પુસ્તક પરિચય – હું હતો ત્યારે: આત્મકથા સ્વરૂપે એક લાગણીભીની સ્મરણકથા

પરેશ પ્રજાપતિ

છે તો આ એક સ્મરણકથા, પણ તેનું સ્વરૂપ આત્મકથાનું છે. આત્મકથાનો સમયગાળો ગર્ભસ્થ અવસ્થાથી માંડીને છેક જીવનના અંત સુધીનો હોવાથી તે એકદમ વિશિષ્ટ બની રહે છે.

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બારડોલીમાં પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત સંધ્યાબેન ભટ્ટને ૨૦૦૯ની ૧૪ ઓગસ્ટે સાવ કિશોર વયનો પુત્ર ગુમાવવાનો દુ:ખદ પ્રસંગ સહેવાનો થયો. એ પછી પુત્રની યાદ સતત કોરી ખાતી હતી. આખરે (સાહિત્ય સાથે સંકળાયેલા હોવાથી) વ્હાલસોયા પુત્રની તમામ યાદો તેમણે શબ્દોની ગાંઠે બાંધવાનું શરૂ કર્યું. જૂલાઈ ૨૦૧૮ થી મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમા આ કથા હપ્તાવાર પ્રકાશિત થઈ હતી. આમ સર્જાઈ એક અનોખી આત્મકથાના સ્વરૂપમાં સ્મરણકથા- હું હતો ત્યારે.

કથાનાયક રોહનના શબ્દોમાં જન્મની કેટલીક ક્ષણો પહેલાંથી લઈને મૃત્યુને આંબી જતું આલેખન તેને વિશિષ્ટ બનાવે છે. મૂછનો દોરો ફૂટે તે પહેલાં તો કથાનાયકની જીવનલીલા સંકેલાઈ ગઈ. તેથી નાયકનું જીવન મોટા ચડાવઉતાર કે પ્રેરણાત્મક પ્રસંગોથી કે વાચકને ઉત્તેજિત કરતી ઘટનાઓથી ભર્યું હોવાની કલ્પના અસ્થાને છે. તેને બદલે પુસ્તકના દરેક પાને વાચકને અનુભવાય છે ભારોભાર સંવેદના. કારણ, કથા ભલે નાયકના મુખે આગળ ધપે, પરંતુ શબ્દો એ લબરમૂછીયા નાયક રોહનનું ધરતી પર અવતરણ કરાવનાર ‘મા’ના છે. પોતાના સંતાનના ઉછેર સાથે જોડાયેલી નાનામાં નાની ઘટના મા જીવનભર ભૂલી શકતી નથી. તેના માટે પહેલવહેલી બીમારી હોય કે પહેલું શબ્દોચ્ચારણ! અરે, ‘સૂસૂ’ કરવા જેવી પ્રથમ નજરે ક્ષુલ્લક લાગતી વાત પણ આજીવન સંભારણું બની રહેતી હોય છે. રોહનનો ટૂંકો જીવનગાળો જોતાં નાનકડી ઘટનાઓનું આલેખન પણ બિલોરી હોય એ સ્વાભાવિક છે. વાચક તેમાં જકડાતો જાય છે. કથાનાયકની ઉંમર સાથે પરિવારની દિનચર્યામાં આવતો બદલાવ વાંચનારને પોતીકો લાગવા માંડે છે. બાળસહજ તોફાનો કરતા નાના ભાઈના આગમનને વધાવી તેને વહાલ કરવાની સાથે હક્ક જતાવતાં કે મોટેરાં સાથે ક્રિકેટ રમતાં નાનામોટાં તોફાનોમાં અવ્વલ રોહનની સાથે વાચક પણ પોતાનું અનુસંધાન સાધી મોટો થતો જાય છે અને બા-દાદાની વાર્તાઓમાં ખોવાતો જાય છે. બાળકના ઘડતરમાં અડોશપડોશ, બા-દાદા, નાના-નાની વગેરેનાં પ્રદાનની જાણીતી, પણ ક્યાંય વાંચવા ન મળે એવી ઘટનાઓનું બારીકાઈથી નિરૂપણ ખાસ ધ્યાનાકર્ષક છે.

