નિસબત : ખેતપેદાશોના ટેકાના ભાવનું અર્થકારણ અને રાજકારણ

ચંદુ મહેરિયા

અગાઉ પ્રધાનમંત્રીએ પાર્લામેન્ટમાં ખેડૂતોને ખાતરી આપતાં કહ્યું હતું કે, “એમએસપી થી, એમએસપી હૈ ઔર એમએસપી રહેગી” વડાપ્રધાનની આ વાતનો પડઘો સરકારે તાજેતરમાં જાહેર કરેલી ખરીફ પાકોની એમએસપી(મિનિમમ સપોર્ટ પ્રાઈઝ)અર્થાત ચોમાસુ ખેત પેદાશોના ટેકાના ભાવમાં જોવા મળે છે. છ મહિના કરતાં વધુ સમયથી રાજધાની દિલ્હીના સીમાડે ડેરા તંબુ તાણીને ચાલતા કિસાન આંદોલનને સરકારનું આ પગલું ‘જુમલાબાજી’ લાગ્યું છે. તેને કારણે ખેતપેદાશોના ન્યૂનતમ સમર્થન મૂલ્યનો સવાલ ફરી એક વાર ચર્ચાની એરણે છે.

આઝાદી મળી ત્યારે દેશમાં અનાજની કારમી તંગી હતી. અનાજની આ અછત દૂર કરવા હરિયાળી ક્રાંતિમાં અનાજનું વિપુલ ઉત્પાદન કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તેમાં એમએસપી કે ખેત ઉપજના ટેકાના ભાવના મૂળ રહેલાં છે.લાલબહાદુર શાસ્ત્રીના પ્રધાનમંત્રીત્વ કાળમાં અનાજની કિંમતો નક્કી કરવા ૧લી ઓગસ્ટ ૧૯૬૪ના રોજ એલ.કે ઝા સમિતિની રચના કરવામાં આવી હતી. અનાજનું ખાસ કરીને ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધારવું, લોકોને સસ્તું અને જરૂરિયાત મુજબનું ખાધ્યાન્ન પૂરું પાડવું તથા ખેડૂતોને તેમની ઉપજના વાજબી ભાવ આપવા જેવા હેતુઓથી ટેકાના ભાવોની યોજના શરૂ કરવામાં આવી હતી. ખેડૂતો ખેતીને લગતી આધુનિક ટેકનિક અને સારા બીજ અપનાવી અનાજનું ઉત્પાદન વધારે તથા તેમની સામાજિક-આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને  ન્યૂનતમ સમર્થન મૂલ્યથી સરકાર ખરીદી કરે છે. ખેતપેદાશોની સરકારી ખરીદીના ટેકાના ભાવ રવી અને ખરીફ મોસમના આરંભે જ જાહેર કરવામાં આવે છે. આ એમએસપીને કારણે ખેડૂતોને બજારમાં ભાવો ઘટે તો પણ કમ સે કમ સરકારે જાહેર કરેલા ભાવો તો મળે જ છે.

ભારત સરકારના ક્રુષિ મંત્રાલય હેઠળ કાર્યરત, જાન્યુઆરી ૧૯૬૫માં સ્થાપિત,  એગ્રીકલ્ચરલ પ્રાઈસિઝ કમિશન, જે હવે કમિશન ફૉર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસીઝ(સીએસીપી) તરીકે ઓળખાય છે, તે ખેત ઉપજની માંગ અને પુરવઠો, ખેડૂતના ઉત્પાદન ખર્ચ, સ્થાનિક બજારમાં કિંમત, ગ્રાહકો પર અસર, બીજી ઉપજના ભાવ, સંગ્રહણની વ્યવસ્થા અને કર જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ઉનાળુ અને ચોમાસુ પાકની વાવણી પૂર્વે ખેતઉપજોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય નક્કી કરે છે. ૧૯૬૬-૬૭માં સૌ પ્રથમ ઘઉંના ટેકાના ભાવો આપવામાં આવ્યા હતા. હાલમાં ૭ ધાન્ય, ૭ તેલીબિયાં, ૫ કઠોળ  અને ૪ રોકડિયા પાકો મળી કુલ ૨૩ ખેત પેદાશોની એમએસપી જાહેર કરવામાં આવે છે. ગયા વરસથી દેશમાં સૌ પ્રથમ વખત કેરળ સરકારે ૧૬ શાકભાજીનું  ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાહેર કર્યું  છે.

ખેડૂતોને બીજ, ખાતર, સિંચાઈ માટે થતો રોકડ ખર્ચ ઉપરાંત તેના કુંટુંબની ખેતી માટેની મહેનતનું મૂલ્ય પણ એમએસપીની ગણતરીમાં લેવાય છે. ૨૦૦૪ના સ્વામીનાથન આયોગે ખેડૂતના સરેરાશ ઉત્પાદન ખર્ચમાં બીજી ૫૦ ટકા રકમ ઉમેરી દોઢી એમએસપી નક્કી કરવા ભલામણ કરી હતી. બીજેપીએ ૨૦૧૪માં સ્વામીનાથન આયોગના અમલનું વચન આપ્યું હતું. પણ તેનો અંશત: અમલ ૨૦૧૮-૧૯માં કર્યો હતો. સરકારનો દાવો છે કે તે હાલમાં જે એમએસપી જાહેર કરે છે તે ખેડૂતના ખર્ચ કરતાં દોઢ ગણી હોય છે. જોકે સ્વામીનાથન આયોગે ખેડૂતની જમીનનું ભાડુ અને ખેતી માટેની તેની મૂડી પરનું વ્યાજ પણ એમએસપીની ગણતરીમાં લેવા સૂચવ્યું હતું પણ સરકારે હજુ તેનો અમલ કર્યો નથી..

આશરે ૨૦૦ દિવસોથી ચાલતા કિસાન આંદોલનની માંગણી  ત્રણ ક્રુષિ કાયદા રદ કરવાની અને એમએસપીને કાયદેસર બનાવવાની છે. ન્યૂનતન સમર્થન મૂલ્યથી ઓછી કિમતે ખાનગી વેપારી પણ  ખેડૂતો પાસેથી ખેત પેદાશ ખરીદી શકે નહીં તેવો કાયદો ઘડવાની કિસાન આંદોલનની માંગ ન્યાયસંગત છે ? શું સરકાર એમએસપી નાબૂદ કરી દેશે ? શું એમએસપી કાળગ્રસ્ત થઈ છે? એમએસપીનો લાભ તમામ ખેડૂતોના બદલે થોડા મોટા ધનિક વર્ગના ખેડૂતોને  જ મળે છે ? એમએસપી સરકાર કે ખેડૂતો પૈકી કોના માટે ખોટનો ધંધો છે ? જેવા સવાલો ચર્ચાય તો જ તેનું રાજકારણ, સમાજકારણ અને અર્થકારણ સમજી શકાય.

શાંતાકુમાર સમિતિ અને નીતિ આયોગે ન્યૂનતમ સમર્થન મૂલ્યથી ખેત ઉપજોની થતી સરકારી ખરીદી ઘટાડવાની ભલામણ કરી છે. નવા ક્રુષિ કાયદાઓમાં હાલની ખેત ઉત્પન બજાર સમિતિઓ (એપીએમસી) ઉપરાંત ખાનગી વેપારની છૂટ આપી છે. તેથી સરકાર ક્રમશ: એપીએમસી અને એમએસપી બંધ કરશે તેવો ખેડૂતોને વાજબી ડર છે. ક્રુષિ ઉપજ વધારવામાં અને ખેડૂતોને  ઉપજના  યોગ્ય ભાવ આપી તેમની આવક સુનિશ્ચિત કરવામાં ન્યૂનતમ સમર્થન મૂલ્યનું મહત્વનું યોગદાન રહેલું છે. સરકાર ૨૩ ખેત પેદાશોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાહેર કરે છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને સસ્તા ભાવે રાશન આપવા ટેકાના ભાવે સરકાર ખરીદી કરતી હોય છે. જોકે પીડીએસમાં  ગરીબોને મુખ્યત્વે ઘઉં અને ચોખા જ આપવામાં આવતા હોય છે. એટલે ખરીદી ત્રેવીસ  ખેત ઉપજોની નહીં બે-પાંચની જ થાય છે.દેશમાં દોઠસો જેટલા પાક લેવાય,  તેના છઠા ભાગના પાકના ટેકાના ભાવ જાહેર કરાય છે અને તેમાંથી માંડ પાંચમા ભાગની ખેત ઉપજની સરકારી ખરીદી થતી હોય છે. તેથી એમએસપીનો લાભ ખેડૂતોના સીમિત વર્ગને મળે છે.

એમએસપીથી દેશના તમામ ખેડૂતોની, તમામ પ્રકારની અને સંપૂર્ણ ખેત ઉપજની ખરીદી થતી નથી. બધા જ અભ્યાસો દેશના ૬ થી ૨૦ ટકા ખેડૂતોને જ એમએસપીનો લાભ મળતો હોવાનું જણાવે છે. દેશના તમામ રાજ્યોના ખેડૂતોને નહીં પણ દસેક રાજ્યોના ખેડૂતોની, ઘઉં –ચોખાના પાક માટે જ એમએસપીથી ખરીદી થાય છે. એમએસપીને કારણે દેશ અનાજની બાબતમાં આત્મનિર્ભર બની શક્યો છે અને અનાજના વિપુલ ભંડારો ભરેલા છે તે હકીકત છે. પરંતુ ઉદારીકરણ અને ખાનગીકરણને કારણે લોકશાહી સરકાર તેના કલ્યાણ રાજ્યના આદર્શને ફગાવી રહી છે. ભ્રષ્ટાચાર નાબૂદીના નામે સબસિડી સીધી લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાનું વલણ લઈ રહી છે. એટલે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજની સરકારી ખરીદી પણ શંકાના દાયરામાં હોવી સ્વાભાવિક છે.

ભારતના અર્થતંત્રના મોટાભાગના ક્ષેત્રોની વ્રુધ્ધિ  કોરોના મહામારીને કારણે ધીમી છે પરંતુ ખેતી ક્ષેત્રની વ્રુધ્ધિ જોરમાં છે. છેલ્લા પાંચ વરસોની તુલનાએ ૨૦૨૦-૨૧માં ખાધ્યાન્નનું ઉત્પાદન ૨.૭ કરોડ ટન વધારે છે. સિંચાઈ પર આધારિત ઘઉં ચોખા જ નહીં વરસાદી ખેતીથી પાકતા જુવાર-બાજરાનું ઉત્પાદન પણ વધ્યું છે. ક્રુષિ નિકાસમાં ૧૮ ટકાની વ્રુધ્ધિ થઈ છે.આખી દુનિયાને એક વરસ ચાલે તેટલો, ૨૮૦ લાખ ટન,  ચોખાનો બફર સ્ટોક ૨૦૨૦ની ખરીફ મોસમ પૂર્વે દેશમાં હતો. અનાજની બાબતમાં જો દેશ આટલો બધો આત્મનિર્ભર હોય તો એમએસપીનો મૂળ હેતુ પૂર્ણ થયેલ છે. તેથી તેના ટેકાના ભાવ આપવામાં અર્થકારણ ઓછું અને રાજકારણ વધુ છે. તેવી દલીલ થાય છે.

ન્યૂનતમ સમર્થન મૂલ્યના રાજકારણનું શ્રેષ્ઠ ઉદાહરણ પંજાબના ખેડૂતો છે. પંજાબમાં હરિત ક્રાંતિને કારણે ઘઉં-ચોખાનું વિપુલ ઉત્પાદન થયું. પણ હવે તેના વળતા પાણી છે. ૧૯૬૦-૬૧માં પંજાબમાં ૧૪ લાખ હેકટરમાં ઘઉં અને ૨.૨૭ લાખ હેકટરમાં ચોખાની ખેતી થતી હતી. સાઠ વરસો બાદ, ૨૦૧૯-૨૦માં, તે વધીને અનુક્રમે ૩૫.૦૮ અને ૨૯.૨૦ લાખ હેકટર થઈ છે. પરંતુ પાણીનો બેફામ ઉપયોગ  અને એકધારા પાકની ખેતીથી હવે પંજાબનો ક્રુષિ દર ઘટીને ૫.૭ ટકાથી ૧.૬ ટકા જ થયો છે. એમએસપીને કારણે ક્રુષિ પાકોની વિવિધતા ઘટી છે તે પણ સૌથી મોટો ગેરલાભ છે.

છઠ્ઠી જૂન ૨૦૨૧ સુધી એમએસપીથી ૪૧૮.૪૭ લાખ મેટ્રિક ટન ઘઉંની સરકારી ખરીદી થઈ છે. ગયા વરસની ૩૭૨.૨૨ લાખ મેટ્રિક ટનની તુલનાએ તે આશરે ૧૨ ટકા વધુ છે. ૨૦૧૯-૨૦માં સરકારે એમએસપીથી રૂ. ૬૦,૦૩૮.૬૮ કરોડ ખર્ચીને ૨૯.૭૦ લાખ ખેડૂતો પાસેથી અનાજ ખરીધ્યું હતું. જોકે હજુ પણ અનાજની ખરીદીમાં પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન એ પાંચ રાજ્યો જ મોખરે હોય છે. ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે. પરંતુ તે કુલ ઉત્પાદનના ૧૦ થી ૨૦ ટકા જ હોય છે. ૨૦૧૯-૨૦માં રાજ્યમાં પાકેલી  કુલ મગફળીમાંથી ૧૦.૭૮ ટકાની જ એમએસપીથી સરકારી ખરીદી થઈ હતી.

મોટાભાગના ખેડૂતોને એમએસપીથી ઓછા ભાવે ખાનગી વેપારીઓને ખુલ્લા બજારમાં  પોતાની ખેત પેદાશો વેચવી પડે છે. મધ્યપ્રદેશ સરકારે ટેકાના ભાવ અને ખેડૂતને ઓછા મળેલા ભાવનો તફાવત ચુકવવા ‘ભાવાંતર ભુગતાન યોજના’ અમલી કરી છે.કેન્દ્ર સરકાર ‘કિસાન સન્માન નિધિ યોજના’ હેઠળ ખેડૂતના ખાતામાં ચોક્કસ રકમ જમા કરે છે. પરંતુ તેમ છતાં ખેડૂતને ઉપજના વળતરદાયક ભાવ મળતા ન હોવાની ફરિયાદ ઉકલતી નથી. ‘પરથમીનો પોઠી’ કે ‘અન્ન્નદાતા’ ગણાતો ખેડૂત તેની મહેનતનું યોગ્ય વળતર પણ ન મેળવી શકે તે સ્થિતિ તાકીદે ઉકેલ માંગે છે. જો સરકાર એમએસપીનો વ્યાપક ઉપયોગ કરે,  તેને કાયદેસરતા બક્ષે અને પાક વીમાનો યોગ્ય અમલ કરે તો કદાચ ખેડૂતનું દુ:ખ થોડું હળવું થઈ શકે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.