અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : વ્રજ ધામથી નાયગ્રા ધોધ

દર્શા કિકાણી

૨૮/૦૬/૨૦૧૭

સવારે વહેલાં ઊઠ્યાં. તોરલની ઓફિસ ચાલુ હતી. તોરલ અને અમરીશભાઈ વહેલાં તૈયાર થઈ ગયાં જેથી બંને બાથરૂમ અમને ખાલી મળે. અમે પણ ફટાફટ તૈયાર થઈ ગયાં. નાસ્તો કર્યો અને સાત વાગ્યામાં તો ‘વ્રજ’ જવા નીકળી પણ ગયાં. ૫૦ માઈલ દૂર આવેલ વ્રજ મંદિર સંકુલ સમયસર પહોંચવું હતું.અમે ત્યાં પહોંચ્યાં ત્યારે સવારના દર્શન ચાલુ હતા એટલે આસપાસ કંઈ પણ જોયાં વગર પહેલાં મંદિરમાં દર્શન માટે પહોંચી ગયાં. બહુ સરસ મૂર્તિઓ હતી અને સુંદર ભક્તિ ચાલી રહી હતી. અમે ધન્ય ધન્ય થઈ ગયાં. દર્શન કરી બહાર આવ્યાં ત્યારે જ ખ્યાલ આવ્યો કે કેટલું સુંદર બિલ્ડીંગ હતું! અને આસપાસ ગિરિરાજ જેવો પર્વત બનાવ્યો હતો જેની ઉપર નાનાં નાનાં મંદિરો બનાવ્યાં હતાં, ગોપ-ગોપાલો ફરતાં હતાં, સુંદર ઉપવન બનાવ્યું હતું જેમાં વાછરડાં ચરતાં હતાં. બહુ પવિત્ર વાતાવરણ હતું. નાનકડા પર્વત પરથી નીચે પાર્કિંગમાં આવ્યાં તો દૂર મોટાં અક્ષરોમાં ‘જય શ્રી કૃષ્ણ’ લખ્યું હતું જે બે-ત્રણ માઈલ દૂરથી પણ વંચાય તેવું હતું. મંદિરના પ્રાંગણમાં એક મોટું સરોવર હતું. સરોવરમાં સરસ પક્ષીઓ તરી રહ્યાં હતાં. બહાર લોનમાં પણ બતકોનું ટોળું રમી રહ્યું હતું. એક સરસ ઝૂંપડી બનાવી હતી. આખું વાતાવરણ પાવન અને પવિત્ર હતું. બધાંએ બાંકડા પર બેસી શાંતિથી તેનો આનંદ માણ્યો.

વ્રજ્માંથી નીકળવાનું મન બિલકુલ થતું ન હતું પણ આગળની મંજિલ અમને પોકારી રહી હતી. ગાડીમાં અમરીશભાઈ તેમની અહીંની જિંદગી વિષે વાત કરતા હતા. છેલ્લાં ૪૨ વર્ષથી તેઓ અમેરિકામાં કામ કરે છે. ઓફિસરથી માંડીને ચીફ સુધીના જુદા જુદા હોદ્દાઓ પર તેમણે કામ કર્યું છે. તેમણે પોતાના કામ માટે ક્યારેય કોઈ જાતની લાંચ આપી નથી. વધુમાં વધુ ક્યારેક કોઈને જમવા લઈ ગયા હોય! તેઓ માને  છે કે તેઓ નસીબદાર છે કે આવા એકદમ સ્વચ્છ અને સલામત વાતાવરણમાં તેઓ ધંધો કરી શકે છે. રસ્તો બહુ સરસ હતો. રાજેશ પાસે ઇન્ટરનેશનલ ડ્રાઈવીંગ લાઈસન્સ હતું. તેને ઘણા વખતથી અમેરિકન હાઈવે પર ગાડી ચલાવવાનું મન હતું. અમરીશભાઈએ રાજેશને તે ચાન્સ આપ્યો. રાજેશે લગભગ ૧૨૦ માઈલ ગાડી ચલાવી. સુંદર પહોળા રસ્તાઓ અને સરસ વાહનો, એટલે ગાડી તો પાણીના રેલાની જેમ ચાલે! રાજેશ ગાડી ચલાવતા હતા ત્યારે અમરીશભાઈએ ત્યાંના રસ્તાઓ વિષે બહુ સરસ માહિતી આપી:

 • અમેરિકામાં આંતર-રાજ્ય રસ્તાઓની ગ્રીડ બની અને વિકસી ત્યારે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા :
 • રસ્તો એવો બનાવવો જોઈએ કે રસ્તા પર ક્યાંય ટ્રાફિક લાઈટની જરૂર ન રહે.
 • વાહન ઓછામાં ઓછી ૫૫ માઈલ/કલાકની ઝડપે ચાલી શકે તેવો રસ્તો હોવો જોઈએ.
 • ઓછામાં ઓછી બે લેનનો રસ્તો તો હોવો જ જોઈએ, એક લેન વાહન ચલાવવા માટે અને બીજી લેન ઓવરટેક કરવા માટે
 • ઉત્તર-દક્ષિણ એકી નંબરના રસ્તાઓ, દા.ત. કેલીફોર્નિયાનો ૫ નંબરથી શરુ કરી ન્યૂયોર્કનો ૯૫ નંબરનો રસ્તો
 • પૂર્વ-પશ્ચિમ બેકી નંબરના રસ્તાઓ, દા.ત. ફ્લોરિડા ૧૦ નંબરથી શરુ કરી છેક સેન્ટ ડીઆગો કે સિઆટલ સુધી
 • દરેક શહેરને ફરતો સરક્યુલર રસ્તો અથવા રીંગ રોડ હોવો જોઈએ
 • દરેક મોટા શહેરની આસપાસ ઉત્તર-દક્ષિણ આંતર-રાજ્ય રસ્તો અને પૂર્વ-પશ્ચિમ રાજ્યનો રસ્તો હોવો જોઈએ.
 • રીંગ રોડ રસ્તાનો ૩ આંકડાનો નંબર ઘણી માહિતી આપી શકે, દા.ત. ૧૫૫, ૨૫૫ … રસ્તો ન્યૂયોર્કનો હોય અને
 • ૨૭૬, ૩૭૬, ૪૭૬ …. રસ્તો ફિલાડેલ્ફીઆનો હોય.
 • રસ્તા પરથી શહેરમાં જવા કે વળવા બે એક્ઝીટ આવે A / B
 • રસ્તા પર દરેક માઈલે ફોનબુથ હોય. દરેક માઈલે એક્ઝીટની સૂચના પણ હોય.
 • એક દશાંશ માઈલે માઈલ માર્કર હોય!
 • સૂચના લખેલ અક્ષરથી ખબર પડે કે શું નજીક છે… દા.ત.નેશનલ પાર્ક માટે વાદળી રંગ વપરાય
 • એટલી સુંદર વ્યવસ્થા કે માણસ ભૂલો પડી શકે જ નહીં!

એક કાફે પાસે ગાડી ઊભી રાખી ચા-નાસ્તો કર્યા અને ગાડી પાછી અમરીશભાઈએ લીધી. અડધો કલાક ચલાવી હશે ત્યાં પાછળથી એક પોલીસે આવીને અમરીશભાઈને સિગ્નલ આપ્યો. તેમણે ગાડી ઊભી રાખી. અમારા મત મુજબ અને આસપાસની ગાડીઓની સ્પીડ જોતાં અમે ૬૫/૭૦ માઈલની ઝડપે જઈ રહ્યાં હતાં. પણ પોલીસનું માનવું હતું કે અમે ૮૦ માઈલની ઝડપે જઈ રહ્યાં હતાં. પોલીસે પહેલાં તો ગાડીના કાગળિયાં માંગ્યાં, અમરીશભાઈનું લાઈસન્સ તપાસ્યું. બધું બરાબર હતું. પછી કહ્યું કે અમે ગતિમર્યાદાની ઉપર જઈ રહ્યાં હતાં. અમરીશભાઈએ કોઈ પણ દલીલ કર્યા વગર ‘સોરી’ કીધું. પોલીસે તેમને ટિકિટ આપી, ગાડીનો નંબર અને બીજી વિગતો નોંધી અમને જવા દીધાં. અમે સૌ થોડાં નર્વસ થઈ ગયાં હતાં. આનું પરિણામ શું હોઈ શકે કે કેટલું ગંભીર હોઈ શકે તેની અમને ખબર ન હતી. અમરીશભાઈએ કહ્યું કે ગભરાવાનું કોઈ કારણ નથી. તેઓ ડીસ્ટ્રીક કોર્ટમાં અપીલ કરશે અને તેમનો ટ્રેક રેકોર્ડ જોતાં કોર્ટમાં આ ઘટના ને હળવાશથી લેવામાં આવે તેની પૂરેપૂરી શક્યતા છે. દોઢ-બે મહિનામાં બધું ક્લિઅર થઈ જશે. (આ લખું છું ત્યાં સુધીમાં તો કોર્ટમાં નિર્ણય આવી ગયો છે અને  અમરીશભાઈને કોઈ પણ પેનલ્ટી લાગી નથી.) કલાક કંઈ પણ વાતચીત વગર નીકળ્યો. અમે નાએગ્રા  ફોલ સ્ટેટ પાર્ક આવી ગયાં હતાં. નાએગ્રા નદી પર આવેલા (૩ ધોધના સમૂહ)નાએગ્રા ધોધ સુધી પહોંચી ગયાં હતાં! ગાડી પાર્કિંગમાં સખત ભીડ હતી. વ્યવસ્થિત જગ્યાએ ગાડી પાર્ક કરવામાં દસ-પંદર મિનિટ નીકળી ગઈ.

