કલમના કસબી : કનૈયાલાલ મુનશી – ગુજરાતનો નાથ [૨]

રીટા જાની

ગત અંકમાં આપણે “ગુજરાતના નાથ” અંગે થોડી વાતો કરી. હવે મારે વાર્તાના અંતર્ગત સ્વરૂપનું દર્શન કરાવી મુખ્ય ત્રણ વાર્તાયુગલ- મીનળદેવી અને મુંજાલ, કાક અને મંજરી, ત્રિભુવનપાળ અને કાશ્મીરાદેવીની ઓળખ આપવી છે. આ વાર્તાયુગલ વાંચનારને  લેખક સોલંકીયુગના સમયમાં લઈ જઈને ઢાલતલવારના ખડખડાટમાં, ધનુષબાણના ટંકારમાં, ખડગના વીજચમકારમાં, બુદ્ધિપ્રભાવના પ્રસંગોમાં ખડા કરે  છે. ભલે છે તો એ  વાર્તાના પાત્રો,પરંતુ લાગે છે એવું જાણે આપણી સામે જીવંત ખડા છે અને રસ્તામાં આપણને મળે તો આપણે એમને ઓળખી પાડીએ. મુનશી વાર્તાકાર તરીકે એવા સમર્થ વિધાતા છે કે તેમના પાત્રોની સૃષ્ટિ સજીવ સૃષ્ટિ બની રહે છે. તેમની કલમની ખૂબી એ છે કે તેઓ પાત્રોને પહેલેથી જ ઘડીને રજૂ નથી કરતા પણ માનવજીવનમાં જેમ બને છે એમ પ્રસંગોની સાથે સાથે પાત્રનો લક્ષણદેહ વિકાસ પામતો રહે છે.

આજે આ કથાના મુખ્ય યુગલ કાક અને મંજરી મળીએ. કાક અને મંજરી – આ યુગલ વિલક્ષણ ગર્વમર્યાદાના કારણે તથા અસાધારણ સંયોગોના પરિણામે પ્રેમના અલૌકિક વજ્રલેપથી જોડાય છે તેમાં પણ મુનશી એક અનોખા કલાવિધાયક તરીકે ઉભરી આવે છે.  ખંભાતમાં બ્રાહ્મણ કન્યા મંજરીને તેની માતા શ્રાવક સાથે પરણવા અથવા દીક્ષા લેવા જબરદસ્તી કરે છે. તેમાંથી કાક તેને બચાવે છે. પરંતુ મંજરી તેના ઉપકારના કારણે કાક તરફ આદર કે પ્રેમના ભાવથી જુએ એવી ચીલાચાલુ કથા મુનશીની કલમે ન જ હોય. મુનશી તો એવા શબ્દશિલ્પી છે જે દ્રઢ પાષાણ લઈને વજ્રઘાત જેવા પણ અંદરથી મૃદુ ટાંકણાના પ્રહાર વડે અલૌકિક પૂતળાં ઘડે. મંજરીને કાકભટ્ટ પંડિત નહિ પણ વિદ્યાવિમુખ લડવૈયો જ લાગ્યો. ગર્વિષ્ઠ મંજરી ખંભાતથી પાટણ જતાં રસ્તામાં કાક જોડે ઓછું બોલતી, મહેરબાની કરતી હોય તેમ ગર્વથી અને દયાથી જોતી. જ્યારે કાક પોતે “નંદી પાર્વતીને જે માન આપે તેવા માનથી તેના સામું જોઈ રહેતો” .ને તેની સેવા કરી કૃતાર્થ થતો હતો. મંજરી ગર્વિષ્ઠ હતી  છતાં શુદ્ધ, સંસ્કારી, નિખાલસ હ્રુદયની અને આનંદી હતી. મંજરીના આદર્શનું દર્શન તેના જ શબ્દોમાં કરીએ.  “બા ! હું  તમારા કાળની નથી,  ત્રિભુવન ગજાવનાર મહાકવિઓના કાળની છું.  હું પાટણની બ્રાહ્મણી નથી પણ  બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને ખોળામાં છુપાવવાની  હોંશ ધારતી  બીજી અનસુયા છું. મારા રુપમાં ભયંકર શક્તિ છે એટલે લાલસાના સેવકો દુઃખ દેવા આવશે પણ હું કોને પરણું?  જ્યાં જોઉં ત્યાં વહેંતિયાઓ નજરે ચડે છે, તેમાંથી કોની દાસી થાઉં?  મંજરીના તો  નાથ ઘણા હતા. કવિવર કાલિદાસ, એનો નિરંતર સહવાસ,  ગગનવિહારી મેઘોનું તેની સાથે દર્શન; બીજો તેનો પતિ પરશુરામ. આમ મંજરી વિદ્યા અને શસ્ત્રપરાક્રમના  મિશ્ર આદર્શો પૂજનારી  છે.  કાશ્મીરાદેવી જ્યારે શૂરવીર કાકનું નામ તેના પતિ તરીકે સૂચવે છે તો મંજરી કહે છે : “બા! એ  મોટો યોદ્ધો ને એ  મોટો બ્રાહ્મણ! નથી આવડતું સંસ્કૃત, નથી પુરા સંસ્કાર, નથી મોટો યોદ્ધો.”  “બા! હું કાકને પરણું? ક્યાં હું ને ક્યાં લાટનો ભટકતો ભટ?”  મંજરીના આ ગર્વભર્યા વચનો કાકે છાનામાના સાંભળ્યા ને એ શબ્દો તેના દિલમાં વાગ્યા. પોતાને પરશુરામ આગળ નિ:સત્વ દીઠો. મંજરીને લાયક પોતે નથી એ ભાન થયું.  એ સાથે મનમાં નિશ્ચય કર્યો. “મંજરી! ઠીક છે. તું પણ જોજે. મારી રગમાં શુદ્ધ સનાતન લોહી ફરે છે. તું પણ જોઈ લેજે કાક નિર્માલ્ય છે કે રાજવિમર્દન.


