હીરજી ભીંગરાડિયા
દારુ અને દૂધના બે ગ્લાસ ભર્યા હોય તો શું પીવાય ? દરદીની ખબર પૂછવા ગયા હોઇએ તો-પછી ભલેને ઘર હોય કે દવાખાનું- દરદીની સાથે કેમ વર્તાય ? કોઇ સ્નેહી-સંબંધીના મૃત્યુ પ્રસંગે બેસણામાં ગયા હોઇએ ત્યારે કેવી વાતો કરાય અને કેવી ન કરાય ? અરે ! કોઇના લગ્ન પ્રસંગમાં જમતા હોઇએ અને તાણ્ય કરી કરીને ભાવતી મીઠાઇ પીરસાતી હોય છતાં પોતાને કેટલું ખાવું એ બાબતની ખબર પડે એને “વિવેકભાન” કહેવાય”, એવું સમૃદ્ધખેતી કૃષિ સામયિકના લેખક શ્રી કાંતિભાઇ ભૂતે એક લખાણમાં કહ્યું છે, મને બહુ ગમ્યું છે.
પણ આ વાત તો સમગ્ર માનવસમાજના રોજબરોજના જીવન વ્યવહારોમાં ટાણે-કટાણે બનતા રહેતા પ્રસંગવેળાએ આમ નાગરિકે કેમ વર્તાય, એ બાબતની જનરલ શીખ આપનારી થઈ ગણાય.
જ્યારે આપણે તો રહયા ખેડૂત ! એક એવા વ્યવસાયના સંચાલક કે જે આખોયે વ્યવસાય સંપૂર્ણરીતે કુદરતને ભરોસે અને પાછો આખુંયે વરસ ઉધારે હાલતો ધંધો છે ભાઇ ! વરસાદનું ઓછું-વધુ કે નેવકું ન વરસવું, એના હિસાબે દુષ્કાળો પડવા કે રેલહોનારત અને વાવાઝોડાં ખાબકવાં, મોલાતોમાં રોગ-જીવાતોના ઉપદ્રવ, ઋતુ ઋતુના વાતાવરણીય બદલાવના હિસાબે મોલાતોમાં ઝીંકાતા સવા-કવા, અરે ! ધંધાની તાસીર તો જુઓ ! ખેતીનું આખું પરિસર જીવંત. પાકનું બીજ જીવંત, એમાંથી ઉગેલા છોડવા અને ઝાડવાં જીવંત, વચ્ચે ઉગતું નિંદામણ જીવંત, અંદર હરતાં-ફરતાં કીટ-પતંગિયાં ને ઉંદર-કાચિંડા-અળસિયાં અને ઝીણાં જીવ-જંતુ બધાં જ જીવતાં ! અરે ! અંદર મોલને ઉપયોગી કામ કરતા મજૂર અને પશુઓ તો જીવંત ખરા, પણ ઊભા ખેતીપાકોને ખાઇ-ખુંદી-બગાડી નુકશાન કરનારા રાની રોઝ-ભૂંડ-હરણાં અને હવે ખેતીમાં બળદ-વપરાશ ઘટતાં વધી પડેલા વાછરડા-ખુંટિયા સુધ્ધાં હોય છે જીવતાં ! પરિણામે કોઇ બાબતમાં ન એકધારાપણું આવે કે ન ધાર્યું ઉત્પન્ન મળે.
