નિરુપમ છાયા
‘એક ગુફામાં બત્રીસ બાવા’… નવરાશના સમયમાં બાળકો ભેળાં થયા હોય અને બુદ્ધિગમ્ય રમતો પણ ચાલે ત્યારે આવા કોયડા, ઉખાણાં પૂછવાનું શરુ થાય એ સહુની સ્મૃતિમાં હશે જ. એક સમય હતો કે આજ જેવાં મનોરંજનન સાધનો નહોતાં ત્યારે પોતામાં રહેલી વિવિધ શક્તિઓને બહાર લાવવા અને બુદ્ધિવિકાસ માટે સમયનો સદુપયોગ થાય એ માટે એવી કેટલીક રમતો રમાતી અંતકડી, કોયડા-ઉખાણાં પૂછવાં વગેરે પણ થતું. ગમ્મત સાથે જ્ઞાન મેળવવાનો, આંતરિક શક્તિના વિકાસનો એની પાછળ ઉદ્દેશ રહેતો.
આજે તો વૈજ્ઞાનિક યુગની સાથે જ મનોરંજન અને બુદ્ધિવિકાસનાં સાધનોમાં વધારો થયા પછી આધુનિક વીજાણું યુગમાં તો કલ્પનાતીત અને આંગળીને ટેરવે એ બધું સરળતાથી શક્ય બન્યું છે. પણ એક સમયે આ ઉખાણાં પૂછવાની, કોયડામાં વાત કહેવાની એક પરંપરા હતી. અને બધીયે ભાષામાં, અને ખાસ કરીને એ બધી ભાષાનાં લોકસાહિત્યમાં આ બાબત જોવા મળે છે.સામાન્ય વ્યવહાર, સાધનો, પ્રકૃતિ તેમજ મનુષ્યકૃત ચીજવસ્તુઓ, ક્રિયાઓ વગેરેને જોતાં જન્મેલાં કુતૂહલને વિશિષ્ટ વાતચીતના પ્રસંગો વખતે અન્ય માટે પોતાની વાત દુર્બોધ બની રહે એવી પદ્ધતિ કે શૈલીથી મૂકાય એ બની જાય આ કોયડા. બાળકો જ નહી, પુખ્ત લોકો પણ એમાં જોડાઈ, આનંદ મેળવતા. સંસ્કૃત ભાષામાં પણ આ પ્રકાર જોવા મળે છે. જેને પ્રહેલિકા કે પહેલી કહેવાય છે. કચ્છી ભાષામાં પણ મળતાં આ સાહિત્યનો થોડો પરિચય મેળવીશું. સંસ્કૃત ભાષા પરથી કચ્છી શબ્દ બન્યો ‘પિરૂલી’.એટલે કે ‘ન સમજાય તેવી વાત’. પંડિત રામનરેશ ત્રિપાઠીના મતાનુસાર વિચારોનું આદાનપ્રદાન થવા લાગ્યું ત્યારથી પહેલિકા- પિરૂલીનો પ્રવેશ થયો. કચ્છના જાણીતા ઇતિહાસવિદ અને લેખક શ્રી ઉમિયાશંકર અજાણી નોંધે છે તેમ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના જાણીતા ગ્રંથ દંડીકૃત કાવ્યલક્ષણામાં જણાવ્યું છે કે પ્રહેલિકાનો ઉપયોગ ક્રીડા, ગોષ્ઠિ, વિનોદ તેમ જ અન્યની હાજરીમાં ગુપ્ત વાતવ્યવહાર કરવામાં અને મતિ મૂંઝવવા થતો.
કચ્છી ભાષાના વિવિધ ક્ષેત્રે નિસ્બતપૂર્વક કાર્યરત અને સર્જક શ્રી લાલજી મેવાડાએ પિરૂલી અંગે પણ ઊંડા અભ્યાસ અને સંશોધન પછી ‘પિરૂલી પ્રધાનજી’ પુસ્તકનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ કર્યો.. બીજો ભાગ આગામી આષાઢી બીજના રોજ પ્રકાશિત થશે. શ્રી લાલજી મેવાડા (+91 8320313731) ના ઋણસ્વીકાર સાથે એ પુસ્તક્માંથી જ તારવેલી વિગતોને આધારે કચ્છી લોકસાહિત્યમાં પિરૂલી વિષે અહીં વાત કરી છે.
કચ્છી ભાષાપ્રેમીઓ અનુસાર પિરૂલીના માધ્યમથી વ્યક્તિને શાબ્દિક વ્યંજનાના વ્યુહને ભેદી, કથનના હાર્દ સુધી પહોંચતાં સાત્વિક આનંદની અનુભૂતિ અને બૌદ્ધિક ક્ષમતાનો પણ ખ્યાલ આવે છે. પીરૂલીમાં મનોરંજન અને બુદ્ધિચાતુર્ય તો ખરાં જ પણ નિજાનંદ માટે લોકકવિની જે દૃષ્ટિ છે તે અજોડ છે. કદાચ શાસ્ત્રોનો અભ્યાસ નહીં હોય, પણ પાંડિત્ય બહોળું છે.રજૂઆત કરવાની અને વિષયને મુલવવાની શક્તિ છે. કેટકેટલાં પાસાંને પિરૂલીમાં વણી લીધાં છે.! કચ્છી લોકસાહિત્યમાં આ મહામૂલી મૂડીમાં પૂછવાની અને જવાબ આપવાની ભિન્નભિન્ન રીતોને આધારે પિરૂલી ઉપરાંત ગૂઢા, પાયકા, ચોપાયા ગુજારથું વગેરેને સમાવતા આવા છવ્વીસ કે સત્તાવીસ જેટલા પ્રકારોમાંથી માત્ર પાંચ કે સાત પ્રકારો હાલ જોવા મળે છે, જે પણ લુપ્ત થવાના આરે છે.
પિરૂલીનો ઉત્તર આપવા માટે ‘ફોડ કરવો’ શબ્દ વપરાય છે. ફોડ માટે પિરૂલીની કેટલીક ખાણ એટલે કે ઉત્પત્તિસ્થાન છે. આપણે એના મુખ્ય પ્રકારો જ જોઈશું. જર એટલે કે ઓરનો પડદો ફાડીને નીકળે અથવા નીકળ્યા પછી ઓર પડે તે–મનુષ્ય, પશુ, ગાય, ભેંસ, છાણ, દાંત શીંગડા વગેરે જરાયુજનું અપભ્રંશ–‘જરોજ’, બીજાં પ્રકારમાં અંડજનું અપભ્રંશ થઈ ખાણ બની ‘ઈનોજ’ એટલે કે ઈંડા મૂકનાર વર્ગ અને તેની બનાવટો જેમ કે પક્ષીઓ, સાપ, છીપ, માખી, કીડા, મોતી, વગેરે .. ત્રીજો પ્રકાર લોખંડ, પથ્થર, તાળું કૂંચી, સોનું, રૂપું વગરે પદાર્થો સમાવતો શીતોજ, ચોથા પ્રકાર ઉદભોજમાં ઊધઈ ખાય તેવી વસ્તુઓ આવે. એ જ રીતે માટીમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓના પ્રકારની એક ખાણ મીનોજ પણ છે. આ ઉપરાંત રાજા મહારાજાઓ અને તે સમયની ઘટનાઓ પર આધારિત સોદાગરી, શાસ્ત્રમાંથી દૃષ્ટાંત કે કથાનો આધાર ધરાવતો શાસ્ત્રી, ભૂતકાળમાં બનેલી ઘટના મસાઈલ, દૃશ્ય જોઈને આલેખાયેલ એ ડિઠોડી વગેરે પ્રકારો ઉપરાંત એવોયે એક વિશિષ્ટ પ્રકાર છે કે જેમાં સવાલ સાથે જવાબ હોય પણ તેની ફોડ ન હોય તે ‘પડુત્તર’. આ ઉપરાંતના બીજાં પ્રકારોયે છે પણ અહીં બહુ શાસ્ત્રીય સુક્ષ્મતામાં આપણે જતા નથી.
પિરૂલીમાં વર્ણસામિપ્ય, અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ,વિરોધાભાસી, એકાક્ષરી, અનેકાર્થી, ઉભયાર્થી, જેવા પ્રયોગો અને અલંકારો વગેરેથી ભાષા સૌન્દર્ય પણ પામી શકાય છે. હવે આપણે વિવિધ પ્રકારની થોડીએક પિરૂલીઓનો રસ માણીએ.
‘ કુડતી કુટજે ધૂડતી ધબજે, મા વિઠી કુંવારી નેં ધી તીં પેંણજે.’ માતા કુંવારી બેઠી છે અને દીકરીનાં લગ્ન લેવાય છે. વાત સત્ય છે છતાં જુઠ્ઠાણું એટલું કુટાય છે કે એને કારણે ધૂળ ઉડતી નથી, દબાય છે. એક બાળકી ઢીંગલા ઢીંગલીનાં રમતમાં પોતે માતા બની એનાં લગ્ન કરાવતી હતી એ દૃશ્ય જોઈ કવિને ઉપરોક્ત પિરૂલી સૂઝી. વળી, કચ્છી ભાષામાં સંબંધો પર રચાયેલી પિરૂલીઓ પ્રચુર માત્રામાં મળે છે. એવી જ એક આ રસપ્રદ પિરૂલી. બે ચાર બહેનો ભેગી થાય એટલે અલકમલકની વાતો સાથે પરિવારની વિગતો પણ જાણી લે છે. એમાંથી પિરૂલી જન્મે છે. એક બહેન બીજી બહેનને પૂછે છે, ‘ભેણ તોજા ડેર-જેઠ કિતરા?’ (બહેન, તારા દેર-જેઠ કેટલા?) બીજી જવાબને બદલે પિરૂલી કહે છે, ‘ભેણ મુંજે સોરેજા પંજ પુતર, તેંમેં મુંજો કો ડેર નાંય, નેં મુંજો કો જેઠ નાંય.’ (મારા સસરાના પાંચ પુત્રો પૈકી મારો કોઈ દિયર નથી કે કોઈ જેઠ નથી.) આનો ઉત્તર છે, દ્રૌપદી. પાંચ પતિની એ પત્નીને દેર કે જેઠ ન જ હોય ને? એવી પિરૂલીઓ પણ હોય જેના જવાબ એકથી વધારે હોય. જુઓ આ પિરૂલી. ‘મોં વિગરજી માટલી છિલોછિલ ભરલ.’ હવે મોં વગરની માટલી અને છલોછલ ભરી હોય એ શું? તો એનો એક ઉત્તર નાળિયેર છે અને બીજો ઉત્તર ઈંડું પણ થાય. બંને સાચા. એ જ રીતે એકથી વધારે પિરૂલીનો ઉત્તર એક જ હોય એવું પણ બને. ‘પેટમેં પાણી કેંજે?’,(કોનાં પેટમાં પાણી?) ‘ભિતમેં ભિત ને પછીતમેં પાણી.’, ‘પેટમેં સમુદ્ર સમાણું આય, પ અગત્સ્ય ઋષિ નાય’.(પેટમાં સમુદ્ર છે પણ અગત્સ્ય ઋષિ નથી.) ‘ત્રે અખિયું પ શંકર નાંય’.(ત્રણ આંખ છે પણ શંકર નથી.) ‘વલ્કલ પેરેતો પ રામચંદ્ર નાંય’. (વલ્કલ પહેર્યા છે પણ રામ નથી.) આ બધી પિરૂલીનો ઉત્તર એક જ: નાળિયેર.
બે વ્યક્તિ વચ્ચેના સંવાદ પણ પિરૂલીમાં થતા હોય. ઉદાહરણ જોઈએ. રાણો અને કાણો એ બે જણા સંવાદ કરે છે. રાણું ચે તો કાણે કે, કેડો તોજો ગામ? કાણો ચે, ‘છ નેં છ ભેરા થીએં, ઈ આય મુંજો ગામ.’ એટલે કે, રાણો પૂછે કાણાને, ‘કયું તારું ગામ?’ કાણો કહે, ‘છ ને છ મળે એ મારું ગામ.’ છ ને છ થાય બાર. કચ્છીમાં તેને બારો કહે. અને ‘બારો’ એ કચ્છના બાડા નામનાં ગામને પણ કહે છે. આ બંને વચ્ચેનો બીજો સંવાદ જોઈએ.
રાણું: તું કુરો કરીયેંતો યાર કાણા? (રાણો: અરે કાણા તું શું કરે છે? )
કાણો: મિંજ વારેં કે મિંજ રખાંતો ને બારવારેં કે બાર. (કાણો: અંદરની વસ્તુ અંદર રાખું છું, અને બહારની વસ્તુને બહાર રાખું છું.)
કાણો ભોંયસીંગ ખાતો હતો.એટલે ભોયસીંગની અંદરના દાણાને અંદર એટલે કે પેટમાં રાખતો હતો અને બહારની વસ્તુ એનાં ફોતરાંને બહાર નાખતો હતો. હવે જયારે કાણાએ રાણાને પૂછ્યું ત્યારે રાણાએ જવાબ આપ્યો,
બારવારેં કે મિંજ રખાંતો નેં મિંજવારેકે બાર.’ (બહારની વસ્તુને અંદર રાખું છું અને અંદરની વસ્તુને બહાર નાખી દઉં છું.)
