બંદિશ એક, રુપ અનેક (૭૯) : “ઝનક ઝનક પાયલ બાજે” – રાગ ‘ઉસ્તાદ અમીર ખાં’

નીતિન વ્યાસ

રાગ વસંત – ઈસવીસન સોળમી સદીમાં રાજસ્થાનના ચિત્રકારે બનાવેલા રાગમાળાના ચિત્રોમાંથી

આપણા સંગીતમાં સ્વરને ઈશ્વર કહેવામાં આવે છે, આ વાત તો બરાબર છે પણ પોતાની ગાયકી દ્વારા ઈશ્વરના દર્શન કરાવી દે એવી સંગીત સૂરાવલી હાંસલ કરીને ગાવું – તેમાંના એક એટલે ઉસ્તાદ અમીર ખાં સાહેબ. સ્વરને ઈશ્વર માની તેમાં એકદમ ડૂબી જઈને ગાવું, તે સિદ્ધિ મેળવવા પાછળ તેમની અથાગ મહેનત હતી. અતિ વિલંબિત અને દ્યુતમાં પણ રાગ પ્રદર્શન સાંભળવા મળે. ગાતી વખતે સુર અને સ્વરમાં પોતે એટલા તલ્લીન થઈને ગાતા કે સમયનો ખ્યાલ ન તો તેમને રહેતો અને ન તો રહેતો શ્રોતાઓને.
આજની પ્રસ્તુતિનો આરંભ રાગ અડાનામાં ગવાયેલી બંદિશથી કરીયે. તાનપુરાના ધીમા સ્વર સાથે ઉસ્તાદ અમીર ખાં સાહેબના સુમધુર અવાજ સાથે ગાયન શરૂ થાય છે પછી લય અને તાલ સાથે સુર અને સ્વરની બાંધણીની મીઠાશ ભળે છે. અને એ સાંભળતાં કૈંક અલૌકિક આનંદનો અહેસાસ થાય છે:

ઉસ્તાદ અમીર ખાં સાહેબનો જન્મ ૧૫ ઓગસ્ટ ૧૯૧૨ના રોજ ઇન્દોર સ્થિત એક સંગીત પ્રેમી પરિવારમાં થયો. તેમના પિતા શા હમીર ખાં સારંગી વગાડવામાં માહિર હતા અને ભીંડી બજાર ઘરાણાને અનુસરતા. ઇન્દોરની રિયાસત હોળકરનાં રાજ્ય દરબારમાં તેઓ સંગીતકાર હતા. તેમના દાદા ચંગે ખાન તો બહાદુર શાહ ઝફરના દરબારમાં ગાયક હતા. અમીર ખાંએ નવ વર્ષની કુમળી વયે માતાની છાંયડી ગુમાવી. અમીર અને તેમના નાના ભાઈ બશીર પિતાજીની દેખરેખ નીચે સંગીતની તાલીમ લીધી. પિતાને લાગ્યું કે અમીરનું ગળું સારું છે તેને વાદન કરતા ગાયન વધુ ફાવશે. બશીર સારંગી વાદક થયા અને અમીરે શાસ્ત્રીય સંગીતની ગાયકીમાં આગવી સિદ્ધિ મેળવી. બશીર ખાંને આકાશવાણી ઇન્દોર નોકરી  મળો.

પિતાજીની દેખરેખ હેઠળ અમીરજી તબલા પણ શીખ્યા. ૧૯૩૬ની સાલમાં રાયગઢના મહારાજા ચક્રધર સિંહના દરબારમાં ગાયક તરીકે રહ્યા. ૧૯૩૭નાં વર્ષમાં મુંબઈમાં તેમનો જાહેર પ્રોગ્રામ યોજાયો. તેમનું ગાયન લોકોને ખુબ પસંદ પડ્યું. મુંબઈ રેડીઓ સ્ટેશન દ્વારા ખાસ તેડું આવ્યું. દરમિયાન એજ સાલમાં પિતાજીનો સ્વર્ગવાસ થયો. અને ઉસ્તાદ અમીર ખાં સાહેબે વતન છોડી મુંબઈમાં વસવાટ શરૂ કર્યો. થોડા વર્ષ દિલ્હી અને કોલકાતા પણ રહ્યા. દેશના ૧૯૪૭ માં થયેલા વિભાજન પછી તેઓએ મુંબઈમાં કાયમી વસવાટ કર્યો.

ઉસ્તાદ અમીર ખાંની ગાયકી માં તે જમાનાના પ્રસિદ્ધ અબ્દુલ વાહીદ ખાંની વિલંબિત ગાયકીનો અંદાજ, રજબ અલી ખાંની તાન અને અમન અલી ખાંના મેરુ ખંડમાં સ્વરોનાં સ્થાનક્રમમય અને સંયોગીકરણ (Mathematical Permutations & Combination of SWARAS)ની ઝલક સાંભળવા મળે છે. ઇન્દોર ઘરાણાંની એક આગવી શૈલીમાં આધ્યાત્મિકતા, ધ્રુપદ અને ખયાલનું મિશ્રણ જોવા મળે છે. બીજી રીતે કહીએ તો આ સંગીતજ્ઞો પાસેથી તેમની શૈલી, નજાકત, સુર લગાવવાની આવડત વગેરેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી પોતાની રીતે બખૂબી રજુ કરી.

અમીર ખાંએ ગાયકીમાં અતિવિલંબિત લયમાં એક પ્રકારની બઢત લાવીને બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા. તેનાથી પણ આગળ વધીને સરગમ, તાન, બોલ તાન જેમાં મેરૂ ખંડી અંગ પણ જોવા મળે, મધ્ય લય યા દ્રુત લય, છોટા ખયાલ સાથે રુઆબદાર તરાના પેશ કરતા.
અમીર ખાં એમ કહેતા કે ખયાલ ગાયકીમાં કવિતા બહુ મોટો ભાગ ભજવે છે. તેઓએ “સુર-સંગ” ના નામ થી ઘણી પદ્યરચનાઓ પોતે લખી છે.
આ આગવી ગાયકીની મજા માણવા માટે અહીં એક જૂનું રેકોર્ડિંગ પ્રસ્તુત છે.

રાગ રાગેશ્રીમાં ખયાલ સાથે માલકૌંસમાં તરાના ખાં સાહેબે પેશ કરેલ છે.

ખાં સાહેબની હયાતીમાં ફિલ્મ ડિવિઝને તેમના નીજી જીવન પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. અહીં તેમના શ્રીમતી મુન્ની બેગમ અને દીકરો અક્રમ સાથે તેમનું મુંબઈ ઘર નજરે પડે છે.

તેમણે પહેલી વખતના લગ્ન ઝીનત બેગમ સાથે થયેલા. ઝીનત જી પ્રખ્યાત સિતાર વાદક ઉસ્તાદ વિલાયત ખાંના બહેન થાય. તેમની દીકરીનું નામ ફરીદા. પણ કોઈ કારણોસર એ લગ્ન વધુ ટક્યા નહીં.

બીબીસી ઉપર ઇન્ટરવ્યૂ:

મેરુ ખંડ અલંકારનો ઉલ્લેખ તેરમી સદીમાં ભારતીય સંગીતની ગાયકી ઉપર લખાયેલ સંસ્કૃત ભાષાનાં પુસ્તક “સંગીત રત્નાકર” સારંગદેવ દ્વારા લખાયેલું છે. તેઓ કાશ્મીરી બ્રાહ્મણ હતા.

“મેરુ” એટલે અક્ષ (An axis) અને “ખંડઃ એટલે જુદા જુદા ભાગ. સંગીતમાં મેરુ એટલે મૂળ સ્વર. આ સ્વર નું વ્યવસ્થિત ક્રમ પરિવર્તન – mathematical permutations and combinations – ગણિતિક ક્રમચયો અને સંયોજનો – કરીને સંગીતના સાત સ્વરોને જુદા જુદા પરિવર્તનો અને સંયોજનોમાં ૫૦૪૦ રીતે ગાયકીમાં કલાકાર અખત્યાર કરી શકે. આ પૈકીના લગભગ ૧૬૦ જેટલા સ્વર સંયોજનોનો વરસો સુધી રિયાઝ કરી પોતાની વિલંબિત ગાયકીમાં ઉસ્તાદ અમીર ખાં સાહેબેએ બખૂબી અપનાવ્યા હતા.

આ બાબત ખાં સાહેબે પોતાના બીબીસી પર ના ઇન્ટરવ્યૂમાં કહી છે.

માલકૌંસ

રાગ યમન કલ્યાણ

ઉસ્તાદ અમીર ખાં સાહેબનો પ્રિય રાગ દરબારી

એક ઇન્ટરવ્યુમાં ખાં સાહેબ તરાના વિશે દૃષ્ટાત સાથે “યારે મન બીયા બીયા” ની કર્ણપ્રિય બંદિશ રજુ કરે છે. કવિતા આમિર ખુશરો ની ફારસી ભાષામાં છે

રાગ મારવા, ખૂબસૂરત બંદિશ “પિયા મોહે આનત દેશ”

ઉસ્તાદ અમીર ખાં સાહેબનાં કર્ણપ્રિય સંગીતના શોખીનો માટે એક અંતિમ સંગ્રહ, ખાં સાહેબે ગયેલા 65 જુદી જુદી બંદિશો નું લગભગ 16 કલાક નું રેકોર્ડિંગ, એક અંજલિ રૂપે:

મૃદુભાષી, સાલસ સ્વભાવ, હંમેશા નવું શીખવાની ધગશ અને પોતાની ગાયકીમાં માહિર એવા ઉસ્તાદ અમીર ખાં સાહેબના મિત્રો સંગીત અને ફિલ્મ ક્ષેત્રે ઘણા હતા.

ઉસ્તાદ અમીર ખાં સાહેબે ઘણી ફિલ્મોમાં જુદા જુદા રાગ ગાયા છે:

સંગીતકાર અને સરોદ વાદક અલી અકબર ખાન સાથે બંગાળી ફિલ્મ “ક્ષુધિત પાષાણ”માં તરાના “ધીમત ધીમત દેરેના”. અને રાગ બાગેશ્રીમાં “કૈસે કટે રજની”

રાગ ખમાજમાં એક સુમધુર ઠુમરી :

નૌશાદ સાહેબ સાથે બૈજુ બાવરા: “તોરી જય જય કરતાર” રાગ પૂરિયા ધનાશ્રી, સરગમ – રાગ દરબારી, “ઘનન ઘન ગરજો રે” તથા પંડિત પલુસ્કર સાથે જુગલબંધીમાં રાગ તોડી “લંગર કનૈયા જી ના મારો” અને દેશી માં “આજ ગાવત મન મેરો” અને ફિલ્મ “શબાબ” માં રાજ મુલતાની “દયા કર હે ગિરિધર ગોપાલ; સંગીતકાર ઓ. પી. નય્યર સાથે ફિલ્મ “રાગિની”, રાગ લલિત, “જોગીયા મેરે ઘર આયા”; સંગીતકાર વસંત દેસાઈ સાથે અમીર ખાં સાહેબે “ગુંજ ઉઠી શહેનાઈ”માં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં સાથે જુગલબંધીમાં રાગ ભટીયાર, રામકલી, દેશી, સારંગ, મુલતાની, યમન, બાગેશ્રી અને ચંદ્રકૌંસ અને “ઝનક ઝનક પાયલ બાજે” માં રાગ અડાના ગાયો.

આ પૈકી થોડી રચનાઓ સાંભળીયે:

રાગ દરબારી = ફિલ્મ બૈજુ બાવરા,

રાગ મેઘ – ફિલ્મ બૈજુ બાવરા

રાગ દેશી; ફિલ્મ બૈજુ બાવરા, પંડિત દીનાનાથ પલુસ્કર અને ઉસ્તાદ અમીર ખાં:

ફિલ્મ શબાબ = રાગ મુલતાની

આવી જ એક કર્ણપ્રિય બંદિશ- રાગ ભટિયાર, ખાં સાહેબ સાથે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં સાહેબનો શરણાઈનો જાદુ,

હવે આજની બંદિશ પર આવીયે:

“ઝનક ઝનક પાયલ બાજે” ફિલ્મ નિર્માતા, નિર્દેશક શ્રી શાંતારામ રાજારામ વંકુંદરે એટલે કે વી. શાંતારામ અને તેમના રાજકમલ કલામંદિરની પહેલી સળંગ રંગીન ફિલ્મ. સંપૂર્ણ રીતે ભારતીય; જેવી કે તેની વાર્તા, સંગીત, નૃત્ય કલા, લોકેશન, જેમાં કલાકારો એ પહેરેલા પોશાકો, રંગ સજાવટ બધું જ આપણા દેશનું.

