સોરઠની સોડમ : સંસ્કારને આવતાંયે પેઢીયું લાગે ને…

ડો. દિનેશ વૈષ્ણવ

આ વાત ચીરોડાના મુળુ બારોટે માનપુર દરબારગઢમાં દાજી ડાયરે ૧૯૫૦ના પાછોત્રા દસકે માંડી’તી એટલે જે મને એમાંથી યાદ છે એના ભંડારામાંથી અન્નકૂટ તો નહીં પણ ચરનો નિવેદ ધરું છ. હવે ઈ વરસોમાં મેંદરડા-જૂનાગઢ વચાળે એસ.ટી.ના લીલાખટારાનો લુશાળા થઈને એક જ રસ્તો કારણ તીયેં બગડુ-દાત્રાણા વાળો ટૂંકો કેડો નો’તો જન્મ્યો.એટલે મેંદરડાથી લુશાળા પોગો એમાં રસ્તામાં સમઢીયાળા, અણિયાળા, બરવાળા, ચીરોડા એવાં પંખીના માળા જેવાં ગામ્યું આવે ને બસ યાં  હંધેય થોભે. તો સાહેબ, ૧૯૨૦ના દાયકે ચીરોડા ગામમાં “ધણશેરી”માં” રોટલે મોટા ને સુખી એવા ડાંગર આયરનું નંદવાયેલું ખોયડું. નંદવાયેલું ઈ સાટુ કે આયરાણી જીવતીઆઈને લકવો મારી ગ્યોતો ને એટલે આયરને ખંભે સાંજે ગામનો ચોરો ને હોકાપાણી અભેરાઈએ છાંડીને ઘર ને બા’ર બેયની જવાબદારીનું ધોસરું પડયુંતું.

રોજ મોસૂજણે કાથી ઢોલીયામાં પચાસેક વરસના આયરાણીને વાંહેં ટેકો કરીને એની આયુના છઠા દાયકે ડાંગર આયર જીવતીઆઈને ફુંકીફુંકીને પ્રેમથી પીત્તળની અડાળી માંથી ચા પાય. રોંઢે હાથમાં ગાડાના પૈડા જેવા લીલાછમ રોટલાનાં બટકાં રોટલા માથે ટેકવેલ ભીના શાકમાં બોળીને વાત્યું કરતા  ધીરેધીરે ખવરાવે ને વચાળેવચાળે તાંસળીએથી છાસનો ઘૂંટડો પીવરાવે. વાળુ ટાણે પણ ઈ જ રીતે તાણ કરીકરીને ઓઘલો વળેલ ને ઘીએ ચોળેલ ખીચડી, દોડતું શાક ને દૂધ આનંદે જમાડે. બાકી દી’ના વચાટ ભાગે આયર સાંતીયુંને ઢોરવાડીયું સાફસૂફ કરવાનું, ઢૉરૂડાને સીમે ચારવા લઇ જાવાનું; ને ખેતરનું, ભાગીયાનું ને દાડીયાંનું કામ સોંપે. ઘરમાં સુરજસાંખે મુળી ગોલણ નેત્રે વલોણું ફેરવે, સંજવાળી કાઢે, ગામના કુવેથી પાણીની ત્રણ હેલ્યુ સારે, ઠામડાં ઉટકે, ચૂલે મગબાફણાં ટેકવે; ફાનસની વાટ કાપે, માય કેરસીન ભરે ને મોગરો ને પોટો સમારે, ને અઠવાડીયે ગાર્ય લીપવા ગોરૈયું ભેળવે ને ખોયડે લીપણ કરે. ઈ જ રીતે સાંજે સીમેથી ઢોરઢાંખર પાછાં આવે એટલે સાંતી હથેળી જેવડા ખોળનાં બટકાં ને મુઠીફાટ દાણાના કપાસનું ખાણ દઈને દોવે, રાતનું નિણ નાખે, વ. ઇમ હંધાય કામ ડાંગર સૌ આગળ પ્રેમે પણ ખંતથી કરાવે. પણ આયર જાતે જ બેય ટાણાનું રાંધે ને કપડાં ધુવે. આખા દી’નું કામ પતાવી છેલ્લે રાતે આયર આયરાણીના ઢોલીયાની પડખે નીચે પાગરણ કરીને સુવે ને ઈ બેય માણહ મીઠીમીઠી વાત્યું કરતાં ઇથીયે મીઠી નીંદરે ભરાઈને સુઈ જાય.

તો આ રીતે આયર-આયરાણીના ત્રણેક વરસથી ચારેય મોસમ ને દી’ના આઠેય પોર જાય ને આયરને એક દી’થી બીજો એક બીજો દી’ વધુ ઉજળો ને  ચડીયાતો લાગે પણ આયરાણીને ઈ  દીવસું પગની પાનીમાં બાવળના સુળીયા કાંટાની જેમ ખટકે પણ એને પણ ઈ કાળમુખા લકવે લાચારીના ખાટલે સુવાડયાતાં. એમાં એક દી’ ડાંગરના કટમ્બ ગોર કાંતી કવિ ઈ વરસ જાજું સારું થ્યુંતું તે આયર કને બાજરાના બેચાર બાચકાં ને ઘીના બેએક પારયાની આશે આવ્યા. આયરે એને ઉનો આવકારો દીધો ને ગોરબાપા ઓસરીની કોરે પછેડીની ભેંટ બાંધીને બેઠા. પછી તો ડાંગર ને કવિરાજ બેય વાતે વળગ્યા ને જેમજેમ વાત ઉખડતી ગઈ એમએમ આયર ગોઠણીયાભર થાતો ગ્યો. આમને આમ દી’નો ત્રીજો પોર અર્ધો વઇ ગ્યો પણ આયરાણીને એમાની એકેય વાતે રસ ન પડે ને એના મોઢાના હાવભાવ નિમાણા જ રયા. ગોરબાપા પણ માણસ પારખુ એટલે ઈને આયરાણી કોર જોઈને પૂછ્યું:

“આઈ, કેમ આમ નિમાણાં છો. આયરે કાંઈ કીધું, મોંએ ચડ્યા?”

જીવતીઆઈ: “નારે… ના ગોરબાપા. હું અભ્યાગણ આયરનું લોઈ લઉં છ ને બેઠીબેઠી રોટલા તોડું છ. આયરતો તો બચાડો મારી વાંહે પોતીકી જિંદગી ઝેરે ઘોળીને મુને કપૂરના કોગળા કરાવે છ.”

ગોરબાપા: “તો આઈ કેમ આમ ભારે છો?

જીવતીઆઈ: “બાપા તમથી ક્યાં અજાણ્યું છે. ત્રણેક વરહ પે’લાં મારી આંખ્યુંની કિકી જીવી ગગી સોનબાઇની જાન ઉઘલાવીને ગામના ગોંદરેથી “રામણદીવડો” લઈને ખોયડે આવીતી. પસે આઈ ખોડલ આગળ દીકરીએ કરેલ થાપા આગળ મેં વાલામૂઇએ ઈ દીવડાને  મુક્યો ને તીયે મારી લોબડીના જપાટે ઈ દીવો હોલવાઈ ગ્યો. બસ, પસે ત્રીજા દી’એ મને લકવો મારી ગ્યો. બસ, ઈ દી’થી આયરે માથેથી આંટાળી પાઘડી ઉતારી, ફાળીયું બાંધીને ઘરના હંધાયે કામ માથે લીધાં છ ને મુને મૂઈને માં ખોડિયારે ઈ હંધુયે જુવા જીવતી રાખી છ.”

ડાંગર આયર ગોરબાપા ને જીવતીઆઈ વચાળેની હંધીયે વાત્યું ચીતેથી સાંભળે ને મૂછમાં મરકે. થોડીકવારે આયર બોલ્યા:

“જીવી, તેં બળાપો કાઢી લીધો હોય તો હું ક્યાંક કઉં કી જીની તુને મુદ્દેએ ખબર નથી.” જીવતીઆઈએ માથું ઘુણાવીને હા પાડી એટલે:

ડાંગર આયર: “તારા બાપુ ગીગા આયર ને મારા બાપુ રામ આયર વચાળે ઘર જીવો ધરોબો. ઈ બેયની જમીનું એક સેઢે ને એક છીંડે. પણ કાળને કરવું તી ગીગાબાપુને ગામના માતેલ ધણખુંટે સીંગડે ભેરવ્યા ને ઈની બેય આંખ્યું ઇમાં વઇ ગઈ. તીયેં તારો મોટોભાઈ સામત વયે નાનો ને તારા બાપુને કોઈ ભાગીયો ખેડુયે ન મળ્યો. દીવસુ જાતાં તારું ખેતર હીજરાઈ ગ્યું ને વેંચાઈ ગ્યું. પસે મારા બાપુએ તારા બાપુને હડમાનની ડેરી પાછળ પડકું જમીન દીધી ને તારા મોટાભાઈ સામતે ઈને ખીલવી, ખેડી ને તુને ઈમાંથી ઉજેરી. તીયે મારી ઉંમર દસેક વરહની ને તું ઘોડિયે હતી તીયે તારા ને મારા બેય બાપુ આ હામે દેખાય ઈ જ ફળીમાં ભેંટ્યા ને તારા બાપુએ  મારા બાપુને કીધું:

“રામ આયર, તું મારા દુઃખમાં દી’માં દીવડો થ્યો ને મુને મારગ ચીંધ્યો કારણ તારા કુળની ખાનદાની જાજેરી ઉંચી છે. જો તુને વાંધો ન હોય તો મારી એક્નીએક ગગી જીવીને ઘોડિયે ચાંદલા કરું ને તારા ગગા ડાંગર ને દઉં.” ને પછી ડાંગર કે’છ:

“અરે ગાંડી જીવલી, તેં તેર વરહની વયથી મારા કટમ્બના રોટલા ટીપ્યા, કૂવે તગારેતગારે કપડાં ઊજળાં કર્યાં ને અમારું ખોયડું સાચવ્યું ની ઈનેં વધુ ઉજળું કર્યું. ઈટલે આજ જે કાંઈ હું હવે કરી સકું છ ઈ તારી હાટુ નથી કરતો પણ મારા કુળની ખાનદાની ની નાક સાચવવા કરું છ.”

આ આખીયે વાતના અંતે મુળુ બારોટે સુજાણ ડાયરેથી નજર તારવી ને માનપુર દરબારસાહેબને જોઈને કીધું:

“બાપુ, આપ સાહેબ તો જાણો જ છો કે સંસ્કારને આવતાંયે પેઢીયું લાગે ને જાતાંયે પેઢીયું લાગે.”

દરબારસાહેબ રાજી થ્યા, પોરસાણા ને કીધું:

“ભાઈ, ભાઈ… બારોટ આજ તો ગજબ વાત માંડી, ગજબ કર્યો હો. હવે આજ રાત દરબારગઢના મે’માન થાવ ને કાલે તમારો ખડિયો (ખંભે લટકાવાનો થેલો) ન્યાલ કરીને ગામતરું કરજો.”

મિત્રો, આપણા લોકસાહિત્યમાં સંસ્કારને ઉજાગર કરતી આવી અનેક વાત્યું પડી છ ને આજ ઘણા ગઢવીઓ આવી એકથી એક ચડિયાતી વાત્યું આપણા સંસ્કારધનની પુંજી ને વિરાસતના વારસાને ટકાવી રાખવા માંડે હોત છ.


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે


સંપાદકીય નોંધ

ડૉ. દિનેશ વૈષ્ણવની ‘સોરઠની સોડમ’ શ્રેણિ થોડા વર્ષો માટે તેમનાં, સુખદ, કૌટુંબીક રોકાણોને કારણે થંભી ગઈ હતી. જ એહવે ફરીથી નિયમિતરૂપે દર મહિનાના ચોથા મગળવારે પ્રકાશિત થશે.

સંપાદન મંડળ – વેબ ગુર્જરી-

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.