી અને અમે આ સુંદર દ્રશ્યને આંખો વાટે દિલમાં ભરી લીધું હતું. રસ્તામાં ક્યારેક ડેરી-ફાર્મ પણ આવી જતાં. અમારો ડેરી-ફાર્મ જોવાનો અનુભવ હજી તાજો જ હતો એટલે જેવું ડેરી-ફાર્મ જાય કે એક આનંદની લહેરખી અમારા ચહેરા પર ફરી વળતી.

રસ્તામાં અમેરિકન સંસ્કૃતિની ઘણી વાતો થઈ. છેલ્લા એક જ વર્ષમાં અમરીશભાઈના બંને દીકરાઓના લગ્ન થયા છે એટલે લગ્નનાં રીત-રિવાજોની પણ વાતો થઈ. અમેરિકામાં સ્ત્રીદાક્ષિણ્યનું મહત્ત્વ ઘણું. છોકરી કે છોકરીના વડીલો ખાસ જુએ કે છોકરો પોતાની માતા સાથે કેવી રીતે વર્તે છે. માતા સાથે હોટલમાં જમવા જાય તો તેમને બેસવા માટે ખુરશી ખસેડી આપે છે કે નહીં, તેમને માટે કારનું બારણું ખોલે છે કે નહીં…. વગેરે. જો તે પોતાની માતાને આટલા માનથી અને સમ્માનથી  રાખતો હશે તો પોતાની સ્ત્રી-મિત્ર કે પત્નીને પણ સારી રીતે જ રાખશે !

વાતો કરતાં કરતાં અમે લેચવર્થ સ્ટેટ પાર્ક આવી પહોંચ્યાં. કુદરતી વાતાવરણ, ઇતિહાસ અને સહાસનો સંગમ અહીં થાય છે. ૧૪,૫૦૦ એકરમાં ફેલાયેલ આ પાર્ક ૧૭ માઈલ લાંબો છે. ૧૯૦૭માં  શ્રી લેચવર્થ નામના દાતાએ ૧૦૦૦ એકર જમીન આપી આ પાર્ક બનાવવાનું શરુ કર્યું હતું. આ પાર્ક પૂર્વના ગ્રાન્ડ કેન્યન તરીકે જાણીતો છે. પાર્કમાં જ જંગલો, પર્વતો, ખીણો, ધોધ, નદી …… એટલું બધું છે કે બે-ત્રણ દિવસ લાગે તો પણ આખો પાર્ક જોઈ શકાય નહીં! આનંદ-પ્રમોદ અને શિક્ષણ માટે એટલું બધું આ પાર્કમાં છે કે બાળકો માટે તો આ જાણે જીવતી જાગતી શાળા છે ! અમે ઉત્તરના ગેટથી પાર્કમાં દાખલ થયાં. કેમ્પીંગ માટે બનાવેલ સ્થાને ગાડી પાર્ક કરી જંગલમાં ફરવાં નીકળ્યાં. એક ઠેકાણે સુંદર ખડકોથી સજ્જ ઊંડી ખીણ હતી. રીટા, દિલીપભાઈ અને અમરીશભાઈ ખીણમાં ગયાં અને અમે ઉપરથી તેમને સમાંતર રસ્તો કાપ્યો. લગભગ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં અમે તેમને જોઈ શકતા હતાં અને તેઓ અમને! કોઈ બહુમાળી મકાનમાં અગાસીમાંથી નીચે જોતાં હોઈએ તેવું લાગતું હતું!

પર્વત પરથી પડતો ધોધ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. સૌથી ઉપરના ભાગમાં સમારકામ ચાલતું હોવાથી અમે ત્યાં જઈ શક્યા નહીં પણ રોલર કોસ્ટર જેવા રસ્તા પર થઈને બાકીના બંને ભાગમાં અમે ગયાં અને ધોધનું અપ્રતિમ સૌન્દર્ય માણ્યું.

અમે વાત કરતાં હતાં કે નાએગ્રા  ફોલ સ્ટેટ પાર્કની સાવ નજીક જ આવો બીજો સ્ટેટ પાર્ક કરવાની પણ હિંમત જોઈએ! બીજા પાર્કની વિશેષતા પણ અમૂલ્ય હોય તો જ બંને પાર્ક આસપાસમાં સહજીવન પામી શકે. અમિતાભ બચ્ચન ફિલ્મમાં હોય તો સહકલાકાર પણ ઉત્તમ કક્ષાનો જ હોવો જોઈએ ! વાતોમાં ને વાતોમાં અમે પાર્કમાં ખોવાઈ ગયાં. જો કે ખોવાઈ જવાની મઝા આવે તેવી જગ્યા હતી! રસ્તામાં તો કોઈ દેખાય નહીં. વળી પાછાં કેમ્પીંગની જગ્યાએ ગયાં અને સાચો રસ્તો લીધો. આશરે ૩૦ માઈલ ચલાવી અમે દક્ષિણના ગેટથી બહાર નીકળ્યાં. આટલો મોટો, આટલો સુંદર, આવી વ્યવસ્થાઓ વાળો,આવો સ્વચ્છ પાર્ક એ આપણી કલ્પનાની બહારનો વિષય છે. લોકો પાર્ક પોતાનો છે અને તેને સ્વચ્છ રાખવો તે પોતાની ફરજ છે એમ માને છે. દિલીપભાઈએ તેમની ‘સ્વચ્છ હિમતનગર’ની વાતો દુઃખી થઈ કહી. તેમનું માનવું છે કે બે-ચાર પેઢીઓ લાગી જશે આપણને સ્વચ્છતાનું મહત્ત્વ સમજતા.

રસ્તામાં સસ્કીહાના નામની સરસ નદી પાર કરી. અમરીશભાઈને આરામ આપવા ફરી રાજેશે થોડું ડ્રાઈવ કર્યું. સવારે ભારે નાસ્તો કર્યો હતો પણ હવે તો ભૂખ લાગી હતી. પેટ ભાડું માગતું હતું! હાઈવે પર સ્ટારબક્સ દેખાઈ. અમે અમરીશભાઈને ગાડી ઊભી રાખવા કહ્યું તો તેઓ હસવા લાગ્યા. અમને સમજાયું નહીં પણ ત્યાં તો નાનકભાઈને જોયા. બરાબર સમયે અને બરાબર જગ્યાએ બંને ગાડીઓ મળી. અમે કાફેમાં બેસી નાસ્તો કર્યો અને પછી સામાન એક ગાડીમાંથી બીજી ગાડીમાં ફેરવી લીધો. હવે અમે નાનકભાઈને હવાલે હતાં ! બધા મિત્રોએ એવું સુંદર આયોજન કર્યું છે કે અમને ક્યાંય એકલું ના લાગે અને છતાં મિત્રોની અનુકૂળતા સચવાય! બંને ગાડીઓ અલગઅલગ દિશામાં રવાના થઈ.

નાનકભાઈની ગાડીમાં પછી ભાતભાતની વાતો શરુ થઈ. નાનકભાઈ ચાલીસેક વર્ષથી અમેરિકા આવી ગયા છે. નાસામાં વિજ્ઞાની તરીકે કામ કરે છે. આ તેમની અમેરિકા આવ્યા પછીની પહેલી અને છેલ્લી જોબ છે!  નાસાની, ત્યાંના વર્ક કલ્ચરની, બાળકોને અપાતી વૈજ્ઞાનિક તાલીમની એમ જુદા જુદા વિષયો પર વાતો ચાલતી રહી. એ લાંબો  વિકએન્ડ શરુ થવાની આગળનો દિવસ હતો. ઓફિસ છૂટવાનો ટ્રાફિક શરુ થઈ ગયો હતો. રસ્તા પર બહુ ભીડ હતી. લગભગ દોઢ કલાકે અમે નાનકભાઈના ઘરે પહોંચ્યાં. સૂર્યાસ્તનો સમય હતો. વાતાવરણ બહુ ખુશનુમા હતું. મોટા મોટા પ્લોટમાં સુંદર બંગલાઓ હતા. ૩-૪ એકરના પ્લોટમાં બનેલ કોઈ પણ બે બંગલા વચ્ચે વાડ બનાવી ન હતી એટલે નજર પહોચે ત્યાં સુધી બસ હરિયાળી જ દેખાતી હતી. સુંદર રીતે કાપેલ લોન, મોટાં વૃક્ષો, ફૂલોના ક્યારા અને વચ્ચેથી સરકી જતો સાપોલિયા જેવો રસ્તો! કુદરત પણ બ્યુટી-પાર્લરમાં જઈ આવી હોય તેવી સભ્ય લાગતી હતી. અમે તો ગાડીમાંથી ઊતરીને દોડીને ઘણા બધા ફોટા પાડી લીધા.

