ફિર દેખો યારોં : યુદ્ધ જીતી શકાય, દ્વેષને જીતવો અઘરો છે.

બીરેન કોઠારી

‘અમે ૧૯૭૦માં મળ્યા ત્યારે તેમણે તરત જ દોસ્તીનો હાથ લંબાવ્યો અને તેમણે મને જરૂરી સૂચનો આપ્યાં. તેમની આ ઉમદા માનવીય ચેષ્ટા હું કદી ભૂલી શકું એમ નથી.’ વકીલ, ભૂતપૂર્વ તલવારબાજ અને આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક્સ સમિતિના પ્રમુખ એવા થોમસ બાક દ્વારા એક વ્યક્તિને અપાયેલી અંજલિમાં આમ કહેવાયું હતું. જેમના માટે નિમિત્તે બાકે આમ કહ્યું એમનું નામ ડેવિડ ડશમેન, જે ગયા જૂનની ચોથી તારીખે, ૯૮ વર્ષની પાકટ વયે અવસાન પામ્યા. આ શ્રદ્ધાંજલિમાં પહેલી નજરે અસામાન્ય કશું નથી, પણ આ વાક્યોને બન્ને વ્યક્તિઓની ઓળખ મેળવ્યા પછી ફરી એક વાર જોવા જેવાં છે.

થોમસ બાક જર્મન તલવારબાજ હતા. ડેવિડ ડશમેન સોવિયેત યુનિયનની મહિલા તલવારબાજની ટીમના યહૂદી પ્રશિક્ષક હતા. પણ ડશમેનની આ ઓળખ તેમના જીવનના બીજા તબક્કે બનેલી.

એ અગાઉ તે સોવિયેત યુનિયનની લાલ સેનાના સૈનિક રહી ચૂકેલા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન હીટલરની નાઝી સેનાએ યહૂદીઓના સામૂહિક સંહાર માટે અનેક કોન્‍સન્‍ટ્રેશન કેમ્પ શરૂ કરેલા. યહૂદી પુરુષો, મહિલાઓ, બાળકો સહિત સૌ તેમાં મૃત્યુની પ્રતિક્ષા કરતાં. જર્મનોએ કબજે કરેલા પોલેન્ડના ઓશવિત્ઝ-બર્કનાઉનો આવો કેમ્પ સૌથી મોટો ગણાય છે. એક અંદાજ મુજબ, આ કેમ્પમાં અગિયાર લાખ જેટલા યહૂદીઓને બેરહમીપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ યહૂદીઓ અહીંથી ભાગી ન શકે એ માટે આખા કેમ્પની ફરતે કાંટાળા તારની ઊંચી વાડ બનાવવામાં આવી હતી, જેમાંથી વીજપ્રવાહ વહેતો રખાયો હતો. રશિયન ભૂમિસેનાની ૩૨૨મી રાયફલ ડિવિઝન માટે માર્ગ મોકળો કરવા સૌ પ્રથમ રશિયન બનાવટની ટી-૩૪ ટેન્કની ટુકડીએ આ કેમ્પ પર 1945માં આક્રમણ કર્યું. આવી એક ટેન્‍કના ચાલક હતા ડેવિડ ડશમેન. તેમણે કેમ્પના મુખ્ય દરવાજેથી પ્રવેશ લેવાને બદલે સીધી કાંટાળા તારની વાડને જ જમીનદોસ્ત કરી દીધી હતી. બાર હજાર સૈનિકોની મજબૂત ડિવિઝન પૈકી બચી ગયેલા ફક્ત 69 સૈનિકો પૈકીના ડશમેન એક હતા. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.

અલબત્ત, નાઝીઓએ આચરેલા અમાનવીય અત્યાચારનો અસલી અહેસાસ એ સૈનિકોને એકદમ આવ્યો ન હતો. ડેવિડે પછી એક અખબારને આપેલી મુલાકાત દરમિયાન કહેલું: ‘અમને ઓશવિત્ઝ વિશે ભાગ્યે જ કશી જાણ હતી. ઠેરઠેર એ જીવતાં હાડપિંજરો વિખરાયેલાં હતાં. અમને જોઈને તેઓ બરાકમાંથી બહાર નીકળી આવ્યા, અને મૃતકોની વચ્ચે જ બેઠેલા કે સૂતેલા. અમે તેમની તરફ અમારા ખોરાકના ડબ્બા ફેંક્યા અને સીધા નાઝી સૈનિકો પર આક્રમણ કરવા ધસી ગયા. આ કેમ્પમાં કરાયેલા ભયાનક અત્યાચાર વિશે તો અમને પછી જાણ થયેલી.’ આ કેમ્પમાં રહેલા સાતેક હજાર યહૂદીઓનો છૂટકારો થયો હતો.

ડશમેન ભલે રશિયન સૈનિક હતા, પણ યહૂદી હતા. પોતાના જાતભાઈઓ સાથે થયેલો આ અત્યાચાર નજરે જોયા પછી મગજનું સંતુલન જાળવવું અઘરું થઈ પડે. આવી ભયાનક સ્મૃતિઓ ઘણાખરા કિસ્સામાં આજીવન કેડો મૂકતી નથી. ડેવિડ ડશમેન આમાં સુખદ અપવાદ બની રહ્યા હતા. આ પૃષ્ઠભૂમિના પરિપ્રેક્ષ્યમાં જર્મનીના થોમસ બાકે તેમને આપેલી શ્રદ્ધાંજલિનું મહત્ત્વ વધુ સારી રીતે સમજી શકાશે. કેમ કે, ડશમેન શોષિત અને પીડિત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હતા, જ્યારે થોમસ બાક શોષક સમાજના હતા. આથી જ થોમસ બાકને ડશમેનનો આવો મૈત્રીપૂર્ણ વર્તાવ વિશેષ યાદ રહી ગયો હતો.

યુદ્ધ પછી ડેવિડ ડશમેને તલવારબાજ (ફેન્‍સર) તરીકેની કારકિર્દી અપનાવી. ૧૯૫૨થી ૧૯૮૮ના લાંબા અરસા સુધી તેઓ સોવિયેત યુનિયનની રાષ્ટ્રીય મહિલા ફેન્‍‍સિંગ ટીમના તાલીમકાર તરીકે કાર્યરત રહેલા.

દ્વિતીય વિશ્વયુદ્ધની કરુણાંતિકા ઓછી હોય એમ, વધુ એક કરુણાંતિકાના સાક્ષી બનવાનું ડેવિડ ડશમેનના ભાગે આવેલું. ૧૯૭૨માં જર્મનીના મ્યુનિકમાં યોજાયેલી ઑલિમ્પિક્સ રમતો દરમિયાન પેલેસ્ટાઈનના ઉગ્રવાદીઓએ ઈઝરાયલના અગિયાર યહૂદી ખેલાડીઓ-પ્રશિક્ષકોને ઠાર માર્યા હતા. આ રમતોત્સવમાં ડેવિડ સોવિયેત યુનિયનની મહિલા તલવારબાજ ટીમના તાલિમકાર તરીકે હાજર હતા. ઠાર મરાયા એ યહૂદી ખેલાડીઓના નિવાસની સાવ પાસે જ ડેવિડનો આવાસ હતો. પોતે યહૂદી હોવાને કારણે આ હત્યાકાંડથી તેઓ ભયભીત થઈ ગયા હતા.

ઓશવિત્ઝના મુક્તિદાતા એવા ઘણા રશિયન સૈનિકોને ઈનામ-અકરામથી વિભૂષિત કરાયા હતા, તેમજ ઓશવિત્ઝમાં યોજાતા વિવિધ સ્મૃતિ કાર્યક્રમોમાં તેમને નિમંત્રવામાં આવતા. ડેવિડ ડશમેનનું પ્રદાન પ્રમાણમાં ઓછું હોવાથી કદાચ તેમને કોઈ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો ન હતો. ડેવિડને એની સામે કશો વાંધો પણ નહોતો. ઓશવિત્ઝ પાછા જવાનો વિચાર જ તેમના માટે પીડાદાયી હતો. ૧૯૭૦ના દાયકામાં તેમણે વધુ એક વાર ઓશવિત્ઝની મુલાકાત લીધેલી ત્યારે કહેલું: ‘મારું રૂદન કેમે કરીને અટકતું નહોતું.’ જીવનના ઉત્તરાર્ધમાં તે જર્મનીના મ્યુનિકમાં સ્થાયી થયેલા.

‘ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. પહેલાં કરુણ રીતે, અને પછી ફારસ તરીકે’, ‘ઈતિહાસ વિજેતાઓ દ્વારા જ આલેખવામાં આવે છે’, ‘જે પ્રજા ઈતિહાસને જાણતી નથી તેણે ઈતિહાસ જીવવો પડે છે.’ આ અને આવી અનેક પ્રચલિત અને ચવાઈ ગયેલી ઉક્તિઓ ઈતિહાસ અંગે કહેવાયેલી છે. ઈતિહાસમાં રમમાણ બની રહેવા માટે નહીં, પણ તેમાંથી બોધપાઠ ગ્રહણ કરવા માટે ઐતિહાસિક સ્મૃતિઓનું આગવું મહત્ત્વ છે. માનવઈતિહાસના ક્રૂરતમ અને શરમજનક અધ્યાય એવા ઓશવિત્ઝકાંડની સ્મૃતિમાં ત્યાં એક સંગ્રહસ્થાન ખડું કરાયું છે. યુદ્ધની ભીષણતા અને નિરર્થકતા સમજવાની દિશા તરફનું એ એક મહત્ત્વનું પગલું છે. ડેવિડ ડશમેન આ ઈતિહાસનું એક જીવંત પૃષ્ઠ હતા.

દ્વિતીય વિશ્વયુદ્ધમાં જેમણે પ્રત્યક્ષ ભાગ લીધો હોય એવા કદાચ છેલ્લા હયાત સૈનિક તરીકે તેમની ચીરવિદાયનું આગવું મહત્ત્વ ખરું, પણ એટલું જ, બલ્કે એથી વિશેષ મહત્ત્વ એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકેના તેમના અભિગમનું છે. આથી જ, જીવતે જીવ પણ તે સન્માન પામતા રહ્યા અને આટલી પાકટ વયે તેમની વિદાય થઈ હોવા છતાં વિશ્વભરનાં માધ્યમોમાં તેની સગૌરવ નોંધ લેવામાં આવી છે.

ડશમેન કહેતા કે ભાવિ પેઢી માટે મારી સૌથી મોટી આશા અને સ્વપ્ન એવા વિશ્વમાં વસવાનું છે કે જ્યાં યુદ્ધ ન હોય. યુદ્ધ ફરી કદી થવું જોઈએ નહીં. બીજા વિશ્વયુદ્ધ પછી ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી, પણ યુદ્ધખોર માનસિકતા વકરતી રહી છે ત્યારે ડશમેનના શબ્દો યાદ રાખવા જેવા છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧-૭–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ – તસવીરો  નેટપરથી સંદર્ભિત સ્રોતના સૌજન્યથી લીધેલ છે.

Author: Web Gurjari

1 thought on “ફિર દેખો યારોં : યુદ્ધ જીતી શકાય, દ્વેષને જીતવો અઘરો છે.

  1. એ પીડિતોની વ્યથા આપણે કદી સમજી ન શકીએ. પણ આવાં લખાણ જ્યારે જ્યારે વાંચવા મળે છે ત્યારે એવું કદી ન બને , એવો ભાવ જરૂર મનમાં આવે છે. હૃદયપૂર્વક નમન .

Leave a Reply

Your email address will not be published.