વાત મારી, તમારી અને આપણી : તમે ”લકી” છો કે ”અનલકી”?

ડૉ. મૃગેશ વૈષ્ણવ.

એમ.ડી.(મનોચિકિત્સક)

તમારૂં નસીબ તમારી હસ્તરેખા નક્કી કરે છે? તમારૂં નસીબ તમારી જન્મ સમયની કુંડળી નક્કી કરે છે ? તમારૂં નસીબ તમારા ગ્રહો નક્કી કરે છે ? ના… તમારૂં નસીબ ખરેખર કોણ નક્કી કરે છે તે જાણવું છે ?

તો વાંચો આ લેખ


”ત મારૂં નસીબ ફક્ત તમારા અને તમારા જ હાથમાં છે. બીજા કોઇના હાથમાં નથી. તમારૂં નસીબ તમારી હસ્તરેખામાં નથી કે દૂર બેઠેલા ગ્રહોના હાથમાં પણ નથી.”

”કેટલા લોકો માને છે કે આ સાચું છે ?”

આ સવાલ એક સેમીનારમાં કર્યો ત્યારે ત્યાં ઉપસ્થિત બધા વિદ્યાર્થી એકી અવાજે બોલી ઊઠયા ”હા.. આ સાચું છે.”

મેં કહ્યું… બિલકુલ ખોટી વાત. તમે બધા જ ખોટું બોલો છો. કારણ રોજ બરોજના જીવનમાં તમે કેટલીવાર બોલો છો કે,

”એનું નસીબ સારું છે.”

”મારૂં નસીબ ખરાબ છે.”

”મારી સાથે જ હંમેશાં આવું જ કેમ થાય છે ?”

બોલો બધા વિચારો છો કંઇક આ પ્રકારનું.

જવાબ મળ્યો ધીમેથી… ”હા…”

તો હું તમને એક નાનકડું ઉદાહરણ આપું છું તેમાં કોનું નસીબ ખરાબ અને કોનું નસીબ સારું તે તમે નક્કી કરીને મને કહેજો.

સામ સામે બે ઘર આવેલા છે.

એક ઘર એક બેડરૂમ, હોલ, કીચનનું છે તેમાં એક મીડલ ક્લાસ ફેમીલી રહે છે.

એ ફ્લેટની સામે એક ઘણો મોટો બંગલો છે. જેમાં એક અબજોપતિ રહે છે. તેમનો પુત્ર પણ એ મોટા આલીશાન બંગલામાં રહે છે.

બન્ને ઘરની વચ્ચે એક સડક પર ઊભા રહીને આમ તેમ નજર કરતાં આપણને દેખાય છે એક તરફ સ્કુટરની પાછળ બેસીને પોતાના પપ્પાની સાથે એક છોકરો સ્કુલે જાય છે.

બીજી તરફ એક આલીશાન બંગલામાંથી સોફ્ટ ડ્રીવન મર્સીડીઝ – એસ ક્લાસ કારમાં પાછલી સીટ પર બેસીને મહારાજા જેવા ઠાઠથી એક છોકરો સ્કુલે જાય છે.

આ જોઇને તમને બધાને એમ જ થશે કે સ્કુટર પર બેસીને જતા છોકરાનું નસીબ કેટલું ખરાબ છે અને મહારાજાની જેમ સ્કુલે જતા છોકરાનું નસીબ કેટલું સારું છે. બરાબર ને ?

હવે બીજું દ્રશ્ય જોઇએ.

અબજોપતિ બાપનો દિકરો સાંજે પોતાના આલીશાન બંગલાની બાલ્કનીમાં ઊભો ઊભો સામે મેદાનમાં બાળકોને રમતા જુએ છે.

પેલો ખરાબ નસીબવાળો છોકરો તેના એપાર્ટમેન્ટની પાસેના મેદાન પર પંદર-વીસ છોકરાઓ સાથે રોજ સાંજે રમતો રમે છે. ક્યારેક પકડમ દાવ, ક્યારેક ક્રિકેટ, તો ક્યારેક ફૂટબોલ.

અને પેલો સારા નસીબવાળો છોકરો આ બધાને રમતા જુએ છે. જેને ત્યાં જવાની મંજૂરી નથી. એની પાછળના ઘણા કારણો છે. એક તો સલામતીનું કારણ છે. બીજું એનું જે ઉચ્ચ જીવનધોરણ છે એ જોતાં સામાન્ય બાળકો સાથે જઇને રમવું એના માટે શોભાસ્પદ તદ્ઉપરાંત એ છોકરાને ઘરની બહાર જવાની પરવાનગી નથી. એ છોકરો રોજ પેલા મેદાનમાં બધા છોકરા સાથે રમવા જવાની જીદ કરે છે પણ તેને જવા દેવામાં આવતો નથી.

અબજોપતિ બાપનો પુત્ર રોજ સાંજે પોતાની બાલ્કનીમાંથી બીજા છોકરાઓને આનંદથી રમતા જુએ છે અને એની આંખમાંથી દડ્ દડ્ આંસુ નીકળી આવે છે.

બાળકની નજરથી દુનિયા જુઓ તમારી નજરથી નહીં. બાળકની નજરમાં સૌથી મહત્વનું શું છે ? પૈસા કે રમત ?… રમત.

અને એ જ એનાથી છીનવી લેવામાં આવે તો એનું નસીબ સારૂં કેવી રીતે હોય ?

એના પપ્પા પાસે એના માટે ટાઇમ નથી.

એની મમ્મી કીટી પાર્ટીમાં વ્યસ્ત છે.

હવે બાળક પાસે એક જ વિકલ્પ છે. પોતાનાથી પચાસ-પચાસ વર્ષ મોટા નોકરોની સાથે રમવું. એ થોડો સમય રમે છે પાછો બાલ્કનીમાં આવીને ઊભો રહે છે. ક્યારેક રડમસ બની મનોમન કહે છે ”મને કયા સોનાના પાંજરામાં બંધ કરી દીધો છે ?” પોતાના નસીબ પર એને રડવું આવે છે.

અને પેલો બીજો મધ્યમવર્ગનો છોકરો. મઝાની જિંદગી જીવે છે. એ આરામથી રમતો રમી રહ્યો છે.

હવે કહો વાંચક મિત્રો કોનું નસીબ સારૂં છે ? અને કોનું નસીબ ખરાબ ?

અબજોપતિના પુત્રનું નસીબ ખરાબ છે કારણ એની પાસે મા-બાપ નથી. ઉંમર પ્રમાણે રમવા  માટે રમતો નથી.

એની પાસે એક રૂમ ભરીને રમકડાં છે. અને પેલા મધ્યમવર્ગીય છોકરા પાસે ચાર રમકડાં છે. જેની પાછળ એ પાગલ છે. જ્યારે પેલા અબજોપતિનાં છોકરાને રમકડાનો કોઇ ક્રેઇઝ નથી રહ્યો.

હવે આ કહાનીમાં જરા ટ્વીસ્ટ લાવીએ.

પેલો મીડલક્લાસનો છોકરો રમતાં રમતાં થાકી જાય છે એટલે એક જગ્યાએ બેસી જાય છે. અને એની નજર પેલા આલીશાન બંગલાની બાલ્કનીમાં ઊભેલા અબજપતિ બાપના બેટા પર જાય છે. એ સાથે જ એ વિચારે છે.

”મારી પાસે આવું ઘર કેમ નથી ? આટલી મોટી લોન કેમ નથી ? મારી પાસે મર્સીડીઝ કેમ નથી ! મારી પાસે નોકરો કેમ નથી ? મારૂં નસીબ પેલા છોકરા જેવું સારૂં કેમ નથી ? મારૂં નસીબ આવું સાવ ખરાબ કેમ છે ?”

હવે કહો કોનું નસીબ સારૂં છે ? કોનું ખરાબ છે ?