કેનેડા અને અમેરિકાની સરહદ પર આવેલ આ ધોધ દુનિયાનો સૌથી સુંદર અને વિખ્યાત ધોધ છે. આનાથી મોટો કે ઊંચો ધોધ કદાચ બીજો હશે પણ આટલી વિપુલતા અને સુંદરતા કદાચ ભાગ્યે જ હશે! અમે સૌ પ્રથમ ઓબ્ઝર્વેશન ડેસ્ક પર થઈ ગેલેરીમાં પહોંચ્યાં…… શું સુંદર દ્રશ્ય! તેનું વર્ણન કરવા શબ્દો પાંગળા પુરવાર થાય. અત્યાર સુધી ફક્ત ભૂગોળની ચોપડીમાં જ જોયેલ અને જાણેલ નાએગ્રા ધોધ આંખો સામે હાજર હતો! અમારી આંખો ખુલ્લી અને જડબાં પહોળાં રહી ગયાં!

નાએગ્રા ધોધની મઝા માણવા અમે બે રાઈડ લેવાનાં હતાં : મેઈડ ઓફ ધ મીસ્ટ (Maid of the Mist)અને કેવ ઓફ ધ વિન્ડસ ( Cave of the Winds). બહુ લાંબી લાઇનો હતી પણ લાઇનમાં ઊભા ઊભા ઘોડાની નાળના આકારમાં આવેલ નાએગ્રા ધોધ અને તેની ભવ્યતા સતત નજરે પડતી હતી એટલે લાઇનમાં ઊભા રહેવાની પણ મઝા હતી. ઓબ્ઝર્વેશન ડેસ્ક ખાસ્સી ઊંચાઈ પર હતી. નીચે નજર નાખો તો ધસમસતાં પાણી અને લોકોનાં ટોળા દેખાય. સામેની બાજુ કેનેડા અને ત્યાંના ટાવરો દેખાય. કહે છે કે નાએગ્રા ધોધ અમેરિકા કરતાં કેનેડામાંથી વધુ સારો દેખાય છે. અમારી પાસે કેનેડાના વિઝા અને પૂરતો સમય ન હોવાથી તે વિકલ્પ માટે વિચારવાનું હતું નહીં.ધીમે ધીમે આગળ વધતાં વધતાં લીફ્ટમાં થઈ નીચે ઊતર્યાં. અમને દરેકને સરસ રેઈનકોટ અથવા પોંચો આપવામાં આવ્યો. રાઈડની ટિકિટમાં જ આ બધી સવલતોના ચાર્જ લઈ લેવામાં આવતા હશે. રેઈનકોટ પહેરીને અમે એક મોટા જહાજમાં ગયાં. બહારની ખુલ્લી જગ્યામાં ઊભા રહેવા માટે બરાબર ધક્કામુક્કી હતી, પણ અમને સરસ જગ્યા મળી ગઈ. કંઈ વિચારીએ ત્યાં તો જહાજ ધીમે ધીમે ધોધની દિશામાં ચાલવા માંડયું……. સરસ વાંછટ ઊડતી હતી. જહાજે ગતિ પકડી અને પાંચ જ મિનિટમાં તો અમે જાણે છેક ધોધ સુધી પહોંચી ગયાં! ઘુઘવાટ કરતો પાણીનો મહાજથ્થો ! જાણે શક્તિ અને ભવ્યતા મૂર્તિમંત થતાં હોય તેવું લાગે!આંખ આગળ સફેદ ધુમ્મસની દીવાલ આવી ગઈ હોય તેવું લાગે. ઘૂઘવતા પાણીનો કાન બહેરા કરી નાખતો અવાજ અને લદબદ ભીંજવી નાખતા છાંટા સાથે સામે નજર પહોંચે ત્યાં સુધીની ધુમ્મસનીપોચા રૂ જેવી સફેદ દીવાલ….. અકલ્પ્ય, અવર્ણનીય! બસ પંદર મિનિટનો ખેલ પણ આખી જિંદગી યાદ રહી જાય તેવો અનુભવ! બોટ થોડી પાછી લઈ વળી થોડી આગળ લીધી અને છેલ્લે પાછી વાળી લીધી ….. ઉત્તેજનાનો ઊભરો સમતા વાર લાગી. શું જોયું તે સમજતાં અને ગળે ઉતારતાં વાર લાગે તેવું હતું! નજર સામે જે થતું હતું તે મનમાં ગોઠવાતાં સમય માંગે તેવું હતું. ભીનાંભીનાં બોટમાંથી ઊતર્યાં, રેઈનકોટ કાઢ્યો અને બીજી રાઈડની લાઈનમાં લાગી જવા તૈયાર થઈ ગયાં.

બીજી રાઈડ થોડે દૂરથી લેવાની હતી. ચાલીને ત્યાં પહોંચતાં વચ્ચે રસ્તામાં ફૂલોથી ભરેલો સુંદર બગીચો આવ્યો. મન મારીને આગળ નીકળી ગયાં, બાકી બેસવાની મઝા આવે તેવો બાગ હતો. બીજી રાઈડનું નામ હતું ‘કેવ ઓફ ધ વિન્ડસ’. આ ખરેખર રાઈડ ન હતી, અમારે જ નીચે ઊતરી ઉપર ચઢવાનું હતું! અમને લપસી ન જવાય તેવા સેન્ડલ અને પોંચો આપ્યાં તે પહેરી અમે તૈયાર થઈ ગયાં. વળી લીફ્ટમાં ૧૭૦-૧૭૫ ફૂટ નીચે ગયાં અને નવો અનુભવ કર્યો! ૧૫-૨૦ પગથિયાંનું એક પ્લેટફોર્મ બને એવાં ૮-૧૦ પ્લેટફોર્મ બનાવ્યાં હતાં. જાણે એક પર એક પ્લેટફોર્મ ચઢતાં તમે ધોધની નજીક ને નજીક જતાં જાવ. સીડીઓની આ હારમાળાને ‘નવવધૂનો ગળાનો હાર’  ( Bridal Necklace) પણ કહે છે. કાળા ખડકોની ઉપર પડતો સફેદ મહા જળપ્રપાત ! પાણીનો ઘુઘવાટ અને જોરદાર ઉડતાં છાંટા, લપસી જવાય તેવાં પગથિયાં અને આસપાસ ફરતાં પ્રવાસીઓ! અદ્ભુત દ્રશ્ય ! થોડી બીક લાગે, થોડી ઉત્તેજના થાય, થોડા સાહસનો અનુભવ થાય ! પાણી અને ખડકો એટલાં નજીક કે તેમને અડકી લેવાની લાગણી રોકાય નહીં ….. સલામતી અને વ્યવસ્થા એટલી સારી કે નજીકથી તમે આ બધું માણી શકો. ભૂગોળની ચોપડીમાં જોયેલો નિર્જીવ નાએગ્રા ધોધ નજર સામે જીવતો અને જાગતો  ઊભો હતો ! બહુ ધમાલ કરી, બહુ દોડાદોડ કરી અને નાએગ્રા ધોધને માણ્યો.

