દીપક ધોળકિયા
આપણે ગાંધીજીએ જિન્નાને ૧૫મી સપ્ટેમ્બરે લખેલો પત્ર વાંચીએ છીએ. ગયા અઠવાડિયે આપણે પત્રની ભૂમિકા વાંચી હતી. આટલી ભૂમિકા પછી ગાંધીજી સીધા જ લાહોર ઠરાવ પર આવે છે અને ઝીણામાં ઝીણી બાબતોની છણાવટ કરે છે. જિન્નાએ એનો જવાબ આપ્યો છે. પણ બન્નેના મુદ્દા એકસાથે જોવાનું સરળ રહેશે એટલે આ પ્રકરણમાં આપણે ગાંધીજીના આ પત્રના બાકી રહેલા ભાગની અને એના જવાબમાં જિન્નાએ ૧૭મી સપ્ટેમ્બરે આપેલા જવાબની એકસાથે ચર્ચા કરશું.
ગાંધીજી (૧૫ સપ્ટેમ્બર)
જિન્ના (૧૭ સપ્ટેમ્બર)
ગાંધીજી ૧. ઠરાવમાં પાકિસ્તાન નથી. શરૂઆતમાં એનો અર્થ, જે પ્રદેશોનાં નામ ઉપરથી એ નામ પડ્યું છે તે પ્રદેશો – પંજાબ, અફઘાનિસ્તાન, કાશ્મીર, સિંધ અને બલુચિસ્તાન – એવો થતો હતો, તે જ આજે પણ થાય છે? જો તેમ ન હોય તો એનો અર્થ શો છે?
જિન્ના ૧. હા, ‘પાકિસ્તાન’ શબ્દ એ ઠરાવમાં વપરાયેલો નથી, અને એ એનો મૂળ અર્થ ધરાવતો નથી. આજે એ શબ્દ લાહોર ઠરાવનો પર્યાય બની ગયો છે.
ગાં. ૨. પાકિસ્તાનનું અંતિમ ધ્યેય અખિલ ઇસ્લામના સંગઠનનું છે?
જિ. ૨. આ મુદો ઉપસ્થિત થતો નથી, પણ છતાં હું જવાબ આપું છું કે એ પ્રશ્ન કેવળ હાઉ છે.
ગાં. ૩. હિન્દુસ્તાનના મુસલમાનને બીજા હિન્દીઓથી જુદો પાડનાર એમનો ધર્મ નથી તો બીજું શું છે? શું એ તુર્ક કે આરબ કરતાં જુદા છે?
જિ. ૩. હિન્દુસ્તાનના મુસલમાનો એક રાષ્ટ્ર છે એ મારો જવાબ આ મુદ્દાને પણ આવરી લે છે. તમારા પ્રશ્નના છેલ્લા ભાગ વિશે જણાવવાનું કે ઠરાવના સ્પષ્ટીકરણમાં એ ભાગ્યે જ પ્રસ્તુત ગણાય.
ગાં. ૪. જે ઠરાવની ચર્ચા ચાલે છે તેમાંના ‘મુસલમાનો’ શબ્દનો શો અર્થ છે? એનો અર્થ ભૌગોલિક હિન્દુસ્તાનના મુસલમાનો છે કે ભાવિ પાકિસ્તાનના મુસલમાનો છે?
જિ. ૪. બેશક. ‘મુસ્લિમ’ શબ્દનો અર્થ શો થાય છે તે તમને ખબર જ છે.
ગાં. ૫. શું એ ઠરાવ મુસલમાનોને કેળવવા માટે છે કે આખા હિન્દુસ્તાનના લોકોને અપીલ રૂપે છે કે વિદેશી રાજકર્તાઓને પડકારરૂપે છે?
જિ. ૫. લાહોર ઠરાવના પાઠના સ્પષ્ટીકરણ તરીકે આ મુદ્દો ઉપસ્થિત થતો નથી.
ગાં. ૬. બન્ને વિભાગોના ઘટકો ”સ્વતંત્ર રાજ્યો” હશે અને દરેકના ઘટકોની સંખ્યા અનિશ્ચિત હશે?
જિ. ૬. ના. તે પાકિસ્તાનનાં એકમો બનશે.
ગાં. ૭. નવાં રાજ્યોની હદ બ્રિટિશ રાજ્ય ચાલુ હશે તે દરમિયાન નક્કી થશે?
જિ. ૭. લાહોરના ઠરાવમાંનો પાયો અને તેના સિદ્ધાંતોનો સ્વીકાર થતાં તરત જ સરહદ નક્કી કરવાનું કામ હાથ ધરવું પડશે.
ગાં. ૮. જો છેલ્લા પ્રશ્નનો જવાબ હકારમાં હોય તો એ સૂચન પહેલાં બ્રિટને સ્વીકારવું જોઈશે અને પછી એ હિન્દુસ્તાન પર લાદવું જોઈશે. એ હિન્દુસ્તાનના લોકોની સ્વતંત્ર ઇચ્છાથી અંદરથી ઊગ્યું નહીં હોય.