બન્નેનું નસીબ સારૂં છે અને બન્નેનું નસીબ ખરાબ છે જ્યારે આપણે એ વસ્તુઓની તરફ જોઇએ છીએ જે આપણી પાસે નથી હોતી અને જ્યારે આપણે ઈચ્છીએ છીએ કે એ આપણી પાસે હોય ત્યારે આપણું નસીબ ખરાબ હોય છે.

આ ઘડીનો ખેલ છે. એક એક ઘડીમાં નસીબ બદલાઇ જાય છે. આનું મૂળ આપણી ઈચ્છાઓ અને વાસનાઓમાં હોય છે. જો આપણને આપણી ઈચ્છાઓ અને વાસનાઓને બદલતાં આવડી જાય તો આપણું નસીબ  આપોઆપ  બદલાઇ જાય.

માની લો તમારૂં કોઇ છોકરી સાથે ત્રણ વર્ષથી અફેર ચાલે છે અને એ તમને છોડીને જતી રહે છે તો તમારૂં નસીબ સારૂં છે કે ખરાબ ?

જો તમે એવું વિચારશો કે ”જે થાય છે તે સારા માટે થાય છે અને મને કોઇ વધારે સારૂં મળી જશે” તો તમારૂં નસીબ સારૂં છે.

અને જો તમે એમ માનશો કે ”આનાથી સારી વ્યક્તિ મળવાના કોઇ ચાન્સ નથી… મારૂં સર્વસ્વ લૂંટાઇ ગયું… હું બરબાદ થઇ ગયો…” તો તમારૂં નસીબ ખરાબ છે.

મતલબ તમારૂં ધ્યાન પોઝીટીવ પોઇન્ટ કે સ્ટ્રેન્થ તરફ જાય તો તમારૂં નસીબ સારૂં છે. અને જો તમારૂં ધ્યાન નેગેટીવ પોઇન્ટ કે વીકનેસ તરફ જાય તો તમારૂં નસીબ ખરાબ છે.

આકાશમાં એક પક્ષી ઊડી રહ્યું છે. જ્યાં સુધી ઊડી રહ્યું છે ત્યાં સુધી કોઇ મુશ્કેલી નથી કારણ આસમાનમાં ઊડવું એની પ્રકૃતિ છે.

પરંતુ એ પાણીમાં તરતી માછલીને જુએ છે અને એને એમ થવા લાગે છે કે હું માછલીની જેમ પાણીમાં તરી કેમ નથી શકતું ? મારૂં નસીબ માછલી જેવું સારૂં કેમ નથી ?

એક પચાસ સાઇઠ વર્ષની ઉંમરના માણસને જોઇને એક યુવાનને થાય છે શું રૂઆબ છે ?  શું પોઝીશન છે ? બન્ને હાથે પૈસા ભેગા કરે છે.

જ્યારે યુવાનને જોઇ એ પચાસ વર્ષનો માણસ વિચારે છે, ”મારા માથા પર પણ એના જેટલા વાળ હોત તો મારૂં નસીબ કેવું સારૂં હોત ? મારી પાસે પણ આ ઉંમર જેટલું જોશ અને  આનંદ હોત તો કેટલી મજા આવત ?”

મતલબ જીવનમાં તમારી પાસે છે એના તરફ – પોઝીટીવ તરફ જોવાનું શરૂ કરશો તો તમારૂં નસીબ સારૂં લાગશે. અને તમારી પાસે જે નથી એટલે નેગેટિવ તરફ જોવાનું શરૂ કરશો તો તમારૂં નસીબ ખરાબ લાગશે.

યાદ રાખો ખેલ નસીબનો નથી

ખેલ દ્રષ્ટિનો છે.

અને તમારી દ્રષ્ટિ  તમારી પસંદગી છે.


ન્યુરોગ્રાફ: તમારૂં ધ્યાન તમારા આપ્તજનોની બુરાઇઓ તરફ ગયું તો તમે દુનિયાના કમનસીબ માણસ છો. અને ખૂબીઓ તરફ ગયું તો તમે દુનિયાના લકીમાણસ છો !


Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

1 thought on “વાત મારી, તમારી અને આપણી : તમે ”લકી” છો કે ”અનલકી”?

Leave a Reply

Your email address will not be published.