કાણાભાઈ સમજી ગયા કે રાણાભાઈ ખજૂર ખાઈ રહ્યા છે અને તેનો ઉપરનો ભાગ ખાઈને અંદરના ઠળિયા બહાર નાખી રહ્યા છે.
પહેલાના સમયમાં નાણાની લેતીદેતી ખેપિયા એટલે કે એક સંદેશવાહક દ્વારા થતી. પણ ખેપિયો કંઈ આડું અવળું ન કરી શકે એટલે એક ચિઠ્ઠીમાં પિરૂલી લખેલી હોય જેની ફોડથી કેટલી રકમ મોકલી છે એ સ્પષ્ટ થઈ જાય. હવે એક વખત એક વેપારીએ નાણા મોકલ્યાં અને ખેપીયાએ નાણા લેનારને ૧૦ કોરી આપી.(કોરી કચ્છનું એક ચલણ હતું.) મેળવનારે ચિઠ્ઠી વાંચી. એમાં લખ્યું હતું :
ત્રે ત્રીએંજી ત્રિઈ પતી, નવતેરેજો અધ, પંજો રાખી છિકેતેં નેં ઇનતે આશરો બધ.
ત્રણ અને ત્રીસ એટલે તેંત્રીસનો ત્રિઈ પતી એટલે કે ત્રીજો ભાગ =૧૧
નવ અને તેરના અડધા =૧૧ અને પાંચ ઉપર છ =૧૧ આમ ૧૧ કોરી લેવાની હતી. પણ ખેપીયાએ એક સેરવી લીધી અને ૧૦ આપી. પછી તો ગામના ડાહ્યા માણસોને આ ચિઠ્ઠી વાંચવી અને છેવટે ખેપીયા પાસેથી ૧ કોરી વસૂલ કરી.
ભારત આઝાદ થયું ત્યાં સુધી કચ્છ દેશી રાજ્ય હતું અને કચ્છમાં ચલણી નાણું કચ્છ રાજ્યનું પોતાનું હતું. પણ આઝાદી પછી કચ્છનું ભારત સંઘમાં વિલીનીકરણ થયું ત્યારે આ ચલણનું અસ્તિત્વ મટી ગયું. એના વિશેની પિરુલીમાં આંકડાઓ અને ગણતરીના માધ્યમથી પ્રતિકાત્મક રીતે એવું કહે છે કે જાણે કચ્છી લડાયક સૈન્ય ખપી ગયું. જુના વખતમાં ૨૦-વિયું-નો ગણતરીમાં ઉપયોગ થતો.
બારો વિયું પેદલ ને છ વીયું ઘોડેસવાર, ચારવીયું ઉઠ નેં લશ્કર લારોલાર’, (બારો વીયું=૧૨*૨૦=૨૪૦)
બવીયું નાયક તેં મથેં ડૉ વા જમાદાર સે કચ્છજે સેનમેં, પંજ પંજ સુબેદાર. (બ વીયું= ૨*૨૦ =૪૦ )
બ મેજર નેં તે મથે હિકડો કર્નલ ધાર, અડતાલીમેં વ્યા ખપી, કચ્છડેજા ઝુંજાર.
પ્રતિકાત્મક આ પિરૂલીમાં સૈન્યનાં વિવિધ હોદ્દાઓ એ ચલણના વિવિધ ભાગ, સિક્કા છે. (આ ચલણના બધા સિક્કા શુદ્ધ ચાંદીના રહેતા.) કર્નલ-૧ એટલે પાંચીયો, મેજર બે-અઢિયા, સુબેદાર ૫-કોરી, જમાદાર-૧૦-અધિયા, નાયક -૪૦-ઢબુ, ઊંટસ્વાર-૮૦-ઢીકલા, ઘોડેસ્વાર-૧૨૦-દોકડા,પાયદળ ૨૪૦-ત્રાંભિયા. આવું કચ્છના ઝુઝાર (ચલણી સિક્કા) અડતાલીસમાં ખપી ગયા. વિલીન થઈ ગયા.
આવાં રસભર્યા પિરૂલી સાહિત્યમાં કેટલીયે પિરુલી મળે છે આ સાહિત્યને વધુ માણવું હોય તો મૂળ પુસ્તક સુધી જ જવું પડે.
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com
વાહ કેવી બુદ્ધિમતા ભરેલી પિરુલી..મજા આવી ગઈ હો