શ્વાસમાં વાગે શંખ : પ્રજળવાની પ્રતીક્ષા


દર્શના ધોળકિયા

એક જ  દે ચિનગારી મહાનલ !
એક જ  દે ચિનગારી !

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી,

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી

ઠંડીમાં મુજ કાયા થથરે ખુટી ધીરજ મારી;
વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક ચિનગારી

હરિહર ભટ્ટ

 

‘શ્રી હરિહર ભટ્ટ જાણે કે વન પોએટ્રી પોએટ છે.’ ડૉ. સુરેશ દલાલે ઉચિત રીતે જેમની આ કાવ્યને આધારે આવી ઓળખ આપી છે તેવા કવિનો જન્મ ઈ.સ. ૧૮૯૫માં સૌરાષ્ટ્રના વેકરિયા મુકામે. શિક્ષણ સાવરકુંડલામાં. ઉચ્ચ શિક્ષણ ભાવનગર અને મુંબઈમાં. પછીથી મહારાષ્ટ્રના અકોલામાં શિક્ષક. અસહકારની લડતમાંય ભાગ લીધેલો. ભો. જે. વિદ્યાભવનમાં જ્યોતિષશાસ્ત્રના અધ્યાપક. અમદાવાદની વેધશાળાના નિયામક. ‘હૃદયરંગ’ તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ.

આપણા ભક્તકવિઓની પરંપરામાં, સંતપરંપરામા, મહામાનવોની પરંપરામાં કેટલાંક એવા મહાન વ્યક્તિત્વો વિકસ્યાં જેમની ચેતનાએ તેમને પસંદગી કરતાં શીખવ્યું, માગણી કરતાં શીખવ્યું ને એના કરતાંય મોટી વાત તે કોના પાસેથી યાચના કરાય એ પણ શીખવ્યું. છેક ધ્રુવ, પ્રહલાદથી આ વાતનાં મંડાણ થયાં જેને લાંબી પરંપરા સાંપડી. આ સૌએ કશુંક યાચ્યું જરૂર પણ એક માત્ર દાતા, કહો કે જન્મદાતા, વિચારદાતા, આચારદાતા એવા પોતાના જનક, આરાધ્ય, પ્રીતિપાત્ર, પ્રભુ, સખા એવા ઈશ્વર પાસે. પાંચ-સાત વર્ષના બાળક ધ્રુવની ઘોર તપશ્ચર્યાનું મોટું પરિણામ તેને પ્રભુ મળ્યા એ નહીં, પણ તેને માગતાં આવડ્યું એ. ધ્રુવે માગ્યું અચળ, અડોલ, શાશ્ચવ સ્થાન. જેને કોઈ ઝૂંટવી નશેકે; નરસિંહે શિવ પાસે માગ્યું શિવને વલ્લભ ને પાછું દુર્લભ એવું કોઈક વિરલ તત્વ; મીરાંએ માગી ચાકરી; શ્રીધરાણીએ માગ્યું એક ક્ષણનું દર્શન ને પ્રહલાદ પારેખે માગ્યું ‘વસ્ત્ર તણો ફફડાટ સુણું હું એટલો રે’જે પાસ કહીને પ્રભુનાં અસ્તિત્વના આંદોલનનું નૈકટ્ય. આ આપણા મહાયાચકોની પરંપરા ને એમની યાચનાકલાનું નૈપુણ્ય.

કવિ હરિહર પણ એમાં ભળ્યા-ઓગળ્યા ને એમણેય માગી લીધું એક ચિનગારીનું અમોલ વરદાન. પ્રસ્તુત કાવ્યમાં પ્રભુને પ્રભુ તરીકે કવિ સંબોધતા નથી; પણ તેમને સંબોધે છે ‘મહાનલ’ તરીકે. પ્રભુ છે વિરાટ અગ્નિ’ એ વિરાટ અગ્નિની ભવ્ય, બિહામણી જ્વાળાઓ સાથે કવિને લેવાદેવા નથી. એ તો ઇચ્છે છે એ મહાનલમાંથી એકમાત્ર નાનકડો, અલ્પ તણખો, એક ચિનગારી ! સૂકા ઘાસ જેવા જીવતરના જથ્થામાં બસ, આપનો દીધેલો એક તણખો ને પછી જુઓ મઝા! આખુંય જીવતર ઝળહળ ! મને જોઈએ છે આવી આગ ! જે મારા અહમને, મારી જાતને ખાખ કરી દે !

પ્રભુ પાસે અંજલિબદ્ધ બનીને, પલાંઠી વાળીને કવિ બેસી પડ્યા છે. આ માગણી કંઈ કવિએ હરતાં- ફરતાં, બેઠે-બેઠે, માગવા ખાતર કરી નથી. પ્રભુરૂપી મહાઅગ્નિમાંથી એક તણખો પ્રાપ્ત કરવા એમણે આખી જિંદગી ખરચી નાખી છે. હવે તો પૃથ્વીપટ પરથી મુકામ ઉઠાવવાની ક્ષણ આવી ગઈ છે ભાઈ ! તણખાની પ્રતીક્ષામાં, તણખાની કિંમત પેટે કવિએ પ્રભુને જીવતર ચૂકવી દીધું. કવિને ચિંતા એ છે કે  આમ ને આમ ક્યાંક સુક્કા ને સુક્કા જ વિદાય લેવી ન પડે ! આ વેદનાથી કવિ ગ્રસ્ત થઈ ગયા છે ને નિઃશ્વાસપૂર્વક ગાઈ ઊઠ્યા છે !

જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી !

જિંદગી આખી પ્રતીક્ષામાં ગાળી એ ક્યાંક વેડફાઈ તો નહીં જાય ને ! એની વેદનામાં કવિની આંખ ભરાઈ આવી છે, કંઠ ગદગદ બન્યો છે ને એમની આરત ક્રમશઃ મંદ્રમાંથી મધ્યસપ્તકમાં પલટાઈ છે બીજી કડીમાં !

મહાનલને પ્રાર્થતા કવિ આજુબાજુ નજર કરે છે ત્યારે તેમને વરતાયું છે તેમ આ અદ્રશ્ય મહાનલે પોતા સિવાયના જગતને માત્ર તણખો જ નહીં, દિવ્ય જ્યોતરૂપ આગની ભેટ આપી છે.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી.

જુઓ તો ખરા ! મહાનલની જ્યોતમાંથી નભમાં ચંદ્ર સળગ્યો, સૂરજ સળગ્યો ને આકાશની આખીય અટારી ઝળહળી ઊઠી. ઉપર આટલું બધું ને નીચે મારી નાનકડી સગડીને એક તણખોય નહીં ? અલ્પ માનવી ને એની અલ્પ યાચના એની સામે વિરાટ મહાનલ ને એને વિરાટ સંપત્તિની વહેંચણીમાં આ પક્ષપાત શાને ? સામાન્ય રીતે દુન્યવી જીવોને સંસારની વિપત્તિઓ નડે – સંતાનની, સંબંધોની, કીર્તિની, ધનની તેના અભાવની કે તેણે આપેલાં કષ્ટોની પણ કવિની વિપત્તિ આગવી. ચારેબાજુના તત્વોને મળેલી જ્યોતિ અત્યાર સુધી પોતાને ન સાંપડી એ કવિને મન મોટી વિપત્તિ, ઘોર આપત્તિ. આટલો જ ફરક જગતમાં ને ભગતમાં, માગણમાં ને ફકીરમાં. બંનેની ફેલાયેલી અંજલિની અપેક્ષામાં.

હરિહર જેવા યચકોની ભીડ ન મળે. આવા યાચકો એકાંતની મહાગુહામાં આસનસ્થ થઈને, પણ ખુલ્લી હથેળીમાં તણખો ઝીલવા આતુર, વ્યાકુળ થઈને મહાનલના કર્ણમાં પોતાની ગુજગોષ્ઠિ નાખ્યા કરે. હરિહરના ગોઠણ પર ગોઠણ મૂકીને એમની સાથે કવિ મકરંદે પણ પામ્યો આવો જ તણખો :

અમે રે સૂના ઘરનું જાળિયું
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા
ભરો લખ-લખ અદીઠા અંબાર.

                      ***

અમે રે ઊધઈ-ખાધું ઈંધણું
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડે પડ પ્રજાળોવ્હાલા, વેગથી !
આપો અમને અગનના શણગાર.

આવા જણ જીવવા નહીં, મરવા ઇચ્છે. આ મરણ તેમના જીવતરનો અંત નહીં પણ આરંભ. ટગુમગુ થતું, ખોડંગાતું જીવતર એમની પસંદગીનું ક્ષેત્ર નહીં, એ, એમની તો એક ધડાકે મોટાપાયાની ઉત્કંઠા, આવી ખોડંગાતી જિંદગીનો એમને અણગમો. આથી હરિહરે છેવટના બોલ કહી નાખ્યા :

ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;

અપ્રાપ્તિની ધીમી પળોમાં હું હવે મૂરઝાઈ રહ્યો છું. જીવતરની આ મંથર ગતિ મને ટહ્ંડીની અનુભૂતિમાં થથરાવે છે. હવે તણખો નાખો છો કો નહીં ? આરતની આ છેલ્લે ક્ષણે કવિ મહાનલને એક માર્મિક મહેણું પણ મારી લે છે :

વિશ્વાનલ હું અધિક ન માગું

હે મહાઅગ્નિ ! મારી માંગણી કંઈ સંતોષી ન શકાય એવી વિરાટ નથી. એ છે સાવ નાનકડી. અમે તો સંતોષી જીવ. માગીમાગીને માગ્યો એક તણખો. એનાથી અમે આખરે ભરાઈ જઈશું. રળિયાત થઈ જઈશું, ભાઈ ! તમારી વિરાટ સંપત્તિમાં એહ્તી કંઈ ઓછું નહીં થાય. અભીપ્સા છે, આતુરતા છે એક અલ્પ ભિક્ષાની.

જીવનભરબી ઘોર તપશ્ચર્યાના આ વિરામ સ્થળે સહૃદયને વરતાય છે એક ફકીરનું સૂક્ષ્મ આરોહણ. આ મનુષ્ય એક પ્રતીક્ષામાં ચાલતો જ રહ્યો છે, એની ઇચ્છા છે ઓગળવાની, લીન થવાની ટકવાની નહીં, ગળવાની, નામશેષ થવાની. સામાન્ય માણસ ઠરવાનું ઇચ્છે ત્યારે અહીં કવિ ઇચ્છે છે બળવાનું ને એ બળતરના અગ્નિમાં ઝંપલાવવાનું. સેન્ટ જહોન ઑફ ધ ક્રોસના એક કાવ્યાનુવાદને ઘાટ આપતાં મરમી મકરંદે કહ્યું :

‘પલપલ પરજાળી મુંને, તું પડદા પીંખી નાખ,
ખાવિંદ ખાખ કરી તું જા, મર લ્યાહ લગાડી લાખ,
બલમા, બાકી રાખ, તો સોગન તુંને સનેહના.’

જો તું મએન બચાવ તો તને મારા સ્નેહના સોગંદ. અહીં તો આવીને જો તારામાં ન બળ્યા તો જિદંગી બગાડી. અમારે તો બળવામાં જ ઝળહળવું.  કાવ્યની મજા તો ત્યાં ચેહ કે યાચના પાસે જ એ અટક્યું છે. આ માગણીનો ઉદભવ એ જ એની પ્રાપ્તિ છે. કવિને ઈશ્વરનું મિલન એ કોઈપણ ઉત્તમ કાવ્યોનો અંત ન હોઈ શકે. રામકૃષ્ણદેવ કહે છે તેમ, મીઠાંની પૂતળી સમુદ્રનું માપ લેવા જાય તો તે પાછી ન આવે. તણખાની પ્રતીક્ષામાં જ કવિ મહાનલમાં રાખ થઈ ગયા. ને એ અર્થમાં તેમની પ્રતીક્ષા જ પ્રાપ્તિમાં પરિણમી. તેમને બાકી ન રાખીને પ્રભુએ તેમના સ્નેહ્ના સોગંદ પાળ્યા. ને છેવટે બચ્યો તે મહાનલ. તેના પ્રત્યે જોડાયેલી અંજલિ અહીં સમેટાઈ. કવિનો આ મોટો વિજય.

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

 

Author: Web Gurjari

2 thoughts on “શ્વાસમાં વાગે શંખ : પ્રજળવાની પ્રતીક્ષા

  1. આ સ્તૂતિ તો અમારા ઘરમાં બા – બાપુજીના વખતમાં રોજ ગવાતી. ભણવામાં પણ આવેલી.

  2. ખુબ જાણીતી આ પ્રાર્થના કેટલાક આર્યસમાજીઓને યજ્ઞને અંતે નિયમિત ગાતા સંભળ્યા છે

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published.