સવેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ… કિશોર કુમારે ગાયેલાં ઓ પી નય્યરનાં ગીતો [૩]

મૌલિકા દેરાસરી

કિશોરકુમારના ગીતોને હંમેશા બે ભાગમાં વિભાજીત કરીને જોવામાં આવ્યા છે. એક ૧૯૬૯ની આરાધના ફિલ્મ પહેલાંના ગીતો અને બીજા આરાધના ફિલ્મ અને એ પછીના ગીતો.

એવું નથી કે કિશોરદાએ આરાધના ફિલ્મમાં અને એ પછી પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. કિશોરકુમારે અભિનય અને ગાયક તરીકે પોતાને ઉત્તમ સાબિત તો ક્યારના કરી દીધા હતા. ચાલતી કા નામ ગાડી ફિલ્મને યાદ કરો. એમાં શું ખૂટતું હતું? એ એક સર્વાંગ સંપૂર્ણ ફિલ્મ હતી. કિશોરકુમાર માટે કંઇક ખૂટતું હતું તો એ હતી નામના. હા… આરાધના ફિલ્મના ગીતોએ કિશોરદામાં રહેલા જીનીયસને પ્રસિદ્ધિ અપાવી. કિશોરકુમારની આરાધના પહેલાની ફિલ્મોની પણ નોંધ આરાધના પછી વધારે લેવાઈ. એ દુનિયાનો નિયમ છે કે, તમે શું છો એની નોંધ દુનિયા ત્યારે જ લે છે જ્યારે તમે દુનિયાને કંઈક આશ્ચર્યજનક કરી બતાવો!

આરાધના ફિલ્મ એ તબક્કો હતી, જ્યારે કિશોરદાના અવાજે દુનિયાનું ધ્યાન ખેંચ્યું.

રાજેશ ખન્નાનો અવાજ બનીને ઉભરી આવ્યા કિશોરદા. અને આ કંઈ ચમત્કાર નહોતો! એની પાછળ કિશોર કુમારની ગાયકી પ્રત્યેની આરાધના પણ કહી શકાય!

કઈ રીતે? એ આ વીડિયોમાં ખુદ રાજેશ ખન્ના કહે છે, કિશોર કુમાર વિશે.

ઉપરાંત આ વીડિયોમાં કિશોર કુમારને ફિલ્મ જગતના ધુરંધરો પણ કેમ જીનીયસ કહે છે, એ પણ સાંભળવા મળશે.

કિશોરકુમારની વાત નીકળે ત્યારે મુખ્ય ટ્રેક પર રહેવું બહુ મુશ્કેલ છે. વાત ક્યાંય નવા નવા ટ્રેક પર ફંટાતી જ જાય! કિશોરદા પણ ક્યાં એક ટ્રેકના માણસ હતા!

પણ આપણે તો હવે મુખ્ય ટ્રેક પર આવીએ!

સંગીતકાર ઓ.પી. નૈયર સાથે કિશોરકુમારની હવેની ફિલ્મો આરાધના પછીની છે.

વર્ષ ૧૯૭૧માં આવી હતી ફિલ્મ – ઐસા ભી હોતા હૈ. એસ. એચ. બિહારી રચિત ગીત જેને સંગીતબદ્ધ કર્યા હતા ઓ. પી. નૈયરે.

આ ફિલ્મનું એક થિરકતું ગીત કિશોરકુમારના અવાજમાં છે.

મિટ જાઉંગા પ્યાર મેં તેરે, મૈં હું પરવાના.. આ મેરી ગોરી ગોરી જાન.. મૈં હું તેરા ઇક દિવાના…

 

અને એ પછી આવ્યું ૧૯૭૩નું વર્ષ. આ વર્ષ લઈને આવ્યું ફિલ્મ – એક બાર મુસ્કુરા દો. ફિલ્મની એક ખાસિયત એ પણ હતી કે આ ફિલ્મ મુખર્જી અને સમર્થ પરિવારની ફિલ્મ હતી. શોભના સમર્થ, તનુજા, જોય મુખર્જી અને દેવ મુખર્જી જેવા કલાકારો, શોમુ મુખર્જીનું લેખન અને નિર્માણ તથા રાની મુખર્જીના પિતા રામ મુખર્જીનું નિર્દેશન.

ગીતકાર ઇન્દીવર રચિત આ ફિલ્મના ગીતોએ પણ ખૂબ રંગ જમાવ્યો. ફિલ્મના બે ગીતો ગીતો એસ. એચ. બિહારી લિખિત પણ છે, જેને સ્વર આપ્યો હતો આશા ભોંસલે અને મુકેશજીએ.

નૈયરજીના સંગીત નિર્દેશનમાં કિશોરકુમારનો અવાજ ઘર ઘરમાં ગુંજ્યો. તું…. ઔરો કી ક્યું હો ગઈ.. ગીતોના કાર્યક્રમમાં વારંવાર આવતો દેવ મુખર્જીનો એ દુઃખભર્યો ગુસ્સેલ ચહેરો આપને હજુ પણ યાદ તો હશે! કિશોર કુમારે ગાયેલું આ ગીત એમના શ્રેષ્ઠ ગીતોમાંનું એક ગણાય છે. ઓ.પી નૈયરનું જુસ્સાદાર સંગીત અને સૌથી ઝડપી ગીતોમાં સ્થાન પામતું આ ગીત એટલું જ હૃદયસ્પર્શી પણ છે. આ ગીતના બે વર્ઝન છે. એક કિશોરકુમારના અવાજમાં આ જોશીલું ગીત –

અને બીજું કિશોરદા અને આશા ભોંસલેના યુગલ સ્વરમાં.

મને તો કિશોરકુમારે ગાયેલું સુપરફાસ્ટ વર્ઝન જ યાદ આવે છે, કેમ કે એ દિમાગમાં એક છાપ છોડી ગયું છે હંમેશા.

તમને ક્યું યાદ છે?

હવે વાત કરીએ આપણા આ લેખના શીર્ષક ગીતની – સવેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ, કે બુઝતે દિયે કો ના તુમ યાદ કરના…

આ ગીત જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે કિશોરકુમારનો ઘૂંટાયેલો મર્મસ્પર્શી ખરજનો અવાજ દિલોદિમાગમાં ગુંજતો રહે છે.

હવે આ ફિલ્મનું શીર્ષક ગીત – ટાઇટલ પડે એ સાથે જ કિશોરદાનો પહાડી અવાજ ઉઠે છે – એક બાર… મુસ્કુરા દો..

કહાં સે ઉઠે હૈ કદમ યાદ રખના, મુહબ્બત કી પહલી કસમ યાદ રખના.

આ ગીત કિશોરકુમાર અને આશા ભોંસલેના સ્વરમાં ગવાયું છે. ગીતકાર છે – શેવાન રીઝવી.

હવેના ગીતની વાત કરું તો એ મારાં મમ્મી અને એ સમયના શ્રોતાઓની ખાસ પસંદ હોવું જોઈએ! મને યાદ છે અંતાક્ષરીમાં મમ્મીનું વારંવાર આ ગીત ગાવું. એ સમયે દૂરદર્શન પર ચિત્રહારમાં પણ આ ગીત વાગતું. રેડિયો પર પણ ઘણું સાંભળ્યાની સ્મૃતિ જીવંત છે હજુ!

હા… આ ગીત એટલે –

રૂપ તેરા ઐસા દર્પન મેં ના સમાયે, ખુશ્બૂ તેરી ઐસી મધુબન મેં ના સમાયે…ઓમપ્રકાશ સાહેબનું ટનાટન સંગીત અને ગીતના બોલ પણ એકદમ જીવંત, સાથે કિશોરકુમારનો ટકોરાબંધ અવાજ – ક્યાંથી ભૂલાય આ બધું!

ગીતો આપણને હંમેશા એક એવા દૌરમાં લઈ જાય છે, જે આપણે એકવાર જીવી ચૂક્યાં છીએ. પ્રિય ગીતો જ્યારે એક અરસા પછી ફરી સાંભળીયે ત્યારે કેટકેટલી સ્મૃતિઓ ફરીથી જીવંત થાય છે!

આવી જ યાદોને ફરીફરીને મમળાવીએ છીએ આપણે આ સફરમાં, ગીત સંગીત અને કિશોરકુમાર સાથે.

ફરીથી મળીશું નવા સંગીતકાર અને કિશોરકુમારને.. ત્યાં સુધી ચાલતાં રહેજો… ગાતાં રહેજો.


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.