ખડેપગે આઠ કલાકની નર્સિંગની નોકરી પછી ઘેર આવતા હેમામાસીને ‘લાવો, હું ભાખરી બનાવી દઉં?’ કહેતો રોહન હોય કે શાળામાં સહાધ્યાયીને અપમાનિત થતો જોઈ ન રહેતાં તેને ઘેર જઈ શિખવાડવાની ચેષ્ટામાં તે કેવો ભાવિ નાગરિક બનશે તેનું પ્રતિબિંબ ઝિલાય છે, તો મુગ્ધાવસ્થામાં અનુભવાયેલા આકર્ષણનાં કિસ્સાથી તેનો લાગણીશીલ સ્વભાવ છતો થાય છે.

પુસ્તકના અંતિમ પ્રકરણમાં દુ:ખદ પણ બોધ આપનારી ઘટના આલેખાઈ છે. લાડકા સંતાનની નાનકડી જીદ સંતોષવામાં મા-બાપ છુપી ખુશી અનુભવતા હોય છે. કથાનાયક રોહનને નાનપણમાં સાયકલ અપાવી રોહનના માતા-પિતાએ આવો ગર્વ માણ્યો હતો. પંદર વર્ષે તો રોહન મિત્રોની બાઈક ફેરવતો થઈ ગયો હતો. બારમા ધોરણમાં આવતાં ટ્યુશન ખાતર રોહને બાઈક લેવાની જીદ પકડી. શરૂઆતમાં મક્કમ રહેલા મા-બાપે તેને સમયની માંગ ગણીને નમતું જોખ્યું અને ટુ વ્હીલર અપાવ્યું. એક દિવસ બાઈક લપસી પડવા જેવી નાનકડી ઘટનાનું બિલોરી પરિણામ સામે આવ્યું અને સાવ કાચી ઉંમરે રોહને દુનિયાને અલવિદા કરી. પુસ્તકને અંતે લાગણીભીની કાવ્યાંજલી છે. આ પુસ્તકની પ્રસ્તાવના જાણીતા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાએ લખી છે. પોતાના લખાણમાં તેમણે પુસ્તકના વિશિષ્ટ સ્વરૂપને ઉજાગર કર્યું છે.

આ પુસ્તકનાં લેખિકા સંધ્યા ભટ્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બારડોલીમાં છેલ્લા 30 વર્ષથી પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે તેમજ જાણીતાં કવયિત્રી છે. તેઓ ગઝલ, સૉનેટ, અછાંદસ વગેરે લખે છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

પુસ્તકનું નામ : હું હતો ત્યારે
લેખિકા : સંધ્યા ભટ્ટ
પૃષ્ઠસંખ્યા:128; કિંમત : 140/-
પહેલી આવૃત્તિ: 2019
પ્રકાશક: જોય એન્ટરપ્રાઈઝ, વસ્ત્રાપુર,અમદાવાદ
લેખિકા સંપર્ક : sandhyabhatt@gmail.com


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

3 thoughts on “પુસ્તક પરિચય – હું હતો ત્યારે: આત્મકથા સ્વરૂપે એક લાગણીભીની સ્મરણકથા

  1. સુંદર પુસ્તક-પરિચય.
    કથાનાયકના આકસ્મિક મૃત્યુ પાછળનું કારણ વિશેષ શોચનીય જણાય છે. અલબત્ત, થનાર ઘટનાને તદ્દન રોકી શકાતી નથી. પણ બાળકની માગણી જીદનું સ્વરૂપ પકડે તે પહેલાની પાલકની ભૂમિકા પણ અગત્યની બની રહે છે.
    પુસ્તક અવશ્ય મેળવી વાંચીશ.

Leave a Reply

Your email address will not be published.