બીજો એક પ્રસંગ જોઈએ.  ઉદા મહેતાના સેવકો મંજરીને ઉપાડી જતાં હતાં તેમાંથી કાકે તેને બચાવી. બેભાન મંજરીએ નિશ્વાસ મૂક્યો.  “ચંદ્રને શરમાવે એવું સુમધુર મુખ જોઈ પ્રેમ-અર્ચનાથી તેને વધાવી લેવા” કાકનું હ્રુદય તલસી રહ્યું. પણ તે તેણે પ્રયત્ન કરી માંડી વાળ્યું. મંજરી ભાનમાં આવતા સાથે બચી ગયાની ખાતરી થતાં અભિમાન પ્રગટ્યું. કાકને ગર્વ તિરસ્કારથી પૂછ્યું. “મને ક્યાં લઈ જતા હતા?”  કાક :”એમ પૂછો કે હું ક્યાંથી લઈ આવ્યો. તમને હરામખોરો ઉપાડી જતાં હતાં. હું અડધો કોશ દોડી તમને પાછો લઈ આવ્યો” ને મંજરી નરમ પડે છે. કાશ્મીરાદેવી મંજરીને કહે છે કે હવે કાકને શિરપાવ આપ્યા વગર છૂટકો નથી. કાકે તેને બે વાર બચાવી, પણ મંજરી હ્રુદય આપવા તૈયાર નથી. જૈન મંત્રી ઉદો તેની પૂંઠ છોડે તેમાટે તે કાક સાથે પરણવા તૈયાર તો થઈ પણ કાક પાસેથી એક વચન લીધું કે પરણીને પછી મંજરીને તેના દાદાના ઘેર મૂકી આવે.કાક ધર્મસંકટમાં પડે છે. સંજોગોના દબાણમાં કાક અને મંજરી લગ્નગ્રંથિથી જોડાયા. કાશ્મીરાદેવીએ મીનળદેવીને એક વાક્યમાં કહ્યું તે રીતે – ઉદો  એ છોકરીને પરણવા માગતો હતો એટલે એ બેને પરણાવી દીધા. અરે આ તે પ્રેમલગ્ન? હ્રુદયલગ્ન? પણ મુનશી, હૃદયના પડ નીચે થઈને વહેતા ઝરણાની ગતિને યોગ્ય સમયે અને યોગ્ય ભૂમિકાએ ક્રમે ક્રમે પ્રગટાવે છે. લગ્ન પછી પણ કાક પ્રત્યે તિરસ્કારનો ભાવ ચાલુ હતો તે “આનંદરાત્રીનો અનુભવ”માં જણાઈ આવે છે.