અમે નાનકભાઈના ઘરમાં અંદર ગયાં. નયનાએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. બંને બાળકો નીલ અને શીના પણ ઘરમાં હતાં. હજી તો ઘર બતાવે અને અમે સામાન મૂકી ફ્રેશ થઈએ ત્યાં તો લાઇટ ગઈ! ત્યાં સામાન્ય રીતે આવું થતું નથી, પણ ભારતીય મિત્રોનું સ્વાગત સ્પેશિયલ તો હોવું જ જોઈએ ને ?! નયનાએ જમવાની વ્યવસ્થા બદલી નાંખી અને અમે કેન્ડલ લાઇટ ડીનર લીધું! બહુ મઝા આવી! આ ટુરમાં પહેલી વાર કેન્ડલ લાઇટ ડીનર લીધું! જમીને બેઠાં ત્યાં તો લાઇટ આવી. ઘર એટલું સુંદર અને ભવ્ય હતું કે વખાણ કરવાં યોગ્ય શબ્દો મળતા નથી. નીચે બે અને ઉપર ચાર બેડરૂમ વાળું વિશાળ ઘર નાનકભાઈએ જાતે ડીઝાઇન કરીને બનાવ્યું છે અને નયનાએ સુંદર ભારતીય ટચ આપીને શણગાર્યું છે. બુદ્ધની, રાધા-કૃષ્ણનીઅને મીરાંની મૂર્તિઓથી, સરસ ચિત્રો, કલાકૃતિઓ અને પોસ્ટરોથી, દીવીઓ અને ઝાડપાનથી ઘર એકદમ ઓપી રહ્યું હતું. ડ્રોઈંગરૂમની બહાર એક મોટો વરંડો હતો અને વરંડાથી થોડે દૂર કાચનો ગેઝેબો બનાવ્યો હતો. આખા ઘરની બધી લાઇટો બંધ કરી માત્ર ગેઝેબોની ઝાંખી લાઇટ ચાલુ રાખી સુંદર નાટકીય વાતાવરણ ઊભું કર્યું. નયના બહુ ક્રિએટિવ છે. કંઈક નવું નવું કર્યા કરવું તેને ગમે છે. કાલે આ સુંદર ગેઝેબોનો ઉપયોગ કરવાનો છે અને આજે માત્ર તેની ઝલક તેણે આપી ! આખા દિવસમાં આશરે ૫૦૦ માઈલની મુસાફરી કરી બધાં થાક્યાં હતાં અને મોડું પણ થયું હતું એટલે સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

6 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : બફેલો, લેચવર્થ સ્ટેટપાર્ક થઈ મેરીલેન્ડ

  1. Dear Darsha and Rajesh, wonderful memories wonderful description of Letchworth State Park and our journey together. Enjoyed every bit of it as well as wonderful hospitality of Nanak and Naina. Looking forward to the next episode. Thank you. Amrish

  2. Very nicely explain you wonderful experience and memories of your tour with the great hosts, Toral/Amrish & Naina/Nanak.
    Mala & Jayendra

    1. Thanks, Mala n Jaybhai! The tour and the travelogue are nearing the end…. Will miss you every Friday!

  3. As always thoroughly enjoyed the travelogue. It was our pleasure to host you guys. Time spent together was short, but the memories created were timeless. Looking forward to the next day journey.

    1. Thank you so much, Naina n Nanakbhai, for hosting us and then for visiting us! We have really enjoyed quality time together! Hope we get a chance to do that again!

Leave a Reply

Your email address will not be published.