અને ખેતી ધંધાની બધી મિલ્કતોની તો ખબર છે ને ? ખેતરનું એક કટકું ગામની ઉગમણી દશ્યે હોય તો બીજું હોય આથમણી ! ક્યાંક ક્યાંક તો કૂવા-દાર હોય પડાથી કેટલેય દૂર, ક્યાં ઓઘા-ગંજી, ક્યાં ખળા-ખળવટ ? બધું હોય એટલું વેર-વિખેર ને ખુલ્લું કે ક્યાં વાડ કે વંડી કરવી કે ક્યાંક્યાં તાળાં દઈ રખોપાં કરવાં ? અને સાલો ધંધો જ એટલો શરીરશ્રમ માગનારો છે કે જેના આંખ-મગજ થોડાકેય સાબૂત હોય એ ખટારાની નીચે ગરી ગાભો મારવા ‘ક્લીનર’ બનવા તૈયાર, પણ ખેડૂતની વાડીએ ખેડ્યના કામે આવવાનું કહીએ તો કહે ના ! કારણ કે અહીં તો પરસેવો વળી જાય એવું કામ હોય ! કહોને ખેતીમાં મગજ વિનાના માનવીઓ પાંહેથી જ કામ લેવાનું છે ભાઇઓ ! અને આ બધી પરિસ્થિતિઓમાંથી પાર ઉતરી પોતે અને કુટુંબે પાડેલ પરસેવાની કમાણીરૂપ આછું-પાતળું જે કંઇ ઉત્પન્ન મળ્યું હોય તે વેચવા ટાણું આવ્યે પાછી કઠણાઇ તો જુઓ ! એનાં મૂલ કરે બીજા-ખરીદનારા ! પોતાની પેદાશના મૂલ કરવાનોયે જેને અધિકાર નહીં-આવો છે આ વ્યવસાય ખેતીનો ભાઇઓ !
આવી બધી વાતો કરી હું ખેતીમાં પડતી તકલીફોના રોદણાં રોવા નથી બેઠો હો મિત્રો ! હું એમ કહેવા જઈ રહ્યો છું કે આટલી બધી મુશ્કેલીઓથી ઉભરાતા વ્યવસાયના સંચાલક આપણે – કહોને એક અણ-ચડાઉ અને તોફાની વછેરાની પર સવાર થવા નીકળેલા અસવાર છીએ મિત્રો ! એટલે એ ક્યારે “રેવાળ” ચાલ ચાલશે કે ક્યારે ચારેપગે “બાદડૂક” થઈ કેવી ઠેક લગાવશે એનું કંઇ નક્કી નથી. એટલે એના અહવાર તરીકે ક્યારે ચોકડું ખેંચવું, કે ક્યારે ઢીલું મૂકવું ? કે એ દોડતા ઘોડા પરથી હેઠા પડી ન જવાય માટે એની કેહવાળી પકડી રાખવી કે પછી પડી જવાયું હોય તો પાછા ઢસડાઇ ન મરીએ એ ખ્યાલ રાખી ટાણાહર પેઘડામાંથી પગ સેરવી લેવા ? શું કરવું, એ બધું તો એ વખતની પરિસ્થિતિ જોઇ નક્કી કરવું પડે. પણ એમાં તાત્કાલિક વિવેકસભર નિર્ણય લેવામાં અસવારની જરીકેય ચૂક થઈ ગઈ તો પરિણામ શું આવે એની કલ્પના કરી શકો છોને ? એટલે ખેડૂતે પરિસ્થિતિવશ શું કરાય અને શું ન કરાય એનો વિવેક ન રખાયો હોય તો ભૂંડે હાલે પસ્તાવાનો વારો ન આવી પડે એ માટે “વિવેક”ને કેંદ્રમાં રાખી થોડી વાતો કરી લેવાનું મન થયું છે.
[1]…..અમારા શેઢાપાડોશી અમરાભાઇની ભૂરી ભેંશના ધાવણા નવસુંદરા પાડાને શરીરે જૂ-ટોલા પડ્યા. અમરાભાઇએ આ પણ “જીવાત” જ છેને ? એવું જાણી કપાસમાં જીવડાં મારવાની “ફોલીડોલ” દવા પાણીમાં ભેળવી પાડાને ધમાર્યો ! શું થયું હશે ? કલ્પના કરી શકો છો. ટોલા તો ગયા પણ નવસુંદરા પાડાનો જીવ પણ સાથે લેતા ગયા 1
[2]……બાઘાભાઇના બેય અણપલોટ ગોધલા ખબરબારા ખીલેથી છૂટી ગયા અને બાજુમાં ઊભેલ રજકાના ક્યારામાંથી કૂણી કૂણી ફૂટ્ય ચરી ગયા, ને આફરો ચડી ઢમઢોલ થઈ ગયા. બાઘાભાઇ તો હાંફળા-ફાંફળા થઇ પશુડૉક્ટરને ઝટ ઝટ બોલાવી લેવાની વાત મૂક પડતી, ને બાજુના ગામે જઈ મંત્રોથી આફરો ઉતારવાવાળા ભરવાડને તેડી લાવ્યા ! એણે તો આવી ટચલી આંગળી અને અંગુઠા વચ્ચે ઊંધી બાજુ મીઠાની કાંકરી પકડી મંત્રો બોલતા બોલતા સાત સાત વાર બન્ને ગોધલા પર ફેરવી- પણ કંઇ વળ્યું નહીં. બે કલાકે બન્ને ગોધલા તરફડિયાં મારી મારી મરણને શરણ થઈ ગયા અને બાઘો પોકે પોકે રોયો.
[3]….અમારા જ ગામનો ગ્રેજ્યુએટ થયેલ જુવાનિયો, પોતાની ખેતી સંભાળે. કપાસમાં દવા છાંટવા મોંઘી મજૂરી દઈને 3 દાડિયા કરેલા. કામ સાંજ પહેલાં વહેલું પૂરું થઈ ગયું. હવે ? આટલા વહેલા મોંઘા દાડિયાને થોડા છોડી મુકાય ? નિર્ણય લીધો-“લગાડોને બીજી વાર !” એક જ દિવસમાં એની એ દવા ફરીવાર છંટાય તો શું પરિણામ આવે, તમે જ કહો ! બે કલાકની મજૂરીના લોભે વિવેક ગયો અને ચાર દિ’ પછી જોયું તો આ શું ? કપાસના છોડવાને કારેલીના પાન ? અને ફૂલ જોયા હોય તો બધા શરણાઇ ઘાટનાં ! ઝેરી રસાયણના રીએકશનના કારણે કપાસની સીઝન આખી વેડફાઇ ગઇ બોલો !
સૌરાષ્ટ્રમાં “કપાસ” મુખ્યપાક ગણાવા માંડ્યો છે. એ આગતરો હોય તો ઉતારો વધુ બેસે છે એ વાતેય ખરી, પણ એવું સાહસ કોણે કરાય ? જેમની પાસે ઉનાળે પિયતનું થોડુંકેય પાણી અને “ટપક”ની સોઇ હોય એમણે. પણ બિલકૂલ પાણી નથી એવા ખેડૂતો “ધણ વાંહે ઢાંઢી” ની જેમ વાવણીના વરસાદ પહેલાં જ કોરી જમીનમાં કપાસનાં બીજ ચોપી દેતા હોય છે. કોઇને ક્યાં ખબર હોય છે કે પહેલો વરસાદ ધરવનો આવશે કે થોડોક વરસી, જમીન માહ્યલાં બીજ ભીંજાવીને ભાગેડુની જેમ હડી કાઢતોકને હાલ્યો જાય એવો આવશે ? ને ફરી એક-બે દિવસમાં બીજીવાર આવે તો તો બીજ સલામત, ઉગાવો લઈ લે. પણ દહ દા’ડા-વીહ દા’ડા બીજીવાર ડોકાય જ નહીં એટલે ભોંયમાં ભંડારેલાં બિયાંનું શું થાય કહો ! નીચેની જમીન હોય સાવ કોરી, ને ઉપરથી આકરો સૂરજનો તાપ ! બીજ બધાં કોંટાઇને ફટાકિયા જ થઇ જાય-કહોને મોંઘાભાવના બીજ અને મહેનત બધું વરસાદના પાણી વાંકે જાય બધું પાણીમાં ! કોરામાં બીજ ચોપણીથી ઉજેર સારો થાય એ વાત સાચી હોવા છતાં પાણીવાળા ખેડૂતોનો વદાડ કરી, બિલકુલ પિયતના પાણીની સોઇ વિનાના ખેડૂતોએ પોતાની પરિસ્થિતિ જોઇ યોગ્ય નિર્ણય લેવાય એનું નામ વિવેક.
વિવેક ચૂક્યાનું કેવું માઠું પરિણામ ? હું 1963માં કૃષિના સ્નાતક કોર્સમાં ભણતો હતો ત્યારે ખેડૂતો રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડ્ઝમાં ઓછું સમજતા. અમને વિદ્યાર્થીઓને રાસાયણિક ખાતર અને દવાની બાટલીઓની કીટ લઈ એના વપરાશ અંગેનું નિદર્શન કરવા ખેડૂતોની વાડીઓમાં મોકલતા. સુપર ફોસ્ફેટ ખાતર પાકની વાવણી પહેલા ચાસમાં ઊંડું વવરાવતા અને દવા છાંટવાના તો તે દિવસોમાં પંપ પણ નહોતા-ડોલમાં દવાવાળું પાણી ભરી સાવરણીની મદદથી દવા છંટકોરતા. પણ પછી તો લાભ દેખાયો અને સૌએ શરૂ કર્યું-સારું કર્યું. પણ પછી તો “લોભને થોભ નહીં” એ ન્યાયે પૈસા કમાવાની વાત આવી એટલે “વિવેક” ભુલાઇ ગયો અને રાસાયણિક ખાતરો થેલીઓ મોઢે ધબેડવા માંડ્યા અને પાક-સંરક્ષણના નામે ઝેરીલા રસાયણોના ટીપણાં ભરી ભરી છોડવાને ધમારવા મંડી પડ્યા. અરે ! “જેમ વધુ રાસાયણિક ખાતર એમ વધુ ઉત્પાદન !”, “વધુ ઝેરીલી દવા તો નરવ્યું ઉત્પન્ન !”, એમ “વધુ પિયતના પાણી તો નક્કોર ઉત્પાદન” ની ધૂનમાં કૂવાના તળ તો ખાલી કર્યા, પણ ધરતીના પેટાળમાં હજાર હજાર ને બારસો બારસો ફૂટ ઊંડે પહોંચી પાણી નહીં, મોળાં-ભાંભળાં-ખારાં-કડવાં ને ઊનાં ફળફળતાં પ્રવાહી કાઢી મોલાતને પાવા માંડ્યા- બસ “ઉત્પાદન વધુ મળવું જોઇએ” એ એક જ ધૂન ખેડૂતોના મગજ પર સવાર થઈ ગઈ અને ખાતર-પાણી કે દવાનો કેટલો ઉપયોગ કરાય કે કેટલો ન કરાય એ બાબતનો વિવેક છાંડ્યે શું પરિણામ આવ્યું તે અનુભવ્યુંને આપણે ?
જમીન જકડાઇ ગઈ, એના ગુણધર્મો તૂટ્યા, કણાયોજન બગડ્યું, પોચાપણું ગયું, અંદરના સુક્ષ્મજીવો નષ્ટ થયાં-કહોને જમીનનું “જમીનપણું” જોખમમાં મુકાયું ! અને ઝેરછાંટણાંથી તો પર્યાવરણની પથારી ફરી ગઈ ! જમીન, પાણી, હવા અને પાક, બધા ઝેરી બન્યાં. અરે ! ઉત્પન્ન પણ ઝેરી બન્યું. ખાનાર-વાપરનારાની તંદુરસ્તીને હાનિ-અને, હાઇ-લો બીપી, હદયરોગ, ડાયાબીટીસ, કેન્સર જેવા જીવલેણ દર્દોની તો એવી વધી ફાટ્ય કે શેરી શેરીએ અને ઘરે ઘરે ઉમેદવારી નોંધાણી ! તમે માનશો ? માત્ર તંદુરસ્તી જોખમાઇ એટલું જ નહીં, સ્વભાવ પણ બદલાવા માંડ્યા છે, કોઇને “ઊઠ” નથી કહેવાતું. ઊઠ કહીએ ત્યાં ઠેકડો મારી અવળો ફરી જાય છે બોલો !
આમ તો સમાજ-જીવનમાં પણ દરેક માનવી જીવનભર વહેવારો-તહેવારો અને સારામાઠા પ્રસંગોમાં કેમ વર્તવું એનો વિવેક જાણતો-સમજતો અને પાળતો હોય છે, પણ ક્યારેક જો ચૂક પડી જાય તો કેવું વહમું પડી જાય એનો એક દાખલો ટાંકુ.
અમારે જૂના ગામ ચોસલામાં એક દાદા. સિમાડે વાડી. બરાબર ઘઉંના ખળાનું કામ હાલે. દાદા રખોપું કરવા ખળે વાહુ ગયેલા. રાત અંધારી. લાગ જોઇ 3 જણા ખળે ચોરી કરવા પહોંચી ગયા, અને તૈયાર ઢગલામાંથી ઘઉંની ફાંટો બાંધતાં કંઇક સંચલ [ધીમો અવાજ] થઈ ગયો અને દાદા જાગી ગયા. ચોર લોકો ભરેલી દાણાની ફાંટો લઈને માંડ્યા ભાગવા, પણ દાદાને કઠણાઇ માથા મારતી હતી તે દાદાએ ઊભા થઈ માર્યો હાંકલો કે “ મારા દીકરાઓ ! ભાગી ભાગીને કેટલેક જાહો ! સવારે તમારી વાત છે, બધાયને ઓળખી ગયો છું” આ “ઓળખી ગયો છું” વેણ સાંભળતાં જ ત્રણેય જણ વળ્યા પાછા અને દાદાને એવા માર્યા એવા માર્યા કે ‘હવે મરી ગયા છે’ એમ માની પડતા કરી હાલ્યા ગયા. એ તો છોકરાંના ભાગ્ય અને દાદાની બાજરી હજુ બાકી રહી ગયેલી એટલે ઘણી સારવાર અને આરામને અંતે દાદા જીવી તો ગયા પણ ખળે વાહુ જાય એવા ન રહ્યા ! દાદા ચોરોને ઓળખી ગયા હતા એ સારી વાત હતી, પણ એ ને એ જ ટાણે હલઘડી “ઓળખી ગયો છું” એમ કહેવાથી આ મોંકાણ થઈ.
દીકરા-દીકરીના સંબંધ નક્કી કરવામાં પણ જો “જાત” જોવાને બદલે એકલી “જુવાર” જોવાઇ ગઈ હોય તો જીવન કેવા રગદોળાઇ જતા હોય છે એની આપણને સૌને જાણ છે જ. કહેવાનું મારું એ જ છે કે જરા સરખી ભૂલથી જીવનમાં પણ આવું બની શકતું હોય તો…..ખેતીમાં તો ઝીણી મોટી પ્રવૃતિઓ અને પરિસ્થિતિઓના ચઢાવ-ઉતાર ડગલે ને પગલે આવ્યા કરતા હોય છે.
તમે જુઓ ! હવે સજીવખેતી અભિગમ બાબતે સરકારશ્રીનુંયે ધ્યાન ગયું છે. કૃષિકોલેજોમાં એનું શિક્ષણ અપાય અને સંશોધનકેંદ્રોમાં જરૂરી બાબતોના સંશોધનો હાથ ધરાશે. અને આવી ખેતીથી જે ઉત્પન્ન થાય તેના ભાવો થોડા વધુ મળે તો જરૂર લેવા, પણ પૈસા કમાવાની લાલચે વાડી-ખેતરમાં ભૂલમાંયે વર્જ્ય વસ્તુઓનો ઉપયોગ થાય કે શુદ્ધ ઉત્પાદનની સાથે બીજા અશુદ્ધ ઉત્પાદનની સહેજ પણ મિલાવટ કરવાની નીતિ આપણી બને તોતો ધૂળ પડેને આપણી જગતાતની ઓળખમાં ! આ વાત આપણા ડાબા કાળજે લખાયેલી હોવી ઘટે મિત્રો !
બીજા ધંધાઓનો આપણે વદાડ નહીં. આપણે તો આપણી જમીન, આપણા પાસેની પિયતના પાણીની સોઇ, આપણી જરૂરિયાત, આપણા ખિસ્સાનો મેળ-આ બધાને ધ્યાને લઈ આપણા ખેતીપાકની પસંદગી, એમાં વાપરવાની જણસો, આપણે રાખવાં જોઇતાં પશુઓ, આપણી ખેતી કરવાની પદ્ધત્તિઓ, સંરક્ષણના ઇલાજો અને રાખવા જોઇતા મજૂર-ભાગિયા, તેમની સાથેના વ્યવહારો અને આર્થિક-વહીવટી સોઇના સ્ત્રોતો-સંબંધો બધાની સાથેના વિવેકપૂર્ણ વ્યવહારો જ વ્યવસાયમાં ઉજાસ બક્ષતા હોય છે.
આ બાબતોમાં જો જરીકે ચૂક પડી જાશે તો આંખનું કાઝળ ગાલે ઘસાઇ જઈ ચહેરો વધુ વહરો બની જશે હો ભાઇઓ !
આ પૃથ્વી પર પ્રકૃતિએ માનવ ઉપરાંત અનેક ઝીણામોટા જીવો-પશુ-પક્ષી, કીટ-પતંગિયાં-વૃક્ષો અને વનસ્પતિ વસાવ્યાં છે. આમાંથી કોઇ પ્રકૃતિના નિયમોને નેવે મૂકી ક્યાંય “અવિવેક” કરતા ભાળ્યા હોય તો કહો ! સર્વજીવોમાં શ્રેષ્ઠ કહેવાતો માણસજીવ અને એમાંયે આપણે ખેડૂતો એટલે કોણ છીએ ખબર છે ને ? સરદાર વલ્લભભાઇ પટેલે કહ્યું છે ને કે “ “આ ધરતી પર છાતી કાઢીને જો કોઇને ચાલવાનો અધિકાર હોય તો તે ધરતીની ધૂળમાંથી અન્ન પકાવી અન્યોની જઠરાગ્નિ ઠારવાનું કામ કરનાર શ્રમિક ખેડૂતને જ છે.” મોટા મોટા ઉદ્યોગપતિઓ ટાટા-બિરલા કે અનિલ અંબાણીને નહીં, ખેડૂતને ‘અન્નદાતા” ના બિરૂદથી નવાજ્યો છે.
એટલે આપણી જવાબદારી બને છે કે આપણે જે અન્ન પકાવીએ એ અન્યોની તંદુરસ્તીને વેડે નહીં એવું હોય. અરે ! આપણાથી પાણીનો બગાડ, ધરતીનું ધોવાણ, વૃક્ષોનું નિકંદન કે ગાયની અવગણના તથા કુદરતી સ્ત્રોતોનો જરાપણ હ્રાસ થાય એવી પ્રવૃતિ આપણાથી થવાની હોય તો તો ખેડૂત કહેવાશું કેમ ?
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
આ લેખ પોસ્ટ કરવા બદલ ખરા દિલ થી આભાર. વિવેક ચુક્યા, સ્વાર્થી થયા અને સંસ્કાર ભુલાયા. પોતાનો જ વિચાર કરતા નેતાઓ, સગવડ પ્રમાણે ચાલતી સીસ્ટમ્સ અને આ બધા વચ્ચે કાગળિયા, કેમીકલ્સ નિર્જીવ થતી જતી જમીન સાથે પાયમાલ થતો જતો ખેડુત; સાહેબ ! આપે આયનો સામે ધર્યો છે. જેમાં જોવાનું ગમતું નથી. કારણ કે આપણું જ પ્રતિબિંબ બહુ જ બીહામણુ છે.