બાળ ગગન વિહાર : એમી – ૧

પ્રાસ્તાવિક પરિચય

શૈલાબેન મુન્શાનો જન્મ કલક્તામાં પણ ઉછેર મુંબઈમાં. B.A. B.Ed નો અભ્યાસ પૂર્ણ કરી માતાના પગલે ચાલી તેમણે ભારતમાં શાળામાં ગુજરાતી શિક્ષિકા તરીકે વ્યવસાય શરૂ કર્યો. સાહિત્ય સર્જનની તેમની આંતરિક ઈચ્છાને વેગ મળ્યો જ્યારે તેઓ અમેરિકા આવ્યાં. અમેરિકામાં પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકો જેને (Pre primary children with Disability) કહે છે, એમની સાથે કામ કરવાની શરૂઆત કરી. આ બાળકોનાં નિર્દોષ તોફાનો, મસ્તી, ક્યાંક માતા પિતાની અવગણના એ વાતે તેમને “રોજિંદા પ્રસંગો” લખવાની પ્રેરણા આપી.

આ પ્રસંગો એક પુસ્તકરૂપે “બાળ ગગન વિહાર” પ્રકાશિત થયેલ છે. આ પ્રસંગોનું હાર્દ ઈશ્વરદત્ત જેવું મળ્યું (મંદ બુધ્ધિ કે વિકલાંગ) એ જીવનને સંવારવાની વાત છે.

શૈલાબહેન આ લેખમાળા વિશે કહે છે કે, “જીવનના લગભગ ચાલીસથી વધુ વર્ષ એક શિક્ષિકા તરીકે જીવી છું અને આજે પણ મારા દિવ્યાંગ બાળકોની સાથે છું આ બાળકો મને જીવવાનુ નવું બળ આપે છે અને અણજાણતા પણ ગમે તેવી મુસીબતોને હસતાં હસતાં કેમ પાર કરવી એ શિખવી જાય છે. આશા છે આપ સહુ વાચકોને પણ આ પ્રસંગો ક્યાંક ને ક્યાંક મનને ઝંઝોડી આ બાળકો પ્રત્યે જોવોનો દ્રષ્ટિકોણ બદલવામાં મદદરૂપ થશે.”

વેબ ગુર્જરી પર શૈલાબહેન  મુન્શાનું હાર્દિક સ્વાગત છે.

‘બાળ ગગન વિહાર’ શ્રેણીના લેખો દર મહિને ચોથા શુક્રવારે નિયમિતરૂપે પ્રકાશિત થશે.

-સંપાદક મડળ, વેબ ગુર્જરી


એમી – ૧

શૈલા મુન્શા

“બચ્ચેં મનકે સચ્ચે, સારે જગકી આંખકે તારે;
યે વો નન્હેં ફૂલ હૈં, જો ભગવાન કો લગતે પ્યારે!”

હું અમેરિકામાં હ્યુસ્ટનની સ્કૂલ ડિસ્ટ્રીક્ટની elementary school માં PPCD class (Pre-primary children with disability) જેને કહે છે એમાં સહ શિક્ષિકા તરીકે છેલ્લા અઢાર વર્ષોથી કામ કરું છું.

દરેક જાતની disability વાળા બાળકો સાથે કામ કરતાં એમના નાનકડાં નિર્દોષ તોફાનો, એમની તકલીફ અને છતાં મોઢા પર હાસ્ય અને જરા સરખાં વહાલનો મસમોટો શિરપાવ જોઈ એ પ્રસંગો એક ડાયરી રુપે લખવા શરુ કર્યાં અને એમાંથી સર્જાઈ મારી પુસ્તિકા “બાળ ગગન વિહાર” મારી પહેલી અને લાડકી એમીનાં છમકલાં રુઆબ અને મસ્તીથી મારી ડાયરીની શરુઆત કરું છું.

અઢાર વર્ષ પહેલાની વાત –

મારા ક્લાસમાં ત્રણ થી પાંચ વર્ષના બાળકો હોય. અત્યારે નવ બાળકોમાં સાત છોકરાંઓ અને બે છોકરીઓ છે. એમાં એક અમારા એમીબહેન છે. એમી એક Autistic child છે. આ બાળકો ઘણા હોશિયાર હોય પણ એમની રીતે કામ થવું જોઈએ.

નાનકડી એમી છે તો ત્રણ વર્ષની પણ જાણે જમાદાર. બધા પર એનો રૂવાબ ચાલે. જો એનુ ધાર્યું ના થાય તો ધમાલ મચાવી મુકે. લાલ રંગ એનો અતિ પ્રિય. ક્લાસમાં બે લાલ રંગની ખુરશી અને બાકીની ભુરા રંગની. જો એને લાલ ખુરશી ન મળે તો જે બેઠું હોય એને ધક્કો મારીને પણ એ ખુરશી પચાવી પાડે. રમતિયાળ અને હસમુખી, પણ ગુસ્સે થાય તો મોં જોવા જેવું. એના કરતાં બીજા બાળક પર વધારે ધ્યાન આપીએ તો બહેનબાના ચહેરાનો રંગ બદલાઈ જાય.

અમારા ક્લાસમાં બીજી જે છોકરી છે, એશલી એનું નામ. ભગવાને ચહેરો સુંદર આપ્યો છે, પણ મગજ કામ કરતું નથી. એક ક્ષણ એક જગ્યાએ ન રહે, જે હાથમાં આવે એ મોઢામાં નાખવા જાય. અમારે એશલીનું ખાસ ધ્યાન રાખવું પડે. ક્લાસમાં અમે બે શિક્ષકો હોવાં છતાં કોઈવાર અઘરૂં પડે. ક્લાસના એક ખૂણામાં બેત્રણ નાના કબાટો મુકીને એવી જગ્યા બનાવી છે જ્યાં એશલી રમી શકે. હું અથવા મીસ મેરી એક ખુરશી લઈને ત્યાં બેસીએ અને એશલીનું ધ્યાન રાખીએ. કોઈવાર બીજા બાળકો સાથે કામ કરતાં હોઈએ અને થોડીવાર માટે એશલીને એકલી મુકવી પડે તો બે ત્રણ નાની ખુરશી એવી રીતે રાખીએ કે એશલી જલ્દી બહાર ના આવી જાય.

એમીનો રૂવાબ સહુથી વધુ એશલી પર ચાલે પણ સાથે સાથે મોટીબહેન હોય એમ એનું ધ્યાન પણ રાખે. એશલીએ કાંઈક મોઢામાં નાખ્યુ અને અમારૂં ધ્યાન ના હોય તો તરત એમી બુમ પાડે, “મુન્શા, મુન્શા, એશલી” ને અમે તરત એશલીને સંભાળી લઈએ.

આજે બપોરે હું બાળકોને નાસ્તો આપવાની તૈયારી કરતી હતી ને મીસ મેરી કાંઈક કામમાં હતાં તો એમી જાણે મારી નકલ કરતી હોય તેમ ખુરશી પર બેસીને એશલીનું ધ્યાન રાખી રહી. જેવો એશલી એ બહાર આવવાનો પ્રયત્ન કર્યો કે તરત ઊભી થઈને બે નાનકડી ખુરશી આગળ મુકી દીધી, એ જોઈને હું ને મીસ મેરી એટલું હસી પડ્યા કે આટલી નાનકડી એમીમાં કેટલી ચતુરાઈ છે અને કેવી આપણી નકલ કરે છે.

આ નાનકડાં સિતારા અને એમની ચતુરાઈ જોઈ કોણ કહે આ બાળકો દિવ્યાંગ છે, અરે! એ તો ભવિષ્યના તારલાં છે જે સદા ચમકતાં રહે છે.


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

3 thoughts on “બાળ ગગન વિહાર : એમી – ૧

  1. દિવ્યાંગ બાળકોની પણ પોતાની અંદર એક શક્તિ તો છે જ જેનાથી એમની દુનિયામાં
    ઓજસ પાથરવા પ્રેરે છે .

  2. ‘બાળગગન વિહાર’ના પ્રસંગો વાચકોના મનને ક્યાંક ને ક્યાંક ઝંઝોડી જશે એ નિશ્ચિત્ત છે એટલું જ નહિ દિવ્યાંગ બાળકો પ્રત્યે જોવાનો દૄષ્ટિકોણ બદલવામાં ઉપકારક થશે જ. એક શિક્ષિકા, માત્ર વ્યવસાયના હેતુ સિવાય શિક્ષણને પ્રેમ અને પ્રસન્નતાથી ભરી દે છે ત્યારે એ આબાલવૃધ્ધ સૌ કોઈને માટે બોધરૂપ બની રહે છે.
    શૈલાબહેનને આવા ઉમદા અભિગમ માટે સલામ.

  3. બાળમાનસ ને પારખવાની આપની સમજ કાબીલે દાદ છે.

Leave a Reply

Your email address will not be published.