ચિરાગ પટેલ
उ.१०.९.८ (१३१७) पर्जन्यः पिता महिषस्य पर्णिनो नाभा पृथिव्यो गिरिषु क्षयं दधे। स्वसार आपो अभि गा उदासरन्त्सं ग्रावभिर्वसते वीते अध्वरे ॥ (वसु भारद्वाज)
પર્જન્યની વર્ષા કરનાર મેઘ મોટાં પાનવાળા સોમને ઉત્પન્ન કરે છે. એ સોમ પૃથ્વીના નાભિ સ્થાનમાં રહેલ પર્વતોના રહેવાસી છે. તે ગાયનું દૂધ, પાણી અને સ્તુતિઓને પ્રાપ્ત કરતાં કરતાં જ યક્ષસ્થળમાં રહે છે.
આ શ્લોકમાં વનસ્પતિરૂપી સોમ અંગે ઋષિ ભૌગોલિક પ્રદેશ વિષે જણાવે છે. સોમવલ્લીના પાંદડાં મોટા હોવાનું ઋષિ કહે છે જે માહિતી ભાંગના છોડને લાગુ પાડી શકાય છે. પૃથ્વીની નાભિ સ્થાનમાં રહેલ પર્વતો એટલે હિમાલયના પર્વતો. ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી કૈલાશ પર્વતને વિશ્વનું કેન્દ્ર હોવા તરીકે માન્યતા મળી છે. વળી, એ સ્થાનને ઋષિ યક્ષ સ્થળ કહે છે. યક્ષ એટલે શિવ અને તેમનું સ્થાન એટલે કૈલાશ પર્વત. એવું ચોક્કસ માની શકાય કે, સામવેદના આ શ્લોકમાં અછડતી રીતે શિવનો ઉલ્લેખ છે.
उ.१०.१०.१ (१३१९) श्रायन्त इव सूर्यं विश्वेदिन्द्रस्य भक्षत । वसूनि जातो जनिमान्योजसा प्रति भागं न दीधिमः ॥ (नृमेध आण्गिरस)
હે પુરુષો! કિરણોના આશ્રયદાતા સૂર્યની જેમ દેવરાજ ઈન્દ્ર વિશ્વના અપાર વૈભવને ધારણ કરો છો. પિતા દ્વારા અર્જિત સંપત્તિનો ભાગ મેળવવા જેમ અમે તેમના સામર્થ્યથી પ્રગટેલ વૈભવને પ્રાપ્ત કરીએ છીએ.
આ શ્લોકમાં સૂર્યને કિરણોના જનક તરીકે જણાવી ઋષિ ઈન્દ્રને એ ઉપમા આપે છે. આપણાં શરીરમાં ચેતનના સમગ્ર વહેણના સ્ત્રોત તરીકે મસ્તિષ્ક કે મન છે. એટલે એ જ દેવરાજ ઈન્દ્ર. વળી, મનુષ્ય સ્વસ્થ મનની શક્તિઓ વડે અનેક પરાક્રમો દાખવી શકે છે.
उ.११.१.७ (१३५३) उत स्वराजो अदितिरदब्धस्य व्रतस्य ये । महो राजान ईशते ॥ (वसिष्ठ मैत्रावरुणि)
મિત્રાદિ દેવગણ, માતા અદિતિ સહિત અમારા સંકલ્પોના અવિનાશક છે. અમારા મનોરથ પૂર્ણ કરવામાં સમર્થ છે તેથી એ શાસક છે.
આ શ્લોકમાં ઋષિ અદિતિનો ઉલ્લેખ કરે છે જે દેવોની માતા છે. અદિતિના અનેક અર્થમાંથી અમુક અર્થ છે – અમર્યાદ, સર્જન શક્તિ, આનંદ, વાણી, સ્વતંત્ર. આવી અદિતિ જ દેવોરૂપી ચેતન શક્તિ અને મનને જન્મ આપી શકે. વળી, આવા દેવો જ મનુષ્યના સર્વે સંકલ્પો અને એષણા પૂરાં કરી શકે.
उ.११.१.९ (१३५५) पदा पणीनराधसो नि बाधस्व महाँ असि । न हि त्वा कश्च न प्रति ॥ (प्रगाथ काण्व)
હે ઇન્દ્ર! આપ મહાન છો. આપના જેવુ સામર્થ્ય કોઇનામાં નથી. આપ દાન ના આપનારાઓને પીડિત કરો.
उ.११.१.१० (१३५६) त्वमीशिषे सुतानामिन्द्र त्वमसुतानाम् । त्वँराजा जनानाम् ॥ (प्रगाथ काण्व)
હે ઈન્દ્ર! આપ સિદ્ધ રસયુક્ત પદાર્થો અને નિષિદ્ધ પદાર્થોના સ્વામી છો. આપ સર્વે પ્રાણીઓના શાસક છો.
ઉપરોક્ત બંને શ્લોકમાં માનસિક શક્તિ અને મસ્તિષ્કની ગતિવિધિનો ઉલ્લેખ છે. વ્યક્તિનું સામર્થ્ય અને શક્તિ બંને તેના મસ્તિષ્કને આભારી છે. ઋષિ આવા સમર્થ દેવરાજ ઈન્દ્ર પાસે સામાજિક સખાવતની અપેક્ષા રાખે છે જેથી સમાજમાં સારા કાર્યો અને સમરસતા જળવાઈ રહે. જે વ્યક્તિ દાન ના કરે તેને માનસિક પીડા રહે એ પ્રકારની ઈચ્છા ઋષિ વ્યક્ત કરે છે, જે એક પ્રકારની માનસિક પ્રયુક્તિ છે.
વળી, મસ્તિષ્ક ઉત્સેચકો રૂપી રસાયણોનું નિયંત્રણ કરે છે. અમુક ઉત્સેચકો શરીર અને મન માટે આનંદપ્રદ અને હકારાત્મક છે, જ્યારે અમુક નકારાત્મક છે.
આવા મનરૂપી ઈન્દ્રદેવ સર્વે પ્રાણીઓના શાસક ના કહેવાય તો જ નવાઈ!
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com