દીપક ધોળકિયા
રાજગોપાલાચારીની ફોર્મ્યુલા પર વાદવિવાદ ચાલતો હતો તે દરમિયાન જ જિન્નાને ગાંધીજીનો ગુજરાતીમાં પત્ર મળ્યોઃ
જિન્ના એ વખતે શ્રીનગર હતા. એમણે ૨૪મી જુલાઈએ જવાબ આપ્યો કે તમારો પત્ર મને ૨૨મીએ અહીં મળ્યો. હું અહીંથી લગભગ ઑગસ્ટની અધવચ્ચે મુંબઈ પાછો આવીશ ત્યારે મારે ઘરે તમારું સ્વાગત કરવામાં મને આનંદ થશે. ત્યાં સુધી તમારી તબીયત પણ પૂરી બરાબર થઈ ગઈ હશે. છાપાંમાં એ વાંચીને મને ખુશી થાય છે કે તમારી તબીયત સુધરતી જાય છે અને મને આશા છે કે તમે બહુ થોડા વખતમાં સાવ બરાબર થઈ જશો. આપણે મળીએ ત્યાં સુધી હું આટલું જ કહીશ.
જો કે જિન્નાની પોતાની જ તબીયત બગડતાં ઑગસ્ટમાં તો બન્નેની બેઠકો ન થઈ શકી પણ સપ્ટેમ્બરની નવમીએ ગાંધીજી જિન્નાના મુંબઈના ઘરે પહોંચ્યા. વાતચીતના કેન્દ્રમાં રાજાજીની ફૉર્મ્યુલા હતી. બન્ને નેતાઓ વાતચીત પછી એકબીજાને પત્રો લખીને બેઠકમાં થયેલી વાતચીતોના આધારે પોતાની દલીલની વધારે સ્પષ્ટતા કરતા. એમની મંત્રણાઓ વિશેની બધી માહિતી એમના પત્રોમાંથી જ મળે છે. આપણે તારીખવાર આ પત્રો જોઈએ.
૧૦ સપ્ટેમ્બર (જિન્ના): આપણે ગઈકાલે મળ્યા ત્યારે તમારી પાસેથી મેં જાણ્યું કે તમે મારી સાથે હિન્દુ-મુસ્લિમ સમસ્યાની ચર્ચા કરવા અંગત રીતે આવ્યા હતા અને કોઈનું પ્રતિનિધિત્વ નહોતા કરતા. મેં સ્વાભાવિક રીતે જ ધ્યાન દોર્યું કે મારી સામે કોઈ એવું હોવું જોઈએ કે જેને કોઈ સંસ્થાએ પ્રતિનિધિ બનાવ્યા હોય કે જેથી એની સાથે વાત કરી શકું અને હિન્દુ-મુસ્લિમ સમસ્યાનું સમાધાન શોધી શકું. મારી મુશ્કેલી એ છે કે હું મુસ્લિમ લીગ વતી જ બોલી શકું કેમ કે એનો હું પ્રમુખ છું પણ એના નિયમોથી બંધાયેલો છું. તમે વાતચીત માટે જે રીત અખત્યાર કરી છે તેનો કોઈ બીજો દાખલો જડતો નથી. હિન્દુ અને મુસ્લિમ, આ બે રાષ્ટ્રોના પ્રતિનિધિઓ મંત્રણા કરે તો કંઈક રસ્તો નીકળી શકે તે સિવાય આપણે આગળ કેમ વધી શકીએ?
આમ છતાં, મેં તમને લાહોર ઠરાવ સમજાવ્યો અને એના મૂળભૂત સિદ્ધાંતનો સ્વીકાર કરવા માટે તમને મનાવવાનો પ્રયાસ કર્યો, પણ તમે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો એટલું જ નહીં, તમે કહ્યું કે “મારા અને તમારા વચ્ચે એક સમુદ્ર છે”.
રાજગોપાલાચારીની ઑફરના અમુક મુદ્દા અસ્પષ્ટ છે, ત્યારે તમે જે મુદ્દાઓ અસ્પષ્ટ લાગતા હોય તે લખીને મોકલવા મને કહ્યું અને આપણે ૧૧મી તારીખે મળીએ તે પહેલાં એના લેખિત ખુલાસા આપવા સંમત થયા.
– રાજગોપાલાચારીની ફૉર્મ્યુલાની પ્રસ્તાવના વિશે જિન્નાએ પૂછ્યું કે આપણા બન્ને વચ્ચે સમજૂતી થઈ જાય તો પક્ષકાર તરીકે તમારી સ્થિતિ શી હશે?
– પહેલા મુદ્દામાં સ્વાધીન હિન્દુસ્તાનના બંધારણની વાત હતી. જિન્નાએ પૂછ્યું કે એ બંધારણ કોણ બનાવશે અને એ ક્યારે લાગુ પડશે?
– ફૉર્મ્યુલામાં એવું કહ્યું છે કે મુસ્લિમ લીગ કોંગ્રેસની ભારતની આઝાદીની માંગને ટેકો આપશે અને રાષ્ટ્રીય સરકાર બનાવવામાં કોંગ્રેસને સહકાર આપશે. હું એ જાણવા માગું છું કે આવી સરકાર કયા આધારે બનશે?
– રાજાજીએ ‘સંપૂર્ણ બહુમતી’ નક્કી કરવા માટે પંચ નીમવાની વાત કરી છે તે પંચની નીમણૂક કોણ કરશે?
– ફૉર્મ્યુલામાં “બધા પક્ષ” કહ્યું છે તો એ કોણ છે? વળી આ બધી શરતો બ્રિટન બધી સત્તા સોંપવા તૈયાર થાય તો જ લાગુ પડશે, એવું કહ્યું છે તો હું જાણવા માગું છું કે બ્રિટન કોને સત્તા સોંપશે?
૧૧ સપ્ટેમ્બર (ગાંધીજી): (સંબોધન કાયદે આઝમ). રાજાજીની ફૉર્મ્યુલામાં પણ એવું સૂચિત છે અને મેં જાહેરમાં કહ્યું છે કે હું તમને વ્યક્તિગત રીતે મળું છું. હિન્દુ-મુસ્લિમ એકતા મારી જિંદગીનું મિશન છે અને વિદેશી સત્તાની હકાલપટી કર્યા વિના એ સિદ્ધ ન થઈ શકે. આથી આત્મનિર્ણયના અધિકારનો અમલ કરવાની પહેલી શરત બધા પક્ષોના સહિયારા પ્રયાસોથી આઝાદી મેળવવાની છે. આવો સહિયારો પ્રયાસ શક્ય ન હોય તો પણ હું જે કોઈ બળોને એકઠાં કરી શકું એમની મદદથી મારે વિદેશી સત્તા સામે લડાઈ ચાલુ રાખવાની છે. હું તમને યાદ આપું કે રાજાજીની ફૉર્મ્યુલા પહેલાં તમે પોતે કબૂલ કરો અને તે પછી મુસ્લિમ લીગ સમક્ષ જાય તે રીતે બનાવેલી છે. હવે તમારા પ્રશ્નોના જવાબ આપું તો સ્વાધીન ભારતના બંધારણ વિશે મેં ઉપર જવાબ આપી દીધો છે. આ બંધારણ ફૉર્મ્યુલામાં દર્શાવેલી વચગાળાની સરકાર બનાવશે. પંચની નીમણૂક પણ વચગાળાની સરકાર જ કરશે અને એને ‘સંપૂર્ણ બહુમતી’ કોની છે તે નક્કી કરવાનું કામ સોંપશે. લોકમત અને મતાધિકાર કઈ રીતે નક્કી થાય તે ચર્ચાનો વિષય છે. ગાંધીજીએ કહ્યું કે ‘બધા પક્ષો’ એટલે ‘જેમને રસ હોય તેવા પક્ષો’.
આ પત્રમાં ગાંધીજીએ સ્વતંત્રતાને પ્રથમ સ્થાન આપ્યું. રાજાજીની ફૉર્મ્યુલામાં પહેલાં સર્વસંમત તખ્તો ગોઠવાઈ જાય તે પછી બ્રિટન સત્તા આપશે કે નહીં તે જોયા પછી એ શરતો લાગુ કરવી એવું સૂચન છે. ગાંધીજી કહે છે કે ફૉર્મ્યુલામાં બ્રિટન શાંતિથી સત્તા સોંપે એવું કહ્યું છે અને હું ઇચ્છું છું કે એ જલદી સત્તાની સોંપણી કરી દે.
૧૧ સપ્ટેમ્બર (જિન્ના) જિન્ના એ જ દિવસે પત્રનો જવાબ આપ્યો તેમાં ફરી ગાંધીજી વ્યક્તિગત રીતે વાત કરે છે તે તરફ ધ્યાન દોર્યું. વાતચીતમાં ગાંધીજીએ કહ્યું હતું કે લાહોર ઠરાવ ચોક્કસપણે કંઈ કહેતો નથી અને એનાં કેટલાંક તત્ત્વો રાજાજીએ સમાવી લીધાં છે. જિન્નાએ પોતાના પત્રમાં આ બાબતમાં પોતાની અસંમતિ દર્શાવી. એમણે કહ્યું કે ઇંડિયાની સમસ્યા પાકિસ્તાન અને હિન્દુસ્તાન એવા ભાગલા સ્વીકારવાથી જ આવશે. તમે લાહોર ઠરાવના શબ્દોનો અર્થ મારા પાસેથી જાણવા ન માગ્યો, પણ એનો ભારપૂર્વક વિરોધ કર્યો. હવે તમે જ કહો કે લાહોર ઠરાવ કઈ રીતે અનિશ્ચિત છે. રાજાજીએ એમાંથી તત્ત્વો લઈન આકાર આપ્યો છ એમ હું માની શકતો નથી. તમે આઝાદી પહેલાં મળવી જોઈએ એમ કહો છો તે ઘોડાની આગળ ગાડી જોડવા જેવું છે. તમે કહો છો કે તમ કોંગ્રેસને મનાવવા માટે તમારી તમામ શક્તિ ખર્ચી નાખશો, તે સારી વાત છે, પણ મારા માટે એ પૂરતું નથી.
