લ્યો,આ ચીંધી આંગળી : રંગભૂમિ અને ફિલ્મોના એક ઉમદા કલાકાર સ્વ. પી. ખરસાણી વિષેનો ગ્રંથ અને બીજી થોડી વાતો

રજનીકુમાર પંડ્યા

ભલે ના ગમે, પણ શરૂઆત તો સ્મશાનના અસલી દૃશ્યથી જ કરવી જરૂરી છે.

૧૯૯૨ ના જુલાઇની ૧૪ મી. અમદાવાદનું વાડીલાલ સારાભાઇ હૉસ્પિટલ પાછળનું સ્મશાનગૃહ! સવારના દસનો સમય છે. ચિતા પર એક ગૌરવર્ણી વૃધ્ધાનો દેહ પોઢ્યો છે. બિનવારસી ગુજરી ગયેલાં એ એક વખતના જાજરમાન રૂપગર્વિતા અભિનેત્રી હિરાબાઇની અંતીમ એક્ઝીટ વેળા હાજર માત્ર બાર જણા છે. એ કોઇ હિરાબાઇના સગાવહાલામાં નથી, પણ કેવળ રંગસગાઇના નાતે દોડી આવનારા કલાકારો છે. જુની પરંપરાગત નાટકકંપની કમલ કલા કેન્દ્રના શીલા-મનોજની જોડીવાળા મનોજભાઇ બે પાંચ જુનિયર કલાકારોને લઇને આવ્યા છે. મૃતદેહના પોપચાં બંધ છે, પણ એ સ્ત્રીનો ઇતિહાસ જાણનાર એકાદ જણને એવો ભાસ થાય છે કે અસંખ્ય કરચલીયાળા મૃત બંધ પોપચાંની ભીતર બંધ નજર તો આજુબાજુ વિંટળાયેલા ડાઘુઓમાંથી એક એવી વ્યક્તિને શોધી રહી છે જેના હાથમાં આ દર્ભની આ સળીઓ હોવી જોઇતી હતી. પણ એ માણસે પોતાને એનો અધિકારી માનવાને બદલે આ લખનારાના હાથમાં એ  સળીઓ પકડાવી દીધી હતી, કારણ કે બહુ નમ્રપણે એણે એમ માની લીધું હતું કે પોતાના કરતાં વધુ અધિકાર એના અંતીમ દિવસોમાં યત્કિંચિત સેવા કરનાર અહીં હાજર આ લેખકને હતો. પણ ના, એ વાત લખનારને માન્ય નહોતી, એને પૂરી પ્રતિતી હતી કે એ અધિકાર તો જેણે એની સાથે ભાઇ-બહેનનો સંબંધ જીંદગીભર નિભાવ્યો એને જ હતો. એણે જ સગ્ગા માજણ્યા ભાઇની જેમ દર બળેવે પોતાને કાંડે આ વૃધ્ધા પાસે રાખડી બંધાવી હતી અને જીવતાં સુધી સગ્ગા દિકરાની જેમ એની સંભાળ પણ લીધી હતી. અંગુઠે દહન દેનારા તરીકે એના સિવાય બીજું કોઇ ના હોઇ શકે.

(પી. ખરસાણી)

સ્મશાનભૂમિ પર આવી રકઝક શોભે તેવું નહોતું, એટલે આ લખનારે એ ઉમદા માણસ-પી. ખરસાણીને- હાથ સાહીને એમને ચિતાની સમીપ લીધા અને પછી હાજર એવા એક બ્રાહ્મણના મંત્રોચ્ચારો વચ્ચે એમનું કાંડુ હાથમાં લઇને હિરાબાઇ નામની એક જમાનાની જાજ્વલ્યમાન અભિનેત્રીના નાશવંત દેહને અંગુઠે આગ દીધી (આ આખો પ્રસંગ ઇમેજ પ્રકાશનના સુરેશ દલાલ સંપાદિત અદભુત પુસ્તક ‘સંબંધોના સરોવર’માં બહુ વિસ્તૃત રીતે આલેખાયો છે.)

પુસ્તકો આનંદ આપે છે. જ્ઞાન અને સમજણ આપે છે. માર્ગદર્શન આપે છે અને નવા વિચારોની  દિશા ઉઘાડી આપે છે, એ બધું સાચું છે પણ અમુક પ્રકારના પુસ્તકો જો નર્યા વ્યક્તિસ્તુતિકેન્દ્રી ના હોય  તો એ ઇતિહાસને એમાં કાલવી આપીને ટાઇમ કેપ્સ્યુલનું કામ આશ્ચર્યકારક રીતે કરી આપે છે..વ્યક્તિગત વાતોના આલેખનની મિષે એ પ્રાચીનોત્તર ઇતિહાસ પરની રજોટી અને /અથવા  તાજેતરના ઇતિહાસના આયના ઉપરનું ધુમ્મસ દૂર કરી આપે છે.

‘પી.ખરસાણીનો વેશ’ જેવું સાર્થક નામ ધરાવતા એવા એક અદભુત પુસ્તકમાં ૨૦૧૫ની સાલમાં નેવુંના થવા આવેલા ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના સમર્થ અભિનેતા પી.ખરસાણીના જીવન અને કવનને એટલી વિશદ અને અનોખી રીતે નિરુપવામાં આવ્યું છે કે ઇતિહાસલક્ષી કોઇ દસ્તાવેજી ચિત્ર નજર સમક્ષ પેશ થતું હોય એવો અહેસાસ જન્મે. બેશક એમાં ‘પરણે એના ગાણાં’ ગવાય એ ધોરણે એમના વ્યક્તિત્વની ઉજ્જવલતાને જ ઉજાગર કરવામાં આવી છે એ સાચું છે અને એ એમ હોવું ગનીમત પણ છે જ. પણ એમાં જૂના સોના-ચાંદીના દાગીનાને ઉજાળી આપીને હથેળીમાં મુકી આપવાનો  કલાકીય ઉદ્યમ દેખાય છે, એ  ઉજ્જવળતા કોઇ ગિલેટની કે કલાઇની ચમકની નથી, એટલે એ ગ્રંથ આ અભિનેતાની અસલી ધાતુ (મેટલ-ટિમ્બર)નો આજ સુધી વણપ્રીછ્યો રહેલો પરિચયકોશ બની રહ્યો છે.

સિત્તેર સિત્તેર વર્ષોની પી.ખરસાણી (પ્રાણલાલ દેવજીભાઇ-લક્ષ્મણદાસ–ખરસાણી)ની અભિનયયાત્રામાં સાથે રહેનારા એમના નિકટના સહકલાકારોને પણ જેની ખબર નહિં હોય તેવી વાતો બહુ રસપ્રદ તો બની આવી છે જ, પરંતુ તે બધી  વાતો સાથે ગુજરાતના રચાતા જતા ઇતિહાસનો સંદર્ભ પણ ઘોળાતો રહ્યો છે. એટલે તેનું દસ્તાવેજી મૂલ્ય પણ પેદા થયું છે.

ઉત્તર ગુજરાતના કલોલના ભાટવાડામાં ૧૯૨૬ ના જુનની ૧૯ મીએ એમનો જન્મ થયો એ પહેલાંના સમયથી માંડીને આજ સુધીની તેમના જીવનની બહુરંગી વિગતો રંગલા નામના કાલ્પનિક અને રૂઢ ભવાઇ પાત્ર સાથેના ખરસાણીના સંવાદરૂપે કહેવાઇ છે. ‘ખરસાણી’ જેવી જરી અ-સામાન્ય લાગે તેવી અટક કેવી રીતે પડી, તેના પ્રત્યુત્તરમાંથી આખી એક જ્ઞાતિપ્રવેશની કથા મળે છે. રાજસ્થાનમાં જોધપુર પાસે ખરસાણગઢ નામે એક ગામ છે, તે પરથી આ અટક આવી. ઔરંગઝેબની ચઢાઇ વેળા પી. ખરસાણીના કેટલાક વડવાઓ સામનો કરતાં શહિદ થયા. અને ઉગરી ગયેલાઓએ અન્યત્ર હિજરત કરી. કેટલાક કચ્છમાં, તો કેટલાક સૌરાષ્ટ્ર અને વિરમગામની બીજી તરફના ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ આવીને વસ્યા અને શારીરિક શ્રમ જેના પાયામાં હોય તેવા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં નસીબ અજમાવતા રહ્યા. તે પછીનો ઇતિહાસ સમાજવિજ્ઞાનના અભ્યાસીઓ માટે રસપ્રદ છે. અલગ અલગ વ્યવસાયોમાં કાબેલિયત મેળવવાને વાસ્તે તેમણે જે તે વ્યવસાયોનું કૌશલ્ય હાંસલ કર્યું, તેમાં આ પી. ખરસાણી(પ્રાણલાલ ખરસાણી)ના પૂર્વજોએ કડિયાકામ અપનાવ્યું. અને પછી કડીયા જ્ઞાતિના જ બની રહ્યા.

(પી. ખરસાણી)

એ પછીની વાતો એક નાનકડા લેખમાં સમાવવી શક્ય ન જ હોય તે સ્વાભાવિક છે. પણ તેમની અભિનયયાત્રા કરતાં પણ તેમની નાનપણથી માંડીને યુવાવસ્થાએ પહોંચ્યા સુધીની વિગતો આ લેખને પ્રારંભે જેનું ઇંગિત કર્યું છે તેવા તેમના  માનવીય ગુણોના આવિર્ભાવના મૂળ સુધી લઇ જાય છે. પિતા અત્યંત ગરીબ પરિસ્થિતિમાં આવી ગયા અને બિમાર પડ્યા. કુટુંબના નિર્વાહની ચિંતા એમને સતાવતી હતી અને તેથી કેમેય એમનો જીવ છૂટતો નહોતો. એ ઉદ્વેગ સાથે મરણપથારીએ પડેલા પિતાને કાકાએ વચન આપ્યું કે તમતમારે  નિશ્ચિંતપણે દેહ છોડો. તમારા સંતાનોની જવાબદારી હું મારા શીર પર લઇ લઉં છું, ત્યારે પિતાએ તો દેહ છોડ્યો, પણ કાકાના પુત્રે પોતાની પત્ની પાસે આ આવી પડેલી જવાબદારી વિષે બળાપો વ્યક્ત કર્યો કે હવે આ લોકો આપણા ઉપર આવી પડશે અને ‘ખરસાણી’નું  નામ બોળશે. આઠ વર્ષનો બાળક પ્રાણલાલ એ સાંભળી ગયો અને માતાને એની વાત કરી. એ જ ઘડીએ એ પિતરાઇને તો એ બોજામાંથી મુક્ત કર્યા, પણ એટલી નાની વયે પણ નામને ગૌણ ગણીને ‘ખરસાણી’ અટકને બોળવાની સામે એ અટકને ઉજાળી બતાવવાની વૃત્તિએ જન્મ લીધો. એટલે આગળ જતાં એ અટકને નામનો મુખ્ય અંશ બનાવી અને ખુદના વ્યક્તિગત નામ પ્રાણલાલને એકાક્ષરી ‘પી’  જેટલું જ સંકોચીને પી. ખરસાણી નામથી જ કારકિર્દી બનાવી. જેની શરૂઆત ચાની રેંકડીના કપ-રકાબી વીછળવાથી માંડીને ગુમાસ્તાગીરીથી થઇ અને પછી તો પેઇન્ટર, રસોઇયો, દરજી, કડીયા, વૈદ્ય, મેઇકઅપમેન (મશહુર નટસમ્રાટ  જયશંકર ‘સુંદરી”ના ચહેરાનો મેઇક અપ કરતા હોય એવો એક ફોટો પણ ગ્રંથમાં છે!), સેટ ડિઝાઇનર, મંડપ ડિઝાઇનર, લાઇટ ડિઝાઇનર, દિગ્દર્શક, લેખક, નિર્માતા જેવી અનેક પ્રકારની કામગીરીઓ બજાવી. ભવાઇથી માંડીને શેરીનાટક, રેડિયો, રંગમંચ, અને ફિલ્મો એમ અનેક કલાક્ષેત્રોમાં સફળતાપૂર્વક કામ કર્યું અને લોકોને બેફામ હસાવ્યા, ગંભીર ભૂમિકાઓ ભજવી પરંતુ વિશિષ્ટ કદ-કાઠી અને મશ્કરી, હાસ્ય, ટીખળ જેના ઉપર સ્થાયી ભાવ રૂપે જન્મથી જ રહેલાં હોય એવા ચહેરાને કારણે વધુમાં વધુ સફળ એ હાસ્યરંગી ભૂમિકાઓમાં રહ્યા, અને બેમિસાલ રહ્યા.

૨૦૦૬ની સાલ કે તેથીય પહેલાં સન્નિષ્ઠ પત્રકાર અને લેખક એવા મિત્ર (હવે તો સ્વ.) દિગંત ઓઝા અને બીજા કેટલાક એમના ચાહકોને એમનો અભિનંદન ગ્રંથ બહાર પાડવાનો વિચાર સ્ફૂર્યો હતો પણ અનેક કારણોવશાત એ કાર્ય લંબાતુ રહ્યું. છેવટે એક અનોખી હકીકત એ છે કે જેમનો સામાન્ય રીતે આ વિષય બિલકુલ ના ગણાય તેવી કચ્છની કૃષિલક્ષી સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યુટ (વી આર ટી આઇ) દ્વારા તેના અતિ સમર્પિત કાર્યકર અને તે સંસ્થાના મુખપત્ર ‘વિવેકગ્રામ’ના તંત્રી ગોરધનભાઇ કવિ(પટેલ)ની રાહબરી નીચે ૨૦૧૫ માં  તે ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો. એ સંસ્થા મૂળ સાહિત્યપ્રેમી અને હાલમાં જ તા. ૧૩- ૫ -૨૦૨૧ ના રોજ સ્વર્ગસ્થ થયા એવા વરિષ્ઠ ઉદ્યોગપતિ અને સમાજસેવી એવા કાંતિસેન શ્રોફ દ્વ્રારા કચ્છના કૃષિ અને જલસંપત્તીના વિકાસના પ્રયોજનથી છેક 1980થી  રજીસ્ટર્ડ થયેલી છે. અને એ બહુમુલ્ય ગ્રંથ ‘પી.ખરસાણીનો વેશ’ ખરસાણીના જન્મદિમ 19 મી જુનના દિવસે 2015ના દિવસે અમદાવાદમાં વિમોચિત થયો. સમગ્ર કાર્યક્રમ પ્રખ્યાત નાટ્યકાર અર્ચન ત્રિવેદી અને તેમના સાથીદારો દ્વારા અસલ ભવાઇની ઢબે જ રજૂ થયો. એ પ્રસંગે ખરસાણી અને તેમનાં પત્ની હંસાબહેનની માતૃપિતૃ વંદના તેમના ચાર પુત્રો અને બે પુત્રીઓએ અને તેમના વિસ્તૃત પરિવારોએ કરી. એ પછી તા 19મી જુલાઇએ ભુજમાં પણ પંચાયત હૉલમાં સાંજે તેમનું ભવ્ય જાહેર સન્માન યોજાયું હતું. એ પછી પૂ.મોરારી બાપુએ પણ તેમનું જાહેર સન્માન મહુવામાં કર્યું હતું.

યાદગાર અને નૉસ્ટાલ્જિક એવી અઢળક તસ્વીરો સાથેનો રૂપિયા ૪૦૦/ ની કિંમતનો એ ડબલ ડેમી સાઇઝનો ૨૦૭ જેટલા આર્ટ પેપર પર મુદ્રિત થયેલો દળદાર ગ્રંથ તેમના પુત્ર પ્રફુલ્લ ખરસાણીએ વિદ્વાન મિડીયા અભ્યાસી પ્રો.કાર્તિકેય ભટ્ટ સાથે મળીને ભારે ખંતથી તૈયાર કર્યો છે. માત્ર રૂ ૮૦૦/ ની કિંમતનો આ ગંથ ૫૦ ટકા વળતરથી એટલે કે માત્ર રૂ ૪૦૦ / માં પ્રાપ્ત થઇ શકે. (રવાનગી ખર્ચ મગાવનારે જ ભોગવવાનું રહે.)

મેળવવાનું સ્થળ: વી આર ટી આઇ, નાગલપુર રોડ, માંડવી(કચ્છ)-370 465 / ફોન-02834-223253 અને 223934 /શ્રી ગોરધન કવિ- મોબાઇલ-98252 43355 / ઇ-મેલ: gpatelkavi@gmail.com.

વિશેષ નોંધ: અનન્ય અભિનેતા એવા પી.ખરસાણી પોતાનો આ મહોત્સવ જોયાના બીજા જ વર્ષે તા ૨૦-૫-૨૦૧૬ના દિવસે ૯૦ વર્ષની વયે અમદાવાદમાં અવસાન પામ્યા. જોગાનુજોગ તેમના એક ૬૫ વર્ષના પુત્ર ભાઇ અમિત પણ પોતાના પિતાના મૃત્યુદિન ૨૦ મી મેના રોજ ૨૦૨૧ અવસાન પામ્યા. સ્વ. પી.ખરસાણીના અન્ય ત્રણ પુત્રો સેટ ડિઝાઇનર અને નાટ્યકાર ચીકા ખરસાણી.(૮૮), પ્રફુલ્લ ખરસાણી (૫૮) અને કેતન ખરસાણી (૫૪) પોતપોતાના ક્ષેત્રમાં કાર્યરત છે.


લેખકસંપર્ક

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “લ્યો,આ ચીંધી આંગળી : રંગભૂમિ અને ફિલ્મોના એક ઉમદા કલાકાર સ્વ. પી. ખરસાણી વિષેનો ગ્રંથ અને બીજી થોડી વાતો

  1. પી. ખરસાણી જેવા નાટ્ય અને ફિલ્મી કલાકાર બહુ ઓછા થયા છે આવા ઉમદા વ્યક્તિ ને સાદર નમન

  2. Very informative article real p. Kharsani na jivan ni short information aapi Shri Rajnibhai na article ma.

Leave a Reply

Your email address will not be published.