જિ. ૮. ૭મા મુદ્દાના મારા જવાબને ધ્યાનમાં લેતાં તમારા ૮મા પ્રશ્નનો જવાબ અપાઈ ગયો છે.
ગાં. ૯. તમે એ વાત તપાસ કરી છે અને ખાતરી કરી લીધી છે કે આ “સ્વતંત્ર રાજ્યો” નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જશે એથી તેમને ભૌતિક દૃષ્ટિએ અને બીજી રીત પણ લાભ થશે?
જિ. ૯. આને સ્પષ્ટીકરણ સાથે સંબંધ નથી.
ગાં. ૧૦. કૃપા કરીને એટલી ખાતરી કરાવો કે એ સ્વતંત્ર સાર્વભૌમ રાજ્યો ગરીબ રાજ્યોના સમૂહરૂપે પોતાને અને આખા હિન્દુસ્તાનને આફતરૂપ નહીં થઈ પડે.
જિ. ૧૦. ૯માનો મારો જવાબ ન આવરી લે છે.
ગાં. ૧૧. કૃપા કરીને મને હકીકતો અને આંકડાઓ દ્વારા અથવા બીજી રીતે એ બતાવો કે આ ઠરાવનો સ્વીકાર કરવાથી સમગ્ર હિન્દુસ્તાનની સ્વતંત્રતા અને તેનું કલ્યાણ શી રીતે સાધી શકાય?
જિ. ૧૧. ઠરાવના સ્પષ્ટીકરણથી આ ઉપસ્થિત થતો નથી. બેશક. આ કંઈ ઠરાવનું સ્પષ્ટીકરણ માગ્યું ન કહેવાય. મારાં અસંખ્ય ભાષણોમાં અને મુસ્લિમ લીગે પોતાના ઠરાવોમાં બતાવ્યું છે કે હિન્દુસ્તાનની સમસ્યાનો આ જ એકમાત્ર ઉકેલ છે અને હિન્દુસ્તાનના લોકો માટે સ્વતંત્રતા મેળવવાનો માર્ગ છે.
ગાં. ૧૨. આ યોજનાને પરિણામે દેશી રાજ્યોમાંના મુસલમાનોનું શું થશે?
જિ. ૧૨. “દેશી રાજ્યોના મુસ્લિમો”- લાહોરનો ઠરાવ બ્રિટિશ હિન્દુસ્તાન પૂરતો મર્યાદિત છે. ઠરાવના સ્પષ્ટીકરણમાંથી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
ગાં. ૧૩. “લઘુમતીઓ’ની વ્યાખ્યા તમે શી કરો છો?
જિ. ૧૩. “લઘુમતીઓની વ્યાખ્યા” – તમે પોતે જ ઘણી વાર કહ્યું છે કે લઘુમતીઓ એટલે “સ્વીકૃત લઘુમતીઓ”.
ગાં. ૧૪. ઠરાવના બીજા ભાગમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે લઘુમતીઓ માટેની ”પર્યાપ્ત, અસરકારક અને આદેશાત્મક બાંયધરીઓ”ની તમે વ્યાખ્યા આપશો?
જિ. ૧૪. ઠરાવમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે લઘુમતીઓ માટેની પૂરતી, અસરકારક અને આદેશાત્મક બાંયધરીઓ તે તે રાજ્યની એટલે કે પાકિસ્તાન અને હિન્દુસ્તાનની લઘુમતીઓ સાથે વાટાઘાટો કરીને નક્કી કરવાની બાબત છે.
ગાં. ૧૫. તમે એ નથી જોતા કે લાહોર ઠરાવમાં તો કેવળ ધ્યેય જ માત્ર કહેલું છે, અને એ વિચારનો અમલ કરવા માટે કયાં સાધનો અપનાવવાં જોઈએ અને તેનાં નક્કર પરિણામો શાં આવશે એ વિશે કંઈ જ કહેલું નથી. દાખલા તરીકે, (ક) આ યોજનામાં આવી જતા પ્રદેશોના લોકોનો જુદા પડવાની બાબતમાં મત લેવાશે? અને (મત લેવામાં) આવશે તો કઈ રીતે? (ખ) લાહોર ઠરાવમાં સંરક્ષણ અન એવી બીજી સહિયારી બાબતો માટે શી જોગવાઈ વિચારેલી છે? (ગ) મુસલમાનોનાં ઘણાં જૂથો એવાં છે જેઓ લીગની નીતિનો સતત વિરોધ કરતાં રહ્યાં છે. હું એ માનવાને તૈયાર છું કે મુસલમાનોમાં લીગનો પ્રભાવ અને એની સ્થિતિ સર્વોપરી છે અને માટે જ હું તમને મળવા આવ્યો છું. તેમ છતાં આપણી એ સંયુક્ત ફરજ નથી કે તેમની શંકાઓ દૂર કરીએ અને એમને તથા એમના ટેકેદારોને મતાધિકારથી વંચિત રાખવામાં નથી આવ્યા એવો અનુભવ કરાવી સાથે લઈએ? (ઘ) શું આ ઉપરથી ફરી નિર્ણય પર નથી આવવું પડતું કે લીગનો ઠરાવ લાગતાવળગતા
વિસ્તારોના બધા જ લોકો સમક્ષ સ્વીકાર માટે મૂકવો જોઈએ?
