પીયૂષ મ. પંડ્યા
ફિલ્મી ગીતોના વાદકોમાં એક ખાસ વર્ગ એવો હોય છે કે જેમના ભાગે કોઈ જાણીતાં વાદ્યો વગાડવાનાં આવતાં નથી. એ તો ઠીક, એમના દ્વારા વગાડાયેલાં વાદ્યોનાં નામ સુધ્ધાં મોટા ભાગના સંગીતરસિયાઓએ સાંભળ્યાં ન હોય એ શક્ય છે. તેમ છતાંયે એમણે વગાડેલા ટૂકડાઓએ જે તે ગીતને એક આગવી પરખ આપી હોય છે. આવું એક ગીત સાંભળીએ.
ફિલ્મ ‘દૂર ગગન કી છાંવ મેં’ (૧૯૬૪)નું આ ગીત હેમંતકુમારે કિશોરકુમારના સ્વરનિયોજનમાં ગાયું છે. આ ગીતમાં એક વિશિષ્ટ તાલવાદ્યની પ્રભાવક અસર સતત કાને પડ્યા કરે છે. એ છે ‘સ્ટીક્સ’ તરીકે ઓળખાતું એક નાનકડું તાલવાદ્ય છબીમાં જોઈ શકાય છે એવી આ કાષ્ટમય રચના બે પાતળી દંડાકાર લાકડીઓની મદદથી વગાડી શકાય છે. આ ગીતમાં એ કોણે વગાડ્યું હશે એ વાદકની માહીતિ મળતી નથી,
આ અને પરંપરાગત નહીં એવાં આવાં વિશેષ રીતે તૈયાર કરાયેલાં વિવિધ તાલવાદ્યોના પ્રયોગો દ્વારા અનેક ગીતો સજાવાયાં છે. આવાં લગભગ ચાળીશેક જેટલાં તાલવાદ્યો સંગીતની દુનિયામાં ‘સાઈડ રીધમ/ઉપતાલવાદ્ય’ તરીકે ઓળખાય છે. એમાંનાં મોટા ભાગનાં વાદ્યો વગાડી ચૂકેલા એવા એક ખુબ જ જાણીતા વાદક એટલે હોમી મુલ્લાં. નીચેની તસવીરમાં એમ્ણે વગાડેલાં વિવિધ ઉપતાલવાદ્યો જોઈ શકાય છે.
૧૯૪૦માં મુંબઈના એક પારસી કુટુંબમાં જન્મેલા હોમીએ નાની ઉમરમાં માતા ગુમાવી દીધાં. આથી કલકત્તા સ્થાયી થયેલા એમના મામા એને પોતાની સાથે લઈ ગયા. મામા સંગીતના શોખીન હોવાથી હોમીને એની નાની વયથી જ પંકજ મલ્લિક, હેમંતકુમાર, સલિલ ચૌધરી અને શ્યામલ મિત્ર જેવા દિગ્ગજ સંગીતકારોના સંપર્કમાં આવવાનું બનતું રહેતું. આમ થતાં એનામાં રહેલી સંગીત માટેની ઘેલછાની ચિનગારી જ્વાળામાં પરિણમતી ગઈ. હોમીએ સંગીતની પધ્ધતિસરની તાલિમ લેવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે સુખ્યાત સંગીતકાર વિસ્તાસ્પ બલસારાની નિગેહબાની હેઠળ એકોર્ડીયન, પીયાનો તેમ જ ઓર્ગન જેવાં વાદ્યો ઉપર સારો એવો કાબુ મેળવી લીધો.

પ્રસ્તુત ક્લીપમાં એક બંગાળી ફિલ્મ ‘દેયા નેયા’ (૧૯૬૩)ના શ્યામલ મિત્રએ સ્વરબધ્ધ કરેલા એક ગીતમાં યુવાન હોમી એકોર્ડીયન વગાડતા દેખાય છે.
અન્ય એક ક્લીપની શરૂઆતમાં હોમી એક જાહેર કાર્યક્રમમાં પીયાનો વગાડી રહેલા જણાય છે. અહીં એક બાબતે ધ્યાન દોરવાની લાલચ થઈ આવે છે. સામાન્ય રીતે પીયાનોવાદકો એની ચાંપો ઉપર પોતાની આંગળીઓ એ ચાંપોને લગભગ સમાંતરે ફેરવતા હોય છે. અહીં હોમીની આંગળીઓ ચાંપો ઉપર લંબ દિશાએ ફરતી નજરે પડે છે. સમગ્ર વાદન તો અલબત્ત, હોમી એક કુશળ વાદકની ક્ષમતાથી જ કરી રહ્યા છે. કદાચ આ વિશિષ્ટ શૈલી તાલવાદ્યો વગાડવાના મહાવરા પછી કેળવાઈ હોય એવું માની શકાય.
કલકત્તામાં રહીને બંગાળી ફિલ્મો માટેનાં ગીતોમાં એક કુશળ વાદક તરીકે પ્રસ્થાપિત થઈ રહેલા હોમીને એ સમયના દિગ્ગજ ગાયક-સંગીતકાર પંકજ મલ્લિકે પોતાની કારકીર્દિના અસ્તાચળના અરસામાં સહાયક તરીકે નીમ્યા. પછી તો હોમી સલિલ ચૌધરી અને શ્યામલ મિત્રાના વાદ્યવૃંદના ખાસ ઘટક બની ગયા. મન્ના ડેની નજરે ચડી ગયેલા હોમીએ એમની સાથે ઘણા સ્ટેજ કાર્યક્રમોમાં એકોર્ડીયન ઉપર સાથ આપ્યો.
તે સમયની ખ્યાતનામ ‘હીઝ માસ્ટર્સ વોઈસ’ કંપનીમાં એક વાદ્યકાર તરીકે તેમને નિયમીત કામ મળવા લાગ્યું. આમ છતાં હોમીને કલકત્તાનું આકાશ નાનું પડવા લાગ્યું. એમના કાકા માણેક મુલ્લાં મુંબઈમાં રહેતા હતા આથી હોમીએ ત્યાં જઈને હિન્દી ફિલ્મોના સંગીતની દુનિયામાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. ગુરુ બલસારા તો મુંબઈનાં વર્તૂળોમાં ખુબ જ ગાઢ સંપર્કો ધરાવતા હતા. એમણે પોતાના અંગત મિત્ર એવા કાવસ લોર્ડ ઉપર હોમી માટે ભલામણપત્ર લખી આપ્યો. એ સમયે કાવસ લોર્ડ અને એમના બે પુત્રો – કેરસી તેમ જ બરજોર લોર્ડ ફિલ્મી વાદ્યવૃંદના અવિભાજ્ય અંગ સમાન હતા.

મુંબઈ પહોંચ્યાના થોડા જ દિવસોમાં હોમીકાવસજીને મળવા માટે ગયેલા. ત્યાં ઉપસ્થિત સલિલ ચૌધરીએ તેમને જોયા. એ તો હોમીને અને એમની ક્ષમતાને અગાઉથી જાણતા જ હતા. આથી એમણે હોમીને બીજે જ દિવસે પોતાના એક રેકોર્ડીંગ માટે બોલાવી લીધા અને એક તાલવાદ્ય વગાડવા સૂચવ્યું. આ રીતે વ્યવસાયિક કામ મળવાની શરૂઆત થઈ ગઈ. આ સાથે હોમીના કાર્યક્ષેત્રની દિશા સમૂળગી બદલાઈ ગઈ. બંગાળી ફિલ્મોનાં ગીતો માટે એકોર્ડીયન અને પીયાનો જેવાં પટ્ટીવાદ્યો વગાડવાની જગ્યાએ વિવિધ પ્રકારનાં ઉપતાલવાદ્યો તરફ એ વળી ગયા.

શરૂઆતના તબક્કામાં હોમીને પશ્ચાદભૂ સંગીત/Background Music માટે વાદ્યસંગીતના અંશો વગાડવાનું કામ મળતું હતું. પણ પછી એમની ક્ષમતાને અનુસાર ગીતો માટે વગાડવામાં પણ એમને સાંકળી લેવામાં આવ્યા. લગભગ ૪૦ વર્ષોમાં ફેલાયેલી કારકીર્દિમાં હોમીએ બોંગો, કોન્ગો, ડુગ્ગી, માંડલ, કાસ્ટનટ્સ, સ્ટીક્સ, વગેરે ઉપતાલવાદ્યો ઉપરાંત કલીમ્બા, ઝાયલોફોન, વાઈબ્રોફોન, મેટાલોફોન અને ગ્લૉકેનસ્પાયેલ જેવાં અનેક વાદ્યો વગાડ્યાં છે. અહીં ઉલ્લેખાયેલાં કેટલાંક વાદ્યો બિલકુલ અપ્રચલિત છે. સદભાગ્યે યુ ટ્યુબ ઉપર કેટલીક ક્લીપ્સ ઉપલબ્ધ છે, જેમાં અલગઅલગ મુલાકાતોમાં હોમી અલગઅલગ વાદ્યોનો પરિચય આપે છે અને કયા ગીતમાં એ પ્રયોજાયેલાં એની પણ વાત કરે છે. એવી એક ક્લીપ માણીએ.
હોમીને મુંબઈ આવ્યાના થોડા અરસામાં સચીન દેવ બર્મન સાથે મુલાકાત થઈ. હોમીના કહેવા પ્રમાણે આ એમને માટે એક સોનેરી તક હતી.

આ વરિષ્ઠ સંગીતકારે હોમીને પોતાના વાદ્યવૃંદમાં સમાવી લીધા અને અન્ય સંગીતકારોને પણ એમની ભલામણ કરવા લાગ્યા. બહુ ટૂંકા સમયગાળામાં હોમી મુંબઈનાં વ્યવસાયિક વાદકવર્તૂળોમાં જાણીતા થઈ ગયા. પોતાની પ્રલંબ કારકીર્દિમાં હોમીએ સચીન દેવ બર્મન અને નૌશાદ થી લઈને આનંદ-મીલિંદ અને જતીન- લલિત સુધીના સંગીતકારો સાથે કામ કર્યું છે. હોમી પોતાની આ યાદગાર અને યશસ્વી સફર માટેનો યશ સચીન દેવ બર્મન અને એમના દીકરા રાહુલ દેવ બર્મનને અને એ જ રીતે કાવસ લોર્ડ અને એમના દીકરાઓ કેરસી લોર્ડ તેમ જ બરજોર લોર્ડને આપે છે.
આ વિનમ્ર અને ગુણગ્રાહી એવા ઉત્તમ કોટીના સંગીતકાર વિશે યુ ટ્યુબ ઉપર અને અન્ય પ્લેટફોર્મ્સ ઉપર ખાસ્સી માહિતીપ્રદ ક્લીપ્સ ઉપલબ્ધ છે. એમનો વિશેષ પરિચય એમની મુલાકાતો ઉપરથી અને એમનું વાદન સામેલ હોય એવાં ગીતો માણીને મેળવીએ.
અગાઉ જણાવ્યા પ્રમાણે મુંબઈ ખાતે હોમી મુખ્યત્વે ઉપતાલવાદ્યોના વાદક તરીકે પ્રસ્થાપિત થઈ ગયા. પણ, પહેલાં એમણે એકોર્ડીયન વગાડ્યું હોય એવાં બે ગીતો સાંભળીએ.
ફિલ્મ ‘લવ સ્ટોરી’(૧૯૮૧)નું રાહુલ દેવ બર્મનના સ્વરનિયોજનમાં બનેલું ગીત ‘મૈં આયી આયી આયી આજા’
ફિલ્મ ‘ધરમ કરમ’(૧૯૭૫)નું રાહુલ દેવ બર્મનના સ્વરનિયોજનમાં બનેલું ગીત ‘ઈક દિન બીક જાયેગા’
આ ઉપરાંત ફિલ્મ ‘શલિમાર’(૧૯૮૧)ના પશ્ચાદભૂ સંગીતમાં પણ કેરસી લોર્ડના નિર્દેશનમાં હોમીએ એકોર્ડીયનનો એક લાંબો ટૂકડો વગાડ્યો છે. પ્રસ્ત્તુત ક્લીપમાં હોમી સાથે કેરસી લોર્ડ અને બરજોર લોર્ડની એક મુલાકાત દરમિયાન આ વાતનો ઉલ્લેખ તેમ જ એ સંગીતાંશ સાંભળી શકાય છે.
ફિલ્મ ‘બંદિની’(૧૯૬૧)નું એક ગીત સાંભળીએ. પછી એના સર્જન વિશે હોમીના મુખેથી સાંભળીએ. પહેલી ક્લીપમાં મહિલાઓ માટેના કેદખાને પૂરાયેલી સ્ત્રીઓ અલગઅલગ કામ કરતી આ ગીત ગાતી જાય છે. એ પૈકીની અમુક સૂપડાથી અનાજ ઝાટકતી દેખાય છે. પછીની ક્લીપમાં હોમી પોતે સંગીતકાર સચીન દેવ બર્મનના માર્ગદર્શનમાં કેવો પ્રયોગ કર્યો હતો એની વાત કરે છે.
હોમીએ અનેક સંગીતનિર્દેશકો સાથે કામ કર્યું પણ એમનો સૌથી વધુ લગાવ રાહુલ દેવ બર્મન માટે રહ્યો. ૧૯૬૧ની ફિલ્મ ‘છોટે નવાબ’થી રાહુલ દેવે સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ શરૂ કર્યું ત્યારથી છેવટ સુધી એટલે કે ત્રણ દાયકા કરતાં પણ વધુ સમય માટે હોમી એમની સાથે જોડાયેલા રહ્યા. ઉપતાલવાદ્યોના કેટલાયે અવનવા પ્રયોગો હોમીએ રાહુલદેવના નિર્દેશનમાં કર્યા છે.

પ્રસ્તુત ક્લીપમાં એક કાર્યક્રમમાં ઉક્ત ફિલ્મના એક લોકપ્રિય ગીતમાં કાસ્ટનટ્સ તેમ જ રેસો રેસો જેવાં ઉપતાલવાદ્યો ક્યાં અને કેવી રીતે વાગ્યાં છે એ હોમી એક કાર્યકમમાં બતાવી રહ્યા છે.
એજ કાર્યક્રમમાં હોમી અન્ય પ્રયોગોનું નિદર્શન કરી રહેલા જણાય છે.
અનેક ફિલ્મોમાં હોમીએ વિવિધ ઉપતાલવાદ્યોના ઉપયોગ થકી અવિસ્મરણીય પ્રદાન કર્યું છે. અહીં એના કેટલાક અંશો યાદ કરીએ. ૧૯૬૫માં સચીન દેવ બર્મનના સંગીતનિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ગાઈડ’માં નાયિકા એક નૃત્યાંગનાના કિરદારમાં હતી. એ ફિલ્મનાં ગીતોમાં તેમ જ પશ્ચાદભૂમાં હોમીએ ઘૂંઘરૂ વગડ્યાં છે. એ પૈકીનું એક બેનમૂન ગીત માણીએ.
ફિલ્મ ‘કારવાં’(૧૯૭૧)ના ગીત ‘દિલબર દિલ સે પ્યારે’માં મધ્યમ કદની થાળી ઉપર લાકડી વડે તાલ વગાડ્યો હતો
ફિલ્મ ‘મેરે જીવનસાથી’(૧૯૭૨)ના ગીત ‘ઓ મેરે દિલ કે ચૈન’માં ડુગ્ગી વગાડી હતી.
ફિલ્મ ‘ઢોંગી’(૧૯૭૩)ના ગીત ‘હાયે રે હાયે તેર ઘૂંઘટા’માં હોમીએ વાઈબ્રોસ્લીપ નામનું વાદ્ય વગાડ્યું હતું.
ફિલ્મ ‘ડાર્લીગ ડાર્લીંગ’(૧૯૭૭)ના ગીત ‘ઐસે ના મુઝે તુમ દેખો’માં કલીમ્બા નામક એક આફ્રીકન તાલવાદ્ય વગાડ્યું હતું.
ફિલ્મ ‘ધ ટ્રેન’(૧૯૮૦)ના ગીત ‘ગુલાબી આંખેં’માં કોકીરોકો નામના જાપાનીઝ તાલવાદ્યનો પ્રયોગ કર્યો હતો..
આ યાદી તો અવિરત વિસ્તરતી રહે એમ છે. યુ ટ્યુબ ઉપર હોમી મુલ્લાંના કસબની થોકબંધ ક્લીપ્સ ઉપલબ્ધ છે. રસ ધરાવનારાઓને એનો લાભ લઈ શકે.
રાજસભા ટીવી ઉપર હોમી મુલ્લાં સાથે એ ચેનલના ઉદ્ઘોષક ઇરફાન ખાનની સુદીર્ઘ મુલાકાતની એક ક્લીપ યુ ટ્યુબ ઉપર મળી આવે છે. આખરમાં એ સાંભળીએ.
૨૦૧૫ના ડીસેમ્બરની ૨૬ તારીખે આખરી શ્વાસ લીધો એ અગાઉ છેક સુધી હોમી કાર્યરત રહ્યા હતા. અ હરફનમૌલા કલાકારે અનેક ફિલ્મી ગીતોમાં પોતાના કૌશલ્ય થકી જાન ભરી દીધો છે એમ કહીએ તો એમાં જરાયે અતિશયોક્તિ નથી. અલગઅલગ સમયે આટલાં બધાં વાદ્યોની શ્રેણી ઉપર પોતાના કૌશલ્યનો કસબ દાખવ્યો હોય એવો અન્ય કલાકાર કદાચ શોધ્યો નહીં જડે.
નોંધ……
તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.
વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.
મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com
‘ફિલ્મસંગીતના નકશીકારો’માં પિયૂષભાઈએ ફિલ્મ સંગીતને આટલું લોકભોગ્ય બનાવવામાં જે એરેન્જર્સ અને વાદ્યકારોનો વિગતે પરિચય કરાવ્યો છે તે તો ખરેખર અમુલ્ય જ છે.
તેમાં પણ એક પછી એક એવા કલાકારો તેઓ પ્રસ્તુત કરતા ગયા છે કે જેમનાં નામ કદાચ સાંભળ્યાં હોય તો તેમનું પ્રદાન આ અને આવું હતું તે તો ન જ ખબર હોય.
આજે હોમી મુલ્લાં પણ આ શ્રેણીનું આવું જ એક વ્યક્તિત્ત્વ છે, જે યુટ્યુબ પર આટલી હદે ઉપલબ્ધ છે તે તો પિયૂષભાઈના આજના આ લેખથી જાણવા મળ્યું.
ફિલ્મસંગીતના જાણીતા સંગીતકારોના નામ અને તેમના વિશે ઘણું લખાયું છે અને હજુ પણ લખાય છે પરંતુ તેમની આ સફળતા પાછળ તેમના કસબી અને તેમાં પણ આવા જવલ્લે જ પ્રકાશમાં આવેલ વાદ્યકારનો પરિચય અને તેની સચોટ રજૂઆત બહુમૂલ્ય છે. આજે આવા જ એક વધુ કલાકાર-હોમી મુલ્લાં પણ છે તેમના વ્યક્તિત્ત્વ વિશે આ લેખથી જાણવા મળ્યું.
પિયૂષકાકા, ખૂબ ખૂબ આભાર