૧૩ સપ્ટેમ્બર (જિન્ના) તમે ૧૨મીએ આવ્યા ત્યારે તમે કહ્યું કે તમને મારો ૧૧મી સપ્ટેમ્બરનો પત્ર વાંચવાનો પૂરતો સમય નથી મળ્યો. હું તમારા જવાબની રાહ જોઉં છું.
૧૪ સપ્ટેમ્બર(ગાંધીજી)
આ પત્રમાં ગાંધીજી કહે છે કે તમને કદાચ રાજાજીની ફૉર્મ્યુલા ગમતી નથી એટલે હું હાલ ઘડી એને મારા મનમાંથી કાઢી નાખું છું. હવે હું લાહોર ઠરાવ પર ચર્ચાને કેન્દ્રિત કરીશ અને પરસ્પર સમજૂતીનું કોઈ બિંદુ મળે તે શોધવા પ્રયત્ન કરીશ. આઝાદી વિશે બોલતાં ગાંધીજી કહ્યું કે મારો પાકો વિચાર છે કે આપણે ત્રીજા પક્ષને હાંકી નહીં કાઢીએ ત્યાં સુધી શાંતિથી નહીં રહી શકીએ.
તમે મને વચગાળાની સરકાર વિશે પૂછો છો તો હું કહીશ કે આપણે બન્ને સંમત થઈએ તો બીજાઓને સમજાવવાની જવાબદારી આપણી રહેશે. એવી ક્ષણ આવશે કે મારી જગ્યા કોઈ અધિકૃત વ્યક્તિ લેશે. લોકમતનું પરિણામ ભાગલાની તરફેણમાં આવે તો બન્ને રાજ્યોએ સમાન હિતની બાબતો વિશે સમજૂતી કરવાની રહેશે.
આ પત્ર દ્વારા ગાંધીજીએ રાજાજીની ફૉર્મ્યુલાને હટાવી નાખી અને વાતચીતનો આધાર બદલી નાખ્યો છે. પરંતુ રાજાજીની ફૉર્મ્યુલાનાં તત્ત્વોને છોડ્યાં નથી, માત્ર આઝાદી માટે સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો છે અને જિન્ના પોતાના સવાલોનું પુનરાવર્તન કરતા રહ્યા છે પણ ગાંધીજીએ એનો જવાબ ધીરજથી આપ્યો છે. તે સાથે એમણે લાહોર ઠરાવને પણ નકારી કાઢ્યો છે. જિન્ના વેધક પ્રશ્નો પૂછે છે તેનું કારણ એ છે કે એમનું લક્ષ્ય ગાંધીજી પાસેથી મુસ્લિમ લીગને શું મળશે તે કઢાવવાનું છે. બીજી બાજુ, ગાંધીજી બધું માનવા તૈયાર છે પણ ત્રીજા પક્ષની દરમિયાનગીરી વિના. જિન્ના બ્રિટનની હાજરીમાં જ પોતાની માંગ પૂરી કરવા માગે છે.
૧૪ સપ્ટેમ્બર (જિન્ના): આ પત્રમાં જિન્નાએ ફરી એ વાતનો ખુલાસો માગ્યો કે આઝાદી આખા દેશ માટે હશે કે કેમ? એમનો બીજો સવાલ એ છે કે ગાંધી-રાજાજી ફૉર્મ્યુલામાં કહ્યું છે કે મુસ્લિમ લીગ આઝાદી માટે કોંગ્રેસના ઠરાવને ટેકો આપશે; તો એ ૧૯૪૨ ઑગસ્ટનો ઠરાવ છે?
૧૫ સપ્ટેમ્બર (ગાંધીજી): આ પત્રમાં ગાંધીજી ફરી કહે છે કે એમણે રાજાજીની ફૉર્મ્યુલા છોડી દીધી છે અને સીધા જ લાહોર ઠરાવ પર આવે છે. ગાંધીજી કહ્યું કે લાહોર ઠરાવમાં દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત નથી. આપણી ચર્ચામાં તમે બહુ ઉત્કટતાથી કહ્યું છે કે ભારતમાં બે રાષ્ટ્રો છે – હિન્દુ અને મુસલમાન. તમે કહો છો કે જેમ હિન્દુઓનું પોતાનું વતન છે તેમ મુસલમાનોનું પણ હોવું જોઈએ. આપણી દલીલો આગળ વધે છે તેમ તમે જે ચિત્ર રજૂ કરો છો તે મને વધારે ને વધારે ચોંકાવનારું લાગે છે. ચિત્ર સાચું હોય તો એનું આકર્ષણ થાય પણ મારો ભય વધતો જાય છે કે એ ખરું ચિત્ર નથી. મને ઇતિહાસમાં એવો કોઈ બીજો દાખલો નથી જડતો કે જેમાં ધર્મ પરિવર્તન કરનારા અને એમના વારસદારો પોતાને માતાપિતાથી અલગ કોમ (રાષ્ટ્ર) તરીકે ઓળખાવે. ભારત ઇસ્લામના આગમન પહેલાં એક રાષ્ટ્ર હતું તો એનાં સંતાનો બહુ મોટી સંખ્યામાં ધર્મ બદલી લે તો પણ ભારત એક જ રહે છે.
આ કથન પર ડૉ. આંબેડકરની ટિપ્પણી છે કે ગાંધીજીએ એમની અકળ શૈલીમાં જિન્નાને કહી દીધું કે છેવટે તો તમે લોહાણા જ રહો છો! આ પછી ગાંધી-જિન્ના મંત્રણા નિષ્ફળ રહેશે એમ ડૉ. આંબેડકરે માની લીધું હતું. એ સાચા પડ્યા.
તમે મુલક જીતી લીધો એટલે એનો અલગ મુલક નથી બનાવતા, પણ કહો છો કે અમે ઇસ્લામ સ્વીકાર્યો એટલે અમને અલગ દેશ જોઈએ. બધા જ લોકો ઇસ્લામ સ્વીકારી લે તો આ એક રાષ્ટ્ર બની જશે? બંગાળીઓ, ઉડિયા, આંધ્રવાસીઓ, તમિલિયનો, મહારાષ્ટ્રીયનો, ગુજરાતીઓની આગવી ખાસિયતો છે તે શું બધા મુસલમાન બની જશે તો ભુંસાઈ જશે? આ બધા રાજકીય દૃષ્ટિએ એક થયા છે, કારણ કે એ બધા વિદેશી ધૂંસરી નીચે છે.
તમે રાષ્ટ્રીયતાની નવી કસોટી ઉમેરતા હો એમ લાગે છે. હું જો એ સ્વીકારું તો મારે ઘણા દાવા સ્વીકારવા પડે અને કદી ન ઉકેલી શકાય એવી સમસ્યાનો સામનો કરવો પડે. આપણી રાષ્ટ્રીયતાની એકમાત્ર કસોટી, જે બહુ જ અરૂચિકર છે, આપણી એકસમાન રાજકીય ગુલામીમાંથી પ્રગટ થાય છે. તમે અને હું આ ગુલામીને સાથે મળીને ફેંકી દઈએ તો આપણો રાજકીય સ્વતંત્રતામાં જન્મ થશે. તે પછી જો આપણે સ્વતંત્રતાની કિંમત નહીં સમજ્યા હોઈએ તો આપણા પર લોખંડી સકંજો કસનાર સૌનો એક માલિક નહીં હોય તો અંદરોઅંદર ઝઘડીશું અને અનેક જૂથોમાં વિખેરાઈ જઈશું. આ સ્તરે નીચે ઊતરી જતાં આપણને કોઈ રોકશે નહીં અને આપણે નવા માલિકની ખોજ કરવા નીકળવું નહીં પડે કારણ કે રાજસિંહાસનના દાવેદારો ઘણા હોય છે અને એ કદી ખાલી નથી રહેતું.
આટલી ભૂમિકા પછી ગાંધીજી સીધા જ લાહોર ઠરાવ પર આવે છે અને ઝીણામાં ઝીણી બાબતોની છણાવટ કરે છે. જિન્નાએ એનો જવાબ આપ્યો છે.
પણ બન્નેના મુદ્દા એકસાથે જોવાનું સરળ રહેશે એટલે આવતા પ્રકરણમાં આપણે ગાંધીજીના આ પત્રના બાકી રહેલા ભાગની અને એના જવાબમાં જિન્નાએ ૧૭મી સપ્ટેમ્બરે આપેલા જવાબની એકસાથે ચર્ચા કરશું.
૦૦૦
સંદર્ભઃ
The Annual Indian Register July-Dec1944 Vol.II
ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ ૭૮, નવજીવન પ્રકાશન મંદિર. (https://www.gandhiheritageportal.org).
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી