ભગવાન થાવરાણી
ઉર્દૂ શાયરીની તહઝીબ અંગેની એક ચીજ મને કાયમ ગમતી આવી છે. એ છે પોતાના નામ સાથે પોતાના વતનનું નામ જોડવું. જેમ કે જાલંધરી, હોશિયારપુરી, અંબાલવી, મેરઠી, બદાયૂની અને લૂધિયાનવી. વતનની માટી સાથે જોડાયેલા રહેવાનો, એને નિરંતર યાદ કરતા રહેવાનો એ ઉમદા તરીકો છે.
આપણા ઉત્તર પ્રદેશના બદાયૂં ની જ વાત કરીએ. બદાયૂનીઓમાં શકીલ તો ખેર, એમણે લખેલા ફિલ્મી ગીતોના કારણે જગવિખ્યાત છે જ, અસદ, ફાની, ફહમી અને આજના શાયર મહશર બદાયૂની પણ કમ નથી.
મહશર સાહેબ એવા શાયર છે જે કોઈ ઢોલ-નગારા વગાડ્યા વિના કોઈક ખામોશ ખૂણે બેસી પોતાને ચુપચાપ અભિવ્યક્ત કરતા રહે છે અને એ જ રીતે વિદાય પણ લઈ લે છે ! એમનો શેર જૂઓ :
કરે દરિયા ન પૂલ મિસમાર મેરે
અભી કુછ લોગ હૈં ઉસ પાર મેરે..
(હે નદી ! હમણાં મારા પુલોને વહાવી લઈ જઈશ નહીં. હજી મારા કેટલાક સ્વજનો સામે પાર છે. એ આ પાર આવી જાય પછી તારી મરજી !)
આ શેરના બહાને કદાચ એમણે કરાચીમાં બેઠા-બેઠા પોતાના વતન બદાયૂંને યાદ કર્યું.
એમના જે શેરની વાત હૂં આજે કરવા માંગૂં છું તે છે આ :
તા – હદ્દે – મંઝિલ તવાજુન ચાહીએ રફ્તાર મેં
જો મુસાફિર તેઝ – તર આગે બઢા રહ જાએગા..
તવાજુન એટલે વિવેક, સંતુલન. જે પ્રારંભે જનૂનપૂર્વક દોડશે, એ લક્ષ્યની નજીક પહોંચતાં – પહોંચતાં હાંફી જશે અને પરિણામે પાછો પડી જશે. છેવટ સૂધી તેજ દોડવું ટૂંકા અંતર માટે કદાચ મુનાસિબ હશે, લાંબી દોડ ( જેમ કે જિંદગી ! ) માટે નહીં !
એટલે તો જાન્નિસાર અખ્તર સાહેબે લખેલું :
યે ક્યા હૈ કે બઢતે ચલો બઢતે ચલો આગે
જબ બૈઠ કે સોચેંગે તો કુછ બાત બનેગી..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
શાયર ના શેર નો અર્થ ચોટદાર પણ સમજાવટ પણ એટલી જ ચોટદાર આપ જ કરી શકો, થાવરાણી સાહેબ !!! સલામ બંનેને……
ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ !
Aahaa… Kyaa baat
ખૂબ ખૂબ આભાર બહેન !