જિ. ૧૫. એ ઠરાવ પાયાના સિદ્ધાંતો તો આપે જ છે, અને તે સ્વીકારાય એટલે કરાર કરનારા પક્ષોએ વિગતો નક્કી કરવી પડશે. (ક અને ખ) સ્પષ્ટીકરણ અંગે ઉપસ્થિત થતા નથી. (ગ) મુસ્લિમ લીગ એકલી જ હિન્દુસ્તાનના મુસ્લિમોની અધિકૃત અને પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા છે. (ઘ)ના, જુઓ જવાબ (ગ).
જિન્ના કોઈ પણ ભોગે ભાગલા માગે છે. ગાંધીજીએ એમને સ્પષ્ટ કહી દીધું છે કે આખો દેશ ધર્મ બદલી લે તો એક રાષ્ટ્ર બની જાય? અથવા તો ધર્મ પરિવર્તન કરનારીની ભાવિ પેઢીઓ શી રીતે અલગ રાષ્ટ્ર બની શકે? એમણે ડૉ. આંબેડકર સમજ્યા તેમ જિન્ના તરફ જ આડકતરી રીતે આંગળી ચીંધી કે એમના વડવાઓ પણ અલગ રાષ્ટ્ર હતા? પરંતુ જિન્ના કોઈ પણ રીતે આવા સવાલોનો સામનો કરવા તૈયાર નહોતા. એમણે પત્રના અંતમાં લખ્યું કે –
“…પણ તમે આગળ જઈને એમ કહો છો કે તમે હિન્દુસ્તાનના બધા જ વતનીઓનું પ્રતિનિધિત્વ કરવાની મહેચ્છા રાખો છો, ત્યારે મારે દુઃખપૂર્વક કહેવું પડે છે કે હું તમારું વિધાન સ્વીકારી શકતો નથી. એ તો દીવા જેવું ચોખ્ખું છે કે તમે હિન્દુઓ સિવાય બીજા કોઈનું પ્રતિનિધિત્વ કરતા નથી…હું પહેલાં કહી ગયો તેમ, તમે મહાન પુરુષ છો અને હિન્દુઓ ઉપર – ખાસ કરીને જનતા ઉપર ભારે મોટો પ્રભાવ ધરાવો છો અને હું તમને જે માર્ગ બતાવું છું તે માર્ગનો સ્વીકાર કરવાથી તમે હિન્દુઓના કે લઘુમતીઓનાં હિતને હાનિ કે નુકસન પહોંચાડતા નથી…”
જિન્ના ગાંધીજીને માત્ર હિન્દુઓના નેતા માનવા માગતા હતા. બન્ને વચ્ચે પત્રવ્યવહાર અને મંત્રણાઓની બેઠકો ચાલતી રહી પરંતુ ગાંધીજીએ ૨૬મી સપ્ટેમ્બરે વાતચીત પડી ભાંગી હોવાનું જાહેર કરી દીધું.
એમણે જિન્નાને પત્ર લખીને જણાવી દીધું કે હવે આગળ પત્રવ્યવહાર ન કરવાનું એમણે નક્કી કર્યું છે. ગાંધીજીએ કહ્યું કે તમે વારંવાર એ વાત કહ્યા કરો છો કે હું કોઈનું પ્રતિનિધિત્વ કરતો નથી. આ લખ્યા કરવાનો અર્થ નથી કારણ કે હું વ્યક્તિ તરીકે જ મળ્યો હતો પણ મેં સ્પષ્ટતા કરી જ હતી કે આપણે જો કંઈ સમજણ સાધી શકીએ તો હું દેશવાસીઓને અને કોંગ્રેસને સમજાવી લેવા માટે મારી વગ વાપરી શકું. જિન્નાએ એ જ દિવસે જવાબમાં ફરી એ જ લખ્યું કે તમે કોઈનું પ્રતિનિધિત્વ નહોતા કરતા તેમ છતાં હું ઉકેલની આશામાં વાત કરતો રહ્યો. આપણે સફળ નથી થયા પણ આ પ્રયાસને છેવટનો ન માની લેવો જોઈએ.
૦૦૦
સંદર્ભઃ
The Annual Indian Register July-Dec1943 Vol.II
ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ ૭૮, નવજીવન પ્રકાશન મંદિર. (https://www.gandhiheritageportal.org)
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી