ચેલેન્‍જ.edu : નિર્ણયો ન લેવાનો નિર્ણય !

રણછોડ શાહ

સા સે સા તક સાત સૂરોં મેં રાગ,
ઉતના હી સંગીત હૈ, જિતની તુજ મેં આગ.

                      નિદા ફાજલી

આજનો માનવી કયારેક જંગલોમાં ભટકતો હતો. અલબત્ત ત્યાં પણ તે ટોળી બનાવીને રહેતો. પ્રત્યેક સમૂહનો એક આગેવાન રહેતો. આ આગેવાનને ત્યારે ‘નેતા’ કહેતા કે નહીં તેની ખબર નથી, પરંતુ મનુષ્યનો સ્વભાવ છે કે પોતે ઈચ્છે તેમ કરવાને બદલે કોઈ કહે અને ખાસ તો સંલગ્ન વ્યકિતઓમાં કોઈક આગેવાન કહે તેમ કરવાની ઈચ્છા ધરાવે છે, તેવા વિચારો ધરાવે છે. આમ કરવા પાછળ ખાસ તો તેનો પલાયનવાદ છૂપાયેલો હોય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો નિર્ણય લેવાનો આવે ત્યારે તે ટાળવાનો પ્રયત્ન કરે છે. જેથી નક્કી કરેલ કાર્ય સંપન્ન ન થાય તો પોતે જવાબદાર નથી તેમ સહેલાઈથી કહી શકાય. આપણા સમાજમાં નિર્ણયશકિતનો અભાવ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. કુટુંબમાં, શેરીમાં, સંસ્થામાં કે અન્ય જૂથોમાં પણ નિર્ણય લેવાનો પ્રસંગ ઊભો થાય તો કોઈ જવાબદારી લઈને પોતાનો કયો નિર્ણય છે તે જાહેર કરવાને બદલે ઉત્તર આપવાનું ટાળે છે. ટૂંકમાં વ્યકિતના જીવનમાં નિર્ણય લેવાનો પ્રસંગ આવે ત્યારે તેની નજર બીજા ઉપર હોય છે. મહદ્‌અંશે નિર્ણય લેવાની તાલીમ ન તો આપણા કુટુંબોમાં આપવામાં આવે છે કે ન તો શિક્ષણ સંસ્થાઓમાં !

કુટુંબમાં તેના વડીલ નિર્ણય લે અને સૌએ તેને અનુસરવાનું વર્ષોથી આપણા સમાજમાં ઘર કરી ગયું છે. રોજબરોજની પ્રક્રિયામાં ભોજનનું મેનુ નક્કી કરવાથી માંડીને કયા વિસ્તારમાં રહેઠાણ રાખવાનું તે પણ નક્કી કરે છે ઘરના વડીલ. સામાજિક વ્યવહારો કરવાથી માંડીને સામાજિક સંબંધો કેવી રીતે નિભાવવાના તેનો આધાર પણ કુટુંબના વડા ઉપર હોય છે. સંયુકત કુટુંબમાં રહેતા હોય તો નાના બાળકો બરાબર નોંધે છે કે પપ્પા કહે તેવું નહીં, પરંતુ દાદા કહે તેવું જ ઘરમાં થાય છે. બહુ જ કાચી ઉંમરે કિશોરો અને તરુણો તેમના સૌથી નજીકના વડીલની આ દયાજનક સ્થિતિ ઘ્યાનથી જુએ છે. તેઓ મોટા કહે તેમ જ કરવાની ટેવ સાચી અને સારી છે તેવી માનસિક ગ્રંથિ કેળવે છે. પરણ્યા બાદ નવદંપતિએ મધુરજની કયાં માણવાની તેનો નિર્ણય પણ કેટલીકવાર તો કુટુંબ સમૂહમાં લે છે ! આટલી હાસ્યાસ્પદ અને કરુણાભરી સ્થિતિ આપણી કૌટુંબિક વ્યવસ્થાની છે.

કયારેક યુવાન કે યુવતી પોતાના જીવનસાથી પોતે પસંદ કર્યાની જાહેરાત કરે તો કુટુંબમાં જવાળામુખી ફાટી નીકળે છે. પ્રેમલગ્નની વાત આવે કે તરત જ વડીલો તેમનું ‘ડહાપણ’ ઠાલવવા માંડે છે. પ્રેમલગ્નો સફળતા પ્રાપ્ત કરતા જ નથી તેવી ગ્રંથિવાળા વડીલો કુટુંબમાં વિખવાદ ઊભો કરે છે. કહેવાતી શિક્ષિત વ્યક્તિઓ પણ આ બાબતે બકાત નથી. વર્ષોથી પૂર્વગ્રહથી જોવા ટેવાયેલા સમાજના લોકો બહુ મોટા પ્રમાણમાં ગોઠવણયુક્ત લગ્નો (Arranged Marriage) નિષ્ફળ ગયેલા જોતાં હોવા છતાં પોતાના જડ વિચારોને પકડી રાખી પ્રેમલગ્નો સામે ભયંકર વંટોળિયો ઊભો કરે છે. તેથી પસંદ કરેલ પાત્ર સાથે પ્રભુતામાં પગલાં માંડવામાં કદાચ માત્ર દસ ટકા લોકો જ પોતાના નિર્ણયને વળગી રહી શકતા હશે. બહુ થોડા યુવાનો-યુવતીઓ ઘરબાર-સગાવહાલાંને છોડી પોતાના નિર્ણય ઉપર અડગ અને અચળ રહે છે. શરૂઆતમાં વાલીઓ તેનો સખ્ત વિરોધ કરતાં હોવા છતાં ધીમેધીમે યુવાનોના નિર્ણયને મોટાભાગે સ્વીકારી લે છે. પરંતુ કિશોરો અને તરુણો/તરુણીઓ આ પરિસ્થિતિ જોતા હોવાથી પોતાને મનપસંદ વ્યકિત સાથે ઘરસંસાર માંડવાનું માંડી વાળે છે.

પુત્ર/પુત્રીને પપ્પા જે વ્યવસાયમાં જોડાયેલ હોય તે જ વ્યવસાયમાં ઉચ્ચ અભ્યાસ કરાવવાની ભયંકર જડતા આપણા સમાજમાં ઘર કરી ગઈ છે. યુવાન/યુવતી માને કે ન માને,પરંતુ ઉચ્ચ અભ્યાસ માટે કઈ દિશામાં પ્રયાણ કરવાનું તે નક્કી તેના માતાપિતા કરે છે. ભલે ને પછી યુવાન/યુવતીને તે વ્યવસાય પસંદ ન હોય કે તેને તે કાર્ય પ્રત્યે ઘૃણા હોય ! ખાસ કરીને બળજબરીથી પોતાનો વ્યવસાય જ સંતાનના માથે ઠોકતા લોકોમાં તબીબો, કેટલાક વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને મલાઈદાર ધંધાવાળા અગ્રસ્થાને છે. તેઓ તો પોતાની જાતને સર્વજ્ઞ માને છે. તેઓ તેમના સંતાનોના અભિપ્રાયને મહત્વ જ આપતા નથી. સામાન્ય નોકરી-ધંધાઓવાળાઓ તેમના સંતાનોને વધારે પ્રમાણમાં સ્વતંત્રતા બક્ષતા જોવા મળે છે. અલબત્ત, કયાંક અપવાદ પણ જોવા મળે છે.

શાળામાં નોકરી લેવા આવતા યુવાન/યુવતી પસંદગી સમિતિના તમામ કોઠાઓ પાર કરી પસંદ થાય અને છેલ્લે વ્યવસાયમાં કયારે જોડાશો ? તેમ પૂછવામાં આવે ત્યારે મળતો જવાબ હાસ્યાસ્પદ અને ગ્લાનિ ઊપજાવે તેવો હોય છે. યુવાન હોય તો પપ્પાને પૂછીને અને યુવતિ હોય તો પપ્પા અથવા પતિને પૂછીને જવાબ આપશે તેમ જણાવે છે. એમ.એસસી. કે એમ.એ. એમ.એડ. થયેલ યુવાન/યુવતી તેની સાથે તેના વડીલ કે પતિને લઈને ઈન્ટર્વ્યૂ આપવા માટે આવે ત્યારે તેનામાં નિર્ણય લેવાની શકિત નહીં હોવાનું ઉઘાડું પડી જાય છે. આ શિક્ષકો શાળામાં કેવી રીતે પોતાના વિદ્યાર્થીઓને નિર્ણય લેવાના પાઠ શીખવી શકશે?

બાળકની કુટુંબમાં નિર્ણય લેવાની શકિત કુંઠિત કરવામાં આવે છે, તો શૈક્ષણિક સંસ્થાઓ તે પ્રક્રિયાઓમાં વધારો કરે છે. બાળકોની ઉત્કંઠા અને જ્ઞાનપિપાસાને સંવર્ધિત કરવાને બદલે શિક્ષકો/અધ્યાપકો જે વિદ્યાર્થી તાસ દરમ્યાન પ્રશ્નો પૂછે તેને તોફાની ગણે છે. શાળામાં આવતો શિક્ષાર્થી કાંઈક પ્રાપ્ત કરવાની આશા અને ઉમંગ સાથે પ્રવેશ લે છે, પરંતુ આપણી શિક્ષણવ્યવસ્થા તેને સહેજ પણ તક પૂરી પાડતી નથી. ખરેખર પ્રશ્નો પૂછી પોતાના જ્ઞાનમાં વધારો કરવાની જવાબદારી વિદ્યાર્થીની છે. તેને બદલે આપણા શિક્ષકો જ વિદ્યાર્થીઓને મોખિક કે લેખિત પ્રશ્નો પૂછે છે. વર્ષોથી ચવાઈ ગયેલા અને વારંવાર પૂછાએલા પ્રશ્નોના જવાબ આપણા વિદ્યાર્થીઓએ આપવાના હોવાથી તે પણ અગાઉના વર્ષોના પ્રશ્નપત્રોમાં પૂછાયેલા પ્રશ્નોનો ગંભીરતાપૂર્વક અને કાળજીથી અભ્યાસ કરીને પરીક્ષામાં ઉત્તર આપી ઉત્તમ ગુણ પ્રાપ્ત કરી સર્વોત્તમ શિખર સર કર્યાનો ઓડકાર પ્રાપ્ત કરી સંસારસાગરમાં ઝંપલાવે છે.

નેતૃત્ત્વશકિતનો વિકાસ બાળપણથી કરાવવાની જવાબદારી શાળાની છે. નાની ઉંમરથી તે જાતે પોતાના નિર્ણયો લે તેમ શીખવવું જરૂરી છે. એમિટી શાળાએ તેના સ્થાપનાકાળથી આ મહત્ત્વના મુદ્દાને કેન્દ્રમાં રાખી શિક્ષણકાર્યની શરૂઆત કરી છે. છેલ્લા ૨૦ વર્ષથી શાળાના તમામ કાર્યક્રમોનું સુપેરે સંચાલન વિદ્યાર્થીઓ નિભાવે છે. સંચાલન દરમ્યાન ઊભા થતા તત્કાલીન પ્રશ્નોના તે ઉકેલ લાવે છે. પ્રત્યેક વર્ષે ધો.૧૧માં પ્રવેશ પામેલ શાળાના અને નવા આવેલ વિદ્યાર્થીનો એક રાત્રીરોકાણની ‘સાંનિઘ્ય શિબિર’ કરવામાં આવે છે. આ શિબિરમાં આવેલ વકતાઓને તેમના પ્રવચન બાદ વિદ્યાર્થીઓ સાથે મુકત રીતે હળવામળવા દેવામાં આવે છે. શિક્ષકોને અને મહેમાનોને પૂછાતા પ્રશ્નો ઉપરથી વિદ્યાર્થીઓમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિનો ખ્યાલ આવે છે. તેમના મનમાં ચાલતા તુમુલ યુદ્ધને બહાર લાવવાની તક પ્રાપ્ત થાય છે ત્યારે ખબર પડે છે કે વિદ્યાર્થી જીવનમાં ખૂબ મૂંઝવણ અને ગૂંચવણ અનુભવે છે.

બાળકો નેતૃત્ત્વ પ્રાપ્ત કરે તે માટે શાળા પ્રત્યેક વર્ષે અનેક મહાનુભાવોને બોલાવી તેમની વક્તૃત્વશકિતનો તથા જ્ઞાનનો સીધો લાભ મળે તેવું આયોજન કરે છે. ‘આવો લેખકને મળીએ’ કાર્યક્રમ હેઠળ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત લેખકો-કવિઓ સાથે સંવાદ કરે છે. વળી ઈન્સ્પાયર સાયન્સ કેમ્પ (Inspire science camp) જેવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને ભાગીદાર બનાવી અનેક વૈજ્ઞાનિકો સાથે રૂબરૂમાં ચર્ચા કરી પોતાના વિકાસના પથ ઉપર આગેકૂચ કરે છે. તેના જીવનના પ્રત્યેક તબક્કે તે જિજ્ઞાસુ (Curious) અને તાર્કિક બને તેવા તમામ પ્રયત્નો સતત થતા રહે છે.

પ્રત્યેક વ્યકિતએ જીવનમાં કયારેક તો નેતૃત્વ નિભાવવાનું જ હોય છે. પ્રત્યેક નેતાએ માત્ર સાચો જ નહીં પણ યોગ્ય નિર્ણય લેવાનો હોય છે. આ નિર્ણયથી સ્વને સંતોષ અને સર્વનો વિકાસ થાય તેનું ઘ્યાન રાખવાનું છે. નિર્ણય કદાચ પોતાને લાભ કરે પરંતુ સમાજનું નુકશાન કરે તો તેવા નિર્ણયથી દૂર રહેવાનું શેક્ષણિક તથા કૌટુંબિક સંસ્થાઓએ શીખવવું જરૂરી છે. જયાં સુધી વ્યકિત સમૂહની પ્રગતિ માટે નિર્ણય લેવાની ટેવ પાડશે નહીં ત્યાં સુધી સમાજની પ્રગતિ શકય જ નથી. દુ:ખી સમાજમાં વ્યકિત કયારેય પ્રસન્ન રહી શકશે નહીં. પ્રસન્નતા વ્યકિતગત હોતી નથી તે તો સમૂહગત હોય છે. આ સંજોગોમાં ‘સર્વજન સુખાય’ તરફ પ્રયાણ કરવા માટે પ્રત્યેક કુટુંબે અને તમામ શેક્ષણિક-સામાજિક સંસ્થાઓએ ખૂબ મનન-ચિંતન કરી નવી પેઢીને તેયાર કરવાની જવાબદારી સ્વીકારવી પડશે. વ્યકિતગત સ્વાર્થવૃત્તિ છોડી સમૂહના વિકાસ અને પ્રગતિ માટે પોતાની જાતને સમર્પિત કરવાની તેયારી રાખવી પડશે. આ કાર્ય આજના ભૌતિકવાદ તરફ દોટ મૂકતી વ્યકિતઓ માટે ખૂબ કઠિન છે, પરંતુ અશકય નથી. આપણા ગાંધીપેઢીના વડીલો આપણા માટે ઉદાહરણરૂપ છે. ચાલો, આપણે તેમણે કંડારેલી કેડી ઉપર ડગ માંડી ‘વસુધૈવ કુટુંબકમ્‍’ની દિશામાં આગળ વધીએ.

આચમન:

મળે છે કષ્ટ લીધાં વિણ જગતમાં ઉન્નતિ કોને?
વિહંગો પાંખ વીંઝે છે, પ્રથમ નિજ ઉડ્ડયન માટે.

શૂન્ય પાલનપુરી


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીરો નેટ પરથી)

Author: Web Gurjari

1 thought on “ચેલેન્‍જ.edu : નિર્ણયો ન લેવાનો નિર્ણય !

  1. ‘નિર્ણય ન કરવો.. એજ નિર્ણય છે’ એ કથનકણિકા સામાન્યપણે હાર્વર્ડ પ્રોફેસર હાર્વે કોક્ષ દ્વારા સંયોજિત ગણાય છે.

    આપણે ત્યાં તે વિશેનું સૌથી ઘનિષ્ઠ અનુસંધાન પૂર્વ પ્રધાનમંત્રી પી વી નરસિંહ રાવ સાથે કરવામાં આવે છે. તેઓ કહેતા કે ‘હું જ્યારે નિર્ણય ન લેતો દેખાઉં છું, ત્યારે એમ નથી કે હું તે વિશે વિચારતો નથી. પરંતુ પુરતો વિચાર કરીને હું નક્કી કરૂં છું કે મારે નિર્ણય નથી લેવો.’

    આજે જ્યારે ઝડપી પરિવર્તનો થવાં એ નિત્યક્રમ બની ગયો છે ત્યારે કોઈ એક બાબતે નિર્ણય લેવાનો સમય મળે તે પહેલાં તો એ બાબતનો સંદર્ભ બદલાઈ ગયો હોય તેમ બનવાની શક્યતા વધારે છે. એટલે નિર્ણય કરવો કે નિર્ણય ન કરવાનો નિર્ણય કરવો એ માટે પણ પણ હવે નવી નવી ક્ષમતાઓ વિકસાવવી આવશ્યક બની રહી છે.
    આ બાબત શિક્ષણ ક્ષેત્રનાં દરેક પાસાંને અને દરેક સ્તરને તેમજ શિક્ષણ સાથે સંકળાયેલ દરેક હિતધારકને પણ એટલી જ લાગુ પડે છે – શિક્ષણ વ્યક્તિ અને સમાજની ઇમારતની ઘડતરનો પાયો છે એટલે તો ખાસ.

Leave a Reply

Your email address will not be published.