ત્યાર બાદ સજ્જન મહેતાની વાડીના પાછળના ભાગમાં કાવતરાબાજોનું મંડળ ભરાયું હતું તેમાં કાકે અપૂર્વ રાજનીતિનો ઉપદેશ કર્યો. તે ગુપ્તવેશે રહેલા ત્રિભુવનપાળ, કાશ્મીરાદેવી અને મંજરી, ત્રણેના હૃદયમાં કાકનો વિશિષ્ટ પ્રભાવ જગાવી ગયો. અહી ગુપ્તવેશે આવેલો ઉદો ગુપ્તવેશ વાળી મંજરીને હરણ કરી ગયો. કાકનાં પ્રયત્નોથી મંજરી અને કીર્તિદેવ ગુપ્ત કેદખાનામાંથી છૂટ્યા. આ દરમ્યાન મંજરીનો ગર્વ શિથિલ થાય છે, તેનું હ્રુદય પરિવર્તન થાય છે.  કાકના પરક્રમોથી અભિભૂત મંજરી પોતે કલ્પનાસૃષ્ટિમાં પરણેલા કાલિદાસ અને પરશુરામને વિસરી જાય છે તેની નજર સામે રમે છે જીવનસૃષ્ટિનો વીરકેસરી કાક. તેનો પતિ હવે પોતાને લાયક લાગે છે ને તેનું હૈયું તેના સૌભાગ્યનાથને ઓવારવા તલસી રહે છે. હવે ગર્વનો હક અને વારો કાકનો આવ્યો. મંજરીનું હ્રુદય પરિવર્તન એ પારખી શક્યો ન હતો. તે તેના ગર્વનાં ચૂરેચૂરા કરવા માગતો હતો. મંજરીના  હ્રુદયના ભાવો વણબોલ્યા રહી ગયા. પતિ હતો છતાં તેની મેડી સુની હતી. આ “મંજરીની મેડી”નું બીજું દર્શન. આ
ગર્વપ્રધાન જોડાને માટે હનીમૂન જુદી રીતે નિર્માણ થયું હતું.

કાક મંજરીને તેના દાદાને ત્યાં મૂકી આવ્યો ને અણધાર્યો ખેંગારનો કેદી થયો. ત્યારે મંજરીએ પુરુષવેશે જઈ ગુપ્ત કેદખાનું શોધી કાકને છોડાવ્યો. તેની કલ્પનાશક્તિએ તેને પુરુષોત્તમરૂપે જોયો. તેના અંગેઅંગમાં રહેલું સ્ત્રીત્વ તેને માટે તલસતું હતું. ગુપ્ત સ્થાનેથી છૂટેલા કાક અને મંજરીએ વિષમ, માર્ગહીન, ભયંકર જંગલમાં પ્રયાણ કર્યું. આરંભકાળે મદમત્ત દશામાં બોલનારી મંજરી કાકની જોડે હંસની હંસી બનીને રહી. કાકના હૃદયમાં પ્રકાશ થયો. હ્રુદયની રુંધાયેલી પ્રેમજ્વાળા બહાર નીકળી. આ હતું વીર અને વિરાંગનાનું અલૌકિક સંવનન! ઊંચે તારકમણીમંડિત નીલગગન, આજુબાજુ જંગલના ઝાડ, પાષાણનું
પ્રેમલીલાગૃહ; પ્રચંડ વનકેસરી યુગલને છાજે એવી મેડીની પસંદગીમાં મુનશીનું કલાચાતુર્ય અનુભવાય છે. તો “ઉષાએ શું જોયું” પ્રકરણમાં મુનશીની કલ્પના અને  પ્રણયમાં રમમાણ યુગલનું વર્ણન ચરમ સીમાએ પહોંચે છે. “ઉષાના અચંબનો પાર રહ્યો નહિ. તેણે અનેક યુગલોને પ્રભાતમાં ઉઠાડ્યા હતાં, પણ આવું યુગલ તેણે કદી ભાળ્યું ન હતું. સ્ત્રીના મુખ પર લક્ષ્મીજી છાજે એવું અપૂર્વ સૌન્દર્ય હતું. પુરુષના કપાળ પર બૃહસ્પતિની બુદ્ધિ દીપતી, મીંચેલી આંખો પરથી પણ ચાણક્યની નિપુણતા યાદ આવતી. નિર્મળ પ્રભાતનો મીઠો આહ્લાદ અનુભવતાં, સ્વછંદે પથરાઈ રહેલી વનની શોભા નિહાળતાં, પ્રબળ પ્રેમનાં બંધનના ભાનથી મસ્ત બની તે બંને રસ્તો કાપવા લાગ્યા.”

વ્હાલા વાચકો, આપણે પણ એક રસ્તો કાપ્યા બાદ વિરામ લઈશું. મુનશીની વધુ રસસભર સૃષ્ટિને માણીશું આવતા અંકે….


સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી – ગુજરાતનો નાથ [૨]

  1. તમે લખેલ ક.મા.મુન્શી સાહિત્યની સમીક્ષા ખૂબ સરસ ઘડાઈ છે.

    ઘણા સંસ્મરણો ઉપસી આવ્યા. ગુજરાતી સાહિત્યનો પરિચય તેમના લખાણોમાંથી શરૂ થયો.

    ખાસ કરીને ર.મ.રાએ (મારા સ્વ. શ્રી બાપુ) “મુન્શી પાત્રો” ઉપજાવ્યા ત્યારે દિવસો સુઘી નીરખવાની તક મળી હતી.

    ધન્યવાદો – કનકભાઈ રાવળ

Leave a Reply

Your email address will not be published.