ભગવાન થાવરાણી
મુનીર નિયાઝી પણ એ શાયરોમાંના એક છે જે આખી જિંદગી વતનથી બેદખલ થઈ પોતાની રચનાઓ દ્વારા વતનને યાદ કરતા રહ્યા.
એમની એક જાણીતી નઝ્મ છે ‘ દેર કર દેતા હું મૈં ‘ શીર્ષકથી. હું જ્યારે પણ એ નઝ્મ એમના મુખે યુટ્યૂબ પર સાંભળું છું ત્યારે નીરખતો અને ઉકેલતો રહું છું એ નઝ્મને એકચિત્તે સાંભળી રહેલ કેટલીક સ્ત્રી – શ્રોતાઓના ચહેરાઓને ! ક્યારેક એવી ઈચ્છા પણ થાય કે એમના ભાવોને જ શેર ગણી એ વિષે ટિપ્પણી કરીએ !
મુનીર નિયાઝી સાહેબ પાકિસ્તાની ફિલ્મોના એક લોકપ્રિય ગીતકાર પણ હતા. વીતેલા દિવસોને યાદ કરવાનો એમનો અંદાઝ -એ – બયાં જૂઓ :
લાઈ હૈ અબ ઉડા કે ગએ મૌસમોં કી બાસ
બરખા કી રુત કા કહર હૈ ઔર હમ હૈં દોસ્તોં
અને વતનને યાદ કરવાનો આ તરીકો :
રોયા થા કૌન કૌન મુજે કુછ ખબર નહીં
મૈં ઉસ ઘડી વતન સે કઈ મીલ દૂર થા
પરંતુ એમનો જે શેર મને નખશીખ તરબતર કરી મૂકે છે તે આ છે :
જિન કે હોને સે હમ ભી હૈં ઐ દિલ
શહર મેં હૈં વો સૂરતેં બાકી …
કેટલાક લોકો હોય છે આપણી આજૂબાજૂ જે દૂર હોવા છતાં નજીક હોય છે, કારણ કે એ આપણા સમકાલીન, સમ-વિચારક અને સહ-પ્રવાસી હોય છે. શક્ય છે, એમની સાથે ભૌતિક સંપર્ક ક્વચિત જ થતો હોય પણ એક સાંત્વના હૈયે રહે છે કે એ લોકો છે તો આપણે સલામત છીએ !
એમનું હોવું માત્ર આપણને આપણા પણ હોવાનો અહેસાસ કરાવે છે, ધરપત આપે છે. હા, ઉંમરના ચોક્કસ પડાવે પહોંચ્યા પછી જ આવા લોકોનું મહત્વ તીવ્રતાથી અનુભવાય છે. જે જાણે છે એ જાણે છે !
ભલે દૂર – છો એટલી જાણ બસ છે
વળાંકો પછી એ દિશામાં વળીશું ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
શાયર નિયાઝી સાહેબ નો देर कर देता हूं मैं તેમને યાદગાર બનાવવા માટે પૂરતો છે… આપે લખ્યું છે તેમ તે શેર સાંભળતા શ્રોતાઓ ની તેમના અંતરંગ ની અભિવ્યક્તિઓ, જેમાં આપણે સહુ પણ દૂર બેઠા પણ આવી જઇએ.. દરેક ની ઝીંદગી મા કેટલી ઘટનાઓ આવી બની હશે તે સહેજે વિચારો મા આવી જાય… સરસ ફરી વાંચવો ગમે તેવો આપનો ટૂંકો પણ સચોટ લેખ.. આપના માં ના શાયર ને સલામ, થાવરાણી સાહેબ
પ્રતિભાવ સબબ આપનો ઋણી છું કિશોરભાઈ !
Aahaa
આભાર રીનાબેન !
કવિના શબ્દોમાં વાચક પોતાનો જ વિચાર અભિવ્યક્ત થતો અનુભવે ત્યારે એ કવિતા એમને ભાવથી ભીંજવી નાંખે છે, એ આ વીડિયોમાં પ્રગટ થાય છે. મુનીર નીયાઝીની શાયરીની એ જ સફળતા છે.
આપની ટૂંકી નોંધ પણ તેની અસરકારકતાને કારણે ધ્યાન ખેંચે છે.
મુનીર નિયાઝી સાહેબના વિડિયો બાબતે આપનું નિરીક્ષણ શત પ્રતિશત સત્ય છે.
રહી વાત મારી ‘ ટૂંક નોંધ ‘ ની તો આ લેખમાળાનું આયોજન જ એ ઉદ્દેશ્યથી કર્યું છે કે ઉતાવળિયા આ દૌરને અનુલક્ષી ઓછામાં ઓછાં શબ્દોમાં દરેક શાયરના મારા પસંદીદા એક જ શેરની વાત ફટાફટ આટોપી વાચકને આગળ વધી જવા મોકળાશ આપવી !
લખતી વખતે પણ એ વિમાસણ વીંટળાયેલી રહે છે કે ભાવકની સહનશક્તિ ને અતિક્રમી જાય એટલા બધા શબ્દો તો નથી થઈ ગયા ને !
પ્રતિભાવ બદલ આભાર !