બહાર નીકળી રસ્તા પર આવ્યાં તો બહુ સરસ રેસ્ટોરાં સામે જ હતી. નામ પણ સરસ હતું : ટોપ ઓફ ધ ફોલ્સ રેસ્ટોરાં ( Top of the Falls Restaurant). ચા-કૉફી પીવાનું મન હતું એટલે અંદર તો ગયાં પણ બહુ ભીડ હતી. કલાક રોકાવું પડે એવું હતું. અમારી રોકવાની તૈયારી ન હતી. ચાલતાં ચાલતાં પાછાં ઓબ્ઝર્વેશન ડેસ્ક નજીક આવ્યાં. થોડે દૂર નાની રેસ્ટોરાં જેવું હતું અને બેસવાની વ્યવસ્થા પણ હતી. રાજેશ અને અમરીશભાઈ ગાડીમાંથી નાસ્તો લઈ આવ્યાં અને અમે ચા-કૉફી વગેરે મંગાવી રાખ્યું. ઘરેથી લાવેલો સરસ કોરો નાસ્તો કરીને પાછાં ઓબ્ઝર્વેશન ડેસ્ક પર પહોંચી ગયાં, નાએગ્રા ધોધનું નવલું  સ્વરૂપ જોવાં! ધીમે ધીમે અંધારું થવા લાગ્યું હતું. અંધારામાં પણ નાએગ્રા ધોધની ભવ્યતા જારી હતી! અમને કહેવામાં આવ્યું હતું કે રાતના નાએગ્રા ધોધ પર રંગબીરંગી લાઇટો કરવામાં આવે છે! લાઇટો જોવા અસંખ્ય લોકો ભેગાં થયાં હતાં. સમય થતાં સાડા નવે પ્રકાશનો એક લિસોટો દેખાયો. અને પછી તો રંગબીરંગી સુંદર પ્રકાશમાં નાએગ્રા ધોધ નવાં જ સ્વરૂપે દેખાયો. રંગીન પ્રકાશ આમ પણ નાટ્યાત્મક દ્રશ્યો સર્જવા વપરાય. અહીં તો ઓરીજીનલ દ્રશ્ય જ એટલું ભવ્ય અને નાટ્યાત્મક હતું કે રંગીન પ્રકાશે  તેની ભવ્યતામાં અનેક ગણો વધારો કર્યો હતો. એક ક્ષણ માટે પણ નજર ધોધ પરથી હટે તેવું ન હતું.પંદર મિનિટના સમયમાં અનેક જગ્યાઓથી જાતજાતના અને ભાતભાતના રંગોની કમાલ જોઈ બધાનાં દિલ ખુશ થઈ ગયાં ! ત્યાં તો ફટાકડા ફૂટવા શરુ થયાં. આ ટ્રીપમાં ડિઝની વર્લ્ડમાં બે વાર ક્રેકર શો જોયો હતો, પણ આ ક્રેકર શો તો ધોધને કિનારે હતો એટલે તેનું રૂપ તો સાવ અલગ અને આગવું હતું! આબાલ વૃદ્ધ સૌ કોઈ હેરત પામી જાય તેવો અદ્ભુત શો જોઈ અમે ઓબ્ઝર્વેશન ડેસ્ક પરથી નીચે આવ્યાં.

હવે તો બરાબર થાક્યાં હતાં! ચાલવાની બિલકુલ શક્તિ ન હતી. અમરીશભાઈ અને રાજેશ ગાડી લઈ આવ્યાં. અમે ગાડીમાં ગોઠવાયા અને ૨૦-૨૫ માઈલ દૂર આવેલ બફેલો શહેરમાં રાતવાસો કર્યો. રાતના તો કેવું શહેર છે કે આસપાસ શું છે તે જોવાના હોશ હતા નહીં. અમરીશભાઈએ સરસ હોટલમાં બુકિંગ કરાવ્યું હતું અને અમે તો ખાટલામાં પડ્યા તેવા સૂઈ ગયાં કે વહેલી પડે સવાર!


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : વ્રજ ધામથી નાયગ્રા ધોધ

 1. Wonderful description and so nicely covered! One of our most favorite places in USA. I felt so privileged and fortunate to accompany you four to this “ heaven on earth” beauty!
  One small correction. Ring road 355 is outside of Chicago as interstate 55 (north-South) passes thru Chicago ( not New York) Also, there is I 90 (east-west) and hence 290 ring road. No 155 or 255 there to my knowledge.
  Thank you! Lovely job!

  1. Thanks, Amrishbhai! I will check up and make required alterations…….

   The tour is nearing the end…..

  2. Darsha, Very nicely explained your experience including Vraj 🙏🏻🙏🏻 and the Niagara Falls, one of the 7 Wonders of the World.
   Toral & Amrish are great hosts.
   Mala & Jayendra

 2. Niagara Falls is amazing. Very nice writing.about the Vraj Temple and Niagara. Thank you for visiting Allentown.

 3. નાયગ્રા ધોધ એક હનીમૂન ગંતવ્ય તરીકે ઐતિહાસિક રીતે પ્રસિદ્ધ છે. આ મુલાકાતીઓ તે ઐતિહાસિક પ્રતિષ્ઠા તાજી કરાવે છે.

 4. Darsha ben you really missed much better view from Canadian side.When time permit do visit from Canadian side.

 5. Very comprehensive coverage! I am sure Dilip and Amrish would love to recall every single moment of the journey. Thanks from the bottom of my heart ❤️

Leave a Reply

Your email address will not be published.