આ માટે શાંતારામ જી એ કલા નિર્દેશક તરીકે તે સમયના ખ્યાતનામ ચિત્રકાર કનુ દેસાઈને લીધા. સંગીતકાર તરીએ વસંત દેસાઈ અને પટકથાના હાર્દ સમા એ જમાનાના પ્રખ્યાત બનારસી ઘરાણાંના કથક નૃત્યકાર શ્રી ગોપી કૃષ્ણને સામેલ કરવામાં આવ્યા.
ફિલ્મની સફળતામાં મોટો ફાળો હતો તેના સુમધુર સંગીતનો. દરેક ધૂન રાગ પર આધારિત હતી.

૧૯૧૨ માં સતારા પાસેના ગામમાં વસંત દેસાઈ એ કારકિર્દીની શરૂઆત મુંગી ફિલ્મોના સમયમાં પેટીવાજાની સાથે ગવૈયા તરીકે શરૂ થઈ. ફિલ્મો બોલાતી થઇ એટલે તેમને ગાતા હીરો તરીકે કામ મળ્યું. ૧૯૩૦0 માં ફિલ્મ “ખૂની ખંજર”, “માયા મછિન્દર ” થી શરૂઆત થઇ. પણ પ્લેબેક ગાયકીની શરૂઆત થતાં ગાયક હીરો ની માંગ ઘટી. વસંત દેસાઈ એ ત્યારથી સંગીતકાર તરીકે નવી કારકિર્દી શરુ કરી.૧૯૪૩માં શાંતારામ નું “શકુન્તલા” અને 1૧૯૪૬માં “ડો. કોટનિસ” માં મ્યુઝિક ડિરેક્ટર તરીકે ભારે સફળતા મેળવવા સાથે તેઓ શાંતરામજી સાથે કાયમ માટે જોડાઈ ગયા. ૧૯૭૫ માં ૧૨ ડિસેમ્બરે મુંબઈમાં એક બહુમાળી મકાનની ઓટોમેટિક ચાલતી લિફ્ટનાં બે બારણાઓ વચ્ચે આવી જવાથી તેઓ મૃત્યુ પામેલા.

ફિલ્મ “ઝનક ઝનક પાયલ બાજે” ની શરૂઆત થતાં જ ખ્યાલ આવી જાય કે આપણે એક સંપૂર્ણ ભારતીય કલાના અનુભવ માટે બેઠા છીએ.

જુઓ શરૂઆત: રાગ અડાના, ગાયક ઉસ્તાદ અમીર ખાં, સંગીતકાર શ્રી વસંત દેસાઈ: રંગોળી કલાકાર હતા પૂના ના શ્રી શાંતારામ આમટે

કૌશિકી ચક્રવર્તી

ગાયક રાજેન્દ્ર દીક્ષિત

ગાયક શ્રી રામ પરશુરામ

પંડિત ગોકુલોત્સવજી મહારાજ

ઉભરતી ગાયિકા મુદિતા જામરીયા અને તેની નાની બહેન

શ્રી સુરરંજન અને શ્રેયા ચૌધરી

નૃત્ય કલા સંસ્થાની પ્રસ્તુતિ

કલકત્તા પાસે આવેલા જયપાય ગુરી ની નૃત્ય અકાદમી

“કથ્થક નાટયાલય” ની વિદ્યાર્થિનીઓ ની પ્રસ્તુતિ

“તરાના ૨૦૨૦” કોન્સર્ટ: ઊર્મિ મ્યુઝિક સ્કૂલ

મુંબઈ તેજોમય નૃત્ય શાળા

ઉસ્તાદ અમીર ખાં તારીખ ૧૩ ફેબ્રુઆરી ૧૯૭૪ ના રોજ કલકતામાં એક મોટર અકસ્માત મૃત્યુ પામ્યા. તેમની ઉમર ૬૨ વર્ષની હતી.
શરૂઆતનાં તેમના જીવનની ઝલક રજુ કરતા દસ્તાવેજી ચિત્રમાં દેખાતો તેમનો દીકરો કેમિકલ ઈન્જીનીયર છે. ન્યુ યોર્ક પાસે બફલો ગામ માં રહે છે.

અમીર ખાં ઘણો સમય તેના દીકરાની સાથે રહેવા આવતા. ન્યુ યોર્ક યુનિવર્સિટીના સંગીત વિભાગ માં ભણાવતા. કલકત્તામાં એક સંગીત સમારંભ માટે આવેલા શ્રી અમીર ખાં ને પરોઢે વહેલા ઉઠી રિયાઝ કરવાની ટેવ હતી

તેઓએ રાગ ગાંધારના સ્વર છેડ્યા, થોડું ગાયા પછી અટકી ગયા. સાથે બેઠેલા તબલચીને નવાઈ લાગી.

ખાં સાહેબ શાંતિથી બોલ્યા :  “और ज़्यादा दिन नहीं है, ये गांधार जिसे लग जाता है, वो इंसान ज्यादा दिन रहता नहीं। ”

અંતમાં સાંભળીયે કલકત્તામાં યોજાયેલા તેમના અંતિમ કોન્સર્ટનું રેકોર્ડિંગ ,
રાગ બિહાગ

“गाना वो है जो रूह सुने और जो रूह सुनाए”


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

8 thoughts on “બંદિશ એક, રુપ અનેક (૭૯) : “ઝનક ઝનક પાયલ બાજે” – રાગ ‘ઉસ્તાદ અમીર ખાં’

 1. આપડા ઘરે રેકોર્ડ હતી એવું યાદ છે..સવાર ના ઓલ ઈન્ડિયા રેડિયો પર પૂ.કાકા સાંભળતા ત્યારે આમને પણ બેસવા કહેતા.. તમારી મહેનત ને દાદ આપવી રહી.. 🙏👏👏

 2. સારું એવું સંશોધન કરીને સરસ મજાની માહિતી રજૂ કરી છે .

 3. વાહ નીતિનભાઈ, મારા અને મારા સમગ્ર કુટુંબના અતિ પ્રિય ગાયક ઉસ્તાદ અમિરખાન સાહેબ અંગેનો આપનો આ લેખ એક archive ની જેમ સાચવી રાખવા જેવો છે. તમારો આ લેખ Ph.d નહીં તો M.Phil. ની થીસીસ ની ગરજ સારે તેવો તો છેજ.
  તેમની documentary રજૂ થઈ ત્યારે કોઈક સમિક્ષકે વખાણતા લખ્યું હતું કે ” At some places, the film reaches the level of a poetry’. ઉસ્તાદજી ના મારવા રાગની બંને બંદિશો ની બરાબરી કરી શકે તેવી કોઈ ગાયકી આજ સુંધી કોઈ ગાયક ગાઈ શક્યો નથી.
  Most studied article on Khan Saheb.

 4. તમારો ઉસ્તાદ અમીરખાન વિશેનો નિબંધ ખૂબ ગમ્યો. ઘણી મહેનત અને મહોબતની આ ઉપજ છે. ધન્યવાદો આપું તેટલા ઓછા છે.
  -ક્નકભાઈ રાવળ

 5. Veritably a diamond-studded album of rare value, this anthology took me beyond the world of ecstasy! I was so glued to my device that it was hard to extricate myself from the state of indescribable happiness!
  I would like to save this treasure and do not know how to. Maybe I will need to seek some expert help to do so. Like what Wordsworth wrote, ‘In active or in pensive mood’ I would like to get absorbed in the divine rain of Khan Saheb’s soothing rendition. Thank you, Nitinbhai. We love your aesthetic taste, ability to put it in words and presenting it to usin this awesome package. .

 6. સર્વ શ્રી યોગેશભાઈ, કનકભાઈ, કેપ્ટન ફણસે, ભાઈ દીપક અને વિજય: આપ સર્વે ના  પ્રેમ ભર્યા પ્રતિભાવ વાંચવાની મજા આવી. આપના સંદેશા નો આદર  કરું છું અને તે ખરેખર મને વાંચવા ગમે છે. સંદેશા વાંચ્યા પછી ની મજા તો એ છે કે ગમતા વિષય ઉપર મળે ત્યાંથી  માહિતી અને એકત્ર કરી તેને લગતા વીડીયો મેળવી ફરી પાછું કઈ લખવાની હોંશ આવે. અહીં ખરી માજા તો ઉસ્તાદ અમીરખાં ની સુમધુર ગાયકીની છે. ફરી  એક  આપના પ્રોત્સાહન બદલ આભાર. 

Leave a Reply

Your email address will not be published.